“આ બધા પૈસાનું કરશો શું? આટલા કંજૂસ થવાનો કોઈ અર્થ નથી! આ બધું કંઈ તમારી સાથે નહીં આવે?” ગયા વર્ષની
શરૂઆતમાં યોજાયેલા રિયુનિયનમાં મારા બે મિત્રોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો. વાસ્તવમાં, આવી વાતો અનેક વાર અલગ અલગ ઠેકાણે અને પ્રસંગે સાંભળવા મળતી હોય છે. પૈસા તો શું, આપણે આ પૃથ્વી પરથી કંઈ જ સાથે લઈ જવાના નથી. આપણી સંપત્તિ, પ્રતિષ્ઠા, પરિવારજનો, મિત્રો, વગેરે બધું અહીં જ મૂકીને જવાનું છે. શરીર પણ સાથે નથી આવવાનું; સાથે આવશે ફક્ત આત્મા.
જો દરેક મનુષ્યના જીવનની આ જ વાસ્તવિકતા હોય તો વાસ્તવમાં આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ કે અનુરાગ રાખવાં જોઈએ નહીં. જોકે, આપણું જીવન એના કરતાં અલગ રીતે જ ચાલતું હોય છે. આપણે બધા સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ અને આપણાં બધાનાં અનેક બંધનો હોય છે. આ અનુરાગને ખરેખર બંધન કહેવો કે પછી પસંદગીની સ્વતંત્રતા કહેવો એ બાબત દરેકના પોતાના પર નિર્ભર છે. દરેક વ્યક્તિ પોતે જ વાસ્તવિકતા જાણતો હોય છે. ઘણી વખત તો આપણને પોતાને પણ ખબર હોતી નથી કે આપણા માટે એ અનુરાગ છે કે પછી પસંદગીની સ્વતંત્રતા. એ ભાન થવા માટે આપણે અંતર્મુખી થઈને ચિંતન કરવાનું હોય છે.
મનને શાંત કરવા માટે શ્વસન પર એકાગ્રતા સાધવાની પદ્ધતિ વિશે આપણે જાણીએ છીએ. ત્યાર પછીનો તબક્કો દૃષ્ટાભાવ કે સાક્ષીભાવનો હોય છે. સાક્ષીભાવ કેળવવાનું મુશ્કેલ જરૂર છે, અશક્ય નથી. આપણે પોતાના વિચાર-વર્તન પ્રત્યે સભાનતા કેળવીએ તો એ જાણી શકાય છે.

આપણે સવારના પહોરમાં ચા પીવાનો આનંદ માણતા હોઈએ છીએ. શું એને આસક્તિ કહેવાય? જો એ આસક્તિ હોય તો જે દિવસે ચા પીવા મળે નહીં એ દિવસે મગજ ફરી જાય. આ વાત પરથી મારા એક મિત્રનાં મમ્મીએ હૉસ્પિટલના ડૉક્ટરને પૂછેલો પ્રશ્ન યાદ આવે છેઃ “ખાવામાં તમે કહેશો એ પરેજી પાળીશ, પણ શું મને રોજ સવારની જેમ એક કપ ચા પીવાની છૂટ છે? હું ચા પીઉં નહીં તો મારું માથું ચડી જાય છે.” આ માસીએ કરેલા નિવેદન પરથી શું લાગે છે, ચા પીવી એ આનંદ છે કે આસક્તિ છે?
યોગિક વેલ્થ પસંદગીની સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવે છે. પોતાની આવક કે સંપત્તિનું શું કરવું એ દરેકની પોતાની સ્વતંત્રતા છે. જ્યારે ભૌતિકવાદ પ્રત્યે કોઈ આસક્તિ નહીં હોય ત્યારે ખરા અર્થમાં આપણે સ્વતંત્ર કહેવાઈશું.
આ કટારમાં અત્યાર સુધીમાં મેં ક્યારેય ભૌતિકવાદને નકાર્યો નથી. અંગત રીતે મને પણ મારી વસ્તુઓ પ્રત્યે અનુરાગ છે. હું પણ સામાજિક પ્રાણી છું. મારે પણ પરિવાર, મિત્રો, બધું જ છે. મેં હજી સંન્યાસ લીધો નથી. હું જો પોતાના જીવનમાંથી ભૌતિકવાદની બાદબાકી કર્યા વગર ફક્ત એનો વિરોધ કરતો રહું તો એ દંભ કહેવાય.

સામાજિક જીવન જીવવાની કોઈ ના પાડતું નથી. સારી ચીજવસ્તુઓ તથા સેવાઓ તમને ગમે એમાં કંઈ ખોટું નથી, પરંતુ તમે ફક્ત એનો આનંદ લો છો કે પછી એના પ્રત્યે તમારી આસક્તિ છે એ પણ ચકાસી જુઓ.
કોઈ જીવ આ દુનિયામાંથી કંઈ જ સાથે લઈને જવાનો નથી. જોકે, તેનો અર્થ એવો નથી કે ઈશ્વરની કૃપાથી આપણને આ પૃથ્વી પર જે કંઈ મળ્યું છે એને ફૂંકી કાઢીએ.
છેલ્લે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે ગત વર્ષોમાં આપ વાચકોએ મારી સાથે આ કટાર વિશે ઘણા પ્રતિભાવ આપ્યા છે અને વાતો કરી છે. ભવિષ્યમાં પણ આ જ રીતે આશીર્વાદ આપતાં રહેજો. આપના આશીર્વાદ મારા આત્માને સ્પર્શી જાય છે. હું ખાતરી આપું છું કે હું જઈશ ત્યારે આત્મા સાથે લઈને જઈશ. નમસ્તે….
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)





નામ થઈ ગયું હતું. એમાં કલાકારોની પસંદગી કેવી રીતે થઈ હતી એની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘ત્રિદેવ’ માં ત્રણ હીરો અને ત્રણ હીરોઈન લેવાના હતા. હીરોમાં ‘ઈન્સ્પેકટર કરણ સક્સેના’ ની ભૂમિકામાં સની દેઓલ અને ‘રવિ માથુર’ તરીકે જેકી શ્રોફ પસંદ થઈ ગયા.






