Home Blog Page 138

સીઝફાયર પર સંકટઃ ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો

નવી દિલ્હીઃ યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું સીઝફાયર થયું છે, પરંતુ હવે તેના ટકાઉપણાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સવાલ એ છે કે શું આ સીઝફાયર લાંબું ચાલશે? કારણ એ છે કે ઇઝરાયલે સિદ્ધાંતરૂપે સીઝફાયર સ્વીકાર્યો હોવા છતાં તે સંપૂર્ણ રીતે તેને લઈને સંતોષમાં નથી. સીઝફાયર જાહેરાત બાદ ઇઝરાયલે લેબેનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવી ભારે હવાઈ હુમલા કર્યા છે. અહેવાલો મુજબ હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધો છે.

લેબેનોનના જણાવ્યાનુસાર ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 182 લોકોનાં મોત થયાં છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચેના તાજેતરના મોટા સંઘર્ષોમાં આ હુમલો મહત્વનો માનવામાં આવે છે.

 ઇસ્લામાબાદમાં સીઝફાયર અંગે ચર્ચા

એ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારથી અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર સંબંધિત વિગતો પર ચર્ચા થવાની છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપપ્રમુખ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે, જેની વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે. ઈરાને પણ ચર્ચામાં ભાગ લેવા સંમતિ આપી છે.

એથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો સીઝફાયર આગળ વધારવા તૈયાર છે, પરંતુ લેબેનોન પર ઇઝરાયલના હુમલાઓ પછી તેના ભવિષ્ય અંગે અટકળો વધી ગઈ છે. હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને બુધવારે ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવાનું કહેવાય છે. અમેરિકા તરફથી ઈરાનને વૈશ્વિક ઓઇલ પરિવહન માટે મહત્વપૂર્ણ આ માર્ગ તાત્કાલિક  ખોલવાની માગ કરવામાં આવી છે.

 ઈરાનનો આરોપ – સીઝફાયરની ત્રણ શરતોનો ભંગ

અહેવાલો મુજબ લેબેનાન અને હિઝબુલ્લા પર હુમલાઓથી ઈરાન નારાજ છે. ઈરાનનો દાવો છે કે સીઝફાયરની ત્રણ શરતો તોડવામાં આવી છે:

  1. લેબેનોનમાં સીઝફાયરનો ભંગ થયો
  2. ઈરાન પર હુમલો નહીં કરવાની શરત છતાં એક ડ્રોને ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જેને ફાર્સ પ્રાંતના લાર શહેર પાસે તોડી પાડવામાં આવ્યો.
  3. ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને નકારી કાઢવામાં આવ્યો, જ્યારે તે સીઝફાયરની છઠ્ઠી શરતમાં સામેલ હતો.

ઈરાની સંસદના અધ્યક્ષ બાગેર ગાલિબાફે કહ્યું કે 10 મુખ્ય શરતોમાંથી ત્રણના ભંગ પછી સીઝફાયર અને ચર્ચા બંનેનો અર્થ નથી રહ્યો.

પંચાંગ 09/04/2026

૦૯ એપ્રિલ ૨૦૨૬

Nutshell in 99

વોટિંગ પહેલાં ‘કેશ ફોર વોટ’ વિવાદઃ કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કેરળ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. કોંગ્રેસના નેતા વી.ડી. સતીશને એક કથિત વિડિયો જાહેર કરીને મોટો આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરો મતને બદલે પૈસા વહેંચી રહ્યા છે. તેમના કહેવા મુજબ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વૃદ્ધ મહિલાને પૈસા આપવામાં આવી રહ્યા છે અને આ બધું પાર્ટીના ઉમેદવારની હાજરીમાં થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આ મામલો માત્ર એક બેઠક સુધી સીમિત નથી, પરંતુ અનેક મતવિસ્તારોમાં મહિલાઓને પૈસા અને સાડીઓ વહેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેરળમાં આ પહેલી વાર થઈ રહ્યું છે અને ભાજપ મતદારોને પ્રભાવિત કરવા માટે નવી રીત અપનાવી રહ્યો છે. તેમના મુજબ આ લોકશાહી પ્રક્રિયાને અસર કરવાનો ગંભીર પ્રયાસ છે, જેને અવગણવામાં આવી શકે નહીં.

કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચ પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સંબંધિત અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો પાર્ટી કાનૂની માર્ગ અપનાવશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં આવી પ્રવૃત્તિઓ ચૂંટણીઆચાર સંહિતાનો ખુલ્લો ભંગ છે.

અલાપ્પુઝામાં કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે પણ પલક્કડમાં પૈસા વહેંચવાના આરોપોને “ચોંકાવનારા” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ અને વિડિયોમાં ઉમેદવારની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે. ચૂંટણી નિષ્પક્ષ રહે એ માટે તેમણે ચૂંટણી પંચ પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છીએ.

કોંગ્રેસ-એલડીએફના આરોપો ખોટા: ભાજપનો જવાબ

એસ. સુરેશે કોંગ્રેસ અને એલડીએફના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતાં પલક્કડમાં ભાજપની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું હતું કે પલક્કડની જનતાએ નક્કી કરી લીધું છે કે અહીંથી ભાજપનો ધારાસભ્ય બનશે, તેથી કોંગ્રેસ ડરીને ભ્રામક નિવેદનો આપી રહી છે.

મહિલાઓને પૈસા વહેંચવાના આરોપો અંગે તેમણે કહ્યું હતું કે આ ગંભીર આરોપો નથી અને સંબંધિત મહિલાએ પોતે સ્પષ્ટ કર્યું છે કે ભાજપે કોઈ પૈસા આપ્યા નથી. તેમણે કોંગ્રેસ અને એલડીએફ પર હારના ભયથી ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પલક્કડમાં જીત નિશ્ચિત છે.

આ છે અમદાવાદની ગાંધર્વ વાવ…

અમદાવાદ શહેરના કાલુપુર બ્રિજથી સરસપુર તરફ જતાં શારદાબેન હોસ્પિટલની નજીક આવેલી ફૂલચંદની જૂની ચાલી પાસે એક ઐતિહાસિક સુંદર વાવ આવેલી છે. આ વાવની સારસંભાળ અત્યારે સરસપુર સેવા ટ્રસ્ટ કરે છે. બે માળની આ વાવમાં અત્યારે જૂદા જુદા મંદિરો છે. સમયની સાથે આ પૌરાણિક વાવમાં સ્થાનિકો દ્વારા કેટલાય ફેરફારો પણ કરાયા છે.

નંદા પ્રકારની આ વાવનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં અને કૂવો પશ્ચિમ દિશામાં આવેલો છે. વાવમાં પહેલા કૂટથી લઈને બીજા કૂટના પહેલા માળ સુધી જવા માટેનો એક પથ આપવામાં આવ્યો છે. એની ઉપરનો ભાગ તેમજ નીચે ઉતરતા જ અલગ અલગ સુંદર બાંધકામ જોવા મળે છે. વાવના પ્રવેશદ્વાર અને કમાનને જોતાં તે મુઘલોના સમયની હોવાનું અનુમાન છે. આમ તો વાવ એક પાણીના સંગ્રહ માટેનું સ્થળ હોય છે, પરંતુ અહીં પાણીનો સ્ત્રોત રાખી શકાય એ જગ્યા પર સ્ટ્રક્ચર ઉભુ કરી દેવામાં આવ્યું છે. એવી છે કે, સરસપુરના મુખ્ય માર્ગ વચ્ચે આવેલું આ સ્થાપત્ય ચાલીઓ, ફેરિયા, શાકમાર્કેટ વચ્ચે શોધવું પડે એમ છે!

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઈરાન યુદ્ધવિરામથી સેન્સેક્સ 2947 અંક ઊછળ્યો

અમદાવાદઃ એશિયાઈ બજારોમાં જોરદાર તેજી વચ્ચે ઘરેલુ શેરબજાર ભારે ઉછાળા સાથે બંધ થયું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ વિશ્વભરનાં શેરબજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો. આ સાથે નિફ્ટીએ ટ્રેડિંગ સેશનમાં 24,000ને પાર કરી લીધો હતો. નિફ્ટી બેન્કમાં પાંચ વર્ષની સૌથી મોટી તેજી આવી હતી. BSEની લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 16 લાખ કરોડનો વધારો થયો હતો. નિફ્ટી 500ના 150થી વધુ શેરોમાં પાંચ ટકા કરતાં વધુ તેજી થઈ હતી.આ સાથે ઇન્ડેક્સ હેવી વેઇટ HDFC બેંક, ICICI બેંક, L&T અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરોમાં તેજીથી બજારને સહારો મળ્યો.

BSE સેન્સેક્સ 3 ટકાથી વધુ વધારા સાથે 77,290 પર ખૂલ્યો હતો, ટ્રેડિંગ દરમિયાન તે 77,635 સુધી પહોંચ્યો હતો. અંતે સેન્સેક્સ 2946.32 પોઇન્ટના ઉછાળા સાથે 77,562.90 પર બંધ થયો હતો. એ  જ રીતે નિફ્ટી-50 873.70 પોઇન્ટ ઊછળી 23,997.35 પર બંધ થયો હતો.બજારના વિશ્લેષકે જણાવ્યું હતું કે  યુદ્ધવિરામને વિસ્તૃત પ્રાદેશિક સ્થિરતા તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. હોર્મુઝ જલડમરુમધ્ય ફરી ખૂલવાથી ભારતને તાત્કાલિક ફાયદો થયો છે. જેને કારણે FY27ની આવક (EPS) વૃદ્ધિ પરના નકારાત્મક જોખમમાં ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સેન્ટિમેન્ટમાં આવેલા સુધારાને કારણે 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રૂપિયા મજબૂત થયો છે. આરબીઆઈએ નીતિ દર યથાવત રાખવાનો નિર્ણય લેતાં નાણાકીય શેરોને વધુ સપોર્ટ મળ્યો છે..

 વ્યાજદર 5.25 ટકા પર યથાવત

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ (MPC) બુધવારે નીતિ દર અંગેનો નિર્ણય જાહેર કર્યો. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સમિતિએ સર્વસંમતિથી રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મધ્યપૂર્વના તણાવને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) દર 5% પર જ રાખવામાં આવ્યો છે.

 વેલ્યુ બાયિંગમાં વધારો

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધવિરામની ખબર પછી રોકાણકારોમાં જોખમ લેવાની ભાવના વધી અને બજારમાં વ્યાપક વેલ્યુ બાયિંગ જોવા મળી. સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં પણ ઉછાળો નોંધાયો.

ઇન્ડિયા VIXમાં ઘટાડો

બજારમાં ભય અને અનિશ્ચિતતાનું માપદંડ માનવામાં આવતો ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) 5 ટકા ઘટીને 19.85 પર આવી ગયો. આ ઘટાડો બજારમાં અનિશ્ચિતતા ઓછી થવાનો અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો થવાનો સંકેત આપે છે, જે તેજી માટે સકારાત્મક માનવામાં આવે છે.

ગિફ્ટ સિટી ફંડ ઇકોસિસ્ટમમાં કેપિટલ કમિટમેન્ટ્સમાં 60 ગણો વધારો

ગાંધીનગર: છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતાં ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે, જે અંદાજે 60 ગણો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ ગિફ્ટ સિટીની ભારત કેન્દ્રિત તેમજ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાઓ બંને માટેના પ્લેટફોર્મ તરીકે ઝડપથી વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.આ વિસ્તરણ ભાગીદારોની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (FME)ની સંખ્યા માર્ચ 2020માં 8 હતી. જે વધીને હાલમાં 202 થઈ છે, જે 25 ગણો વધારો દર્શાવે છે. આ સાથે, ફંડ સ્કીમોની સંખ્યા 10 કરતાં ઓછી હતી તે વધીને 313 થઈ છે. જે પ્રોડક્ટ ઓફરિંગ અને રોકાણ વ્યૂહરચનાઓમાં ઝડપી વધારો દર્શાવે છે. ગિફ્ટ સિટી આધારિત ફંડ્સે કુલ 17.34 અબજ ડોલરની મૂડી એકત્ર કરી છે. જેમાંથી અંદાજે 17 અબજ ડોલરનું પહેલેથી જ રોકાણ થઈ ચૂક્યું છે.

આ અંગે આદિત્ય બિરલા સન લાઇફ એ.એમ.સી. લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ.એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીનું સશક્ત ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ તરીકે વિકસવું ભારતની ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની યાત્રામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. એબીએસએલએએમસી માટે ગિફ્ટ આઈએફએસસીએ વિવિધતા ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ લોન્ચ કરવા, વૈશ્વિક અને એનઆરઆઇ રોકાણકારોને વધુ અસરકારક રીતે સેવાઓ આપવા અને સ્થાનિક રોકાણકારોનો વિદેશી તકોમાં પ્રવેશ સુલભ બનાવવા માટે મજબૂત ગેટવે પૂરો પાડ્યો છે. અમે ઓફશોર એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં સ્કેલ વધારવા અને વૈશ્વિક રોકાણ ક્ષમતાઓ વિસ્તૃત કરવા પ્રતિબદ્ધ છીએ.”આ ઉપરાંત, કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સી.આઈ.ઓ. વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી આધારિત અમારું ઓફશોર ઇનબાઉન્ડ ફંડ સરળતાથી કામ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટીને માત્ર ભારત માટેના ગેટવે તરીકે નહીં, પરંતુ પહેલેથી જ સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે જોઇએ છીએ, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારની કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનાત્મક માહોલ સાથે ગિફ્ટ સિટી અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.”

ભાગીદારો, મૂડી અને મૂડીરોકાણમાં સતત વૃદ્ધિ સાથે ગિફ્ટ સિટી વૈશ્વિક રીતે જોડાયેલા ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી રહી છે, જે ઇનબાઉન્ડ તેમજ આઉટબાઉન્ડ બંને પ્રકારના રોકાણ પ્રવાહોને ટેકો આપે છે.

ઓનલાઇન મિત્રતાઃ એક કરોડ રૂપિયાની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ

બેંગલુરુઃ પોલીસે મંગળવારે બે એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે સોશિયલ મિડિયા પર એક મહિલાની સાથે પહેલા મિત્રતા કરી અને પછી ધમકીઓ આપીને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ હડપ કરી લીધી હતી. મહિલાનો આરોપ છે કે આરોપીઓએ તેની પાસેથી 85.65 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 20 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ પીડિતા કે.આર. પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તે લગભગ દોઢ વર્ષથી મુખ્ય આરોપી મહેશના સંપર્કમાં હતી. બંને વચ્ચેનો સંપર્ક સ્નેપચેટ દ્વારા શરૂ થયો હતો. શરૂઆતમાં આ મિત્રતા સામાન્ય લાગી હતી, પરંતુ ધીમે-ધીમે તે માનસિક દબાણ અને બ્લેકમેલ સુધી પહોંચી ગઈ હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહેશ અને તેનો સાથી સ્વામી વિશ્વનાથ મહિલાનો વિશ્વાસ જીત્યા પછી પૈસા અને દાગીનાં માટે દબાણ કરવા લાગ્યા હતા. મહેશ સમયાંતરે મહિલાને મળવા આવતો અને ધીમે-ધીમે રોકડ અને દાગીના લઈ જતો રહ્યો. બાદમાં તેણે માગની રકમ અને મુલાકાતો- બંને વધારી દીધાં.

પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાના ખાનગી વિડિયો કોલના સ્ક્રીનશોટ અને વિડિયો પણ રેકોર્ડ કર્યા હતા અને તેનો ઉપયોગ ધમકી આપી પૈસા વસૂલવા માટે કર્યો હતો. સતત ધમકીઓને કારણે મહિલાને લગભગ એક કિલો સોનાના દાગીના અને 20 લાખ રૂપિયા રોકડા આપવા પડ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ લાંબા સમય સુધી પીડિતાનો વિશ્વાસ જીત્યો અને વારંવાર મળી દાગીના અને પૈસા લીધા. જ્યારે મહિલાએ દાગીના પાછા માગ્યા ત્યારે ઇનકાર કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો. ખાનગી વિડિયોની મદદથી પણ ધમકીઓ આપવામાં આવી હતી.

ટેક્નિકલ માહિતીના આધારે પોલીસે ત્રીજી માર્ચે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના કોન્ડુર ગામમાંથી મહેશની ધરપકડ કર્યો. પૂછપરછ દરમિયાન તેણે ગુનો સ્વીકારી લીધો અને સાથી સ્વામી વિશ્વનાથની ભૂમિકા અંગે માહિતી આપી. ત્યાર બાદ 19 માર્ચે આંધ્ર પ્રદેશના અનંતપુરમાંથી સ્વામી વિશ્વનાથની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધથી સૌથી વધુ કોણ બરબાદ?

નવી દિલ્હી: ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલેલા યુદ્ધે વિશ્વના અનેક દેશોને આર્થિક અને માનવીય સંકટની કગાર પર પહોંચાડી દીધા છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી માત્ર જાનહાનિ જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી છે. એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા આ સંઘર્ષે ભારે વિનાશ સર્જ્યો છે. હવે બંને પક્ષો વચ્ચે સીઝફાયર પર સહમતી બની છે. આ યુદ્ધને કારણે વિશ્વની GDPને અંદાજે રૂ. 54.88 લાખ કરોડ જેટલું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. વોલ સ્ટ્રીટથી માંડીને દલાલ સ્ટ્રીટ સુધી બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

ઈરાનમાં સૌથી વધુ વિનાશ — માનવીય અને આર્થિક આંચકો

યુદ્ધની સૌથી મોટી કિંમત ઈરાન ચૂકવી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ અને મિસાઈલ હુમલાઓથી દેશ ગંભીર રીતે પ્રભાવિત થયો છે.

  • અત્યાર સુધી 4000થી વધુ લોકોનાં મોત
  • 25,000થી વધુ લોકો ઘાયલ
  • શાળાઓ, હોસ્પિટલો અને ઐતિહાસિક ઇમારતો નષ્ટ

 અમેરિકાને કેટલું નુકસાન?

* યુદ્ધ ઈરાનની જમીન પર ચાલતું હોવા છતાં અમેરિકા પણ ભારે ખર્ચ ઉઠાવી રહ્યું છે.

* CSIS મુજબ અત્યાર સુધી લગભગ $ 80.4 બિલિયન (₹ 7.49 લાખ કરોડ) ખર્ચાઈ ચૂક્યા

* ‘ફોર્ચ્યુન’ વિશ્લેષણ મુજબ સંઘર્ષ ચાલુ રહ્યો તો નુકસાન $210 બિલિયન સુધી પહોંચી શકે

* વેપાર અને ઊર્જા બજારના વિક્ષેપથી અંદાજે $ 115 બિલિયનની આર્થિક અસર

 ખાડી દેશો પર યુદ્ધની અસર

UAE અને સાઉદી અરેબિયા

* સાઉદી GDPમાં 3 ટકા ઘટાડાનો અંદાજ

* UAE GDPમાં 5 ટકા ઘટાડાનો ખતરો

* UAE શેરબજારને રૂ. 10 લાખ કરોડથી વધુ નુકસાન

* તેલ ઉત્પાદન ઘટ્યું

 

 

 ભારતીય બજાર પર અસર

ભારત પર સીધી સૈનિક અસર નથી, પરંતુ આર્થિક અસર સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે.

* શેરબજારમાં ભારે ઘટાડો — રોકાણકારોના રૂ. 37 લાખ કરોડ ડૂબ્યા

* LPGની અછતના અહેવાલ

* પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો (પેનિક બાયિંગ)

* ખાનગી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા

* સરકારે એક્સાઈઝ ડ્યૂટી રૂ. 10 પ્રતિ લિટર ઘટાડી

* ક્રૂડ ઓઈલ ભાવ $ 69થી વધીને $ 125.88 પ્રતિ બેરલ