ધરમપુરના મહિલા સશક્તીકરણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ હાજરી આપી

ધરમપુરઃ રાષ્ટ્રપતિએ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં ઉપસ્થિત હજારો અને ઓનલાઇન નિહાળતાં લાખો ભક્તોએ રાષ્ટ્રપતિનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ દ્વારા રાષ્ટ્રપતિનું હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનું સુંદર સંભારણું આપતાં પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ રાષ્ટ્રપતિને શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી અને રાજ સભાગૃહની સુંદર પ્રતિકૃતિ ભેટ આપી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તીરણ કાર્યક્રમની આદિવાસી બહેનોએ જાતે બનાવેલી વિશિષ્ટ ભેટ તેમને આપી હતી અને આદિવાસી લોકો દ્વારા પ્રસ્તુત થયેલા એક સુંદર ડાંગી નૃત્ય તેમણે આનંદથી માણ્યું હતું.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વર્ષોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોના ઉત્થાન માટે શિક્ષણ, આરોગ્ય, મહિલા વિકાસ વગેરે અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અનેક કાર્યો કરી રહ્યું છે, જે માટે રાષ્ટ્રપતિએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આંગણે ઊજવાયેલા આ ગૌરવપૂર્ણ પ્રસંગ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબિનેટ મંત્રી ડો. કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી  જગદીશ પંચાલ અને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ ડો. એસ. મુરલી ક્રિષ્નાની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.

આ કાર્યક્રમમાં આગળ વધતા રાજ્યપાલે પૂજ્ય ગુરુદેવ રાકેશજીની હિન્દી સત્સંગ શ્રેણી ‘તભી ઈશ્વર પ્રસન્ન હોંગે’ અને ધ્યાન શ્રેણી ‘ક્ષમા’નું વિમોચન કર્યું હતું. રાજ્યપાલે આ શ્રેણીનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિને ભેટ આપ્યો હતો. આમ આ અવસર ધર્મ, સમાજસેવા અને રાષ્ટ્રની આગેવાનીના સુભગ મિલનરૂપ બની રહ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આવીને હું એક મહાન આધ્યાત્મિક પરંપરા પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું. શ્રીમદ્ રાજચંદ્રજીના પગલે ચાલીને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. તેમણે પોતાનું જીવન માનવજાતને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જવા માટે સમર્પિત કર્યું છે. તેમનું આ ઉમદા કાર્ય માનવતાના કલ્યાણમાં મોટું યોગદાન છે. હું ઈચ્છું છું કે લોકો વિશ્વભરમાં આ સંસ્થાનાં 200થી વધુ કેન્દ્રોમાં જઈને જ્ઞાન મેળવે અને તેમના જીવનને સાર્થક કરે અને આ જ્ઞાનને સમગ્ર માનવતા સુધી પહોંચાડે.

રાજ્યપાલે પોતાના ભાવ દર્શાવતાં કહ્યું હતું કે  ભારત પ્રાચીન સમયથી આધ્યાત્મિક પરંપરાનો દેશ રહ્યો છે, શ્રીમદ્ રાજચંદ્રજી એવા વ્યક્તિત્વ છે, જે આવનારી પેઢીઓને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. આદરણીય ગુરુદેવ રાકેશજી સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જવા સક્ષમ એવા શ્રીમદ્જીનાં સાર્વત્રિક મૂલ્યો ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ માટે હું તેમને નમન કરું છું. આ જ દિવસે રાજ સભાગૃહમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત PVTG ના ઉત્થાન માટે અન્ય એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુજરાતના આદિમજૂથ સમુદાયના 350થી વધુ પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક કરી હતી.