બી. સુભાષે સ્મિતા પાટીલનું અહેસાન ચૂકવ્યું

નિર્દેશક બી. સુભાષે સ્મિતા પાટીલની ગ્લેમરસ રોલ કરવાની ઈચ્છા પૂરી કરી હતી. નિર્દેશક બી. સુભાષ મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ‘કસમ પૈદા કરને વાલે કી’ (૧૯૮૪) બનાવી રહ્યા હતા. એના ક્લાઇમેક્સ માટે મૈસૂરમાં શિડ્યુલનું આયોજન કર્યું હતું. ત્યારે ખબર પડી કે સ્મિતા પાટીલના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. ફિલ્મમાં અમરિશ પુરી, સલમા આગા વગેરે બધા જ કલાકારો વ્યસ્ત હતા. ક્લાઇમેક્સનું શુટિંગ નિયત શિડ્યુલમાં પૂરું કરવાની જરૂર હતી.

બી. સુભાષ સ્મિતાને મળવા ગયા. પગમાં ફ્રેકચર જોઈ એમને કંઇ કહેવાનું જ ના રહ્યું. એ જવા લાગ્યા ત્યારે સ્મિતાએ પૂછ્યું કે મારા કારણે તમારું બહુ નુકસાન થઈ જશે નહીં? બી. સુભાષે કહ્યું કે પૈસાનું નુકસાન તો બહુ મહત્વનું નથી પણ બીજા કલાકારો સાથેનું આ શિડ્યુલ પૂરું ના થયું તો ફિલ્મ છ -આઠ મહિના મોડી પડશે. એમાં સલમા આગાનો ભરોસો નથી. એ પાકિસ્તાન કે લંડન જતી રહેશે તો એને બોલાવવાનું મુશ્કેલ બને એમ છે. સ્મિતાએ સહકાર આપવાની વાત કરીને શુટિંગ રદ ના કરવા કહ્યું. સ્મિતાએ થોડા સમય માટે પગના ફ્રેકચરનું પ્લાસ્ટર કઢાવી નાખ્યું. સ્મિતાએ શુટિંગમાં હાજરી આપવાનું શરૂ કર્યું.

બી. સુભાષે એક્શન દ્રશ્યો માટે સ્મિતાની ડુપ્લિકેટને સેટ પર હાજર રાખી હતી. પણ સ્મિતાને એના કામથી સંતોષ ના થયો. એમણે કહ્યું કે એ ખરેખર ડુપ્લિકેટ હોય એવું લાગે છે. અને જાતે શુટિંગ કર્યું. ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી બી. સુભાષે સ્મિતાનો આભાર માનીને કહ્યું કે મારા જીવનમાં બહુ ઓછા લોકોના અહેસાન છે. તમે શુટિંગ પૂરું કરીને બહુ મોટું અહેસાન કર્યું છે. એ હું ક્યારે અને કેવી રીતે ચૂકવી શકીશ એની ખબર નથી. ત્યારે સ્મિતાએ કહ્યું કે એક રીતે અહેસાન ચૂકવી શકો છો! મને અત્યાર સુધી ઝૂપડપટ્ટીની અને ગરીબ સ્ત્રીના જ રોલ મળ્યા છે. મારે તમારી ફિલ્મની હીરોઈન જેવો ગ્લેમરસ રોલ કરવો છે. અને એ રોલ તમે જ આપી શકો એમ છો.

બી. સુભાષે એવી ભૂમિકા આપવાની ખાતરી આપી દીધી. એ પછી ‘ટાર્ઝન’ (૧૯૮૫) બનાવી. પણ જ્યારે ‘ડાન્સ ડાન્સ’ (૧૯૮૭) નું આયોજન કર્યું ત્યારે સ્મિતા પાટીલનું અહેસાન ચૂકવવા મિથુનની બહેનની પણ ગાતી અને ડાન્સ કરતી છોકરી ‘રાધા’ ની ભૂમિકા આપી. કરૂણતા એવી રહી કે ફિલ્મનું ક્લાઇમેક્સનું શુટિંગ થાય એ પહેલાં જ ડિસેમ્બર, ૧૯૮૬ માં સ્મિતા પાટીલનું અવસાન થઈ ગયું. ફિલ્મ ‘ડાન્સ ડાન્સ’ માં ક્લાઇમેક્સ પહેલાં જ સ્મિતાને પતિ શક્તિ કપૂરના મારથી મૃત્યુ પામતી બતાવવામાં આવી છે.