Home Blog Page 4868

રાહત પેકેજની આશાએ સેન્સેક્સે 31,000ની સપાટી કૂદાવી

નવી દિલ્હીઃ રાહત પેકેજની આશાએ સ્થાનિક શેરબજારમાં લાલચોળ તેજી થઈ હતી. હેલ્થકેરને બુસ્ટર ડોઝ મળવાની અપેક્ષાએ અમેરિકા બજારોમાં ભારે તેજી થઈ હતી. ડાઉ જોન્સ 780 પોઇન્ટ તેજી સાથે બંધ થયો હતો અનમે એશિયન બજારોમાં પણ તેજીની આગેકૂચ રહી હતી. જેથી સેન્સેક્સ 1266 પોઇન્ટ ઊછળીને 31,000ની સપાટી કુદાવીને 31,160ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ પણ 363 પોઇન્ટ ઊછળીને 9,000 સપાટીને કુદાવીને 9,111.90ના મથાળે બંધ રહ્યો હતો.

પાછલા ચાર દિવસોમાં નિફ્ટી 1000 પોઇન્ટ ઊછળ્યો

વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં જોરદાર તેજી જોવા મળ્યો હતો. નિફ્ટીએ ચાર ટકા વધીને 9,000ની સપાટી કુદાવી હતી. રિલાયન્સ એચડીએફસીની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. ઓટો શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. એમ એન્ડ એમ 17 ટકા અને મારુતિ 13 ટકા ઊછળ્યો હતો. લોકડાઉનમાં પણ રોકાણકારોએ ફાર્મા, મેટલ, ફાઇનાન્શિયલ, કેમિકલ, પેપર અને લિકર શેરોમાં ભારે તેજી થઈ હતી. સેન્સેક્સના 30માંથી 26 શેરો અને નિફ્ટીના 50માંથી 44 શેરોમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટીના 12માંથી નવ શેરોમાં તેજી થઈ હતી.

રૂ. એક લાખ કરોડના રાહત પેકેજની અપેક્ષા

રોકાણકારોએ આશા છે કે સરકાર બહુ જલદી મોટા રાહત પેકેજની જાહેરાત કરશે. કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારામે પગલે રાહત પેકેજ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. બજારને રૂ. એક લાખ કરોડ પેકેજની અપેક્ષા છે.

એફઆઇઆઇની લેવાલી

માર્ચ મહિનામાં બજારમાંથી રૂ. 60,000 કરોડ પરત ખેંચ્યા પછી વિદેશી રોકાણકારોએ લાંબા સમય પછી સ્થાનિક શેરબજારોમાં ચોખ્ખી લેવાલી કરી હતી. પાછલા બે સેશનમાં તેમણે રૂ. 2,600 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જોકે એપ્રિલમાં તેમણે રૂ. 400 કરોડની વેચવાલી કરી હતી.

 

 

 

કોરોનાના કહેર વચ્ચે માનવતાની મહેર

રાજકોટ: કોરોના મહામારી સામે સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે. દેશનો ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટારો, સ્પોર્ટ્સમેનો સહિતના તમામ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કહેર વચ્ચે માનવતાની મિસાલ રજૂ કરનારા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે.

ઉદ્યોગપતિ રસિકભાઈ ખાણધરે પણ રાજકોટમાં આવા સેવાના કાર્યો દ્વારા મદદ માટે પહેલ કરી છે. લોકડાઉનમાં બધાને ઘરમાં રહેવાની સલાહ છે, પણ ફરજ નિભાવી રહેલા કર્મચારીઓ ને કાર્યકરોના માથે તો ચોવીસ કલાક ડ્યુટી લદાયેલી રહે છે. વેરિટો ગ્રુપના માલિક રસિકભાઈએ રાહત નિધિ ફંડમાં તો યોગદાનની જાહેરાત કરી જ છે, પણ એ પોતે પણ સેવાકાર્યો માટે જમીન પર ઊતર્યા છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ સહિતના વિસ્તારોમાં રસિકભાઈ ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ચા-નાસ્તાની સગવડ આપી રહ્યા છે. સફાઈકર્મીઓ, પોલીસ કર્મીઓ ને બીજા કર્મચારીઓ માટે આ સગવડ તેઓ આપી રહ્યા છે. અત્યારની વિકટ પરિસ્થિતિમાંથી બહાર ન અવાય ત્યાં સુધી તેઓ આ સેવા આપતા રહેશે એવો તેમણે સંકલ્પ કર્યો છે.

મહત્વનું છે કે, કોરોના મહામારીને રોકવા માટે અને ગરીબ અને જરૂરીરિયાત મુજબનાં પરિવારને તમામ મદદ કરવાનાં ઉદેશથી પીએમ તેમજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાહત ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરાયા બાદ રાહત ફંડમાં અનેક નાગરિકો અને સંસ્થાઓ દ્વારા દાનનો પ્રવાહ ચાલુ થયો છે. ગુજરાત અને ભારતનાં અનેક  લોકો જ્યારે જ્યારે દેશ પર કોઈ આફત કે મુશ્કેલીઓ આવે ત્યારે દેશ માટે લોકો તન,મન અને ધન ન્યોછાવર કરતા હોય છે.

(પરેશ ચૌહાણ)

શિખર ધવન રવિન્દ્ર જાડેજા સાથે કરશે ઘોડેસવારી

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવનને ઘોડેસવારીનો શોખ છે. તેમની સાથે-સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઘોડેસવારી પસંદ કરે છે. રાજપૂત હોવાના કારણે રવીન્દ્ર જાડેજાના શોખ શિખર ધવન સાથે મળતા આવે છે. આ જ કારણ છે કે રવિન્દ્ર જાડેજા સાથે શિખર ધવન સાથે ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે, પરંતુ આના માટે ગબ્બર એટલે કે શિખર ધવને એક શરત રાખી છે.

હકીકતમાં, રવીન્દ્ર જાડેજાએ એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે કે જેમાં તેઓ બે ઘોડા સાથે દેખાઈ રહ્યા છે. આ જ ફોટો પર શિખર ધવને કમેન્ટ કરી અને રવીન્દ્ર જાડેજા સાથે ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે. શિખર ધવને જાડેજાના આ ફોટો પર કમેન્ટ કરતા લખ્યું કે, બન્ને રાઈડ કરીશું પરંતુ કોરોના વાયરસથી ભારતમાં બગડેલી સ્થિતિ સારી થયા બાદ.

આ પહેલા રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક જૂનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ઘોડેસવારી કરી રહ્યા હતા. તો થોડા દિવસ પહેલા જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી વનડે ટેસ્ટ સીરીઝ હારી ગઈ હતી ત્યારે શિખર ધવને ઘોડા પર સવાર થઈને એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેનાથી જ અંદાજો લગાવવામાં આવ્યો હતો કે શિખર ધવનને ઘોડેસવારીનો મોટો શોખ છે.

ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક

ચાંગા: હાલમાં વિશ્વ કોરોના COVID-19 વાયરસના કારણે હેરાન પરેશાન છે અને ભારત સરકાર દ્વારા દેશમાં લોકડાઉન છે ત્યારે ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા (ARIP) ફિઝિયોથેરાપીના દર્દીઓની ઘેરબેઠા સારવાર માટે એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. ARIPના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિના માર્ગદર્શન હેઠળ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે નિ:શુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે.

ચારુસેટ દ્વારા અનેક વાર વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે નવતર પહેલ કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર કોરોના સામે લડત આપવા ઓનલાઈન વોટ્સએપ ક્લિનિકનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ARIPના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હેમલ પટેલ અને ARIPના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કૃપા શાહ દ્વારા વિડીયોની મદદથી  માહિતીનું આદાન પ્રદાન, સલાહ સૂચન, પ્રશ્નોનું નિરાકરણ, સામૂહિક ચર્ચા કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવે છે.

ડો. હેમલ પટેલના જણાવ્યા મુજબ ફિઝિયોથેરાપીના દર્દીઓએ ક્રોનીક પેઇન-બેક પેઇન વગેરે માટે રોજેરોજ સારવાર લેવી પડતી હોય છે અને સારવાર કરાવવા માટે સેન્ટરો કે ક્લિનિકો પર જવું પડતું હોય છે.  પરંતુ લોકડાઉનના કારણે સેન્ટરો કે ક્લિનિકો બંધ છે જેના કારણે સારવાર કરાવવા તેઓ જઇ  શકતા નથી. ઘરે કસરત ન કરે તો  દુખાવો વધારે થવાની શક્યતા છે. શારીરિક કસરતો બંધ થવાથી અને બેઠાળું જીવન થવાથી 60 વર્ષથી વધુ વયના દર્દીઓને મસલ્સ-જોઇન્ટ પેઇન થવાની શક્યતા વધે છે . આ સમસ્યા  હલ કરવા નિ: શુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં  ઘેરબેઠા સાવચેતી, રિહેબિલિટેશન, શેક કેવી રીતે લેવો, દુખાવો કંટ્રોલ કરવો, કસરતો કેટલી વાર કરવી સવાલોના જવાબો આપવામાં આવે છે. તેઓની તકલીફો વિડિઓથી સાંભળીએ છીએ અને કાઉન્સેલિંગ કરી કસરત શીખવાડાય છે. શું કરવું-શું ન કરવું તેનું બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ  કરીએ છીએ.  છેલ્લા દસ દિવસથી આ સુવિધા શરૂ થઈ છે જેનો રોજ 5-6 લોકો લાભ લે છે અને અત્યાર સુધીમાં 35થી 40 લોકોએ લાભ લીધો છે.

ડો.  બાલા ગણપતિના જણાવ્યા મુજબ આપણે બધા હાલની COVID-19 પરિસ્થિતિથી વાકેફ  છીએ અમે હાલમાં જે લોકો સ્નાયુઓ અને સાંધાઓના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેવા લોકોની મુશ્કેલીના નિવારણ માટે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા ઓનલાઈન વોટ્સએપ ક્લિનિકનું નવું પગલું લેવામાં આવ્યું છે. તમે જ્યાં હોવ ત્યાં અમે તમારી સેવામાં હાજર છીએ. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી અમે તમારી કાળજી રાખીશું. જે  તે વ્યક્તિ આ માટે સવારે 10 થી 11 અને સાંજે 5 થી 6 દરમિયાન સંપર્ક નંબર ડો. હેમલ પટેલ-73596 27507 અને ડો. કૃપા શાહ-9737810802 નો સંપર્ક કરી શકે છે.

 

કોરોનાઃ વૈશ્વિક અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું નુકસાન

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપથી આગામી બે વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રોને પાચં લાખ કરોડ ડોલરથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. આ જાપાનના વાર્ષિક ઉત્પાદનથી વધુ છે. વિશ્વના કેટલાય દેશોમાં કોરોના વાઇરસના પ્રસર્યા બાદ મોટા ભાગના દેશોએ લોકડાઉનની જાહેરાત કરી હતી, જેથી લોકોના ઘરેથી નીકળવું બંધ થઈ ગયું છે. દુકાનો બંધ થઈ ગઈ છે, વેપાર-ધંધા ઠપ થયા છે. વોલ સ્ટ્રીટ બેન્કે એ ચેતવણી આપી છે કે 1930ના દાયકા પછીનો આ સૌથી ખરાબ સમય છે. જોકે મંદીની આ ચેતવણી ઓચા સમય માટે છે, પણ અર્થતંત્રોને ફરી પાટે ચઢાવવા માટે ઘણો સમય લાગશે.

લોકડાઉન જલદી ખોલાય તો વાઇરસ ફરી ઊથલો મારે એવી સંભાવના

એક દાયકા પહેલાં વૈશ્વિક નાણાકીય કટોકટી સંકટ પછીના સમય જેવો છે. જોકે અર્થશાસ્ત્રીઓની ભવિષ્યવાણીની તુલનામાં અર્થતંત્રો વધુ નીચે જવાની સંભાવના છે અને એને ફરી બેઠું થવામાં વધુ સમય લાગી શકે છે. અહેવાલ મુજબ નીતિ ઘડવૈયાઓએ (જેતે દેશોની સરકારોએ) હાલમાં અર્થતંત્રોની વ્યાપક પ્રોત્સાહન આપવાની જરૂર છે, પણ લોકડાઉન જલદી ખોલવાથી બચવું જોઈએ. જો લોકડાઉન જલદી ખોલવામાં આવે તો આ વાઇરસ ફરી ઊથલો મારે એવી શક્યતા છે.

જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના અર્થશાસ્ત્રીઓએ આગામી વર્ષે ઉત્પાદનમાં 5.5 લાખ કરોડ ડોલરના નુસાનની આશંકા વ્યક્ત કરી છે, જે જીડીપીના આશરે આઠ ટકા થવા જાય છે.

આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સે કહ્યું હતું કે વર્ષ 2020માં કોરોના વાઇરસને લીધે વૈશ્વિક અર્થતંત્રો ગ્રોથ એક ટકો ઘટા શકે છે.

 

 

ચીને હવે ફિનલેન્ડને ય હલકી ગુણવત્તાનો માલ પધરાવ્યો?

હેલસિંકી (ફિનલેન્ડ): સોશિયલ મિડિયામાં ચીન માટે એક વાત ખૂબ વાઇરલ છે કે ચીની માલસામાન તકલાદી હોય છે, પણ આ ચીની વાઇરસ એકદમ મજબૂત છે, જે જવાનું નામ નથી લેતો અને કેટલાય જીવોના ભોગ લઈ રહ્યો છે. એવું જ કંઈક આ રોગની સામે લડવા માટે ચીનથી માલસામાન મગાવનારા દેશો કહી રહ્યા છે. ચીને ફેબ્રુઆરીથી અત્યાર સુધી કેટલાય દેશોને PPE, એન્ટિ-બોડી કિટ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરી છે, પણ સ્પેન, નેધરલેન્ડ્સ, તુર્કી, નેપાળ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય દેશો આ ચીજવસ્તુઓ હલકી ગુણવત્તા હોવાને ડિલિવરી પરત કરી રહ્યા છે અથવા નકારી રહ્યા છે. જોકે ચીન આને અમેરિકી એજન્ડા બતાવીને આ આરોપોનું સતત ખંડન કરી રહ્યું છે.

ચીનના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સને લઈને સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે આ ઇક્વિપમેન્ટ્સ બહુ હલકી ગુણવત્તાના છે. આ પ્રકારની ફરિયાદ કરવાવાળા દેશોમાં હવે ફિનલેન્ડનું નામ પણ જોડાઈ ગયું છે.

કોરોના વાઇરસના  વધતા જોખમને ધ્યાનમાં રાખતાં ફિનલેન્ડે ચીનથી 20 લાખ સર્જિકલ માસ્ક અને 2,30,000 રેસ્પિરેટર માસ્ક ખરીદ્યા હતા, પરંતુ આ માલસામાન ચીનથી ફિનલેન્ડ પહોચ્યાના એક જ દિવસમાં એ વાત સામે આવી ગઈ કે આ શિપમેન્ટમાં મોકલેલા માસ્ક હલકી ગુણવત્તા નથી. આ બાબતની માહિતી ફિનલેન્ડના આરોગ્ય મંત્રાલયનાં પ્રવક્તા કિર્સી વરહિલાએ આપી હતી. તેમણે કહ્યું હતું કે ફિનલેન્ડ આ હલકી ગુણવત્તાના માલસામાનથી ઘણું નિરાશ થયું છે.

ફિનલેન્ડ આ મુશ્કેલ સમયમાં આ શિપમેન્ટમાં મળેલા હલકી ગુણવત્તા માલસામાનથી બહુ હતોત્સાહ થયું છે, એના વિશ્વાસને ભારે ઠેસ પહોંચી છે. ફિનલેન્ડના આરોગ્યપ્રધાન ઓનો-કા ઇસા પેકોનેને એક ફોટો ટ્વીટ કરીને ચીનથી 20 લાખ સર્જિકકલ માસ્ક અને 2,30,000 રેસ્પિરેટર માસ્કનું પહેલું શિપમેન્ટ હેલસિંકી પહોચી ગયું છે. ચીનના આ નિરાશાજનક વલણ છતાં ફિનલેન્ડના આ શિપમેન્ટ પરત મોકલવાને બદલે એનો ઉપયોગ રહેવાસી વિસ્તારોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

ચીને આયર્લેન્ડ પછી બ્રિટનને પણ ચૂનો લગાડ્યો

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે આયર્લેન્ડ પછી હવે બ્રિટનને પણ ચીને ચૂનો લગાડ્યો છે. બ્રિટન સરકારના નવા ટેસ્ટિંગ વડાએ સ્વીકાર કર્યો છે કે ચીનની પાસે ખરીદવામાં આવેલા 35 લાખ એન્ટિ-બોડી ટેસ્ટ ખરાબ નીકળ્યા છે. આ એન્ટિ-બોડી ટેસ્ટનો વ્યાપક સ્તરે ઉપયોગ નથી કરી શકાતો. ચીનથી મળેલી આ છેતરપિંડી પછી આ રોગચાળાને કાબૂમાં લેવાની બ્રિટનની મુશ્કેલીમાં ખાસ્સો વધારો થયો છે.

બ્રિટનના ટેસ્ટિંગના વડા બનાવવામાં આવેલા પ્રોફેસર જોન ન્યુટને કહ્યું હતું કે આ ચીની ટેસ્ટ માત્ર એ લોકોના રોગને જ પકડી રહ્યો છે, જેને ગંભીરરૂપે  બીમાર છે. તેમણે કહ્યું હતું કે એન્ટિ-બોડી ટેસ્ટ પ્રારંભિક ટેસ્ટ પણ નથી કરી શકતો અને એને લીધે વ્યાપક રૂપે આનાથી તપાસ ના કરી શકાય.

 

ભારતને પૈસાની જરૂર નથી, અત્યારે ક્રિકેટ રમવાનો સમય નથીઃ કપિલ દેવ (શોએબ અખ્તરને)

ચંડીગઢઃ આજે આખી દુનિયા ભયાનક કોરોના વાઈરસના ફેલાવાથી ગભરાયેલી, પરેશાન છે અને આમાંથી ભારત અને પાકિસ્તાન પણ બાકાત નથી. તે છતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એવું સૂચન વહેતું મૂક્યું કે કોરોના વાઈરસનો સામનો કરવા માટે ભંડોળ ઊભું કરવાની જરૂર છે અને એ માટે ભારત-પાકિસ્તાન વચ્ચે 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ યોજવી જોઈએ.

અખ્તરના આ સૂચનને દંતકથાસમાન ક્રિકેટર કપિલ દેવે ફગાવી દીધું છે. કપિલે કહ્યું છે કે ભારતને કોરોના સામે લડવા માટે પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી અને હાલનો સમય ક્રિકેટ મેચ યોજવા માટે યોગ્ય નથી, એમ કરવાથી લોકોના જાન જોખમમાં મૂકાય.

અખ્તરે પીટીઆઈ સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં એવું સૂચન કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને દેશે કોરોના વાઈરસનો સામનો કરવા માટે સંયુક્ત રીતે ભંડોળ એકઠું કરવું જોઈએ અને એ માટે એક ક્લોઝ્ડ-ડોર ક્રિકેટ સિરીઝ યોજવી જોઈએ. પરંતુ કપિલ દેવે કહ્યું કે આ સૂચન વ્યવહારુ નથી.

કપિલ દેવે પણ પીટીઆઈને જ જણાવ્યું છે કે અખ્તરને પોતાનો અભિપ્રાય આપવાનો હક છે, પરંતુ આપણા દેશને પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે પૂરતા પૈસા છે. આપણા માટે અત્યારે મહત્ત્વનું એ છે કે આપણા સત્તાવાળાઓ સાથે મળીને આ મહાકટોકટીનો કેવી રીતે સામનો કરે છે. હું જોઉં છું કે ટીવી પરની ચર્ચામાં નેતાઓ એકબીજા પર દોષારોપણ કરે છે. આ બધું બંધ થવાની જરૂર છે.

કપિલે કહ્યું કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારને રૂ. 51 કરોડની સહાયતા કરી છે અને જરૂર લાગે તો વધારે પૈસાનું દાન કરવા માટે બોર્ડ સમર્થ છે. એટલે પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી.

1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું કે હાલતુરંત પરિસ્થિતિ રાબેતા મુજબની થાય એવું લાગતું નથી એટલે ક્રિકેટ મેચ યોજીને આપણા ક્રિકેટરોના જાન જોખમમાં મૂકવાની આપણે કોઈ જરૂર નથી.

કપિલ દેવનું તો કહેવું છે કે આવતા પાંચથી છ મહિના સુધી ક્રિકેટ રમવાનું ટાળવું જોઈએ.

જ્યારે પરિસ્થિતિ રાબેતા મુજબની થશે ત્યારે ક્રિકેટ આપોઆપ ફરી શરૂ થશે. દેશ કરતાં કોઈ રમત મોટી હોવી ન જોઈએ. અત્યારે જરૂર છે ગરીબ લોકો, હોસ્પિટલોમાં સેવા બજાવતા લોકોની તથા કોરોના સામેના જંગમાં આગળ પડતા રહેતા લોકોની સંભાળ લેવાની, એમ પણ 61 વર્ષીય કપિલ દેવે કહ્યું.

બીજા તમામ ભારતીયોની જેમ કપિલ દેવ પણ હાલ એમના ઘરમાં જ રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરે છે. ‘નેલ્સન મંડેલા તો 27 વર્ષ સુધી એક નાનકડી કોટડીમાં રહ્યા હતા. એની સામે આપણે તો નસીબદાર છીએ કે આપણા પોતાના ઘરમાં જ રહીએ છીએ અને તે પણ થોડાક સમય સુધી જ રહેવાનું છે.’

કપરો સમય મિત્રોને નજીક લાવે છે: મોદીનો ટ્રમ્પને જવાબ

નવી દિલ્હી:કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતે મિત્રતતા નિભાવવા અમેરિકા સહિતના કેટલાક દેશોને કોરોના વાયરસ સામે અસરકારક એવી મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો મોકલી આપ્યો છે. ભારત દ્વારા આ દવાની નિકાસ પરનો પ્રતિબંધ કપરા સમયમાં ઉઠાવી લેવાયો છે અને જ્યાં વધુ જરૂરિયાત હોય તેવા દેશોને મોકલી આપ્યો છે.

આ કપરી પરિસ્થિતિમાં મદદ કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારો ભારો વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ‘થેંક્યૂ ઈન્ડિયા’. યુએસ રાષ્ટ્રપતિના વળતો જવાબ આપતા પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને કટોકટીના સમયમાં મિત્રો વધુ નિકટ આવતા હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું કે, ‘તમારી વાતથી હું સંપૂર્ણ સહમત છું. આવા સમયમાં મિત્રો નજીક આવી જતા હોય છે. ભારત-અમેરિકા દ્વીપક્ષીય સંબંધો પહેલા કરતા વધુ મજબૂત થયા છે.’ ભારતે કોરોના સામેની લડાઈમાં તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભારત વિશ્વભરમાં અન્ય જરૂરિયાતવાળા દેશોને સંભવિત તમામ મદદ કરશે, આપણે આ લડાઈ સૌ સાથે મળીને જીતીશું.

સોનુ સૂદે મેડિકલ સ્ટાફ માટે ઓફર કરી પોતાની હોટલ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને હરાવવાનો એક માહોલ અત્યારે દેશમાં જામ્યો છે જેમાં લોકો ખાસ રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કોરોના સામેના આ યુદ્ધમાં સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની છે કે જે ફ્રન્ટલાઈનમાં ઉભા રહીને આ જીવલેણ બીમારી સામે લોકોને બચાવવાના કામમાં જોડાયેલા છે. આવા કર્મવીરોના ચારેયબાજુ વખાણ થઈ રહ્યા છે અને સાથે જ તેમને આ કામમાં સહાયતા આપવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન બોલીવુડ એક્ટર સોનૂ સુદે કર્યો છે.

સોનુએ ડોક્ટર્સ, નર્સીઝ અને બીજા મેડિકલ સ્ટાફ માટે પોતાની મુંબઈ સ્થિત એક હોટલની ઓફર કરી છે. સોનુની આ હોટલ મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં છે કે જે બોલીવુડ સેલિબ્રિટીઝ માટે જાણિતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોનુએ કહ્યું કે, હું આપણા ડોક્ટર્સ, નર્સીઝ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે કંઈક કરી શકીશ તો તે સન્માનની વાત છે. લોકોના જીવ બચાવવા માટે આ લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે. આ લોકો મુંબઈના વિભિન્ન વિસ્તારોમાંથી આવે છે અને આરામ કરવા માટે તેમને જગ્યા જોઈતી હોય છે. અમે મ્યૂનિસિપલ અને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે સંપર્ક કરીને આની ફેસેલિટી માટે જણાવ્યું છે.

આ પહેલા શાહરુખ ખાને પોતાની ઓફિસ ક્વોરન્ટાઈન ફેસિલિટી બનાવવા માટે બીએમસીને આપવા માટે રજૂઆત કરી હતી. આના માટે બીએમસીએ શાહરુખ ખાનને ધન્યવાદ પણ કહ્યા હતા. આ આઈસોલેશન ફેસિલિટીમાં સ્ત્રીઓ, બાળકો અને વડીલોને રાખવામાં આવશે.

એક્ટર અને બિઝનેસમેન સચિન જોશીએ પોતાની પવઈ સ્થિત હોટલ કોવિડ-19 ના દર્દીઓ માટે આપી છે. આ હોટલમાં 36 જેટલા રુમ છે. આના માટે બીએમસીએ સચિનનો સંપર્ક કર્યો હતો અને તેમણે તરત જ હા પાડી દીધી હતી. કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને કામ વગર બહાર ન નિકળવાની પણ સલાહ આપી છે.

ગુજરાતઃ દોઢ લાખ લોકો હોટસ્પોટ ક્વોરન્ટાઈનમાં

અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને જોતા અમદાવાદ સહિત 5 મોટા શહેરોમાં આશરે દોઢ લાખ જેટલા લોકોને હોટસ્પોટ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં એસઆરપીની ટીમો તેનાત કરી દેવામાં આવી છે અને એનસીસી અને એનએસએસના 4 હજાર સ્વયં સેવકોની મદદ લેવામાં આવશે. ગુજરાતમાં કોવિડન 19 વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 175 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 14 જેટલી થઈ ગઈ છે. મંગળવારના રોજ કોરોનાને લઈને સૂરતમાં બે લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે, અમદાવાદ, સૂરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં કોરોના સંક્રમણ પર અંકુશ લગાવવા માટે કેટલાક વિસ્તારોને હોટ સ્પોટ ક્વોરન્ટાઈન કરીને તેમની દેખરેખ માટે મેડિકલ અને પોલીસની ટીમો તેનાત કરવામાં આવી છે. કાલુપુર, દાણીલીમડા, જમાલપુર સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં એસઆરપીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. આમાં આશરે એક લાખ 55,000 થી વધારે લોકોનો સમાવેશ થાય છે. હોટ સ્પોર કરવામાં આવ્યા બાદ આ વિસ્તારોમાં સેનેટાઈઝ, ટેસ્ટ્સ, કડક પણે લોકડાઉન, કડક ક્વોરન્ટાઈન જેવી કાર્યવાહી થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં કોરોના વિરુદ્ધ ઝુંબેશમાં સેવા આપતા કોઈપણ વ્યક્તિનું  મોત થાય તો તેમને 25 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે. પહેલા સરકારે મેડિકલ અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે આ જાહેરાત કરી હતી.