રાજકોટ: શહેરના મધ્ય વિસ્તારમાં સ્થિત સરકાર માન્ય “કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ”નો સર્વાંગી નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જે માટે જૈન દાતાઓ દ્વારા આશરે રૂ. એક કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. જેનાથી શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તાજેતરમાં શાળાના પ્રાર્થનાખંડને પ્રફુલભાઈ જસાણી અને દેવલબેન અચ્યુતભાઈ જસાણીના અનુદાનથી માતૃથી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી ઓડિટોરિયમ જે સંપૂર્ણપણે એરકન્ડિશન બનાવાયો છે. તેનું ઉદ્ઘાટન જસાણી પરિવારના શુભ કરકમલો દ્વારા ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
આ શાળામાં ધો. ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી ૭૦૦થી વધુ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એક વર્ષ અગાઉ શાળાની પરિસ્થિતિ ધ્યાનમાં આવતા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન તથા સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન દ્વારા એક નોંધપાત્ર પહેલ કરાઈ. આ જૈન ગ્રુપ દ્વારા શાળાને દત્તક લઇને આધુનિક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. અદ્યતન સાયન્સ લેબોરેટરી, સંગીની બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિકનું આધુનિકીકરણ, કોમ્પ્યુટર લેબનું આધુનિકરણ, સેન્ટ્રલી એસી જસાણી ઓડિટોરિયમનું નિર્માણ કરાયું છે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજકોટના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જસાણી પરિવારને અભિનંદન આપી દીકરીઓને શાળામાં થતા અભ્યાસનો ખરા અર્થમાં લાભ લેવા જણાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મહાસતીજીઓ, પરમ પૂજ્ય ગુરુણી હીરાબાઈ સ્વામીના આણાવર્તી સ્મિતાબાઈ સ્વામી પધારેલા. પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે અને દુનિયામાં શાળા, કુટુંબ અને દેશનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.
જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરાએ પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ કરેલી મહેનત રંગ લાવી છે તેમ કહી અભ્યાસ કરતી દીકરીઓને શાળામાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓનો લાભ લેવા જણાવ્યું હતું.




