ડેરિલ મિશેલ પર બોલ ફેંકવા બદલ ICCની અર્શદીપ સિંહ પર કાર્યવાહી

આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલા દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહને મેદાન પર થયેલી એક ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા દંડનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહત્વપૂર્ણ ફાઇનલ મેચ દરમિયાન અર્શદીપ સિંહના વર્તનને આચાર સંહિતાના ઉલ્લંઘન તરીકે ગણાવી તેમની મેચ ફીમાંથી 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન બની હતી, જ્યારે મેચ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન 11મા ઓવરમાં અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યા હતા. બોલ નાખ્યા બાદ તેઓ પોતાના ફોલો-થ્રૂમાં ફીલ્ડિંગ કરવા આગળ વધ્યા હતા અને ત્યારે જ તેમણે બોલ ઉઠાવીને બેટ્સમેન ડેરિલ મિચેલ તરફ આક્રમક રીતે ફેંકી દીધો હતો. બોલ સીધો મિચેલના પેડ પર વાગ્યો હતો, જેને અંપાયરો દ્વારા અનાવશ્યક અને ખોટી હરકત તરીકે જોવામાં આવી હતી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને મેદાન પર હાજર અંપાયરો દ્વારા આ મુદ્દે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મેદાની અંપાયર રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ ઉપરાંત ત્રીજા અંપાયર અલાહુદ્દીન પલેકર અને ચોથા અંપાયર એડ્રિયન હોલ્ડસ્ટોકએ મળીને આ મામલે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ આઇસીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને અંતે અર્શદીપ સિંહને આચાર સંહિતાના લેવલ-1 ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા.

આઇસીસીના નિયમો અનુસાર આ પ્રકારની ઘટના ખેલાડીઓ માટે બનાવેલી આચાર સંહિતાના કલમ 2.9 હેઠળ આવે છે. આ નિયમ અનુસાર કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી દ્વારા અન્ય ખેલાડી તરફ ખતરનાક અથવા ખોટી રીતે બોલ કે ક્રિકેટ સાથે સંબંધિત સાધન ફેંકવું આચાર સંહિતાનો ભંગ માનવામાં આવે છે. આ કારણે અર્શદીપ સિંહને તેમની મેચ ફીમાંથી 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

આર્થિક દંડ સિવાય અર્શદીપ સિંહના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં અર્શદીપ સિંહ દ્વારા કરવામાં આવેલ આ પ્રથમ ઉલ્લંઘન હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના કારણે તેમને સૌથી ઓછો દંડ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે લેવલ-1ના ઉલ્લંઘન માટે ખેલાડી પર મેચ ફીનો 50 ટકા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે અને એકથી બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવે છે.