Home Blog Page 2076

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, કોંગ્રેસને મોટો ફટકો

લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચવ્હાણ મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર ફડણવીસને અશોક ચવ્હાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ મળ્યું. ભાજપમાં જોડાયા બાદ અશોક ચવ્હાણે કહ્યું, આજે મારી નવી શરૂઆત છે, મારે મોદીજીની પ્રેરણાથી કામ કરવાનું છે… એટલે જ હું આજે ભાજપમાં જોડાઈ રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે, તેમને વિકાસ જોઈએ છે. કામ કરવું પડશે. સકારાત્મક કામ કરવું પડશે… અને આપણે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં ભાજપને મહત્તમ તાકાત મળે.

તમને જણાવી દઈએ કે અશોક ચવ્હાણે એક દિવસ પહેલા એટલે કે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપમાં જોડાતા પહેલા અશોક ચવ્હાણે શું કહ્યું?

ભાજપમાં જોડાતા પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મંગળવારે કહ્યું હતું કે તેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. તેમણે પત્રકારોને કહ્યું, ‘હું આજે મુંબઈમાં બીજેપી કાર્યાલય જઈને તેમાં (ભાજપ) જોડાઈ રહ્યો છું. આજે મારા જીવનમાં એક નવી રાજકીય કારકિર્દીની શરૂઆત છે.’ જ્યારે ચવ્હાણને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમને કોઈ ફોન કર્યો છે, તો તેમણે જવાબ આપ્યો ન હતો.

રાજીનામાનું કારણ આપ્યું નથી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસબી ચવ્હાણના પુત્ર અશોક ચવ્હાણ (65) એ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડવું એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે અને તેમના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ થોડા દિવસો પહેલા પાર્ટી છોડી દીધી હતી. ચવ્હાણ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ જિલ્લાના રહેવાસી છે. તેઓ 2014-19 દરમિયાન કોંગ્રેસના રાજ્ય એકમના વડા પણ હતા. તેમણે ભોકર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને નાંદેડ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ પણ રહી ચુક્યા છે.

નિરંજન શાહ ગ્રાઉન્ડ: કોણ છે આ ખેલાડીઓના ખેલાડી?

રાજકોટઃ ક્રિકેટજગતમાં સૌરાષ્ટ્રનું યોગદાન અમૂલ્ય છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાતી રણજી ટુર્નામેન્ટ જામ રણજી અને દુલીપ ટ્રોફી લેજન્ડરી ક્રિકેટર દિલીપસિંહને નામે રમાય છે. સૌરાષ્ટ્રને ક્રિકેટવિશ્વમાં એક નવી ઊંચાઈ આપનાર અને છેલ્લા છ દાયકાથી સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય ક્રિકેટમાં મહામૂલું યોગદાન આપનાર નિરંજન શાહનું નામ રાજકોટમાં એસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે આવતી કાલે જોડવામાં આવશે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને નરેન્દ્ર મોદી નામકરણ કરવામાં આવ્યા બાદ ગુજરાતના બીજા આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામકરણ આવતી કાલે 14મી એ BCCI ના સેક્રેટરી જય શાહને હસ્તે એક સમારોહમાં કરવામાં આવશે. નિરંજન શાહનું નામ ક્રિકેટજગત માટે અજાણ્યું નથી, પરંતુ આજની નવી પેઢી તેમનું ક્રિકેટની રમત માટે કેવું યોગદાન છે તે વિશે કદાચ અજાણ હશે. ત્યારે આવો જાણીએ… તેમના ક્રિકેટ સાથેના યોગદાન અંગે.

નિરંજન શાહનો જન્મ  4 જૂન, 1944એ રાજકોટમાં થયો હતો. 79 વર્ષીય નિરંજનભાઈને સ્કૂલ અને કોલેજ કાળથી ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. વર્ષ 1967માં સૌપ્રથમ રણજી ટીમ સાથે જોડાયા. તેઓ  લેફટ હેન્ડ બેટ્સમેન તરીકે સૌરાષ્ટ્રની રણજી ટીમમાં જોડાયા બાદ 1973માં કેપ્ટન બન્યા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી 1972-73 બન્યા અને તેમનું સપનું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રનું ક્રિકેટ ટેલેન્ટ વિશ્વ સ્તરે ચમકે. આ માટે તેમણે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું પોતાનું આધુનિક સ્ટેડિયમ બને – એ માટે પ્રયાસો કર્યા. તેઓ BCCI ના 1992-93માં જોઇન્ટ સેક્રેટરી અને 2001માં સેક્રેટરી તરીકે ચૂંટાયા. વર્ષ 2005માં પણ તેઓ ફરી એ હોદા પર આવ્યા. BCCI ની અનેક મહત્વની કમિટીના તેઓ મેમ્બર રહ્યા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા રાજકોટ નજીક ખંઢેરી ગામ પાસે જમીન લઈને વર્ષ 2013માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને હસ્તે નવા ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત થયું. આમ નિરંજન શાહનું સ્ટેડિયમમાં સપનું સાકાર થયું અને સૌરાષ્ટ્રને એક મોટી ભેટ મળી મળી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ ચિત્રલેખા.કોમને કહે છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર ક્રિકેટરો જ નહિ, રાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ માટે મેચ ફી વધે તેવા પ્રયાસો કર્યા અને ખેલાડીઓને આજે સારું આર્થિક વળતર અને ભૂતપૂર્વ રણજી અને BCCIના ખેલાડીઓને સારું પેન્શન મળે તે માટે તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. BCCI ની ક્રિકેટ ટીમ સાથે તેઓ મેનેજર તરીકે અનેક દેશોમાં ગયા છે અને આ જવાબદારી સુપેરે નિભાવી છે. તેમનું એક સપનું એ હતું કે રાજકોટ ટેસ્ટ ડેસ્ટિનેશન બને અને રાજકોટને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ મળ્યો છે. રાજકોટમાં નિરંજન શાહના પ્રયાસોથી દરેક ફોર્મેટની મેચો રમાઈ રહી છે. તેઓ IPLના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રને ક્રિકેટ વિશ્વમાં ટોચ પર પહોચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેમના શ્વાસમાં ક્રિકેટ ધબકે છે.

(દેવેન્દ્ર જાની- રાજકોટ)

(તસવીરો- નિશુ કાચા)

 

 

 

 

 

 

 

 

વડા પ્રધાન મોદીએ PM સૂર્ય ઘર – મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે 75,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના દ્વારા દર મહિને આ ઘરોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.

રોજગારીની નવી તકો

વડા પ્રધાને કહ્યું કે શહેરી સંસ્થાઓ અને પંચાયતોને પાયાના સ્તરે રૂફટોપ સોલર સિસ્ટમને લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ આ યોજના દ્વારા લોકોને તેમની આવક વધારવામાં મદદ મળશે, વીજળીના બિલમાં ઘટાડો થશે અને રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

પીએમ મોદીની યુવાનોને અપીલ

વડાપ્રધાન મોદીએ સૌર ઉર્જાનો પ્રચાર કરતી વખતે અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતાં તમામ ગ્રાહકોને તેમના ઘરોમાં ખાસ કરીને યુવાનોને પીએમ સૂર્ય ઘર – મફત વીજળી યોજનાને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. gov.in વેબસાઇટ પર.

18000 કરોડ સુધીની વાર્ષિક બચત

1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રૂફટોપ સોલર અને મફત વીજળી યોજનાની રજૂઆતની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ યોજના દ્વારા, એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરી શકાય છે. આ સિવાય એક કરોડ પરિવારો આ સ્કીમ દ્વારા વાર્ષિક 15 થી 18 હજાર કરોડ રૂપિયાની બચત કરશે અને તેઓ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને વધારાની વીજળી પણ વેચી શકશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આનાથી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધાઓમાં વધારો થશે, મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે સપ્લાય અને ઇન્સ્ટોલેશન દ્વારા ઉદ્યોગસાહસિક બનવાની તકો ઊભી થશે અને ઉત્પાદન, ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં તકનીકી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે. જન્મ.

PMએ પ્રાણ પ્રતિષ્ઠા પછી આ યોજના લાવવાની જાહેરાત કરી હતી

22 જાન્યુઆરી, 2024 ના રોજ, અયોધ્યામાં રામ લાલાના અભિષેક પછી, વડા પ્રધાન મોદીએ તે સાંજે જાહેરાત કરી કે તેમની સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં તેમના અભિષેકના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો કે ભારતના લોકોના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.

લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂત આંદોલન ભાજપની મુશ્કેલી વધારશે?

નવી દિલ્હીઃ આશરે બે વર્ષ પછી ખેડૂતો ફરી ટ્રેક્ટર લઈને દિલ્હી આવી રહ્યા છે. વર્ષ 2020-21માં આશરે એક વર્ષ સુધી તેમણે ધરણાં કર્યાં હતાં. ત્યારે ખેડૂતો ત્રણ કૃષિ કાયદા રદ કરાવીને જ પરત ફર્યા હતા. હવે ખેડૂતોએ લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં આંદોલન શરૂ કર્યું છે.

આ આંદોલનને રોકવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રની વચ્ચે વાતચીત જારી છે, પણ હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું.આવામાં ખેડૂતોના ‘દિલ્હી ચલો’ માર્ચને રાજધાનીમાં અટકાવવા માટે દિલ્હીની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે, ખેડૂતોને અટકાવવા માટે કોન્ક્રીટ અવરોધ અને લોખંડના ખીલાઓ અને કન્ટેનરની દીવાલ લગાવીને સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.જોકે ખેડૂત આંદોલનથી સરકાર સક્રિય છે, પણ ગભરાઈ જરાય નથી. સરકારમાં અફરાતફરીનો માહોલ નથી. આવામાં સવાલ એ છે કે ખેડૂત આંદોલનથી ભાજપની મુશ્કેલીઓ વધશે કે કેમ?

આ વખતે આંદોલનથી અત્યાર સુધી મોટા ખેડૂત નેતાઓ પણ દૂર છે. હરિયાણાના ગુરુનામ સિંહ ચઢુની આંદોલન સાથે નથી જોડાયા. સંયુક્ત ખેડૂત મોરચા તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આંદોલનમાં બોલાવવામાં નથી આવ્યા, નથી તેમનાથી વિચારવિમર્શ કરવામાં આવ્યો, જેથી તેઓ સામેલ નહીં થાય.આ આંદોલનમાં મોટા ભાગનાં સંગઠનો પંજાબના છે. આવામાં આ માર્ચ પંજાબ પૂરતી મર્યાદિત રહેવાની સંભાવના છે. જેથી પંજાબ કેન્દ્રિત ખેડૂત આંદોલનની ભાજપ પર વધુ અસર નહીં થાય. વળી, ખેડૂતોની વિવિધ માગો પર સરકાર કામ કરી રહી છે. ખેડૂતોએ MSP માટે કાયદાકીય ગેરન્ટી, સ્વામિનાથન પંચની ભલામણોને લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, કૃષિ ઋણ માફી, પોલીસ કેસ પર લેવા અને લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરી છે.

 

 

 

 

 

 

 

 

 

ખેડૂતોએ માર્ચ કાઢતાં કહ્યું, માગ પૂરી થયા બાદ જઈશું

નવી દિલ્હીઃ પંજાબના પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી તરફ માર્ચ શરૂ કરી દીધી છે.તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓની પાંચ કલાકથી વધુની બેઠક પરિણામશૂન્ય રહી. ખેડૂતોની મુખ્ય માગ પાકોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર કોઈ સમાધાન ના થઈ શક્યું. ખેડૂતોએ કહ્યું હતું કે અમે અમારી માગોને પૂરી કરાવીને જંપીશું. અમે છ મહિનાનું કરિયાણું લઈને નીકળ્યા છે. ખેડૂતોના જથ્થાએ પંજાબ બોર્ડરને પાર કરી છે. જોકે હરિયાણાથી માંડીને દિલ્હી સુધી પોલીસનો બંદોબસ્ત છે અને કલમ 144 લાગુ છે.

સરકારે આંદોલન પર અડેલા નેતાઓને સમજાવવાના દરેક પ્રયાસ કર્યા, પરંતુ એ પછી પણ ખેડૂત નેતાઓએ આરપારની જંગનું એલાન કરતાં કહ્યું હતું કે દિલ્હી કૂચ થઈને રહેશે.  ગાઝીપુર, સિંધુસંભુ અને ટિકરી સહિત બધી બોર્ડરને છાવણીમાં તબદિલ કરવામાં આવી છે. સામે પક્ષે પોલીસે કહ્યું હતું કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓએ કાયદાની વ્યવસ્થામાં ખલેલ પાડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ, સરકાર સાથે બેઠક પૂરી થયા પછી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સરવન સિંહ પંધેરે કહ્યું હતું કેં દિલ્હી ચલો માર્ચ જારી હૈ, બે વર્ષ પહેલાં સરકારે અમારી અડધી માગોને લિખિત રૂપે પૂરા કરવાનાં વચનો આપ્યાં હતા. અમે આ મુદ્દો શાંતિથી હલ કરવા ઇચ્છીએ છીએ, પણ સરકાર ઇમાનદાર નથી, તેઓ માત્ર સમેય બરબાદ કરવા ઇચ્છે છે.ખેડૂતોએ પંજાબના ફતેહગઢ સાહેબથી ખેડૂતોએ માર્ચ શરૂ કરી દીધી છે. ખેડૂતો પહેલાં દિલ્હીની પાસેની બોર્ડરે જમા થશે અને બપોરે આગળની વ્યૂહરચના ઘડી કાઢશે.

 

 

 

 

કોરાનાના 123 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 123 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,348 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,466 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,006 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 876 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,675 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 65 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪

ઓમ પુરીનો અવાજ પહેલાં કડક ન હતો

ઓમ પુરીને ખબર હતી કે એમનો ચહેરો ચીકણો ન હોવાથી ખાસ નિર્દેશકોની ફિલ્મોમાં જ કામ કરી શકશે પણ અવાજ સારો હોવા છતાં લાંબા સંઘર્ષ પછી પહેલી જ ફિલ્મ ‘આક્રોશ’ (1980) માં ખાસ કોઈ સંવાદ વગરની ભૂમિકા મળી હતી. અસલમાં ફિલ્મોમાં આવ્યા પછી લોકોને એમનો જેવો કડક અવાજ સંભળાયો એવો પહેલાં ન હતો. એમણે ફિલ્મ અને ટીવી ઈન્સ્ટીટ્યુટમાં તાલીમ લીધા પછી અવાજ ઘડાયો હતો. ત્યાં પણ મુશ્કેલીથી પ્રવેશ મળ્યો હતો. ઓમ સૌથી પહેલાં થિયેટર સંસ્થા ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ માં ગયા પછી નીકળી જવા માગતા હતા. ઓમ પંજાબી માધ્યમમાં ભણ્યા હતા અને ત્યાં અંગ્રેજીમાં શીખવવામાં આવતું હતું.

ઓમ નિરાશ હતા ત્યારે ‘એન.એસ.ડી.’ ના ડાયરેક્ટરના ધ્યાનમાં આ વાત આવી હતી અને એમણે ઓમને અંગ્રેજીમાં રસ લેવા પ્રેરિત કર્યા હતા. ત્યાર પછી ઓમ અંગ્રેજીમાં એટલા માહિર થયા કે પાછળથી અનેક અંગ્રેજી ફિલ્મોમાં સરળતાથી કામ કરી શક્યા હતા. ‘એન.એસ.ડી.’ માં તાલીમ લીધા પછી ત્યાં જ એક વર્ષ માટે નોકરી સ્વીકારી હતી. પણ એમાં પ્રગતિ ન હતી એટલે છ માસમાં છોડી દીધી. એમણે નાટકમાં કામ શરૂ કર્યું હતું. ત્યારે ટેલીવિઝન આવ્યું ન હોવાથી રેડિયો પર નાટકમાં ભાગ લેતા હતા. પછી એમની સાથે એમાં સહાધ્યાયી રહેલા નસીરુદ્દીન શાહે જ્યારે ફિલ્મ અને ટીવી ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ઓમને પણ એમાં આવવા પ્રોત્સાહન આપ્યું.

ઓમે પોતાની પરિસ્થિતિ કહી કે ફી ભરવા પૈસા નથી ત્યારે નસીરે કહ્યું કે ક્યાંકથી ઉધાર લઈ લે. ના મળે તો ચોરી કર કે લૂંટ કર પણ તારે ત્યાં આવવું જ જોઈએ. ઓમ વિચારતા હતા ત્યારે નાટક ‘હેમ્લેટ’ જોવા આવેલા એક ઉદ્યોગપતિ ‘એન.એસ.ડી.’ ના વિદ્યાર્થિની નીલમ માનસિંહના મિત્ર હતા. એમણે પ્રભાવિત થઈ નીલમને પૂછ્યું ત્યારે એણે એ વાત કહી કે એને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જવું છે પણ પૈસા નથી. એમણે દર મહિને રૂ.300 આપવાનું કહીને ઓમને પ્રવેશ મેળવવા કહ્યું. ઓમ આ પૈસાને લોનની જેમ લેવા તૈયાર થયો. એમણે પહેલો હપ્તો રૂ.300 નો આપ્યો અને ઓમે પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. એ માટે સારું શર્ટ ન હોવાથી નસીરનું લઈને પહેર્યું હતું. પ્રવેશ પરીક્ષામાં પછી ખબર પડી કે એ ભાઈ પૈસા મોકલવાના ન હતા.

ઓમ પુરીએ જુગાડ કરીને એક મહિનાની ફી ભરી દીધી હતી. પછી ક્યારેય ફી ભરી શક્યા ન હતા. એમને સરકાર તરફથી સ્કોલરશીપ મળી ત્યારે પણ ભરી ન હતી. ફિલ્મ ઈન્સ્ટીટ્યુટે પણ વર્ષો પછી જ્યારે એમની ‘અર્ધસત્ય’ (1983) સફળ રહી ત્યારે બાકી ફી રૂ.342 ચૂકવવા વિનંતી કરી હતી અને એમણે ચૂકવી હતી. ઓમને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અવાજને આકાર આપવાની તક મળી હતી. સંગીત વગેરે શીખવાની તક મળી હતી જેથી અવાજ વધુ ઘડાયો હતો. યુનુસ ખાન સાથેની મુલાકાતમાં એમણે સ્વીકાર્યું હતું કે જન્મથી અવાજ સારો હતો પણ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અવાજની તાલીમ અપાતી હોવાથી વધારે ખૂલ્યો હતો.

નવાઈની વાત એ બની હતી કે એમને પહેલી મહત્વની ફિલ્મ ગોવિંદ નિહલાનીની નસીરુદ્દીન સાથેની ‘આક્રોશ’ (1980) મળી હતી એમાં અવાજનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી. પરંતુ અભિનયથી આર્ટ ફિલ્મોના નિર્દેશકો પ્રભાવિત થયા હતા. એ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યા પછી ખાસ ફિલ્મો ના મળી. જે ફિલ્મ ‘અર્ધ સત્ય’ થી નામ થયું અને સફળતા મળી એ માટે નિર્માતા મનમોહન શેટ્ટીએ પહેલાં નસીરુદ્દીનને પસંદ કર્યા હતા. પણ નિર્દેશક નિહલાનીએ કહ્યું હતું કે નસીર માટે બીજો વિષય લઈને ફિલ્મ બનાવીશું. આ ફિલ્મનો વિષય એવો છે કે એ તો ઓમ પુરી જ કરશે. અને આ ફિલ્મની પોલીસ સબ ઈન્સ્પેકટર અનંત વેલનકરની ભૂમિકાને એવો ન્યાય આપ્યો કે ઓમ પુરીએ અભિનયમાં પાછું વળીને જોવું પડ્યું ન હતું.

સાસરા સુખ વાસરા, દો દિનકા આસરા…

સાસરા સુખ વાસરા, દો દિનકા આસરા

તીસરા દિન જાયગા તો ખાયગા ખાસડા

 

જમાઈનું પોતાના સાસરિયામાં એક વિશિષ્ટ માન અને મહત્વ હોય છે. પણ માન અને મહત્વની સાથોસાથ મર્યાદા પણ જોડાયેલી છે. સંસ્કૃતમાં કહ્યું છે – અતિપરિચયાત્ અવજ્ઞા એટલે કે familiarity breeds contempt, વધારે પડતો પરિચય અથવા નિકટતા અવગણનાને નોતરે છે. જમાઈ માટે સાસરું એવી જગ્યા છે જ્યાં એ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ફરતો રહે એટલી કાળજી લેવાય છે. એટલાં માનપાન મળે છે. પણ આ કાળજી તે જેટલો લાંબો વખત રહે તેમ સમયના વીતવા સાથે ઘસાતી જાય છે. એટલે જમાઈએ સાસરિયામાં મર્યાદિત સમય જ રહેવું જોઈએ એવી સીધી સલાહ આ કહેવત થકી અપાઈ છે.

અને જો આ મર્યાદા ચૂકાય તો ખાસડાં ખાવાં પડે એટલે કે અપમાનિત થવાની પરિસ્થિતી આવે તેવો બોધ આપવામાં આવ્યો છે. સાસરિયામાં બહુ નહીં રહેવું એમાં જ મજા છે અને તો જ જમાઈરાજનું માન જળવાય એવી વાત આ કહેવત થકી કહેવાઈ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)