Home Blog Page 193

LPG સંકટ: ગેસ સિલિન્ડરની અછતથી ચાની ટપરીઓ બંધ થવાનો ખતરો

નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદન તેમ જ સપ્લાય પર સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઇન પર દબાણ વધી ગયું છે. ખાસ કરીને હોર્મુઝ જલસંધિ મારફતે થતી સપ્લાય અસરગ્રસ્ત થતા ભારત પર મોટો પ્રભાવ પડ્યો છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગથી આયાત કરે છે.

ગેસના સપ્લાયમાં ભારે ઘટાડાને કારણે દેશભરમાં LPG સિલિન્ડરની અછત વધી રહી છે. સ્થિતિ કાબૂમાં લેવા અને કાળાબજારી રોકવા માટે સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ (ECA) લાગુ કર્યો છે, છતાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી નથી. અનેક જગ્યાઓથી ગેસની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરાં બંધ થવાના સમાચાર મળી રહ્યા છે.

આ સંકટનો સૌથી વધુ અસર રસ્તા કિનારે ચાલતા નાના ધંધાઓ પર પડવાની આશંકા છે. ખાસ કરીને ચાની દુકાનો અથવા ‘ચા ટપરીઓ’ માટે મોટો ખતરો ઊભો થયો છે. જો ગેસની અછત લાંબા સમય સુધી ચાલુ રહે તો દેશભરમાં લાખો ચાની ટપરીઓ બંધ થવાની સ્થિતિ આવી શકે છે. નોઈડાની ફિલ્મ સિટી વિસ્તારમાં- જ્યાં થોડા દિવસ પહેલાં સુધી ચાના સ્ટોલ પર ભીડ રહેતી હતી, ત્યાં હવે સૂમસામ માહોલ છે. બર્નર ઠંડા પડી ગયા છે અને ચા વેચનારા પોતાની રોજીરોટી અંગે ચિંતિત છે.

 ગેસ સિલિન્ડર માટે સંઘર્ષ છતાં સફળતા નહીં

સુમિત (બદલેલું નામ), જે ઘણાં વર્ષોથી ઓફિસોની બહાર ચા વેચીને જીવન ગુજારતો હતો, ગેસની અછતને કારણે અચાનક દુકાન બંધ કરવી પડી હતી. તે કહે છે, ગેસ ખતમ થઈ ગયો તરત જ દુકાન બંધ કરવી પડી. સુમિત જણાવે છે કે તે LPG સિલિન્ડર મેળવવા માટે ભારે પ્રયાસ કરી રહ્યો છે. તે રૂ. 200 પ્રતિ કિલો (અંદાજે 14.2 કિલોના સિલિન્ડર માટે રૂ. 2840) ચૂકવવા તૈયાર છે, જે નાના વેપારીઓ માટે ખૂબ મોંઘો છે, છતાં તેને સિલિન્ડર મળી રહ્યો નથી.

એક અન્ય ચા વેચનાર કહે છે કે તેના ડીલરે ફોન બંધ કરી દીધો છે, જેથી ગેસ મેળવવાનો કોઈ રસ્તો બચ્યો નથી. તે કહે છે: દરેક કપ પર અમને લગભગ 40 ટકા માર્જિન મળતું હતું, પરંતુ ગેસ વગર વ્યવસાય તરત બંધ થઈ ગયો.

ઈરાને ટ્રમ્પને આપી ખુલ્લેઆમ ધમકી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી ઉપરાંત હવે રાજનૈતિક અને શબ્દીય હુમલાઓ પણ તેજ બની ગયા છે. તાજેતરમાં ઈરાનના એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનના એક ટોચના સુરક્ષા અધિકારીએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સાવચેત રહેવું જોઈએ, નહીં તો પરિસ્થિતિ એવી બની શકે છે કે તેઓ પોતે જ જોખમમાં આવી જાય. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના કેટલાક સૈન્ય ઠિકાણાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને તેના જવાબમાં તેહરાન તરફથી પણ કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ઈરાનના નેતાઓએ જણાવ્યું છે કે તેઓ પોતાની સુરક્ષા અને સ્વાભિમાન માટે કોઈપણ પગલું ભરવામાં પાછળ નહીં પડે.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને લઈને કડક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું સંઘર્ષ કદાચ લાંબું નહીં ચાલે, પરંતુ જો ઈરાન વૈશ્વિક તેલ પુરવઠાને અવરોધે છે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ટ્રમ્પે અમેરિકાના રાજકીય નેતાઓ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં અમેરિકી હાજરીનો હેતુ કેટલીક ખતરનાક શક્તિઓને નિયંત્રણમાં લાવવાનો છે.

AI સમિટમાં વિરુદ્ધ પ્રદર્શનને ટેકો આપતા ઘેરાયા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ પ્રદર્શન મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી એવાં કાર્યોનું સમર્થન કરે છે, જે વૈશ્વિક મંચ પર ભારતની છબિને નુકસાન પહોંચાડે છે.

રાહુલ ગાંધીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહેતા સાંભળાઈ રહ્યા છે કે AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ “કામ કરી દીધું.” આ વિડિયો વાયરલ થયા બાદ ભાજપ લોકસભાના વિરોધ પક્ષના નેતા પર આક્રમક બન્યો છે.

ભાજપ IT સેલના વડા અમિત માલવીયે રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન થયેલા વિવાદાસ્પદ પ્રદર્શનને સમર્થન આપ્યું અને તેના પર ગર્વ વ્યક્ત કર્યો. અમિત માલવીયે વિડિયો ક્લિપ શેર કરીને દાવો કર્યો હતો કે વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું  “કર દીધું કામ યુથ કોંગ્રેસવાળાએ…” તેમનો દાવો છે કે આ ટિપ્પણી તે ઘટનાના પછી આવી, જ્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કર્યું અને કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આવાં પ્રદર્શનોથી વિશ્વ સમક્ષ ભારતની છબિને નુકસાન થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે વિશ્વભરના અગ્રણી ટેક નિષ્ણાતો, નીતિનિર્માતાઓ અને ઇનોવેટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય પર ચર્ચા કરવા એકત્ર થયા હતા, ત્યારે કોંગ્રેસને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અશાંતિ અને અશોભનીય પ્રદર્શન જ યોગ્ય લાગ્યું?

કેન્દ્રીય મંત્રીમંડળે બંગાળ અને તમિલનાડુના ચૂંટણીલક્ષી રાજ્યોને ભેટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. મંગળવારે યોજાયેલી આ બેઠકમાં કુલ મળીને છ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અંદાજે 8.8 લાખ કરોડ રૂપિયાના ખર્ચની યોજના સામેલ છે. આ નિર્ણયો દેશના પાણી પુરવઠા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને પ્રદેશીય વિકાસને આગળ વધારવાના દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જલ જીવન મિશનના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ યોજનાને હવે 2028 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના દેશના ગામડાઓમાં દરેક ઘર સુધી નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર પ્રગતિ પણ થઈ છે. હવે સરકાર આ પ્રોજેક્ટને વધુ ટકાઉ બનાવવા માટે તેને નવી રચનાત્મક દિશામાં આગળ ધપાવવા માંગે છે.

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું કે જલ જીવન મિશન 2.0ને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે આ યોજના માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની મર્યાદામાં નહીં રહે પરંતુ સેવા પ્રદાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર દ્વારા આ યોજના માટે ફાળવવામાં આવેલી રકમમાં વધારો કરીને લગભગ 8.7 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.

સરકારનું કહેવું છે કે આગામી તબક્કામાં યોજનાના સંચાલન અને જાળવણીમાં સ્થાનિક સમુદાયો અને ગ્રામ પંચાયતોની ભાગીદારી વધારવામાં આવશે. દરેક પાણી પુરવઠા પ્રણાલીની ડિજિટલ મેપિંગ કરવામાં આવશે જેથી પાણીના સ્ત્રોતથી લઈને નળ સુધીના સમગ્ર નેટવર્ક પર નજર રાખી શકાય. આ માટે “સુજલમ ભારત” નામનું એક રાષ્ટ્રીય ડિજિટલ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે.

આ ફ્રેમવર્ક હેઠળ દરેક ગામને એક અનોખી “સુજલ ગામ” અથવા સર્વિસ એરિયા ID આપવામાં આવશે. આ ID દ્વારા ગામમાં પાણી પુરવઠાની સંપૂર્ણ વ્યવસ્થાની ડિજિટલ રીતે નોંધણી કરવામાં આવશે. પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે “જલ અર્પણ” પ્રક્રિયા દ્વારા યોજનાઓનો સત્તાવાર હસ્તાંતરણ ગ્રામ પંચાયતો અને Village Water and Sanitation Committees (VWSCs)ને કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા અન્ય મહત્વપૂર્ણ નિર્ણયોમાં તમિલનાડુના મદુરૈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઈ અड्डાનું દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી મદુરૈ શહેર અને આસપાસના ધાર્મિક અને પર્યટન સ્થળો માટે આંતરરાષ્ટ્રીય હવાઈ સંપર્ક વધુ સરળ બનશે. મીનાક્ષી અંમન મંદિર, કૂડલ અઝગર મંદિર, તિરુપ્પરનકુન્દ્રમ મુરુગન મંદિર, પાલમુદિરચોલાઈ મુરુગન મંદિર અને રામેશ્વરમ જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ પહોંચવું હવે વધુ સરળ બનશે.

મંત્રીએ જણાવ્યું કે મદુરૈ એરપોર્ટના અપગ્રેડેશનથી તે વિસ્તારના ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રને પણ ફાયદો થશે. ખાસ કરીને વાહન ઉદ્યોગ, રબર, રસાયણ અને ગ્રેનાઈટ ઉદ્યોગોમાં નવી તકો ઊભી થવાની શક્યતા છે. ઉપરાંત આ વિસ્તાર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ વિકાસ પામશે.

કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બને રહેલા જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીદાબાદ સાથે એલિવેટેડ રોડ દ્વારા જોડવાની યોજના પણ મંજૂર કરી છે. આ પ્રોજેક્ટ માટે લગભગ 3,631 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ માર્ગના નિર્માણથી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પરિવહન સુવિધાઓમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં સંતરાગાછીથી ખરગપુર સુધીના માર્ગને ચાર લેનમાં વિસ્તૃત કરવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 2,905 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે NH-752 પર બદનાવર-પેટલાવદ-થાંદલા-ટિમરવાણી માર્ગના ચાર લેન અપગ્રેડેશન માટે પણ 3,839 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કુલ મળીને કેબિનેટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી પુરવઠા અને પ્રદેશીય અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. સરકારનું માનવું છે કે આ યોજનાઓથી લાખો લોકોને સીધો લાભ મળશે અને ગ્રામ વિકાસ તથા પર્યટન ક્ષેત્રને પણ નવી ગતિ મળશે.

8મા પગાર પંચ અંગે સરકારે નવી માહિતી આપી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર આયોગ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. તાજેતરમાં લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રના જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે CPSEના કર્મચારીઓ માટે અલગથી કોઈ નવી પગાર પુનરીક્ષણ સમિતિ બનાવવાની હાલ કોઈ યોજના નથી. આ નિવેદન કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું, જેના કારણે ઘણા કર્મચારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

લોકસભામાં આ મુદ્દો સાંસદ લક્ષ્મીકાંત પપ્પુ નિષાદ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું સરકાર CPSEના કર્મચારીઓ માટે 2027થી લાગુ થનારા પગાર સુધારા માટે અલગ સમિતિ બનાવવાની યોજના ધરાવે છે કે નહીં. તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે દેશના વિવિધ CPSEમાં પગાર, ભથ્થા અને બોનસની વ્યવસ્થા એકસરખી નથી, જેના કારણે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત અસરગ્રસ્ત બને છે.

આ પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે હાલમાં સરકાર પાસે CPSEના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓ માટે અલગથી કોઈ પગાર પુનરીક્ષણ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે દરેક કંપનીની નાણાકીય સ્થિતિ અને કાર્યક્ષમતામાં તફાવત હોવાના કારણે વિવિધ કંપનીઓમાં પગાર અને પ્રોત્સાહન યોજનાઓ અલગ હોવી સ્વાભાવિક છે.

સરકારે વધુમાં જણાવ્યું કે CPSEને તેમના કામકાજ માટે પૂરતી સ્વાયત્તતા આપવામાં આવી છે. સરકાર સમયાંતરે કેટલીક સામાન્ય માર્ગદર્શિકાઓ જાહેર કરે છે જેથી પગાર, ભથ્થા અને ખર્ચ સંબંધિત પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. પરંતુ કંપનીઓને તેમના નાણાકીય પ્રદર્શન અને વ્યાવસાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાના નિર્ણયો લેવાની છૂટ પણ આપવામાં આવે છે.

આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મા પગાર આયોગની રચના કરી દેવામાં આવી છે. નવેમ્બર 2025માં આ આયોગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ આયોગને પોતાની ભલામણો રજૂ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આયોગનું કાર્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર્સ અને નિષ્ણાતો પાસેથી સૂચનો પણ મેળવી રહ્યું છે.

મુસ્લિમ મહિલાઓના વારસાગત અધિકારો અંગે UCC જ એકમાત્ર ઉકેલઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની વકાલત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે પર્સનલ લોને કારણે ઊભી થતી જટિલતાઓથી બચવા માટે સંસદને પગલાં લેવા આહવાન કર્યું હતું.

ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું હતું કે પર્સનલ લોને અમાન્ય જાહેર કરીને કાનૂની ખાલીપો સર્જવા કરતાં સારું એ રહેશે કે મુદ્દો સંસદની સમજ પર છોડવામાં આવે, જેથી તે સમાન નાગરિક સંહિતા અંગે કાયદો બનાવી શકે. આ કોર્ટ અગાઉ પણ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી ચૂકી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ નક્કી પ્રક્રિયા અનુસરીને એકતરફી તલાક આપી શકે છે. શું અમે પર્સનલ લો આધારિત તમામ બહુવિવાહ સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ? નહીં, તેથી મૂળભૂત કર્તવ્યોને અસરકારક બનાવવા માટે અમારે સંસદની શક્તિ પર નિર્ભર રહેવું પડશે.

UCC જ એકમાત્ર ઉકેલ — CJI સૂર્યકાંત

મુખ્ય ન્યાયાધીશ કાંતે ન્યાયમૂર્તિ બાગચીના વિચાર સાથે સહમતી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જેમ યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે, તેનો જવાબ સમાન નાગરિક સંહિતા જ છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારોને મુસ્લિમ પર્સનલ લો (શરિયા) એપ્લિકેશન અધિનિયમ, 1937 સામેની તેમની અરજી અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા અરજદારોનું કહેવું છે કે આ કાયદાની જોગવાઈઓ મુસ્લિમ મહિલાઓ સામે ભેદભાવ કરે છે, જેમાં વારસાગત અધિકારોનો મુદ્દો પણ સામેલ છે.

મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું હતું કે જો તમે 1937ના અધિનિયમને પડકારો છો, તો પછી શું લાગુ પડશે? કાનૂની ખાલીપાનું શું થશે? અરજદારો તરફથી હાજર વકીલ પ્રશાંત ભૂષણે જવાબ આપ્યો કે શરિયા કાયદા મુજબ મહિલાઓને સંપત્તિમાં પુરુષો જેટલા જ અધિકારો મળે છે. તેમણે ઉમેર્યું કે જો 1937નો અધિનિયમ ગેરબંધારણીય જાહેર થાય, તો ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ થઈ શકે. જોકે ન્યાયમૂર્તિ બાગચીએ આ દલીલ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે જો 1937નો અધિનિયમ ન હોત, તો શું મુસ્લિમ વારસાગત મુદ્દા અનુચ્છેદ 372 હેઠળ પર્સનલ લો દ્વારા નિયંત્રિત ન થતાં?

ચાંદીના ભાવ એક દિવસમાં રૂ.10,442 વધીને રૂ.2.77 લાખને પાર

વૈશ્વિક બજારમાં ઊભી થયેલી નવી પરિસ્થિતિઓને કારણે સોનું અને ચાંદીના ભાવોમાં અચાનક જ ભારે તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવોમાં એક જ દિવસમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેનાથી રોકાણકારો અને વેપારીઓ બંનેનું ધ્યાન આકર્ષાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત ટ્રેન્ડ અને અમેરિકી ડોલરમાં આવેલી નબળાઈને કારણે ભારતમાં પણ કિંમતી ધાતુઓના ભાવોમાં તેજી આવી છે.

મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના ભાવમાં જોરદાર વધારો નોંધાયો હતો. મે મહિનામાં સપ્લાય થનારા ચાંદીના વાયદા કરારની કિંમતમાં લગભગ 10,442 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે ચાંદીની કિંમત લગભગ ચાર ટકાની તેજી સાથે વધીને 2,77,602 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી. આ સત્ર દરમિયાન કુલ 2,265 લોટનો વેપાર નોંધાયો હતો, જે દર્શાવે છે કે બજારમાં ચાંદી માટે રોકાણકારોનો રસ વધ્યો છે.

ચાંદી સાથે સોનાના ભાવોમાં પણ તેજી જોવા મળી છે. સોનાની કિંમતોમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો નોંધાયો છે અને તે લગભગ 1,62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું છે. બજારના આંકડા મુજબ સોનાએ 1,61,452 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો લો લેવલ અને 1,62,149 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હાઈ લેવલ નોંધાવ્યો છે.

વિદેશી બજારોમાં પણ કિંમતી ધાતુઓના ભાવોમાં મજબૂતી જોવા મળી રહી છે. ન્યૂયોર્કના બજારમાં મે કરાર માટે ચાંદીના વાયદા ભાવોમાં લગભગ 5.07 ડોલર અથવા લગભગ 6 ટકાનો વધારો નોંધાયો હતો. જેના પરિણામે ચાંદીની કિંમત લગભગ 89.59 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ છે. આ તેજી વૈશ્વિક રોકાણકારોની વધતી માંગ અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિઓને કારણે આવી હોવાનું માનવામાં આવે છે.

મુંબઈની 20 ટકા હોટેલ બંધ, 50 ટકા ટૂંક સમયમાં બંધ થવાની શક્યતા: AHAR

મુંબઈઃ મુંબઈના જો ગેસ સપ્લાયમાં આવો જ વિક્ષેપ ચાલુ રહેશે તો આવતા બે દિવસમાં મુંબઈના લગભગ 50 ટકા હોટેલ બંધ થવાની શક્યતા છે, એમ હોટેલ એસોસિયેશન AHARએ જણાવ્યું છે.  એસોસિયેશને એ પણ જણાવ્યું કે કેટલી હોટેલ ચાલુ રહેશે તે ઉપલબ્ધ ગેસ સપ્લાય પર નિર્ભર રહેશે. AHARએ સ્પષ્ટ કર્યું હતું કે હોટેલ બંધ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. હોટેલ ખુલ્લી રાખવી કે બંધ રાખવાનો નિર્ણય હોટેલ માલિકો પોતે લેશે.

કોમર્શિયલ LPG સિલિન્ડરની અચાનક અછતને કારણે હોસ્પિટાલિટી સેક્ટરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યાર બાદ ઓઇલ મંત્રાલયે LPG સપ્લાયમાં આવી રહેલી સમસ્યાની તપાસ માટે એક કમિટી બનાવી છે. રેસ્ટોરાં એસોસિયેશને ચેતવણી આપી છે કે જો સપ્લાય સુધરશે નહીં તો થોડા જ દિવસોમાં ખાણીપીણીના વ્યવસાયો બંધ થવાની સ્થિતિ આવી શકે છે.આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે ઇંધણ સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, જેમાં ભારતના LPGની આયાત પર પણ અસર થઈ છે. સરકાર ઘરગથ્થુ રસોઈ ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે, જેને કારણે માર્કેટ ભાવ પર આધારિત કોમર્શિયલ LPG વપરાતા હોટેલ અને રેસ્ટોરાંમાં ગેસની અછત ઊભી થઈ છે.

મંત્રાલયે જણાવ્યું છે કે રેસ્ટોરાં, હોટેલ અને અન્ય ઉદ્યોગોની LPG સપ્લાય સંબંધિત માગની સમીક્ષા કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની કમિટી બનાવવામાં આવી છે.દેશમાં દર વર્ષે અંદાજે 31.3 મિલિયન ટન LPGનો વપરાશ થાય છે. તેમાંથી લગભગ 87 ટકા ગેસ ઘરગથ્થુ રસોઈ માટે વપરાય છે, જ્યારે બાકીનો હિસ્સો હોટેલ અને રેસ્ટોરાં જેવાં કોમર્શિયલ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. દેશની LPG જરૂરિયાતનો લગભગ 62 ટકા હિસ્સો આયાત દ્વારા પૂર્ણ થાય છે. ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા સપ્લાય રૂટમાં અવરોધ આવ્યો છે. સામાન્ય રીતે ભારત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી પોતાની 85-90 ટકા LPG આયાત આ જ માર્ગ દ્વારા કરે છે.

કચ્છમાં NH-754K અપગ્રેડ માટે 650.42 કરોડ રૂપિયા મંજૂર

ભુજ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કનેક્ટિવિટી સુધારવાના હેતુથી કચ્છ જિલ્લામાં એક મુખ્ય હાઇવે કોરિડોર વિકસાવવા માટે 650.42 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kના 165.58 કિલોમીટર લાંબા લખપત-ગડુલી-જારા-હાજીપીર-ખાવડા-કાંડવન-ધોળાવીરા સેક્શનનું કામ બે-લેન રોડ તરીકે કરવામાં આવશે. આ કોરિડોર કચ્છના ઘણા ઓછા વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે અને જિલ્લામાં ગતિશીલતા અને પરિવહન માળખાને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

X પરના નિર્ણયની જાહેરાત કરતા ગડકરીએ લખ્યું, “આ પ્રોજેક્ટને 650.42 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કચ્છ પ્રદેશ અને ગુજરાતના બાકીના ભાગો વચ્ચે જોડાણને મજબૂત બનાવશે અને સાથેસાથે આ વિસ્તારમાં આર્થિક અને પર્યટન પ્રવૃત્તિઓને ટેકો આપશે.”

મંત્રીના જણાવ્યા મુજબ, કચ્છ દર વર્ષે ઘણા મોટા તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે જે દેશના વિવિધ ભાગોમાંથી મુલાકાતીઓને આકર્ષે છે. આમાંના ઘણા સ્થળોની પહોંચ પ્રોજેક્ટ દ્વારા આવરી લેવામાં આવેલા કોરિડોર પર આધારિત છે. અપગ્રેડેડ હાઇવેથી મુલાકાતીઓ અને રહેવાસીઓ બંને માટે મુસાફરીની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. નીતિન ગડકરીએ રૂટના આર્થિક મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે હાઇવે પ્રદેશના ખનિજ અને મીઠા ઉદ્યોગો સાથે જોડાયેલા માલસામાનની અવરજવરને સરળ બનાવશે. “કચ્છ મીઠાના ઉત્પાદન અને ખનિજ નિષ્કર્ષણ માટે દેશના અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, અને સુધારેલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોજિસ્ટિક્સ અને વેપારને ટેકો આપશે તેવી અપેક્ષા છે.”

એકવાર પૂર્ણ થયા પછી, આ હાઇવે બન્યા પછી કચ્છના મોટા ભાગમાં સલામત અને વધુ કાર્યક્ષમ પરિવહન પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. જ્યારે દૂરના વસાહતો અને ગુજરાતના વિશાળ રોડ નેટવર્ક વચ્ચેના જોડાણોને મજબૂત બનાવશે.

LPG સિલિન્ડરની જથ્થાબંધ ખરીદી રોકવા સરકારે ESMA લાગુ કર્યો

નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાઇલ યુદ્ધને કારણે મધ્ય-પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિની અસર દેશના ઓઇલ અને ગેસ સપ્લાય પર જોવા મળી રહી છે. ગેસની ભારે અછત સર્જાઈ છે, જેને કારણે સરકારે આકરા નિયમો અમલમાં મૂક્યા છે. ઘરેલુ ઉપયોગ માટેની ગેસ હજુ ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. લોકો ગેસ સિલિન્ડરની જથ્થાબંધ ખરીદી ન કરે અને LPG સપ્લાયમાં વિક્ષેપ ન આવે એ માટે કેન્દ્ર સરકારે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ESMA) લાગુ કર્યો છે.

સરકારે ઘરેલુ રસોઈ ગેસના અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આવશ્યક વસ્તુઓ અધિનિયમ (EC Act) હેઠળ પગલાં લીધાં છે. રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ એકમોને LPG ઉત્પાદન મહત્તમ સ્તરે વધારવા તથા મુખ્ય હાઇડ્રોકાર્બન સ્ત્રોતોને LPG પૂલ તરફ વાળવા સૂચના આપવામાં આવી છે. 

ESMA શું છે?

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ESMA) એવો કાયદો છે, જે સામાન્ય જનજીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સેવાઓ સતત ચાલુ રહે એ માટે બનાવવામાં આવ્યો છે. આ સેવાઓમાં જાહેર પરિવહન (બસ સેવા), આરોગ્ય સેવાઓ (ડોક્ટરો અને હોસ્પિટલ) જેવી સેવાઓનો સમાવેશ થાય છે, કારણ કે આ સેવાઓ ખોરવાય તો સીધી અસર સામાન્ય જનતા પર પડે છે.

‘ESMA’ હેઠળ ઓઇલ રિફાઇનરીઓને સૂચનાઓ

સરકારે ESMA હેઠળ મળેલી ઇમર્જન્સી સત્તાઓનો ઉપયોગ કરીને ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે સંભવિત વિક્ષેપનો સામનો કરવા અને ઘરેલુ રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતમાં LPG વપરાશ 3.13 કરોડ ટન રહ્યો હતો, જેમાંથી માત્ર 1.28 કરોડ ટનનું ઉત્પાદન દેશમાં થયું હતું, જ્યારે બાકીની જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા માટે પ્રાથમિકતા નક્કી

સરકારે આવશ્યક વસ્તુઓ અધિનિયમની જોગવાઈઓ અમલમાં મૂકીને પ્રાકૃતિક ગેસના વિતરણ માટે પ્રાથમિકતા નક્કી કરી છે. પ્રથમ પ્રાથમિકતા પાઇપ દ્વારા મળતી ઘરેલુ ગેસ (PNG) અને વાહનો માટેની CNG ને આપવામાં આવી છે, જેને 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવશે. બીજી પ્રાથમિકતા ખાતર ઉત્પાદન કરતી ફેક્ટરીઓને આપવામાં આવી છે, જેને છેલ્લા છ મહિનાની સરેરાશ જરૂરિયાતના 70 ટકા ગેસ ઉપલબ્ધ કરાવવો ફરજિયાત રહેશે.

હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં ઓઇલ-ગેસ સંકટ

ભારતનું લગભગ 85-90 ટકા ઓઇલ આયાત સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી થાય છે, જે હોર્મુઝ જળમાર્ગ પર નિર્ભર છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાઇલ વચ્ચે છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સમુદ્રી માર્ગ બંધ થયો છે. ભારત પાસે પૂરતી રિફાઇનિંગ ક્ષમતા હોવા છતાં LPG ઉત્પાદન ઓછું હોવાથી સરકારે ઉત્પાદન વધારવા સૂચનાઓ આપી છે.