સીઝફાયર પર સંકટઃ ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો

નવી દિલ્હીઃ યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું સીઝફાયર થયું છે, પરંતુ હવે તેના ટકાઉપણાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સવાલ એ છે કે શું આ સીઝફાયર લાંબું ચાલશે? કારણ એ છે કે ઇઝરાયલે સિદ્ધાંતરૂપે સીઝફાયર સ્વીકાર્યો હોવા છતાં તે સંપૂર્ણ રીતે તેને લઈને સંતોષમાં નથી. સીઝફાયર જાહેરાત બાદ ઇઝરાયલે લેબેનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવી ભારે હવાઈ હુમલા કર્યા છે. અહેવાલો મુજબ હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધો છે.

લેબેનોનના જણાવ્યાનુસાર ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 182 લોકોનાં મોત થયાં છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચેના તાજેતરના મોટા સંઘર્ષોમાં આ હુમલો મહત્વનો માનવામાં આવે છે.

 ઇસ્લામાબાદમાં સીઝફાયર અંગે ચર્ચા

એ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારથી અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર સંબંધિત વિગતો પર ચર્ચા થવાની છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપપ્રમુખ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે, જેની વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે. ઈરાને પણ ચર્ચામાં ભાગ લેવા સંમતિ આપી છે.

એથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો સીઝફાયર આગળ વધારવા તૈયાર છે, પરંતુ લેબેનોન પર ઇઝરાયલના હુમલાઓ પછી તેના ભવિષ્ય અંગે અટકળો વધી ગઈ છે. હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને બુધવારે ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવાનું કહેવાય છે. અમેરિકા તરફથી ઈરાનને વૈશ્વિક ઓઇલ પરિવહન માટે મહત્વપૂર્ણ આ માર્ગ તાત્કાલિક  ખોલવાની માગ કરવામાં આવી છે.

 ઈરાનનો આરોપ – સીઝફાયરની ત્રણ શરતોનો ભંગ

અહેવાલો મુજબ લેબેનાન અને હિઝબુલ્લા પર હુમલાઓથી ઈરાન નારાજ છે. ઈરાનનો દાવો છે કે સીઝફાયરની ત્રણ શરતો તોડવામાં આવી છે:

  1. લેબેનોનમાં સીઝફાયરનો ભંગ થયો
  2. ઈરાન પર હુમલો નહીં કરવાની શરત છતાં એક ડ્રોને ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જેને ફાર્સ પ્રાંતના લાર શહેર પાસે તોડી પાડવામાં આવ્યો.
  3. ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને નકારી કાઢવામાં આવ્યો, જ્યારે તે સીઝફાયરની છઠ્ઠી શરતમાં સામેલ હતો.

ઈરાની સંસદના અધ્યક્ષ બાગેર ગાલિબાફે કહ્યું કે 10 મુખ્ય શરતોમાંથી ત્રણના ભંગ પછી સીઝફાયર અને ચર્ચા બંનેનો અર્થ નથી રહ્યો.