
LPG બાદ હવે હવાઈ મુસાફરી થઈ ગઈ મોંઘી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો પ્રભાવ હવે ભારતના સામાન્ય લોકોના જીવન પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. રસોઈ ગેસના ભાવોમાં વધારો થયા પછી હવે હવાઈ મુસાફરી પણ મોંઘી બનવા લાગી છે. વધતા જેટ ઇંધણના ખર્ચને ધ્યાનમાં રાખીને Air Indiaએ પોતાના ફ્લાઇટ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે મુસાફરોને હવે વધુ ખર્ચ ચૂકવવો પડશે.

એરલાઇન કંપનીએ જણાવ્યું છે કે આ વધારાને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ પગલું માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જ નહીં પરંતુ દેશની અંદરની ઉડાનો માટે પણ લાગુ પડશે. વધતા ઇંધણ ખર્ચને કારણે એરલાઇન કંપનીઓ માટે ઓપરેશનલ ખર્ચ સંભાળવો મુશ્કેલ બનતો જઈ રહ્યો છે, જેના કારણે ટિકિટના ભાવે વધારો કરવો અનિવાર્ય બની ગયો છે.
એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર આ વધારો ફેઝ-1 અને ફેઝ-2ના માધ્યમથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવા દરો મુજબ ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને SAARC દેશોમાં જતી ઉડાનો માટે ટિકિટ લગભગ 399 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ફ્યુઅલ સરચાર્જમાં વધુ વધારો કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ્સ પર લગભગ 10 ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે દક્ષિણ-પૂર્વ એશિયા માટે આશરે 20 ડોલર અને આફ્રિકા માટે 30 ડોલર સુધીનો વધારાનો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ નિર્ણય વધતી ઇંધણની કિંમતોને કારણે લેવો પડ્યો છે.
તાજેતરના સમયમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, જેને ATF તરીકે ઓળખવામાં આવે છે, તેની કિંમતોમાં ભારે ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના પુરવઠામાં અવરોધ સર્જાતા જેટ ઇંધણની ઉપલબ્ધતા પર પણ અસર પડી રહી છે. આ કારણે એરલાઇન ઉદ્યોગ પર ખર્ચનો ભાર વધુ વધ્યો છે.
સરકારે ઇંધણ સંકટને પહોંચી વળવા માટે કડક પગલાં લીધાં, LPG ઉત્પાદનમાં 10%નો વધારો
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવનો પ્રભાવ હવે વિશ્વભરના ઊર્જા બજારો પર દેખાવા લાગ્યો છે અને તેની અસર ભારત સુધી પણ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ જળમાર્ગની આસપાસની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ભારત તેની મોટી માત્રામાં LPG આયાત માટે આ માર્ગ પર નિર્ભર છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતર્ક બની ગઈ છે અને સંભવિત ઇંધણ સંકટને ટાળવા માટે અનેક પગલાં લેવા શરૂ કર્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને દેશની ઊર્જા સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરી. સરકારનું મુખ્ય ધ્યાન એ પર છે કે દેશની સામાન્ય જનતા અને વેપાર ક્ષેત્રને ગેસની અછતનો સામનો કરવો ન પડે.
તાજેતરના દિવસોમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરોની અછત અંગે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘણા વેપારીઓને આશંકા હતી કે જો સપ્લાયમાં વિક્ષેપ આવશે તો તેમના વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે. જોકે હવે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
સરકાર દ્વારા વ્યાવસાયિક ગ્રાહકોની સમસ્યાઓને સમજવા અને ઝડપી ઉકેલ લાવવા માટે એક ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ રેસ્ટોરન્ટ અને હોટેલ એસોસિએશનો સાથે સીધી ચર્ચા કરીને તેમની વાસ્તવિક જરૂરિયાતો સમજશે અને સપ્લાયને અનુરૂપ રીતે પ્રાથમિકતા આપશે.
સરકારની નવી વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ ઘરેલુ ઉત્પાદન વધારવાનો પણ છે. સપ્લાય ચેઇનને વધુ અસરકારક બનાવવા અને આયાત પરનો દબાણ ઘટાડવા માટે દેશમાં LPG ઉત્પાદન વધારવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલુ LPG ઉત્પાદન લગભગ 10 ટકા સુધી વધારવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પગલાથી સ્થાનિક બજારમાં પુરવઠાની સ્થિતિ વધુ સ્થિર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું ક્રાઇસિસના 3 મહિના બાદ રાજીનામું
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સે તાત્કાલિક અસરથી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ 10 માર્ચના રોજ આ માહિતી આપી હતી. એલ્બર્સના ગયા પછી, હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા વચગાળાના ધોરણે એરલાઇનના કામકાજની જવાબદારી સંભાળશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પીટર એલ્બર્સના યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. જ્યાં સુધી નવા કાયમી લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી રાહુલ ભાટિયા એરલાઇનનો તમામ વહીવટ સંભાળશે. કંપનીએ સંકેત આપ્યા છે કે નવા સીઈઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
3 મહિના પહેલા ઇન્ડિગોને ભારે ફ્લાઇટ ઓપરેશન્સ સંકટનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન લગભગ 3 લાખ મુસાફરો ફસાયા હતા, જેના પછી એવિએશન રેગ્યુલેટર DGCAએ એરલાઇન પર ₹22.20 કરોડનો ભારે દંડ પણ ફટકાર્યો હતો.
ઈન્ડિગો હાલમાં 400થી વધુ એરક્રાફ્ટ સાથે દરરોજ 2200થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. વર્ષ 2025માં તેને ‘બેસ્ટ એરલાઇન ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા’નો એવોર્ડ પણ મળ્યો હતો. 95થી વધુ ઘરેલુ અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી ઈન્ડિગો આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એક છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કોંગ્રેસે ઉમેદવારો માટે QR કોડ જાહેર કર્યો
અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે.
રણદીપ હુડ્ડા અને લિન લેશરામના ઘરે પારણું બંધાયું
મુંબઈ: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પિતા બની ગયા છે. પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો છે. રણદીપ હુડ્ડાએ મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ચાહકોને ખુશ ખબર આપી છે.
View this post on Instagram
દાદાના જન્મદિવસે જ પૌત્રીનો જન્મ થયો
રણદીપના પિતા રણવીર હુડ્ડાનો પણ આજે જ જન્મદિવસ છે. રણદીપે પોતાના પિતા અને દીકરીનો ફોટો શેર કરતા હરિયાણવી ભાષામાં લખ્યું, ‘દાદા અર પોતી નૈ જનમદિન કી ઘણીએ બધાઈ.’
આ પછી રણદીપે લખ્યું, ‘પાપા આજે, જ્યારે હું પિતા બન્યો છું, ત્યારે તમારા માટે મારું સન્માન વધી ગયું છે. સૌથી મહત્વની વાત- લિનને ખૂબ જ અભિનંદન, મને પિતા બનાવવા માટે અને આપણી નાની બાળકીને આ દુનિયામાં લાવવા બદલ આભાર. એક નાની છોકરી અને આજીવન પ્રેમ.’
રણદીપ અને લિને નવેમ્બર 2025માં સોશિયલ મીડિયા દ્વારા પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી. લગ્નની બીજી વર્ષગાંઠે જ એક્ટરે આ ખુશખબર શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘પ્રેમ અને સાહસના બે વર્ષ અને હવે…એક નાનું મહેમાન આવવાનું છે. એક દિવસ પહેલાં જ મેટરનિટિ ફોટોશૂટના ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા.
અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
અમદાવાદ: અદાણી યુનિવર્સિટી દ્વારા “ગિવ ટુ ગેઇન”ની વૈશ્વિક થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. ૮ માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંવાદ, ચિંતન અને સહિયારા શિક્ષણના મનનમાં ભાગ લીધો હતો.
વરિષ્ઠ સ્ત્રી રોગ વિજ્ઞાની ડૉ. નીતા ઠાકરેના નેતૃત્વમાં એક ઇન્ટરેક્ટિવ આરોગ્ય અને સુખાકારી સત્રથી ઉજવણીનો આરંભ થયો હતો. તેમણે આરોગ્ય સંભાળ, સ્વાસ્થ્યની ચિંતાઓ અંગે પ્રારંભિક જાગૃતિ અને મહિલાઓની સુખાકારીને આધાર આપતી રોજિંદી પ્રથાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આરોગ્ય જાગૃતિ પરની ચર્ચામાં ઉપસ્થિત સહુએ ભાગ લીધો હતો.
અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણી સાથે આ ઉજવણી પ્રસંગે થયેલી પેનલ ચર્ચામાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રના મહિલા અગ્રણીઓ જોડાયા હતા. જેમાં સિરિલ અમરચંદ મંગળદાસ, અમદાવાદના ભાગીદાર અને વડા પરિધિ અદાણી; સેક ઇસરો, અમદાવાદના રીસ્પોન્ડના ’એસજી’ અને મુખ્ય વડા સાયન્ટીસ્ટ-એન્જીનિયર ડૉ. આભા છાબરા, વાયજે ત્રિવેદી એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર ગોપી ત્રિવેદી, માઇકાના ડીન અને પ્રિન્સિપાલ પ્રાધ્યાપક ગીતા હેગ્ડે અને નોર્થસ્ટાર ડાયગ્નોસ્ટિક્સ અને નોર્થસ્ટાર લોંગેવિટીના સ્થાપક.ડૉ. તુલસી મહાદેવિયાનો સમાવેશ થાય છે.
વ્યાવસાયિક યાત્રાઓમાંથી પ્રાપ્ત કરેલા નેતૃત્વ, દ્રઢતા અને માર્ગદર્શન પરના તેમના અનુભવોનું ભાથું આ પેનલિસ્ટોએ ઉપસ્થિતો સાથે શેર કર્યું ત્યારે તેમના અનુભવોમાં જ્ઞાન, માર્ગદર્શન અને તકની વહેંચણી અન્ય લોકો માટે વિકાસના પથને કેવી રીતે કંડારે છે, તેનું પ્રતિબિંબ “ગીવ ટુ ગેઇન” થીમના સારને પ્રદર્શિત કરતું હતું.
અદાણી યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે આપણા શૈક્ષણિક સમુદાયમાં મહિલાઓના નેતૃત્વ અને સિદ્ધિઓને ઓળખવા માટેનો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. પરામર્શ, માર્ગદર્શન અને સહિયારા શિક્ષણને પ્રોત્સાહન આપીને, મહિલાઓ એકબીજાને આધાર આપે તેમજ આત્મવિશ્વાસ અને હેતુ સાથે નેતૃત્વ કરતા રહે એવા વાતાવરણનું નિર્માણ કરવાની આશા રાખીએ છીએ
અદાણી યુનિવર્સિટી સમાવેશકતા, નેતૃત્વ વિકાસ અને સમાન તકોને પ્રોત્સાહન આપતી પહેલોને અવિરત આગળ વધારતી રહે છે. જ્યારે વ્યક્તિઓ એકબીજાના વિકાસમાં રોકાણ કરે છે, ત્યારે તેનો સામૂહિક પ્રભાવ સંસ્થાઓને મજબૂતી બક્ષીને વધુ સમાવેશી ભવિષ્ય નિર્માણમાં ફાળો આપે છે. મહિલા દિવસની ઉજવણીએ યુનિવર્સિટીના આ વિશ્વાસને ફરી પુષ્ટિ આપી છે.
ડેરિલ મિશેલ પર બોલ ફેંકવા બદલ ICCની અર્શદીપ સિંહ પર કાર્યવાહી
આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલા દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહને મેદાન પર થયેલી એક ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા દંડનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહત્વપૂર્ણ ફાઇનલ મેચ દરમિયાન અર્શદીપ સિંહના વર્તનને આચાર સંહિતાના ઉલ્લંઘન તરીકે ગણાવી તેમની મેચ ફીમાંથી 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન બની હતી, જ્યારે મેચ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન 11મા ઓવરમાં અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યા હતા. બોલ નાખ્યા બાદ તેઓ પોતાના ફોલો-થ્રૂમાં ફીલ્ડિંગ કરવા આગળ વધ્યા હતા અને ત્યારે જ તેમણે બોલ ઉઠાવીને બેટ્સમેન ડેરિલ મિચેલ તરફ આક્રમક રીતે ફેંકી દીધો હતો. બોલ સીધો મિચેલના પેડ પર વાગ્યો હતો, જેને અંપાયરો દ્વારા અનાવશ્યક અને ખોટી હરકત તરીકે જોવામાં આવી હતી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને મેદાન પર હાજર અંપાયરો દ્વારા આ મુદ્દે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મેદાની અંપાયર રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ ઉપરાંત ત્રીજા અંપાયર અલાહુદ્દીન પલેકર અને ચોથા અંપાયર એડ્રિયન હોલ્ડસ્ટોકએ મળીને આ મામલે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ આઇસીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને અંતે અર્શદીપ સિંહને આચાર સંહિતાના લેવલ-1 ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા.
આઇસીસીના નિયમો અનુસાર આ પ્રકારની ઘટના ખેલાડીઓ માટે બનાવેલી આચાર સંહિતાના કલમ 2.9 હેઠળ આવે છે. આ નિયમ અનુસાર કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી દ્વારા અન્ય ખેલાડી તરફ ખતરનાક અથવા ખોટી રીતે બોલ કે ક્રિકેટ સાથે સંબંધિત સાધન ફેંકવું આચાર સંહિતાનો ભંગ માનવામાં આવે છે. આ કારણે અર્શદીપ સિંહને તેમની મેચ ફીમાંથી 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
આર્થિક દંડ સિવાય અર્શદીપ સિંહના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં અર્શદીપ સિંહ દ્વારા કરવામાં આવેલ આ પ્રથમ ઉલ્લંઘન હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના કારણે તેમને સૌથી ઓછો દંડ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે લેવલ-1ના ઉલ્લંઘન માટે ખેલાડી પર મેચ ફીનો 50 ટકા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે અને એકથી બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવે છે.
LPG સંકટ: ગેસ સિલિન્ડરની અછતથી ચાની ટપરીઓ બંધ થવાનો ખતરો
નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદન તેમ જ સપ્લાય પર સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઇન પર દબાણ વધી ગયું છે. ખાસ કરીને હોર્મુઝ જલસંધિ મારફતે થતી સપ્લાય અસરગ્રસ્ત થતા ભારત પર મોટો પ્રભાવ પડ્યો છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગથી આયાત કરે છે.
ગેસના સપ્લાયમાં ભારે ઘટાડાને કારણે દેશભરમાં LPG સિલિન્ડરની અછત વધી રહી છે. સ્થિતિ કાબૂમાં લેવા અને કાળાબજારી રોકવા માટે સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ (ECA) લાગુ કર્યો છે, છતાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી નથી. અનેક જગ્યાઓથી ગેસની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરાં બંધ થવાના સમાચાર મળી રહ્યા છે.
આ સંકટનો સૌથી વધુ અસર રસ્તા કિનારે ચાલતા નાના ધંધાઓ પર પડવાની આશંકા છે. ખાસ કરીને ચાની દુકાનો અથવા ‘ચા ટપરીઓ’ માટે મોટો ખતરો ઊભો થયો છે. જો ગેસની અછત લાંબા સમય સુધી ચાલુ રહે તો દેશભરમાં લાખો ચાની ટપરીઓ બંધ થવાની સ્થિતિ આવી શકે છે. નોઈડાની ફિલ્મ સિટી વિસ્તારમાં- જ્યાં થોડા દિવસ પહેલાં સુધી ચાના સ્ટોલ પર ભીડ રહેતી હતી, ત્યાં હવે સૂમસામ માહોલ છે. બર્નર ઠંડા પડી ગયા છે અને ચા વેચનારા પોતાની રોજીરોટી અંગે ચિંતિત છે.
ગેસ સિલિન્ડર માટે સંઘર્ષ છતાં સફળતા નહીં
સુમિત (બદલેલું નામ), જે ઘણાં વર્ષોથી ઓફિસોની બહાર ચા વેચીને જીવન ગુજારતો હતો, ગેસની અછતને કારણે અચાનક દુકાન બંધ કરવી પડી હતી. તે કહે છે, ગેસ ખતમ થઈ ગયો તરત જ દુકાન બંધ કરવી પડી. સુમિત જણાવે છે કે તે LPG સિલિન્ડર મેળવવા માટે ભારે પ્રયાસ કરી રહ્યો છે. તે રૂ. 200 પ્રતિ કિલો (અંદાજે 14.2 કિલોના સિલિન્ડર માટે રૂ. 2840) ચૂકવવા તૈયાર છે, જે નાના વેપારીઓ માટે ખૂબ મોંઘો છે, છતાં તેને સિલિન્ડર મળી રહ્યો નથી.
એક અન્ય ચા વેચનાર કહે છે કે તેના ડીલરે ફોન બંધ કરી દીધો છે, જેથી ગેસ મેળવવાનો કોઈ રસ્તો બચ્યો નથી. તે કહે છે: દરેક કપ પર અમને લગભગ 40 ટકા માર્જિન મળતું હતું, પરંતુ ગેસ વગર વ્યવસાય તરત બંધ થઈ ગયો.
ઈરાને ટ્રમ્પને આપી ખુલ્લેઆમ ધમકી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી ઉપરાંત હવે રાજનૈતિક અને શબ્દીય હુમલાઓ પણ તેજ બની ગયા છે. તાજેતરમાં ઈરાનના એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનના એક ટોચના સુરક્ષા અધિકારીએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સાવચેત રહેવું જોઈએ, નહીં તો પરિસ્થિતિ એવી બની શકે છે કે તેઓ પોતે જ જોખમમાં આવી જાય. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના કેટલાક સૈન્ય ઠિકાણાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને તેના જવાબમાં તેહરાન તરફથી પણ કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
આ સમગ્ર પરિસ્થિતિને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ઈરાનના નેતાઓએ જણાવ્યું છે કે તેઓ પોતાની સુરક્ષા અને સ્વાભિમાન માટે કોઈપણ પગલું ભરવામાં પાછળ નહીં પડે.
આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને લઈને કડક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું સંઘર્ષ કદાચ લાંબું નહીં ચાલે, પરંતુ જો ઈરાન વૈશ્વિક તેલ પુરવઠાને અવરોધે છે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ટ્રમ્પે અમેરિકાના રાજકીય નેતાઓ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં અમેરિકી હાજરીનો હેતુ કેટલીક ખતરનાક શક્તિઓને નિયંત્રણમાં લાવવાનો છે.

