બેંગલુરુઃ પોલીસે મંગળવારે બે એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે સોશિયલ મિડિયા પર એક મહિલાની સાથે પહેલા મિત્રતા કરી અને પછી ધમકીઓ આપીને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ હડપ કરી લીધી હતી. મહિલાનો આરોપ છે કે આરોપીઓએ તેની પાસેથી 85.65 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 20 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ પીડિતા કે.આર. પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તે લગભગ દોઢ વર્ષથી મુખ્ય આરોપી મહેશના સંપર્કમાં હતી. બંને વચ્ચેનો સંપર્ક સ્નેપચેટ દ્વારા શરૂ થયો હતો. શરૂઆતમાં આ મિત્રતા સામાન્ય લાગી હતી, પરંતુ ધીમે-ધીમે તે માનસિક દબાણ અને બ્લેકમેલ સુધી પહોંચી ગઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહેશ અને તેનો સાથી સ્વામી વિશ્વનાથ મહિલાનો વિશ્વાસ જીત્યા પછી પૈસા અને દાગીનાં માટે દબાણ કરવા લાગ્યા હતા. મહેશ સમયાંતરે મહિલાને મળવા આવતો અને ધીમે-ધીમે રોકડ અને દાગીના લઈ જતો રહ્યો. બાદમાં તેણે માગની રકમ અને મુલાકાતો- બંને વધારી દીધાં.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાના ખાનગી વિડિયો કોલના સ્ક્રીનશોટ અને વિડિયો પણ રેકોર્ડ કર્યા હતા અને તેનો ઉપયોગ ધમકી આપી પૈસા વસૂલવા માટે કર્યો હતો. સતત ધમકીઓને કારણે મહિલાને લગભગ એક કિલો સોનાના દાગીના અને 20 લાખ રૂપિયા રોકડા આપવા પડ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ લાંબા સમય સુધી પીડિતાનો વિશ્વાસ જીત્યો અને વારંવાર મળી દાગીના અને પૈસા લીધા. જ્યારે મહિલાએ દાગીના પાછા માગ્યા ત્યારે ઇનકાર કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો. ખાનગી વિડિયોની મદદથી પણ ધમકીઓ આપવામાં આવી હતી.
ટેક્નિકલ માહિતીના આધારે પોલીસે ત્રીજી માર્ચે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના કોન્ડુર ગામમાંથી મહેશની ધરપકડ કર્યો. પૂછપરછ દરમિયાન તેણે ગુનો સ્વીકારી લીધો અને સાથી સ્વામી વિશ્વનાથની ભૂમિકા અંગે માહિતી આપી. ત્યાર બાદ 19 માર્ચે આંધ્ર પ્રદેશના અનંતપુરમાંથી સ્વામી વિશ્વનાથની પણ ધરપકડ કરવામાં આવી હતી.


