આજે જયા બચ્ચનનો બર્થ-ડેઃ જયા દિલ્હીમાં, પરિવાર મુંબઇમાં…
મુંબઈ: 9 એપ્રિલ એટલે કે આજે અભિનેત્રી જયા બચ્ચનનો 72મો જન્મદિવસ છે, પરંતુ આ ખાસ અવસર પર જયા બચ્ચન તેના પરિવારથી દૂર દિલ્હીમાં છે. કોરોના વાઈરસને કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જયા બચ્ચન દિલ્હીમાં ફસાઈ ગયા છે. અભિષેક બચ્ચન આજે તેમની માતાના જન્મદિવસે તેને બહુ મિસ કરી રહ્યો છે. તેણે જયાની એક તસવીર શેર કરી અને એક મેસેજ પણ લખ્યો છે.

અભિષેકે માતા જયા બચ્ચનને જમ્મ દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, દરેક બાળકનો સૌથી ફેવરિટ શબ્દ માં હોય છે અને મારો પણ…હેપ્પી બર્થડે માં. તમે લોકડાઉનને કારણે દિલ્હીમાં ફસાઈ ગયા છો અને અમે બધા અહીં મુંબઈમાં છીએ. અમે તમને દરેક ક્ષણ યાદ કરીએ છીએ તમે અમારા દિલમાં છો. આઈ લવ યુ.

આ ઉપરાંત જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ પણ માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે, હું મારા હૃદયમાં હમેશાં તમને રાખું છું, હું ગમે ત્યાં જાઉં તમે મારી સાથે જ હોવ છો. હેપ્પી બર્થડે મમ્મા. આઈ લવ યૂ.
ચૂંટણી વિલંબમાં પડતાં ઉદ્ધવ ઠાકરેને MLC નિયુક્ત કરવાનો નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એક ઠરાવ પસાર કર્યો છે અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીને કહ્યું છે કે તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સદસ્ય (MLC) તરીકે નિયુક્ત કરે, કારણ કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ચૂંટણી પંચે વિધાન પરિષદની ચૂંટણી મુલતવી રાખી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાલ રાજ્ય વિધાનસભાના સદસ્ય (MLA) નથી એટલે એમણે નિયમાનુસાર મુખ્ય પ્રધાનનો હોદ્દો સંભાળ્યાના છ મહિનાની અંદર વિધાનસભ્ય બની જવું પડે. એમણે ગયા વર્ષના નવેંબરમાં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. જો તેઓ વિધાનસભ્ય બની ન શકે તો એમણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પોતાના ક્વોટામાંથી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરી શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યપાલને આમ કરવાની ભલામણ કરી છે.
આજે યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ઠાકરે હાજર રહ્યા નહોતા. બેઠકનું અધ્યક્ષપદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સંભાળ્યું હતું.
મહારાષ્ટ્રમાં હાલ 3 પક્ષોની સંયુક્ત સરકાર છે – શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ. ગયા વર્ષે ખૂબ લંબાઈ ગયેલા અને નાટ્યાત્મક બની ગયેલા રાજકીય જંગને અંતે આ ત્રણ પાર્ટી મહાવિકાસ આઘાડી નામે નવું ગ્રુપ બનાવીને સત્તા પર આવી હતી.
મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 1,135 કેસો નોંધાયા છે અને 72 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.
કેન્દ્રનું કોવિડ-19 ઇમર્જન્સી પેકેજ
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. આવામાં કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોની મદદ કરવા માટે પગલાં ભર્યાં હતાં. કેન્દ્ર સરકારે રાજ્યોની હેલ્થ સિસ્ટમમાં સુધારો કરવાના ઇરાદાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરું ફંડ આપવાની મંજૂરી આપી હતી. આના માટે કેન્દ્ર સરકારે કોવિડ-29 ઇમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ પેકેજ (COVID-19 Emergency Response and Health System Preparedness Package) જાહેર કર્યું હતું.
કેન્દ્ર સરકારે રાજ્યોને પૂરેપૂરું ફંડ આપશે
આ પેકેજમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરેપૂરું ફંડ આપવામાં આવશે. નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર વંદના ગુરનાની એ એક સરક્યુલર જારી કરીને કહ્યું હતું કે 100 ટકાના સેન્ટ્રલ પ્રોજેક્ટને જાન્યુઆરી, 2020થી માર્ચ, 2024 સુધી ત્રણ તબક્કામાં એને લાગુ કરવામાં આવશે.

કોરોના વાઇરસની તમામ સારવાર માટે નાણાકીય મદદ
આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સારવાર કરવી, તેમને ક્વોરાન્ટાઇન કરવા અને રાષ્ટ્રીય અને રાજયોની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવી. એ સાથે આમાં મેડિકલ ઉપકરણો, દવાઓની ખરીદી, લેબોરેટરી બનાવવી અને બાયો-સિક્યોરિટીની તૈયારી સહિત દેખરેખની કામગીરીને મજબૂત કરવી સામેલ છે.
આ સરક્યુલર દેશનાં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો હેલ્થ કમિશનર્સને મોકલવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો માટે તત્કાળ ફંડ જારી કરવામાં આવી રહ્યું છે.
ત્રણ તબક્કામાં રાજ્યોને મદદ
પહેલા તબક્કામાં લાગુ થનારી મુખ્ય કામગીરીમાં કોવિડ-19 હોસ્પિટલોને વધારવી અને અન્ય હોસ્પિટલોને વિકસિત કરવી. એ સાથે આઇસોલેશન રૂમ્સ, વેન્ટિલેટર્સની આ સાથે ICU, હોસ્પિટલોમાં ઓક્સિજનનો પર્યાપ્ત પુરવઠો રાખવો, હોસ્પિટલોમાં લેબોરેટરીઓને આધુનિક બનાવવી. આ સાથે પહેલા તબક્કામાં લેબોરેટરી અને એમ્બ્યુલન્સ પણ વધારવામાં આવશે.
અહેવાલ મુજબ કેન્દ્રીય પેકેજથી રાજ્યમાં સુરક્ષા ઉપકરણ (PPE), N95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં મદદ કરવામાં આવશે. આની કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી કરીને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવશે.
આ પ્રોજેક્ટના ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો એક જાન્યુઆરી, 2020થી જૂન, 2020 સુધી હશે. બીજો તબક્કો જુલાઈ,2020થી માર્ચ, 2021 અને ત્રીજો તબક્કો એપ્રિલ, 2021થી માર્ચ, 2024 સુધી રહેશે
લોકડાઉનમાં ગરીબોની સહાય માટે દેશભરમાં જુવાળ
કોલકાતાઃ દેશભરમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન છે અને અચાનક કરવામાં આવેલા લોકડાઉનથી ગરીબ પરિવારોની હાલત કફોડી છે. આ સંજોગોમાં ગુજરાત સહિત દેશભરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ-સેવાભાવી સંગઠનો ગરીબોની સહાય માટે આગળ આવ્યા છે. કોલકાતાસ્થિત આશ્કા ફાઉન્ડેશનનો પણ એમાં સમાવેશ થાય છે.
ફાઉન્ડેશને મધ્ય કોલકાતામાં આસપાસના વિસ્તારોમાં આશરે 1000 ગરીબ કુટુંબો (કુટુંબમાં સરેરાશ ચાર સભ્યો)ને આ લોકડાઉનના સમયગાળામાં જીવનનિર્વાહમાં અને સ્વચ્છતા જાળવવામાં પાંચ કિલો ચોખા, પાંચ કિલો ઘઉંનો લોટ, બે કિલો કઠોળ, ડુંગળી અને બટાટા, એક લિટર રાંધવા માટેનું તેલ, મીઠું અને બિસ્કિટ સહિતની રાહત સામગ્રી ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે સાબુનું પણ વિતરણ કર્યું હતું.
ફાઉન્ડેશને ગરીબોના ઘેરેઘેર વિતરણ કર્યું
ફાઉન્ડેશને આ રાહત સામગ્રીને કેલાબાગન, ઝકરિયા સ્ટ્રીટ, મંદિર સ્ટ્રીટ, તારા ચંદ દત્તા સ્ટ્રીટ, મેચુઆ, રત્તુસિરકર લેન, ગિરરિબાબુ લેન, બેકબાગન અને મલ્લિકપુર વિસ્તારોમાંની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને ગરીબ વિસ્તારોમાં ઘેરેઘેર વિતરણ કર્યું હતું. આ રાહત સામગ્રી ભૂખમરાથી બચાવવા માટે આપવામાં આવી હતી. આ લોકડાઉનના સમયગાળામાં જેમની આવકને મોટો ફટકો પડ્યો છે તેવા ઝૂંપડપટ્ટીવાસીઓ, સ્થળાંતરિત કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારો સુધી ફાઉન્ડેશને આ રાહત સામગ્રી પહોંચાડી હતી.
150 ગરીબ પરિવારોને રાહત સામગ્રી
આ ફાઉન્ડેશનના પ્રમુખ અને એડવોકેટ તારિક્યુક્સી ક્વાસિમુદ્દીન કહે છે એમ, લોરેટો બોબજાર સ્કૂલનાં આશરે 150 ગરીબ બાળકોનું પાલનપોષણ લોરેટોની મિશનરી સિસ્ટરો દ્વારા કરવામાં આવે છે. આ બાળકો વંચિત અને હાંસિયામાં રહેલા, અતિ પછાત જાતિનાં ગરીબ બાળકો છે, વળી આ અચાનક લોકડાઉનના સમયગાળામાં આ સિસ્ટરો પાસે ખૂબ જ ઓછી અન્ન સામગ્રી બચી હતી, ત્યારે આશ્કા ફાઉન્ડેશને તેમને પણ રાહત સામગ્રી મોકલી હતી. ફાઉન્ડેશને તેમને સ્વચ્છતા માટે જંતુનાશક સાબુઓ પણ આપ્યા હતા. શાળાના અધિકારીઓએ ફાઉન્ડેશનની પહેલને બિરદાવી હતી.

કેરળના પૂર દરમ્યાન પણ ફાઉન્ડેશન સમાજ સેવામાં ખડે પગે રહ્યું
ફાઉન્ડેશને કેરળના વિનાશક પૂર દરમિયાન પણ મુખ્ય મંત્રી રાહત નિધિમાં રોકડ અને રાહત સામગ્રી સાથે ફાળો આપ્યો હતો. ફાઉન્ડેશનન સમાજમાં મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા, સમાવિષ્ટ શિક્ષણ અને ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફાઉન્ડેશનમાં કાનૂની અને તબીબી વ્યવસાયિકો, શિક્ષણવિદો, વ્યવસાયિક લોકો સામાજિક કાર્યકરો જેવા વ્યવસાયિકોનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશનના સભ્ય અને પત્રકાર ગઝાલા યાસ્મિન કહે છે, અમે તેમને અનાજ વિતરણ સાથે લોકડાઉન પ્રોટોકોલ અને સરકારની માર્ગદર્શિકાનું અમે પાલન કરીને તેમને જીવનજરૂરી ચીજવસ્તુ પહોંચાડી છે. અમારી ડોક્ટરોની ટીમ પણ સોશિયલ મિડિયા પર આ ભયજનક રોગના ફેલાવાને રોકવા માટે ઉપાય લેવાયેલા પગલાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
તબલીગી જમાતે પાકિસ્તાનને ય ન છોડ્યું
ઈસ્લામાબાદઃ તબલીગી જમાતે પોતાના દિલ્હી કાર્યક્રમના કારણે ભારતમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જમાતની ખૂબ ટીકાઓ થઈ રહી છે. જમાતે ગત મહિને પાકિસ્તાનમાં પણ પોતાનો કાર્યક્રમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પંજાબ પ્રાંતની સરકાર દ્વારા ભારે વિરોધ છતા પણ જમાતે ત્યાં પોતાનો વાર્ષિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પંજાબ સ્પેશિયલ બ્રાંચે જણાવ્યું કે 10 માર્ચના રોજ થયેલા કાર્યક્રમમાં 70 થી 80 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.
તબલીગી જમાતના પ્રબંધને દાવો કર્યો કે, તેમના વાર્ષિક કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો પહોંચ્યા હતા. આમાં 40 દેશોના આશરે 3000 હજાર જેટલા લોકો જોડાયા હતા. તે લોકો અત્યારે પાકિસ્તાનથી પોતાના દેશમાં નથી જઈ શક્યા કારણ કે પાકિસ્તાને તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર રોક લગાવી છે.
તબલીગી જમાતના એક હજારથી વધારે લોકોના કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ ભારત અને મલેશિયામાં સંગઠનની ખૂબ ટીકાઓ થઈ રહી છે. ભારતમાં સામે આવી રહેલા કોરોનાના કુલ કેસોમાં 30 ટકા જમાતી છે. પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં હજી સુધી 4196 લોકોમાં આ સંક્રમણની પુષ્ટી થઈ છે. ત્યાં 60 ટકા દર્દીઓના મોત થઈ ગયા છે.
તબલીગી જમાતના રાયવિંદ શહેરમાં થયેલા કાર્યક્રમ બાદ ત્યાં સેંકડો જમાતીઓના કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા. બાદમાં બે લાખ જનસંખ્યા વાળા શહેરને પૂરી રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. સંગઠન પર આરોપ છે કે, તેમણે કાર્યક્રમને લઈને પ્રશાસનના આદેશો અને સૂચનાઓને અવગણના કરવામાં આવી છે.
ગુજરાત માટે કોરોના સંકટઃ 55 નવા કેસ નોંધાતા હાહાકાર
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે રાજ્ય માટે એક ચિંતાનો વિષય સમાન મોટા સમાચાર મળી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ 55 કેસો નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 55 જેટલી છે. જયંતિ રવિએ જણાવ્યું કે, હવે ટેસ્ટિંગ વધતા કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે નવા 55 કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજના કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં જ ખાલી 50 કેસો સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 2, દાહોદમાં 1, આણંદમાં 1 અને છોટા ઉદ્દેપુરમાં 1 કેસ સામે આવ્યો છે, જ્યારે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 50 કેસોની સાથે કુલ 135 કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા થઈ ગઈ છે. ગુજરાતમાં હવે કુલ આંકડો 241 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે. અમદાવાદના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસો 50 આવ્યા છે. કુલ 1788 ટેસ્ટ કર્યા છે તેના આધારે પાંચ ટકાની સરેરાશથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
કુલ 241 કેસમાંથી 33 વિદેશ ટ્રાવેલના છે. તો 32 જેટલા કેસ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રીના છે. એક કેસમાં 48 વર્ષીય અમદાવાદના દર્દીનું મોત નિપજ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાંથી એક પુરુષ દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યાં 155 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 26 જેટલા લોકોને કુલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Chitralekha Gujarati – April 20, 2020
લોકોને સામાન્ય બિમારીનો ઈલાજ મળશે ઘરે બેઠા
રાજકોટ: અત્યારે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ઘણી જગ્યાએ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક શહેરી વિસ્તારમાં કોરોનાના ડરથી ડોક્ટર પોતાનું ક્લિનિક ખોલતા નથી. તો બીજી તરફ અમુક ક્લિનિક ખુલે છે છતાં દર્દીઓ જવા તૈયાર નથી. કારણ કે આજે ઘરની બહાર નીકળતા સૌ કોઇને ડર લાગી રહયો છે કે કયાંક ચેપગ્રસ્ત ન થઇ જાય.

આવા સમયે બિમાર વ્યક્તિને આમ તેમ ધક્કા ના ખાવા પડે એ માટે રાજકોટના એક ડોકટર સહિત ત્રણ વ્યક્તિએ એક ડો. સંદિપ પાલા, ધર્મેશ ઘાડીયા અને અમર પીલોજપરાએ ડોક્ટર ડાયલ નામની એપ્લિકેશન તૈયાર કરી છે. આના થકી બિમાર દર્દીને ઘરે બેઠા જ ડોકટરની સલાહ મુજબની દવાઓ મળી રહેશે. એટલું જ નહીં તબીબો પણ એક પણ રૂપિયાની કન્સલ્ટન્ટ ફિ લીધા વગર નિ:શુલ્ક દવા લખાવશે. અત્યારસુધીમાં આ એપમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના ઘણા શહેરના 30થી વધુ ડોકટર જોડાઇ ગયા છે.

આ ડોકટર ડાયલ એપ બનાવવામાં જેનો મહત્વનો ફાળો છે એવા ડો. સંદિપ પાલા ચિત્રલેખા ડોટ કોમને કહે છે પહેલા ડોકટરો ટેલી કન્સલ્ટીંગ અને ટેલી મેડિસિન આપી શકતા નહોતા. પરંતુ કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં 25 માર્ચથી સરકારે પણ છૂટ આપી છે અને એના કારણે જ આજે આ એપ બનાવી છે અને એમા દેશભરના તબીબો જોડાઇ રહ્યા છે. લોકડાઉનમાં લોકો દવાખાનાં સુધી ન આવી શકે તો કંઇ નહીં પરંતુ નજીકનાં મેડિકલ સ્ટોર પર પહોંચીને એપમાં આપેલા નંબરમાં ડોકટરને ફોન કરે ચો એને જરુરી દવા મળી રહેશે.

વધમાં કહે છે એપનો એકમાત્ર ધ્યેય એ છે કે લોકો લોકડાઉનમાં ઘરે જ રહે. એ માટે કોઇપણ વ્યક્તિએ ગુગલ પ્લે સ્ટોરમાં જઇને ડોકટર ડાયલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ બિલકુલ ફ્રી આપવામાં આવી છે અને દેશભરના ડોકટરો પણ જોડાઇ રહયા છે. એ પણ પોતાની સેવા ફ્રીમાં આપી રહયા છે. બસ રીતે લોકોને મદદરુપ થવાનો અમારો ધ્યેય છે.
(જીતેન્દ્ર રાદડિયા-રાજકોટ)
ભારતે આવશ્યક દવાઓ શ્રીલંકા મોકલી; પ્રમુખ ગોટબાયાએ મોદીનો આભાર માન્યો
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો દુનિયાભરમાં ફેલાયો છે. દક્ષિણ એશિયામાં પણ આ રોગનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ભારત અનેક દેશોને પોતાનાથી શક્ય મદદ કરી રહ્યું છે.
ભારત સરકારે પડોશી શ્રીલંકાને 10-ટન જેટલી જીવનાવશ્યક દવાઓ મોકલી છે.
શ્રીલંકાને તેના નાગરિકોને કોરોનાથી બચાવવા માટે આવશ્યક દવાઓનો પહેલો જથ્થો ભારતે મોકલ્યો છે.
આ 10-ટન કન્સાઈનમેન્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન તથા પેરાસિટામોલ દવાઓનો પણ સમાવેશ થાય છે.
શ્રીલંકાના પ્રમુખ ગોટબાયા રાજપક્ષાએ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
ગોટબાયાએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને વડા પ્રધાન મોદી અને ભારતની જનતાનો આભાર માન્યો છે.
ગોટબાયા રાજપક્ષાએ લખ્યું છે કે, ‘વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા શ્રીલંકામાં જરૂરી દવાઓ મોકલવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને ભારતની જનતાનો આભાર માનું છું. આ જરૂરિયાતના સમયમાં તમારા દયાળુ અને ઉદાર સમર્થનની હું સરાહના કરું છું.’
I wish to convey my heartfelt appreciation to Hon PM @narendramodi, Govt & people of #India for your warm gesture in sending medicines to #LKA on a special chartered flight. Your kind & generous support is deeply appreciated in this hour of need #TogetherWeCan #COVID19 pic.twitter.com/XpcUw9xK6d
— Gotabaya Rajapaksa (@GotabayaR) April 7, 2020
કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, ‘ભારત તરફથી ભેટના સ્વરૂપમાં જીવનાવશ્યક દવાઓનો પહેલો જથ્થો શ્રીલંકા પહોંચી ગયો છે. આ કઠિન સમયમાં સહયોગ એક મજબૂત દોસ્તીનું પ્રતીક છે. આ કાર્ય બદલ એર ઈન્ડિયાનો ખૂબ ખૂબ આભાર.’







