ગાંધીનગર: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને પગલે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી છે. આ અપીલને પગલે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે.
મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના રાજુલા પહોંચ્યા. અહીં 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને સાર્થક કરી. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા.
બિનજરૂરી ઈંધણનો વપરાશ કરવાના બદલે અને ઝડપથી વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.




