હોલીવુડ અભિનેતા માઈકલ પેટ્રિકનું મોટર ન્યુરોન રોગ સામે લડ્યા બાદ 35 વર્ષની વયે અવસાન થયું છે. તેમની પત્નીએ તેમના મૃત્યુની જાહેરાત કરી છે.
‘ગેમ ઓફ થ્રોન્સ’ સીરિઝમાં તેમની ભૂમિકા માટે જાણીતા અભિનેતા માઈકલ પેટ્રિકનું નિધન થયું છે. તેઓ 35 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી મોટર ન્યુરોન રોગ સામે લડી રહ્યા હતા. તેમની પત્ની નાઓમી શીહાને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી.
માઈકલ પેટ્રિકને આ ખતરનાક બીમારી ક્યારે થઈ?
ફેબ્રુઆરી 2023 માં આઇરિશ અભિનેતા માઈકલ પેટ્રિકને મોટર ન્યુરોન રોગ હોવાનું નિદાન થયું હતું. આ એક ગંભીર બીમારી છે જે શ્વાસ લેવો, બોલવુ અને હલનચલન કરવામાં મુશ્કેલી થાય છે.
માઈકલની પત્નીએ તેમના મૃત્યુની જાહેરાત કરી
નાઓમીએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો લગ્નનો ફોટો શેર કરીને લખ્યું,”મિકનું ગઈકાલે રાત્રે ઉત્તરી આયર્લેન્ડના એક ધર્મશાળામાં અવસાન થયું. તેમને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવાર અને મિત્રોની હાજરીમાં શાંતિથી તેમણે વિદાય લીધી.”
તેણીએ આગળ લખ્યું “આપણે કેટલા દુઃખી છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. મિક દરેક માટે પ્રેરણારૂપ હતો. તે હંમેશા આનંદથી ભરેલો, હસતો અને સોનેરી વાળવાળો માણસ હતો. તે સંપૂર્ણ રીતે જીવન જીવતો હતો.” નાઓમીએ એક મીઠો સંદેશ પણ શેર કર્યો, જેમાં કહ્યું,મિકને બ્રેન્ડન બેહાનનું આ વાક્ય ખૂબ ગમતું’દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ છે,કંઈક ખોવા માટે હોય, કંઈક પીવા માટે હોય, અને એક એવી વ્યક્તિ જે તમને પ્રેમ કરે.’
માઈકલ પેટ્રિકની કારકિર્દી
અભિનેતા માઈકલ પેટ્રિકે “ધીસ ટાઉન,” “બ્લુ લાઈટ્સ,” “માય લેફ્ટ નટ,” અને ડચ સીરિયલ “ધ સ્પેક્ટેક્યુલર” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે RTE ના “બ્લાસ્ટ્સ ફ્રોમ ધ પાસ્ટ” અને “બર્નાર્ડ ડનના મિથિકલ હીરોઝ” માં પણ મુખ્ય ભૂમિકાઓમાં દેખાયા છે. વધુમાં, માઈકલે લોકપ્રિય ટીવી સીરિઝ “ગેમ ઓફ થ્રોન્સ” ની છઠ્ઠી સીઝનના “ધ બ્રોકન મેન” એપિસોડમાં વાઇલ્ડલિંગ રાયટર તરીકે એક નાની પણ યાદગાર ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં વધતા ઊર્જા સંકટ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ દક્ષિણ એશિયાના દેશો- ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ માટે એક ખૂબ આકર્ષક પરંતુ જોખમી પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધ લાગેલા પોતાના ગેસ પ્લાન્ટમાંથી રશિયા LNG વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા સપ્તાહે રશિયાએ આ શિપમેન્ટ્સ પર બજાર ભાવ કરતાં લગભગ 40 ટકા સુધીની ભારે છૂટ આપવાની ઓફર કરી છે. આ ઓફર ત્યારે આવી છે જ્યારે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) બંધ થવા અને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર હુમલાઓને કારણે વિશ્વભરમાં ગેસ સપ્લાય લગભગ 20 ટકા સુધી ઘટી ગયો છે, જેને કારણે કિંમતો આસમાને પહોંચી ગઈ છે.
રશિયાની ઓફર શું છે?
રશિયા આ વેપાર સીધો નહીં પરંતુ ચીન અને રશિયામાં આવેલી ઓછી જાણીતી મધ્યસ્થી કંપનીઓ મારફતે કરવા માગે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીઓ એવા દસ્તાવેજો (Paperwork) તૈયાર કરવાની ખાતરી આપી રહી છે જેથી ગેસ રશિયાની નહીં, પરંતુ ઓમાન અથવા નાઇજિરિયા જેવા દેશોમાંથી આવી હોવાનું દેખાય.
હકીકતમાં કતાર તરફથી ગેસ સપ્લાય બંધ થવાને કારણે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને મજબૂરીમાં ખૂબ મોંઘો ગેસ ખરીદવો પડી રહ્યો છે. બાંગ્લાદેશ, જે પોતાની લગભગ 60% ગેસ કતાર પાસેથી લેતું હતું, હવે સ્પોટ માર્કેટમાંથી બમણી કિંમતે ગેસ ખરીદી રહ્યું છે, જેની સીધા અસર ખાતર કારખાનાઓ અને વીજ ઉત્પાદન પર પડી છે.
હવે રશિયા ચીન સિવાય અન્ય દેશોને ગ્રાહક બનાવી પોતાની અર્થતંત્રને ટેકો આપવા માગે છે, પરંતુ અમેરિકાના દબાણના કારણે મોટા ભાગના ખરીદદારો હજુ અંતર જાળવી રહ્યા છે. જો ભારત અને બાંગ્લાદેશ આ ડીલ સ્વીકારશે, તો તેમને સસ્તી ગેસ મળશે અને ઔદ્યોગિક સંકટ ટળી શકે છે, પરંતુ સાથે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક દબાણનું જોખમ પણ વધશે.
રાજકોટ: શહેરના મધ્ય વિસ્તારમાં સ્થિત સરકાર માન્ય “કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ”નો સર્વાંગી નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જે માટે જૈન દાતાઓ દ્વારા આશરે રૂ. એક કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. જેનાથી શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તાજેતરમાં શાળાના પ્રાર્થનાખંડને પ્રફુલભાઈ જસાણી અને દેવલબેન અચ્યુતભાઈ જસાણીના અનુદાનથી માતૃથી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી ઓડિટોરિયમ જે સંપૂર્ણપણે એરકન્ડિશન બનાવાયો છે. તેનું ઉદ્ઘાટન જસાણી પરિવારના શુભ કરકમલો દ્વારા ભવ્ય રીતે સંપન્ન થયું હતું.આ શાળામાં ધો. ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી ૭૦૦થી વધુ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક વર્ષ અગાઉ શાળાની પરિસ્થિતિ ધ્યાનમાં આવતા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન તથા સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન દ્વારા એક નોંધપાત્ર પહેલ કરાઈ. આ જૈન ગ્રુપ દ્વારા શાળાને દત્તક લઇને આધુનિક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિકનું આધુનિકીકરણ, કોમ્પ્યુટર લેબનું આધુનિકરણ, સેન્ટ્રલી એસી જસાણી ઓડિટોરિયમનું નિર્માણ કરાયું છે.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જસાણી પરિવારને અભિનંદન આપી દીકરીઓને શાળામાં થતા અભ્યાસનો ખરા અર્થમાં લાભ લેવા જણાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મહાસતીજીઓ, પરમ પૂજ્ય ગુરુણી હીરાબાઈ સ્વામીના આણાવર્તી સ્મિતાબાઈ સ્વામી પધારેલા. પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે અને દુનિયામાં શાળા, કુટુંબ અને દેશનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરાએ પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ કરેલી મહેનત રંગ લાવી છે તેમ કહી અભ્યાસ કરતી દીકરીઓને શાળામાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
સુરતઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પ્રભાવ દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. એલપીજીની અછત અને ઊર્જા સંકટને કારણે ઘણી રેસ્ટોરાં અને ઢાબા બંધ થઈ ગયા છે તો અનેક ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી છે. સુરતના કપડા ઉદ્યોગ પર પણ તેની ગંભીર અસર જોવા મળી છે. મજૂરોના સ્થળાંતર અને કાચા માલની અછતને કારણે ઉત્પાદન અડધું થઈ ગયું છે.
દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતું સુરત પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે બંને તરફથી દબાણમાં છે. કાચા માલના વધતા ભાવને કારણે ઉત્પાદન અને માગ બંને પ્રભાવિત થયા છે, જ્યારે એલપીજી સંકટને કારણે લગભગ 40 ટકા પ્રવાસી મજૂરો પોતાના ગામ પરત જવા મજબૂર બન્યા છે. કૃત્રિમ રેસા, ખાસ કરીને પોલિયેસ્ટર માટે વપરાતું સૂત બનાવવામાં પ્લાસ્ટિકના દાણા (પેલેટ્સ) ઉપયોગમાં લેવાય છે, જે પેટ્રોકેમિકલ ઉદ્યોગનું પેટા ઉત્પાદન છે. આ કાચા તેલ અને કુદરતી ગેસની પ્રક્રિયા દ્વારા મળે છે. યુદ્ધને કારણે કાચા તેલના ભાવ વધતા આ કાચા માલના ભાવ પણ વધી ગયા છે.
કારખાનાઓમાં કપડાંનું ઉત્પાદન અડધું થયું
આ પરિસ્થિતિને કારણે કારખાનાંઓમાં રોજ સરેરાશ લગભગ છ કરોડ મીટર કપડાનું ઉત્પાદન થતું હતું, જે હવે અડધું રહી ગયું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાથી આવતાં પ્રવાસી મજૂરોની સંખ્યામાં પણ અંદાજે આઠ લાખની ઘટાડો નોંધાયો છે.
સુરતના સૂત વેપારી અશોક વૈષ્ણવે જણાવ્યું કે એક કિલો સૂત બનાવવા માટે એક કિલો પેલેટ્સ જરૂરી હોય છે, જેમાંથી કપડું બને છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ પહેલાં સૂતનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને 135–140 રૂપિયા પ્રતિ કિલો થયો છે. એ સાથે જ કાચા માલની અછત પણ છે. અમારો વ્યવસાય લગભગ 35–40 ટકા ઘટી ગયો છે.
સુરતમાં લગભગ 40 ટકા મજૂરો ગામ પરત
સુરતમાં અંદાજે 6 લાખ વણાટ એકમો, લગભગ 2 લાખ કઢાઈ એકમો અને આશરે 400 રંગાઈ-છપાઈ એકમો કાર્યરત છે. ઉત્પાદનની દરેક કડી પર અસર પડી રહી છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિયેશનના અધ્યક્ષ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર કપડા ઉદ્યોગમાં લગભગ 22 લાખ લોકો કામ કરે છે, જેમાંથી 40 ટકા લોકો ગામ પરત ફરી ગયા છે. સુરતનું ઉધના રેલવે સ્ટેશન પોતાના વતન જતાં કપડા ઉદ્યોગના મજૂરોની ભીડથી ભરાઈ ગયું છે.
પુણેઃ મહારાષ્ટ્રના ઔદ્યોગિક શહેર પુણેમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં 75 વર્ષના એક ડોક્ટરે ઓનલાઇન શેર ટ્રેડિંગ છેતરપિંડીમાં 12 કરોડ રૂપિયાથી વધુની રકમ ગુમાવી દીધી છે. ઠગોએ ડોક્ટરને વારંવાર મૂડીરોકાણ કરવા માટે દબાણ કર્યું હતું.જાન્યુઆરીના છેલ્લાં સપ્તાહમાં પીડિત ડોક્ટરને અજાણ્યા નંબર પરથી એક મેસેજ મળ્યો હતો. તેમાં કેટલીક શેરોની યાદી અને એક લિંક હતી, જેમાં મૂડીરોકાણ પર ભારે નફાનો દાવો કરવામાં આવ્યો હતો. લિંક પર ક્લિક કરતાં જ ડોક્ટરને એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા.
ગ્રુપના સંચાલકોએ પોતાને એક ગ્લોબલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફર્મના સિનિયર અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેમાંની એક વ્યક્તિએ પોતાને શેરબજારના ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણ અને નફામાં નિષ્ણાત હોવાનું જણાવ્યું હતું. આ ગ્રુપનો ઉપયોગ ડોક્ટરનો વિશ્વાસ જીતવા માટે કરવામાં આવ્યો હતો. રેકેટ સાથે જોડાયેલા સભ્યોએ મૂડીરોકાણમાંથી મળેલા ભારે નફાના નકલી મેસેજ પોસ્ટ કર્યા હતા.
આથી ડોક્ટરને પણ પૈસા રોકવા પ્રેરણા મળી. ત્યાર બાદ તેમને એક નકલી ટ્રેડિંગ એપ્લિકેશન પર મોકલવામાં આવ્યા, જેનું નામ એક જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીના નામ સાથે મળતું આવતું હતું. ઠગોએ ડોક્ટર પાસેથી ખાનગી બેંક એકાઉન્ટ અને અન્ય વ્યક્તિગત માહિતી મેળવી લીધી. પછી રોકાણને નામે અનેક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું.
ટ્રાન્સફર કરેલી રકમને નકલી પ્લેટફોર્મ પર રોકાણ તરીકે બતાવવામાં આવી અને તેમાં ખોટો નફો પણ દર્શાવવામાં આવ્યો. પીડિત ડોક્ટરે 7 માર્ચથી 18 માર્ચ વચ્ચે કુલ 12.3 કરોડ રૂપિયાનું મોટી લેવડદેવડ કરી હતી. જ્યારે તેમણે વધુ પૈસા રોકાણ કરવા ઇનકાર કર્યો ત્યારે આરોપીઓએ તેમની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપી. ત્યાર બાદ ડોક્ટરને વધુ પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
પ્રશ્ન: મારી ઉંમર 81 વર્ષ છે અને છેલ્લાં 10-12 વર્ષથી મને ડાયાબિટીસ છે. સવારે નાસ્તા બાદ ચાર ટૅબ્લેટ ડૉક્ટરની સલાહ મુજબ લઉં છું. મારે ૫:૨ એટલે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કે એક ટાઈમ આહાર લેવામાં શું પસંદ કરવું? સૂચવશો. આર્થરાઈટિસને કારણે બહુ લાંબું ચાલી શકાતું નથી.
– અરવિંદ જાની (રાજકોટ)
ઉત્તર: તમે ડાયાબિટિક છો એ તમે જણાવ્યું છે, પણ શુગરના પ્રમાણ વિશે માહિતી આપી નથી. ખેર, શુગરનું પ્રમાણ વધુપડતું ઉપર કે નીચે ન થતું હોય તો તમે એક ટાઈમ આહાર લઈ શકો, જેમાં બપોરનું ભોજન એટલે કે લંચ લઈ શકાય. એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે કે ડાયાબિટીસના દરદીએ એકદમ ભૂખ્યા રહેવું ન જોઈએ, આથી રાતે હળવો પણ ખોરાક લેવો જરૂરી બને. કોદરી, ઓટ્સ, ઉપમા, દલિયા જેવું હળવું ભોજન ઓછા પ્રમાણમાં લેવું. અગર ઉપવાસ કે ફરાળ જરૂરી હોય તો સામો, મોરિયો દહીં સાથે લઈ શકાય, જેથી હાઈપોગ્લાયસેમિયા જેવી પરિસ્થિતિ ઊભી ન થાય.
આર્થરાઈટિસની તકલીફમાં તમે વિટામિન સી ધરાવતાં ફ્રૂટ્સનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરી શકો. અખરોટ અને ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સ હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. આદર્શ વજન જાળવી રાખવા ઉપરાંત પોષણની મદદથી સાંધાને રક્ષણ આપવા માટે લીલી શાકભાજી, બદામ, બ્રાઉન રાઈસ, આદું, હળદરનો ઉપયોગ કરી શકાય.
પ્રશ્ન: હું ભાવનગરથી થોડા મહિના પહેલાં અમદાવાદ આવી છું. હમણાં મારો હેર ફૉલ ખૂબ વધી ગયો છે. બની શકે કે અહીંનું પાણી મને માફક આવતું નથી. ખરતા વાળને રોકવા માટે આહારમાં શું ધ્યાન રાખી શકાય?
– એકતા મોદી (અમદાવાદ)
ઉત્તર: આપણી શારીરિક તંદુરસ્તી કેવી છે એનો આધાર આપણા વાળની તંદુરસ્તી પર હોય છે. શરીરમાં પ્રોટીન, આયર્ન, વિટામિન જેવાં પોષક તત્ત્વોની ઊણપ હોય તો એની અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે વાળ અથવા સ્કિન પર પણ થાય છે. ઘણી વખત આપણે વજન ઘટાડવા કે અન્ય કારણોસર ઓછી કૅલરી કે ઓછા કાર્બોહાઈડ્રેટ ધરાવતો આહાર લઈએ છીએ કે ભાત લેવાનું પણ ટાળીએ છીએ. હકીકતમાં ભાત જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત આહાર વાળની તંદુરસ્તી માટે સારો છે. થોડા પ્રમાણમાં પણ ભાત દિવસમાં એક વખત લેવા જોઈએ. મોસમી ફળોનો ઉપયોગ વિટામિન સી મેળવવા માટે કરવો જરૂરી છે, જેના દ્વારા આયર્નનું અવશોષણ વ્યવસ્થિત રીતે થઈ શકે. એને કારણે આપણે વાળનો સારો કલર અને મજબૂતાઈ મેળવી શકીએ છીએ.
વાલ, વટાણા, મગફળી, ચોળી, ચણા, વગેરે કઠોળ પ્રોટીનના સારા સ્રોત છે, જેનો દિવસમાં એક વાર ઉપયોગ હિતાવહ છે, કારણ કે એમાં રહેલાં એમિનો ઍસિડ્સ, વિટામિન બી, ફાઈબર્સ શારીરિક તેમ જ વાળની તંદુરસ્તી માટે જરૂરી છે. અઠવાડિયામાં એક વખત વાળમાં તેલ અચૂક નાખવું.
મહત્ત્વનો મુદ્દો એ છે કે તમારા વાળ જેવા હોય એનો સ્વીકાર કરતાં શીખો. એમાં કોઈ પણ પ્રકારની કેમિકલ ટ્રીટમેન્ટનો અખતરો ન કરશો, કારણ કે આ પ્રકારની કેમિકલ સારવારથી તરત કદાચ આડઅસર જોવા ન મળે, પરંતુ લાંબા ગાળે એ વાળને નુકસાન કરી શકે. વાંકડિયા વાળને સીધા કરવા કે સીધા વાળને વાંકડિયા કરવાથી વાળને નુકસાન થાય છે, એ નબળા પડે છે અને એની કુદરતી ચમક ગુમાવે છે.
પ્રશ્ન: મારા જાણવા મુજબ, ખાદ્યોનાં પોષક તત્ત્વોનો રાંધણક્રિયામાં વ્યય થાય છે, તો શું આપણે કાચા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ?
– જયના દવે (અમદાવાદ)
ઉત્તર: દરેક ખાદ્ય પદાર્થમાં અલગ પ્રકારનાં પોષક તત્ત્વો હોય છે. રાંધણ પદ્ધતિ દ્વારા ચોક્કસપણે ઓછાવત્તા અંશે વ્યય થતો હોય છે. જો કે એનો અર્થ એ નથી કે આપણે કાચો ખોરાક જ લઈએ. અલબત્ત, વિટામિન્સ જાળવી રાખવા ફ્રૂટ્સ કે શાકભાજીને તમે કાચા સ્વરૂપમાં લઈ શકો. બાકી, ખોરાક તૈયાર કરતી વખતે એવી રાંધણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, જેને કારણે ન્યુટ્રિયન્ટ્સનો વ્યય ઘટે.
કૅન્ડ ફૂડ્સ એટલે કે પૅક કરેલી ખાદ્ય સામગ્રી અથવા ટેટ્રા પૅકમાં મળતાં પેશ્ચરાઇઝ્ડ દૂધ અને દૂધની બનાવટો જેવી પ્રોડક્ટ્સને ગરમ કરવાની જરૂર હોતી નથી, કારણ કે એમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ એની પ્રોસેસ પદ્ધતિ દ્વારા થઈ ગયો હોય છે. આ ચીજો ફક્ત ઉપયોગ કરી શકાય એટલા પ્રમાણમાં ગરમ કરવી જોઈએ. કૅન્ડ ફ્રૂટ્સ કે શાકભાજીને માઈક્રોવેવ દ્વારા થોડા સમય માટે ગરમ કરવાં જોઈએ. એવી રીતે કૂકરમાં બનેલાં દાળ-ભાત વધુ પોષક તત્ત્વો ધરાવે છે. ઓછા સમય માટે મધ્યમ તાપમાને ઓછું પાણી નાખીને બનાવેલી રસોઈ વધુ પૌષ્ટિક બની શકે છે. વારંવાર ખાદ્ય પદાર્થોને ગરમ કરવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોનો નાશ થાય છે આથી બને ત્યાં સુધી ખોરાકને બીજી વખત ગરમ ન કરવો. રસોઈમાં પાણીનો ઉપયોગ મર્યાદિત કરવો. છૂટા રાંધેલા ભાતના ઓસામણ દ્વારા રોટલીનો લોટ બાંધવામાં આવે તો એમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ પણ મેળવી શકાય તેમ જ એની મદદથી રોટલી પણ વધુ સ્વાદિષ્ટ બને.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે વિધાનસભામાં મહિલાઓ માટે અનામતને સમયની
જરૂરિયાત ગણાવતા કહ્યું કે આનાથી લોકશાહી વધુ મજબૂત, વધુ ગતિશીલ અને વધુ સહભાગી બનશે.
એક વીડિયો સંદેશમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર છે. નારી શક્તિ વંદન કાયદાનો ઉલ્લેખ કરતા, તેમણે વિધાનસભામાં મહિલાઓ માટે અનામતને સમયની જરૂરિયાત ગણાવી. તેમણે કહ્યું કે આનાથી દેશની લોકશાહી વધુ સશક્ત, ગતિશીલ અને સહભાગી બનશે.
મોદીએ એક વિગતવાર લેખ શેર કર્યો
વડાપ્રધાને તેમની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત એક વિગતવાર લેખમાં આ મુદ્દા પર પોતાના વિચારો પણ શેર કર્યા. તેમણે લખ્યું કે ભારત 21મી સદીના ઐતિહાસિક વળાંક પર ઉભું છે અને ટૂંક સમયમાં તેના લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે એક મોટી પહેલનો સાક્ષી બનશે. તેમના મતે સમાનતા, સમાવેશ અને જાહેર ભાગીદારીને એક નવા સ્તરે લઈ જવાની આ એક તક છે.
પીએમ મોદીએ કહ્યું કે સંસદ પર હવે લોકશાહીને વધુ સમાવિષ્ટ અને પ્રતિનિધિત્વ આપતા પગલાં લેવાની મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમણે કહ્યું કે મહિલા અનામતના અમલીકરણથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે અને તેમને તેમનું યોગ્ય સ્થાન મળશે.
ડૉ. આંબેડકરનો ઉલ્લેખ
તેમના લેખમાં, તેમણે દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, જેમ કે રોંગાલી બિહુ, પાના સંક્રાંતિ, પોઈલા વૈશાખ, વિશુ, પુથાંડુ અને વૈશાખીનો ઉલ્લેખ કર્યો, તેમને આશા અને સકારાત્મકતાનો સમય ગણાવ્યો. તેમણે મહાત્મા જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતિ અને ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીને પણ યાદ કરી, સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યોને યાદ કર્યા.
મહિલાઓની ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓ દેશની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. મહિલાઓ વિજ્ઞાન, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા, રમતગમત, સશસ્ત્ર દળો અને કલા સહિત દરેક ક્ષેત્રમાં મજબૂત છાપ છોડી રહી છે.
પીએમ મોદીના મતે, મહિલાઓની ભાગીદારીમાં વધારો માત્ર ચર્ચાને સમૃદ્ધ બનાવતો નથી પરંતુ શાસનની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. તે લોકશાહીને વધુ સંવેદનશીલ, સંતુલિત અને જવાબદાર બનાવે છે.
તેમણે યાદ કર્યું કે વર્ષોથી મહિલા અનામત માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેને કાયદા તરીકે ઘડવામાં આવ્યો નથી. સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા નારી શક્તિ વંદન કાયદાને એક ઐતિહાસિક પગલું ગણાવતા તેમણે કહ્યું કે તેને લાગુ કરવાનો સમય આવી ગયો છે જેથી 2029ની લોકસભા ચૂંટણી અને ભવિષ્યની વિધાનસભા ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય.
લેખના સમાપનમાં પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે આ કોઈ એક પક્ષ કે સરકારનો મામલો નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો મામલો છે અને તેને સામૂહિક સંકલ્પ સાથે આગળ ધપાવવો જોઈએ.
નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં તેઓ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરે છે.ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કેરળમાં તાજેતરના ચૂંટણી ભાષણમાંથી મારી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું જવાબદારીપૂર્વક મારી દિલગીરી વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ માન રહ્યું છે અને હંમેશા રહેશે.” ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો.”
Some remarks of mine in a recent election speech in Kerala are being deliberately misinterpreted. Even so, I express my sincere regret. It was never my intention to hurt the sentiments of the people of Gujarat for whom I have always had and will continue to have the highest of…
તાજેતરમાં કેરળ ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે, ખડગેએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જોકે રેલી દરમિયાન તેમણે ગુજરાતના લોકોનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. ખડગેએ કહ્યું, “મોદીજી, તમે ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વ માટે એક ચિંતાજનક સમાચાર છે. વિશ્વની ત્રણ મોટી સંસ્થાઓ — આંતરરાષ્ટ્રીય મુદ્રા નિધિ (IMF), વર્લ્ડ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ —એ સંયુક્ત નિવેદન જાહેર કરીને ગંભીર ચેતવણી આપી છે. આ સંસ્થાઓનું કહેવું છે કે ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં સર્જાયેલી ઊથલપાથલની ખૂબ જ ખતરનાક અસર હવે વિશ્વની ખાદ્ય સુરક્ષા પર પડશે.
ઊર્જા બજારમાં ભારે ઊથલપાથલ
ત્રણે સંસ્થાઓના વડાઓએ બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠક બાદ જણાવ્યું હતું કે આ યુદ્ધ આધુનિક ઇતિહાસમાં ઊર્જા બજારો માટેના સૌથી મોટા વિક્ષેપોમાંનું એક સાબિત થઈ શકે છે. તેલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા તેજ વધારાને કારણે માત્ર પરિવહન ખર્ચ જ વધ્યો નથી, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇન પર અસર પડી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્ય ઉત્પાદન પર અસર અને વધતા ભાવોને કારણે ખેતીનો ખર્ચ વધી ગયો છે, જેને કારણે ભવિષ્યમાં અનાજના ઉત્પાદન અને ઉપલબ્ધતા પર સંકટ ઊભું થવાની શક્યતા છે.
ગરીબ અને નીચી આવક ધરાવતા દેશો પર સૌથી વધુ અસર
આ નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધતી કિંમતોનો સૌથી મોટો ફટકો વિશ્વની સૌથી નબળી વસ્તી અને આયાત પર આધારિત દેશોને પડશે. ઘણા નીચી આવક ધરાવતા દેશો પહેલેથી જ ભારે દેવાંના બોજ હેઠળ છે. આવી સ્થિતિમાં ઇંધણ અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ સરકારોની પોતાના ગરીબ નાગરિકોને સબસિડી અથવા સુરક્ષા આપવા માટેની ક્ષમતા ઘટાડશે. આયાત આધારિત દેશોમાં ખાદ્ય અસુરક્ષા અને ભૂખમરાનું જોખમ વધ્યું છે.
હજુ ખતરો ટળ્યો નથી
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ IMF અને વર્લ્ડ બેંકના મત મુજબ ખતરો હજી સમાપ્ત થયો નથી. ત્રણે સંસ્થાઓએ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત લોકોને મદદ કરવાની ખાતરી આપી છે. તેઓ સંકટગ્રસ્ત અર્થતંત્રોને સ્થિરતા અને વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે જરૂરી માળખાકીય તૈયારી પર કામ કરી રહ્યા છે.
સાઉથના સુપરસ્ટાર થલાઈવા ઉર્ફે રજનીકાંતે યુવાનોને કેટલીક ખાસ સલાહ આપી.તેમજ તેમણે એક ચેતવણી પણ આપી.
75 વર્ષની ઉંમરે પણ, મેગાસ્ટાર રજનીકાંત ફિલ્મોમાં સક્રિય રહે છે. તેમણે યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે તેમણે ડ્રગ્સ અને દારૂ જેવી ખરાબ ટેવોમાં પડવાને બદલે તેમના અભ્યાસ અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
રજનીકાંતનો યુવાનો માટે ખાસ સંદેશ
ચેન્નાઈ એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા, રજનીકાંતે યુવાનોને તેમના જીવન વિશે ગંભીરતાથી વિચારવા વિનંતી કરી. તેમણે ચેતવણી આપી કે જો તેઓ ખોટા રસ્તે ચાલશે, તો તેમનું જીવન નર્ક બની શકે છે. રજનીકાંતે યુવાનોને શિસ્તબદ્ધ રહેવા, અભ્યાસ કરવા અને સારી ટેવો અપનાવવાની અપીલ કરી.
રજનીકાંતે કહ્યું,”યુવાનોએ તેમના શિક્ષણ અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્વસ્થ રહો. ડ્રગ્સ કે દારૂના વ્યસની ન બનો. જો તમને નુકસાન થાય છે, તો તે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા માતાપિતા અને પરિવાર માટે પણ નુકસાન છે. જીવન ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા પ્રિયજનો માટે પણ નર્ક બની શકે છે. જો તમારો કોઈ મિત્ર ડ્રગ્સનો ઉપયોગ કરે છે, તો તેમની નજીક ન જાવ.”
આ ફિલ્મોમાં રજનીકાંત જોવા મળશે
રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પોસ્ટ-પ્રોડક્શન ચાલી રહ્યું છે. ‘જેલર 2’ એ 2023ની તમિલ સુપરહિટ ફિલ્મની ખૂબ જ અપેક્ષિત સિક્વલ છે, જેનું દિગ્દર્શન નેલ્સન દિલીપ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે.આ ફિલ્મ 12 જૂન, 2026 ના રોજ રિલીઝ થવાની ધારણા છે. રજનીકાંત “ટાઈગર” મુથુવેલ પાંડિયનની ભૂમિકામાં પાછા ફરશે, અને શાહરૂખ ખાન અને મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર્સ કેમિયો કરશે તેવું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, રજનીકાંત સિબી ચક્રવર્તી દ્વારા નિર્દેશિત ‘થલાઈવર 173’ પર પણ કામ કરી રહ્યા છે. ‘થલાઈવર 173’ નું નિર્માણ કમલ હાસનની પ્રોડક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. શૂટિંગ એપ્રિલ 2026 માં શરૂ થયું હતું. આ ફિલ્મ પોંગલ 2027 દરમિયાન રિલીઝ થવાની ધારણા છે.