બોની કપૂરના દિવસો સંજીવકુમારે બદલ્યા

નિર્માતા બોની કપૂર મિથુન ચક્રવર્તી સાથે ‘હમ પાંચ’ (૧૯૮૦) બનાવવા સાથે અન્ય એક ફિલ્મની સ્ક્રિપ્ટ પર નિર્દેશક બાપૂ સાથે કામ કરી રહ્યા હતા. જ્યારે થોડું કામ થયું ત્યારે અનિલ કપૂરને વાર્તા સંભળાવી. અનિલને એમાં બહુ મજા ના આવી. બોની ફરી બાપૂ પાસે નવી સ્ક્રિપ્ટ માટે ગયા ત્યારે તે કે. ભાગ્યરાજની તમિલ ફિલ્મ ‘અંધા સાત નાટકલ’ (એ સાત દિવસ) પરથી તેલુગુ ફિલ્મ ‘રાધા કલ્યાણમ’ (૧૯૮૧) બનાવી રહ્યા હતા. કેમકે એમને એ ફિલ્મ બહુ ગમી હતી. બોનીએ તમિલની એ ફિલ્મનો કેટલોક ભાગ જોયો અને એના પાત્રો સાથે એમને વાર્તા પસંદ આવી ગઈ.

બોનીએ ફિલ્મની હિન્દી રિમેકના અધિકાર ખરીદી લીધા. અનિલને પણ એ ફિલ્મની વાર્તા પસંદ આવી હતી. થોડા દિવસ પછી કે. ભાગ્યરાજની ‘અંધા સાત નાટકલ’ ની રજૂઆતની તૈયારી ચાલી રહી હતી. ત્યારે તમિલ ફિલ્મોમાં નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને લેખક તરીકે સફળ કે.ભાગ્યરાજનું નામ મોટું હતું. ત્યારે એ નિર્માતાને ફિલ્મ પર થયેલા ખર્ચનું ફાઇનાન્સરને ચૂકવણું કરવાનું હતું. એટલે એમણે બોની કપૂરને હિન્દી રિમેકના રૂપિયા સવા લાખ એક જ દિવસમાં ચૂકવી દેવાનું કહ્યું. બોની એક જ દિવસમાં આટલી મોટી રકમ ચૂકવી શકે એમ ન હતા. ત્યારે એમની સંજીવકુમાર- શબાના સાથેની પહેલી ફિલ્મ ‘હમ પાંચ’ બની રહી હતી.

નવી ફિલ્મ માટે તાત્કાલિક કોઈ રૂપિયા ધીરે એમ ન હતું. રિમેકના અધિકાર ગુમાવી દેશે એ વાતથી બોની નિરાશ થઈ ગયા હતા. કેમકે રકમ મોટી હોવાથી પિતા સુરિન્દર કપૂર પણ આપી શકે એમ ન હતા. એ જ્યારે સ્ટુડિયો પર ગયા ત્યારે શબાના આઝમીને ચહેરો જોઈને જ કોઈ સમસ્યા હોવાનો અંદાજ આવ્યો અને કારણ પૂછ્યું. બોનીએ સમસ્યા જણાવી ત્યારે શબાનાએ પોતાની પાસે આવેલા પચીસ હજાર રૂપિયા આપ્યા. ત્યારે સંજીવકુમાર પણ ત્યાં કામ કરી રહ્યા હતા. એમનું શુટિંગ પૂરું થયું અને મળવા આવ્યા ત્યારે બોનીને નિરાશ જોઈ એમણે પણ કારણ પૂછ્યું. ત્યારે બોનીએ કહ્યું કે તે જે ફિલ્મના રિમેકના અધિકાર મેળવવા માગે છે એ હાથમાંથી નીકળી રહ્યા છે. ત્યારે સંજીવકુમારે બીજા દિવસે સવારે સાડા નવ વાગે બોનીને પોતાના ઘરે આવી જવા કહ્યું.

બોની સવારે ગયા ત્યારે એમના કમરામાં એક તકિયો હતો એને હટાવવા કહ્યું. બોનીએ તકીયા નીચે રૂપિયાની થપ્પી જોઈ. સંજીવકુમારે કહ્યું કે આ સવા લાખ રૂપિયા છે. તું રિમેકના અધિકાર ખરીદી લે. બોનીએ એ રૂપિયા પરત આપવા સમય આપવાનું કહ્યું અને કે. ભાગ્યરાજને ચૂકવી આવ્યા. શબાનાને એમના પચીસ હજાર પણ પાછા આપી દીધા. બોનીએ એ તમિલ ફિલ્મ પરથી બાપૂના નિર્દેશનમાં અનિલ કપૂર સાથે નિર્માતા તરીકે બીજી ફિલ્મ ‘વો સાત દિન’ (૧૯૮૩) બનાવી હતી. અને એ સફળ રહી હતી. બોનીએ જ્યારે સંજીવકુમારને સવા લાખ રૂપિયા આપ્યા ત્યારે એમ કહીને ના લીધા કે હમણાં તારી બહેનના લગ્ન છે. પછીથી વ્યવસ્થા કરીને આપજે. બોની રૂપિયા ચૂકવે એ પહેલાં જ સંજીવકુમારનું અવસાન થઈ ગયું. પણ બોનીએ એમના પરિવારને એમના રૂપિયા ચૂકવવાનું સૌજન્ય બતાવ્યું હતું.