ઓમ પુરીનો અવાજ પહેલાં કડક ન હતો

ઓમ પુરીને ખબર હતી કે એમનો ચહેરો ચીકણો ન હોવાથી ખાસ નિર્દેશકોની ફિલ્મોમાં જ કામ કરી શકશે પણ અવાજ સારો હોવા છતાં લાંબા સંઘર્ષ પછી પહેલી જ ફિલ્મ ‘આક્રોશ’ (1980) માં ખાસ કોઈ સંવાદ વગરની ભૂમિકા મળી હતી. અસલમાં ફિલ્મોમાં આવ્યા પછી લોકોને એમનો જેવો કડક અવાજ સંભળાયો એવો પહેલાં ન હતો. એમણે ફિલ્મ અને ટીવી ઈન્સ્ટીટ્યુટમાં તાલીમ લીધા પછી અવાજ ઘડાયો હતો. ત્યાં પણ મુશ્કેલીથી પ્રવેશ મળ્યો હતો. ઓમ સૌથી પહેલાં થિયેટર સંસ્થા ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ માં ગયા પછી નીકળી જવા માગતા હતા. ઓમ પંજાબી માધ્યમમાં ભણ્યા હતા અને ત્યાં અંગ્રેજીમાં શીખવવામાં આવતું હતું.

ઓમ નિરાશ હતા ત્યારે ‘એન.એસ.ડી.’ ના ડાયરેક્ટરના ધ્યાનમાં આ વાત આવી હતી અને એમણે ઓમને અંગ્રેજીમાં રસ લેવા પ્રેરિત કર્યા હતા. ત્યાર પછી ઓમ અંગ્રેજીમાં એટલા માહિર થયા કે પાછળથી અનેક અંગ્રેજી ફિલ્મોમાં સરળતાથી કામ કરી શક્યા હતા. ‘એન.એસ.ડી.’ માં તાલીમ લીધા પછી ત્યાં જ એક વર્ષ માટે નોકરી સ્વીકારી હતી. પણ એમાં પ્રગતિ ન હતી એટલે છ માસમાં છોડી દીધી. એમણે નાટકમાં કામ શરૂ કર્યું હતું. ત્યારે ટેલીવિઝન આવ્યું ન હોવાથી રેડિયો પર નાટકમાં ભાગ લેતા હતા. પછી એમની સાથે એમાં સહાધ્યાયી રહેલા નસીરુદ્દીન શાહે જ્યારે ફિલ્મ અને ટીવી ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ઓમને પણ એમાં આવવા પ્રોત્સાહન આપ્યું.

ઓમે પોતાની પરિસ્થિતિ કહી કે ફી ભરવા પૈસા નથી ત્યારે નસીરે કહ્યું કે ક્યાંકથી ઉધાર લઈ લે. ના મળે તો ચોરી કર કે લૂંટ કર પણ તારે ત્યાં આવવું જ જોઈએ. ઓમ વિચારતા હતા ત્યારે નાટક ‘હેમ્લેટ’ જોવા આવેલા એક ઉદ્યોગપતિ ‘એન.એસ.ડી.’ ના વિદ્યાર્થિની નીલમ માનસિંહના મિત્ર હતા. એમણે પ્રભાવિત થઈ નીલમને પૂછ્યું ત્યારે એણે એ વાત કહી કે એને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જવું છે પણ પૈસા નથી. એમણે દર મહિને રૂ.300 આપવાનું કહીને ઓમને પ્રવેશ મેળવવા કહ્યું. ઓમ આ પૈસાને લોનની જેમ લેવા તૈયાર થયો. એમણે પહેલો હપ્તો રૂ.300 નો આપ્યો અને ઓમે પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. એ માટે સારું શર્ટ ન હોવાથી નસીરનું લઈને પહેર્યું હતું. પ્રવેશ પરીક્ષામાં પછી ખબર પડી કે એ ભાઈ પૈસા મોકલવાના ન હતા.

ઓમ પુરીએ જુગાડ કરીને એક મહિનાની ફી ભરી દીધી હતી. પછી ક્યારેય ફી ભરી શક્યા ન હતા. એમને સરકાર તરફથી સ્કોલરશીપ મળી ત્યારે પણ ભરી ન હતી. ફિલ્મ ઈન્સ્ટીટ્યુટે પણ વર્ષો પછી જ્યારે એમની ‘અર્ધસત્ય’ (1983) સફળ રહી ત્યારે બાકી ફી રૂ.342 ચૂકવવા વિનંતી કરી હતી અને એમણે ચૂકવી હતી. ઓમને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અવાજને આકાર આપવાની તક મળી હતી. સંગીત વગેરે શીખવાની તક મળી હતી જેથી અવાજ વધુ ઘડાયો હતો. યુનુસ ખાન સાથેની મુલાકાતમાં એમણે સ્વીકાર્યું હતું કે જન્મથી અવાજ સારો હતો પણ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અવાજની તાલીમ અપાતી હોવાથી વધારે ખૂલ્યો હતો.

નવાઈની વાત એ બની હતી કે એમને પહેલી મહત્વની ફિલ્મ ગોવિંદ નિહલાનીની નસીરુદ્દીન સાથેની ‘આક્રોશ’ (1980) મળી હતી એમાં અવાજનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી. પરંતુ અભિનયથી આર્ટ ફિલ્મોના નિર્દેશકો પ્રભાવિત થયા હતા. એ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યા પછી ખાસ ફિલ્મો ના મળી. જે ફિલ્મ ‘અર્ધ સત્ય’ થી નામ થયું અને સફળતા મળી એ માટે નિર્માતા મનમોહન શેટ્ટીએ પહેલાં નસીરુદ્દીનને પસંદ કર્યા હતા. પણ નિર્દેશક નિહલાનીએ કહ્યું હતું કે નસીર માટે બીજો વિષય લઈને ફિલ્મ બનાવીશું. આ ફિલ્મનો વિષય એવો છે કે એ તો ઓમ પુરી જ કરશે. અને આ ફિલ્મની પોલીસ સબ ઈન્સ્પેકટર અનંત વેલનકરની ભૂમિકાને એવો ન્યાય આપ્યો કે ઓમ પુરીએ અભિનયમાં પાછું વળીને જોવું પડ્યું ન હતું.