સતીશ અને શક્તિની ભૂમિકાઓની અદલાબદલી થઈ

ફિલ્મ ‘રાજા બાબુ’ (૧૯૯૪) માં જે ભૂમિકા શક્તિ કપૂરે ભજવી હતી એ પહેલાં સતીશ કૌશિકને આપવામાં આવી હતી. નિર્દેશક ડેવિડ ધવને ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે ‘રાજા બાબુ’ નું નિર્માણ કરી રહ્યા હતા. ડેવિડને સતીશ સાથે સારી મિત્રતા હતી એટલે ‘નંદૂ’ ની હાસ્ય ભૂમિકા કરવા કહ્યું. ત્યારે સતીશના ખરાબ દિવસો ચાલી રહ્યા હતા. નિર્દેશક તરીકે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (૧૯૯૩) ફ્લોપ રહી હતી. જ્યારે એની સાથે રજૂ થયેલી ડેવિડની ‘આંખેં’ સુપરહિટ રહી હતી. આ સ્થિતિમાં પણ ડેવિડ સતીશને પોતાની ફિલ્મમાં મહત્વની ભૂમિકા આપી રહ્યા હતા. જ્યારે ‘નંદૂ’ ના પાત્ર માટે સતીશનો ફોટોશૂટ કરવામાં આવ્યો ત્યારે એ એના ગેટઅપથી નિરાશ થઈ ગયા. કેમકે પાત્રને નાડાવાળી ચડ્ડી પહેરવાની હતી અને માથા પર ચાર્લી ચેપ્લિન જેવી મૂછ-હેરસ્ટાઇલ રાખવાની હતી. એ વસ્ત્રોમાં સતીશ પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યા હતા.

 

ફોટોશૂટ પછી સતીશને પરેશાન જોઈને ડેવિડે કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે હું અત્યારે આવા લુકમાં કામ કરીશ તો લોકોને એમ લાગશે કે સતીશનો પોતાનો આત્મવિશ્વાસ જતો રહ્યો છે અને આવી ભૂમિકા કરી રહ્યો છે. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ભલે ફ્લોપ રહી હતી પણ મોટી ફિલ્મ હતી. હવે સાવ ગરીબ જેવું સામાન્ય પાત્ર કેવી રીતે ભજવી શકું? ફિલ્મમાં ગોવિંદા પછી ‘નંદૂ’ ની જ મહત્વની ભૂમિકા હતી. સતીશ એને ગુમાવવા માગતા ન હતા. પણ સમસ્યા જાણ્યા પછી ડેવિડે થોડો વિચાર કર્યો અને એનો ઉકેલ લાવી દીધો. ડેવિડે કહ્યું કે તે બીજી પણ ગોવિંદા- કરિશ્મા સાથે કોમેડી ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ (૧૯૯૬) બનાવવાના છે. એમાં દક્ષિણ ભારતીય ‘મુત્થૂ સ્વામી’ ની હાસ્ય ભૂમિકા છે. એ શક્તિ કપૂર કરવાનો હતો. પણ હવે એમાં ફેરફાર કરીને તારી ભૂમિકા એને આપી દઈએ. તું એની ભૂમિકા કરી લેજે. સતીશને આ વિચાર ગમી ગયો.

સતીશ મહેમૂદની ‘પડોશન’ ની ભૂમિકાને પસંદ કરતાં આવ્યા હતા એટલે વિશ્વાસ અપાવ્યો કે એ ભૂમિકાને જબરદસ્ત રીતે નિભાવી બતાવશે. અને ‘સાજન ચલે સસુરાલ’ માં સતીશ આવી ગયા હતા. ડેવિડે એમાં શક્તિને પણ એક ગાયકની ભૂમિકા આપી હતી. રસપ્રદ વાત એ રહી કે ભૂમિકાઓની અદલાબદલી થઈ પણ બંનેએ પોતાની ભૂમિકાને સરખો ન્યાય આપ્યો. શક્તિ કપૂરને ‘રાજા બાબુ’ ની ‘નંદૂ’ ની ભૂમિકા માટે અને સતીશ કૌશિકને ‘સાજન ચલે સસુરાલ’ ની ‘મુત્થૂ સ્વામી’ ની ભૂમિકા માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. શક્તિ કપૂરની અભિનય કારકિર્દીમાં આ એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ રહ્યો છે.