Home Blog Page 139

સુરતવાસીઓ માટે ખુશખબર, નવા ગેસ કનેક્શન પર આટલું મળશે ડિસ્કાઉન્ટ!

સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુગમ રીતે જળવાઈ રહે તે માટે GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં તેમણે જાહેરાત કરી હતી કે, 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક PNG કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકોને રૂપિયા500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં ક્રેડિટ તરીકે મળશે. હાલ સુરતમાં 15.20 લાખ કનેક્શન કાર્યરત છે અને નવા કનેક્શન આપવાની પ્રક્રિયાનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ ઇંધણ અને ફર્ટિલાઇઝરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને જોતા વહીવટીતંત્ર સતત સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે. ખાસ કરીને હોસ્પિટલો, શાળાઓ અને સામાજિક સંસ્થાઓને PNG કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. તેમજ HPCL, BPCL અને IOCL ના ડીલરો દ્વારા 3 અને 5 કિલોના નાના ગેસ સિલિન્ડરનો સપ્લાય પણ શરૂ કરી દેવાયો છે. આ બેઠકમાં કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

તૈયારીઓના નિરીક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ રાજ્યના પ્રવાસે

ગાંધીનગર: અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓ ચાલી રહી છે. જેના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમવાર રાજ્યની મુલાકાતે આવી છે.કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી આ ડેલિગેશને પ્રવાસનો પ્રારંભ કર્યો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે, તેમ જણાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ-2030એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે. ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલું તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં ડૉ. ડોનાલ્ડ રૂકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નીહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું.ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સ્થળ મુલાકાત કરવાનું છે.

‘મટકા કિંગ’ના ટ્રેલર લૉન્ચમાં ઈવેન્ટમાં સ્ટાર્સનો જમાવડો…

મુંબઈમાં અભિનેતા વિજય વર્માની આગામી વેબ સિરીઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર રિલીઝ થયું હતું. વેબ સીરિઝમાં એક કપાસના વેપારીના મટકા કિંગ બનવાની સફર બતાવવામાં આવી છે.

મુંબઇમાં એક ઈવેન્ટમાં વેબ સિરીઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર રિલીઝ થયુ. મટકા કિંગમાં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે કૃતિકા કામરા, સાઈ તામ્હંકર, સિદ્ધાર્થ જાધવ, ભૂપેન્દ્ર જાદાવત અને ગુલશન ગ્રોવર પણ છે. ભરત જાધવ, ગિરીશ કુલકર્ણી, જેમી લીવર, કિશોર કદમ, સાયરસ સાહુકર, અર્પિતા સેઠિયા, સંભાજી તાંગડે, ઈશ્તિયાક ખાન, સંજીવ જોટાંગિયા અને સિમરન અશ્વિની પણ મહત્ત્વની ભૂમિકામાં છે.ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં વેબ સીરિઝના તમામ એક્ટર્સે હાજરી આપી હતી.

1960 ના દાયકાના બોમ્બે (હવે મુંબઈ) માં સેટ કરેલી આ સિરીઝ બ્રિજ ભટ્ટીની વાર્તા કહે છે, જે એક કપાસના વેપારી છે અને પછી ધીમે ધીમે દેશના સૌથી મોટા જુગારના ધનાઢ્ય, ‘મટકા કિંગ’ બને છે. ટ્રેલર લોંચ ઈવેન્ટમાં વિજય વર્મા સહિતની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી.વેબ સિરીઝ 17 એપ્રિલના રોજ રીલિઝ થશે.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં વિજય વર્માએ મુંબઈમાં શરૂઆતની તેની સ્ટ્રગલનો પણ ઉલ્લેખ કર્યો હતો. અભિનેતાએ જણાવ્યું હતું કે તે મુંબઈ માત્ર નજીવી રકમ, કપડા અને પુસ્તકોનું બેગ લઈ આવ્યો હતો. ગુલશન ગ્રોવરે વિજય વર્મા સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. આ વેબ સીરિઝનું નિર્દેશન સૈરાટ ફેમ ડિરેક્ટર નાગરાજ મંજુલેએ કર્યુ છે.

(તમામ તસવીરો: દીપક ધૂરી/ માનસ સોમપુરા)

TMC અને ચૂંટણી પંચની વચ્ચે કશ્મકશઃ આક્ષેપ-પ્રતિઆક્ષેપો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે. TMC અને ચૂંટણી પંચ વચ્ચેનું ટેન્શન ઓછું થવાનું નામ નથી લેતું. એક તરફ પાર્ટીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા, તો બીજી તરફ જવાબમાં ચૂંટણી પંચે પણ જાહેર રીતે TMCને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.આ ખેંચતાણ ત્યારે વધુ તીવ્ર લાગી રહી છે કારણ કે રાજ્યનાં મુખ્ય મંત્રી અને TMCનાં સર્વોચ્ચ નેતા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા નીકળ્યાં છે. હકીકતમાં, ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ, મેનકા ગુરુસ્વામી અને સાકેત ગોખલે સહિતનું TMC પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યું હતું.

ચૂંટણી પંચ પહોંચ્યા બાદ રાજ્યસભા સાંસદે આરોપ લગાવ્યો કે માત્ર સાત મિનિટની બેઠક પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે તેમને “અહીંથી બહાર નીકળી જાઓ” એવું કહ્યું હતું. બ્રાયને જણાવ્યું હતું કે અમે તેમને અત્યાર સુધી લખાયેલા નવ પત્રો બતાવ્યા, જેના કોઈ જવાબ મળ્યા નથી. અમે એવા છ ઉદાહરણો આપ્યા જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ ભાજપના પક્ષમાં નિર્ણય લઈ રહ્યા છે. અમે પૂછ્યું હતું કે આવા વાતાવરણમાં નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે શક્ય છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે જે થયું તે શરમજનક છે. અમે માગ કરીએ છીએ કે આજની બેઠકનો વિડિયો જાહેર કરવામાં આવે. આજ સુધી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરે આવું વર્તન કર્યું નથી.

આ ઘટનાક્રમ બાદ ચૂંટણી પંચે સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને TMC પર નિશાન સાધ્યું. પંચે લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભયમુક્ત, હિંસા રહિત, ધમકી રહિત, લાલચ રહિત, દરોડા રહિત અને બૂથ તથા સોર્સ જામિંગ વિના જ યોજાશે.

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે ડેરેક ઓ’બ્રાયનને પંચના કક્ષમાં શિસ્ત જાળવવાની વિનંતી કરી હતી. બૂમાબૂમ કરવી અને અભદ્ર વર્તન કરવું યોગ્ય નથી. ગૌરતલબ છે કે TMC અને ચૂંટણી પંચ વચ્ચેનો આ પ્રકારનો વિવાદ નવો નથી. પાર્ટી SIR સહિતના મુદ્દાઓ પર સતત ચૂંટણી આયોજક સંસ્થાને નિશાન બનાવતી રહી છે.

અમદાવાદ પોલીસમાં 60થી વધુ PIની આંતરિક બદલી અને પોસ્ટિંગ

અમદાવાદ: શહેરના પોલીસ બેડામાં કુલ 60થી વધુ PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે. જ્યારે બહારથી આવેલા 50થી વધુ PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

13 PIની આંતરિક બદલી
અમદાવાદ શહેર પોલીસમાં 13 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ, નિકોલ, વટવા, સરદારનગર, વાડજ, શાહપુર, સાયબર ક્રાઈમ, સીપી રીડર, EOW, વિશેષ શાખામાં ફરજ બજાવતા PIની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા પીએસઆઈમાંથી પીઆઈનાં પ્રમોશન ઓર્ડર થયા હતા. આ બદલીની સાથે પીઆઈ તરીકે પ્રમોશન મેળવેલા 4 પીઆઈને અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ, મહિલા ઈસ્ટ અને એસઓજીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા 23 ફેબ્રુઆરી 2026નાં રોજ 27 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ આર.જી સિંધુની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી, જોકે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચની રજૂઆત બાદ આ પીઆઈની બદલીનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ જી.એમ ચૌધરીની બદલી કરવામાં આવી છે.

અમેરિકા-ઈરાન સીઝફાયર પર શહબાઝ શરીફની X પોસ્ટને લઈને વિવાદ

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાન સાથે બે સપ્તાહના અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ આ “દ્વિપક્ષી સીઝફાયર” છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં આ માટે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને પણ શ્રેય આપ્યુ હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ વાત સત્તાવાર X પોસ્ટમાં કહી હતી. જોકે હવે તેઓ સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે સોશિયલ મિડિયા યુઝર્સનો આરોપ છે કે વડા પ્રધાને યુદ્ધ સંબંધિત પોસ્ટ પોતે લખી નહોતી, પરંતુ કન્ટેન્ટ કોપી-પેસ્ટ કર્યું હતું. અનેક યુઝર્સે તેમની X પોસ્ટની એડિટ હિસ્ટરી શેર કરી છે, જે દર્શાવે છે કે પોસ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. એડિટ હિસ્ટરીમાં મૂળ પોસ્ટ સાથે “Draft – Pakistan’s PM Message on X” લખેલું જોવા મળ્યું હતું.

એ પછી કથિત રીતે એડિટ ફીચરનો ઉપયોગ કરીને આ ભાગ દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ યુઝર્સ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ મેસેજ તેમને કોણે મોકલ્યો હતો, કારણ કે કોઈ પણ પાકિસ્તાની અધિકારી તેમને “પાકિસ્તાન PM” તરીકે સંબોધિત નહીં કરે.

અમેરિકાએ ઈરાનને ચેતવણી આપ્યા બાદ શહબાઝ શરીફે બંને દેશોની મધ્યસ્થતા માટે અપીલ કરી હતી. તેમણે X પોસ્ટમાં લખ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસો સતત, મજબૂત અને અસરકારક રીતે આગળ વધી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં નક્કર પરિણામોની શક્યતા છે. કૂટનીતિને કામ કરવાની તક આપવા માટે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમયમર્યાદા બે સપ્તાહ સુધી વધારવાની વિનંતી કરી હતી.

પાકિસ્તાને ઈરાનને સદ્ભાવના તરીકે આ સમયગાળા દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની પણ અપીલ કરી હતી. એ સાથે જ તમામ યુદ્ધમાં સામેલ પક્ષોને બે સપ્તાહ સુધી દરેક જગ્યાએ યુદ્ધવિરામ પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી, જેથી કૂટનીતિ યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે અને વિસ્તારમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સ્થાપિત થઈ શકે.

From Advertisements to Acting: Malhaar Rathod’s Journey

વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 5.25% પર યથાવત: RBI

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ મોટી જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ‘Neutral’ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઉભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની EMIમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત રહેશે.

ટ્રમ્પે ‘મહાયુદ્ધ’ ટાળતાં ઈરાન દ્વારા હોર્મુઝ ખોલવાનું એલાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા આગામી બે સપ્તાહ સુધી ઈરાન પર હુમલો નહીં કરે. ટ્રમ્પે હાલ માટે ઈરાન પર હુમલો ટાળતાં ઈરાને પણ રાહત આપતી જાહેરાત કરી છે અને હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) ખોલવાનો નિર્ણય લીધો છે.

ઈરાને હોર્મુઝ ખૂલ્યું

ઈરાને હોર્મુઝ ખોલવાની જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે આગામી બે સપ્તાહ સુધી હોર્મુઝ જળસંધિમાંથી જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જોકે ઈરાને એક શરત મૂકી છે કે જહાજોની દેખરેખ ઈરાની સેનાના નિયંત્રણ હેઠળ રહેશે.

તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે બે સપ્તાહની અવધિ માટે હોર્મુઝ જળસંધિમાંથી સુરક્ષિત માર્ગ ઈરાનના સશસ્ત્ર દળો સાથે સંકલન અને ટેક્નિકલ મર્યાદાઓ અંગે યોગ્ય ચર્ચા પછી જ શક્ય બનશે.

જહાજો પાસેથી ઈરાન ફી વસૂલશે?

યુદ્ધ પહેલાં આવી કોઈ “ટેક્નિકલ મર્યાદાઓ” નહોતી. દાયકાઓથી ચાલતી સમુદ્રી વ્યવસ્થા મુજબ ઈરાન અને ઓમાનના પ્રાદેશિક જળમાર્ગમાંથી દરરોજ 100થી વધુ જહાજો પસાર થતાં હતાં. જોકે આ નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઈરાન જહાજોથી કોઈ શૂલ્ક વસૂલવાનો પ્રયાસ કરશે કે નહીં, જેમ યુદ્ધ શૂલ્ક વસૂલ દરમિયાન કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પની ધમકીઓ યથાવત્

ટ્રમ્પ અગાઉ પણ સમયમર્યાદા વધારી ચૂક્યા હતા, પરંતુ મંગળવારે તેમણે સંકેત આપ્યો હતો કે રાત્રે આઠ વાગ્યાની સમયમર્યાદા અંતિમ હશે. બંને પક્ષોની આકરી નિવેદનબાજી કારણે તણાવ વધ્યો અને ઈરાનના નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ જળસંધિને સંપૂર્ણ રીતે નહીં ખોલે તો તેના તમામ વીજ ઉત્પાદન કેન્દ્રો અને પૂલોને નષ્ટ કરી દેવામાં આવશે. શાંતિના સમયમાં વિશ્વના લગભગ 20 ટકા તેલનું પરિવહન આ જળમાર્ગથી થાય છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે જરૂરી પડ્યે ઈરાનની સંપૂર્ણ સંસ્કૃતિને પણ નષ્ટ કરી દેવામાં આવશે.

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામથી ભારતીય શેર બજારમાં તેજી

મુંબઈ: બે અઠવાડિયાના યુએસ-ઈરાન યુદ્ધવિરામની સીધી અસર શેરબજાર પર પડી છે. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના સમયે 2,700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ શરૂઆતના સમયે 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. વૈશ્વિક બજારમાં મજબૂત તેજી વચ્ચે, શેરબજાર માટે પહેલાંથી જ સકારાત્મક સંકેતો મળી રહ્યા હતા.

 

બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE) 77,290 પર ખુલ્યો, જે તેના અગાઉના 74,616.58 ના બંધથી ઉપર હતો. થોડી જ સેકન્ડોમાં, તેણે ગતિ ઝડપી બનાવીને 77,392 પર પહોંચી ગઈ. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની વાત કરીએ તો ૫૦ શેરનો ઇન્ડેક્સ ૨૩,૮૫૫ પર ખુલ્યો. જે તેના અગાઉના બંધ ૨૩,૧૨૩.૬૫થી વધુ હતો. પછી સેન્સેક્સની સાથે મળીને તે ૮૦૦ પોઈન્ટ વધીને ૨૩,૯૩૮ પર પહોંચ્યો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો થવાથી તેલ સંકટના કારણે તણાવ ઓછો થયો છે. જે આ વધારા પાછળનું મુખ્ય કારણ છે.