દેશને નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો શુભારંભ કરવામાં આવ્યો છે. રવિવાર, 2 ઓગસ્ટ 2026ના રોજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે આ રાષ્ટ્રીય મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થયો હતો.
આ રાષ્ટ્રીય કાર્યક્રમની સાથે ગુજરાત સ્તરીય અભિયાનનું ઉદ્ઘાટન સાબરકાંઠાના તાલોદ તાલુકા સ્થિત બ્રહ્માકુમારીઝના ‘ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર’ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ દેશવ્યાપી મહાઅભિયાન આગામી 6 થી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર ભારતમાં તથા 6 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ગામેગામ યોજાશે.

દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યસ્મૃતિને સમર્પિત
અભિયાન અંગે માહિતી આપતાં અમદાવાદ મણિનગર સબઝોનનાં મુખ્ય સંચાલિકા બી.કે. ડૉ. નેહા બહેને જણાવ્યું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યસ્મૃતિને સમર્પિત છે. અભિયાનનો મુખ્ય હેતુ દેશના 10 કરોડથી વધુ નાગરિકો અને યુવાનોને નશામુક્તિનો સંકલ્પ કરાવી જનજાગૃતિ ફેલાવવાનો, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારી વધારવાનો છે.
મહાનુભાવો અને કેડેટ્સની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
તાલોદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સહાયક નિયામક ચંદાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલોદના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, રાજ્યના આરોગ્ય વિભાગના નોડલ અધિકારી અજય ચૌહાણ, મણિનગર સબઝોનની નિર્દેશિકા બી.કે. ડૉ. નેહા બહેન, મેડિકલ પ્રભાગના સંયોજક ડૉ. મુકેશ પટેલ તથા ઇન્દ્રપ્રસ્થ ગ્લોબલ રિટ્રીટ સેન્ટરના નિયામક વિનય શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બી.કે. નંદા બહેન દ્વારા તમામ ઉપસ્થિતોને નશામુક્ત જીવન માટેની પાંચ સૂત્રીય પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઝુંબેશની સફળતા માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
શાળાઓથી લઈને ગ્રામ પંચાયતો સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
બ્રહ્માકુમારીઝના મીડિયા પ્રભાગના પ્રવક્તા ડૉ. નંદિની બહેને જણાવ્યા મુજબ, અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય અને દેશની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, ઔદ્યોગિક એકમો, ગ્રામ પંચાયતો અને સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાદાયી વ્યાખ્યાનો, જાગૃતિ રેલીઓ અને પ્રતિજ્ઞા સભાઓનું આયોજન કરાશે.
ડિજિટલ માધ્યમથી કેવી રીતે જોડાશો?
દેશનો કોઈ પણ નાગરિક આ ઐતિહાસિક અભિયાનમાં ઘરે બેઠા જોડાઈ શકે છે. તેના માટે QR કોડ સ્કેન કરીને અથવા સત્તાવાર WhatsApp નંબર 9414154000 પર “PLEDGE” લખીને પોતાની નશામુક્તિ પ્રતિજ્ઞા નોંધાવી શકે છે. વધુ માહિતી માટે મીડિયા પ્રભાગ સંયોજિકા બી.કે. ડૉ. નંદિની બહેનનો મો. 9426708448 અથવા 7990934912 પર સંપર્ક કરી શકાશે.

