આદિત્ય બિરલા ગ્રૂપે ‘ઇન્ડિયન નેશનલ થિયેટર’ને નવું સ્વરૂપ આપ્યું

મુંબઈ: આદિત્ય બિરલા ગ્રૂપે ભારતની પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સાંસ્કૃતિક સંસ્થાઓ પૈકીની એક ‘ઈન્ડિયન નેશનલ થિયેટર’ (INT)ને એક નવું રૂપ આપ્યું. નવા ઉદ્દેશ્ય સાથે ‘INT આદિત્ય બિરલા પરફોર્મિંગ આર્ટ્સ એકેડેમી’ના ભવ્ય પ્રારંભની જાહેરાત કરવામાં આવી. ભારતની આઝાદી પહેલાના સમયથી કલાકારોની પેઢીઓ ઘડનારી આ સંસ્થા માટે આ એક નવા અને સુવર્ણ અધ્યાયની શરૂઆત છે.આ પ્રતિષ્ઠિત એકેડેમીનું ઉદ્ઘાટન એકેડેમીના ચેરપર્સન રાજશ્રી બિરલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા તેમજ નીરજા બિરલા, અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પેઢીઓથી આ ગ્રૂપે શાળાઓ, હોસ્પિટલો અને સાંસ્કૃતિક મંચો દ્વારા રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને INTનું આ નવું સ્વરૂપ તે જ વારસાનું વિસ્તરણ છે. આ એકેડેમી થિયેટર (નાટક), સંગીત અને નૃત્ય ક્ષેત્રે નવી પ્રતિભાઓને નિખારશે તેમજ ભારતીય સંસ્કૃતિના મૂળને જાળવી રાખતાં નવા પ્રયોગોને પ્રોત્સાહન આપશે.રાજશ્રી બિરલાએ જણાવ્યું હતું કે, “INT આદિત્ય બિરલા પરફોર્મિંગ આર્ટ્સ એકેડેમી એ ભારતની અસાધારણ કલાત્મક વિરાસત અને કલાકારોને અમારી આદરપૂર્વકની અંજલિ છે. અમારી ઈચ્છા એક એવી સંસ્થા બનાવવાની છે જે આપણા ક્લાસિકલ ફાઉન્ડેશનનું સન્માન કરે, આધુનિક અભિવ્યક્તિને આવકારે અને ઉભરતી કલા-પ્રતિભાઓ માટે નવા દ્વાર ખોલે.”

એકેડેમીની એડવાઈઝરી કાઉન્સિલમાં ઉસ્તાદ અમજદ અલી ખાન, શંકર મહાદેવન, લૂઈઝ બેન્ક્સ, સિદ્ધાર્થ રોય કપૂર અને ટેરેન્સ લેવિસ જેવા ખ્યાતનામ કલાકારો સામેલ છે. ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જાણીતા કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે સાયરસ સાહુકાર સાથે રસપ્રદ સંવાદ સાધ્યો હતો. જ્યારે પ્રચલિત ગાયિકા કૌશિકી ચક્રવર્તીએ નૂરજહાં, શોભા ગુર્તુ, કિશોરી અમોનકર અને બેગમ અખ્તરને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પી હતી.

૧૯૪૦ના દાયકામાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં સ્થપાયેલી INTએ ભૂતકાળમાં પી. એલ. દેશપાંડે, અમરીશ પુરી, સ્મિતા પાટીલ, સંજીવ કુમાર અને પરેશ રાવલ જેવા દિગ્ગજો આપ્યા છે. હવે આ એકેડેમી અંતર્ગત એક ખાસ ‘આર્કાઇવલ સેન્ટર’ સ્થાપવાની પણ યોજના છે, જે ભવિષ્યની પેઢીઓ માટે દુર્લભ મ્યુઝિકલ રેકોર્ડિંગ્સ અને નાટકોને સંગ્રહિત કરશે. એક નોન-પ્રોફિટ સંસ્થા તરીકે આ એકેડેમી શિક્ષણ અને સામુદાયિક જોડાણ દ્વારા કલાને સમાજના વંચિત વર્ગો સુધી પહોંચાડીને સામાજિક સમાનતાનું માધ્યમ બનશે.