ભારતે આવશ્યક દવાઓ શ્રીલંકા મોકલી; પ્રમુખ ગોટબાયાએ મોદીનો આભાર માન્યો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો દુનિયાભરમાં ફેલાયો છે. દક્ષિણ એશિયામાં પણ આ રોગનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ભારત અનેક દેશોને પોતાનાથી શક્ય મદદ કરી રહ્યું છે.

ભારત સરકારે પડોશી શ્રીલંકાને 10-ટન જેટલી જીવનાવશ્યક દવાઓ મોકલી છે.

શ્રીલંકાને તેના નાગરિકોને કોરોનાથી બચાવવા માટે આવશ્યક દવાઓનો પહેલો જથ્થો ભારતે મોકલ્યો છે.

આ 10-ટન કન્સાઈનમેન્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન તથા પેરાસિટામોલ દવાઓનો પણ સમાવેશ થાય છે.

શ્રીલંકાના પ્રમુખ ગોટબાયા રાજપક્ષાએ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

ગોટબાયાએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને વડા પ્રધાન મોદી અને ભારતની જનતાનો આભાર માન્યો છે.

ગોટબાયા રાજપક્ષાએ લખ્યું છે કે, ‘વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા શ્રીલંકામાં જરૂરી દવાઓ મોકલવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને ભારતની જનતાનો આભાર માનું છું. આ જરૂરિયાતના સમયમાં તમારા દયાળુ અને ઉદાર સમર્થનની હું સરાહના કરું છું.’

કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, ‘ભારત તરફથી ભેટના સ્વરૂપમાં જીવનાવશ્યક દવાઓનો પહેલો જથ્થો શ્રીલંકા પહોંચી ગયો છે. આ કઠિન સમયમાં સહયોગ એક મજબૂત દોસ્તીનું પ્રતીક છે. આ કાર્ય બદલ એર ઈન્ડિયાનો ખૂબ ખૂબ આભાર.’