ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક

ચાંગા: હાલમાં વિશ્વ કોરોના COVID-19 વાયરસના કારણે હેરાન પરેશાન છે અને ભારત સરકાર દ્વારા દેશમાં લોકડાઉન છે ત્યારે ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા (ARIP) ફિઝિયોથેરાપીના દર્દીઓની ઘેરબેઠા સારવાર માટે એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. ARIPના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિના માર્ગદર્શન હેઠળ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે નિ:શુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે.

ચારુસેટ દ્વારા અનેક વાર વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે નવતર પહેલ કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર કોરોના સામે લડત આપવા ઓનલાઈન વોટ્સએપ ક્લિનિકનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ARIPના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હેમલ પટેલ અને ARIPના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કૃપા શાહ દ્વારા વિડીયોની મદદથી  માહિતીનું આદાન પ્રદાન, સલાહ સૂચન, પ્રશ્નોનું નિરાકરણ, સામૂહિક ચર્ચા કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવે છે.

ડો. હેમલ પટેલના જણાવ્યા મુજબ ફિઝિયોથેરાપીના દર્દીઓએ ક્રોનીક પેઇન-બેક પેઇન વગેરે માટે રોજેરોજ સારવાર લેવી પડતી હોય છે અને સારવાર કરાવવા માટે સેન્ટરો કે ક્લિનિકો પર જવું પડતું હોય છે.  પરંતુ લોકડાઉનના કારણે સેન્ટરો કે ક્લિનિકો બંધ છે જેના કારણે સારવાર કરાવવા તેઓ જઇ  શકતા નથી. ઘરે કસરત ન કરે તો  દુખાવો વધારે થવાની શક્યતા છે. શારીરિક કસરતો બંધ થવાથી અને બેઠાળું જીવન થવાથી 60 વર્ષથી વધુ વયના દર્દીઓને મસલ્સ-જોઇન્ટ પેઇન થવાની શક્યતા વધે છે . આ સમસ્યા  હલ કરવા નિ: શુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં  ઘેરબેઠા સાવચેતી, રિહેબિલિટેશન, શેક કેવી રીતે લેવો, દુખાવો કંટ્રોલ કરવો, કસરતો કેટલી વાર કરવી સવાલોના જવાબો આપવામાં આવે છે. તેઓની તકલીફો વિડિઓથી સાંભળીએ છીએ અને કાઉન્સેલિંગ કરી કસરત શીખવાડાય છે. શું કરવું-શું ન કરવું તેનું બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ  કરીએ છીએ.  છેલ્લા દસ દિવસથી આ સુવિધા શરૂ થઈ છે જેનો રોજ 5-6 લોકો લાભ લે છે અને અત્યાર સુધીમાં 35થી 40 લોકોએ લાભ લીધો છે.

ડો.  બાલા ગણપતિના જણાવ્યા મુજબ આપણે બધા હાલની COVID-19 પરિસ્થિતિથી વાકેફ  છીએ અમે હાલમાં જે લોકો સ્નાયુઓ અને સાંધાઓના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેવા લોકોની મુશ્કેલીના નિવારણ માટે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા ઓનલાઈન વોટ્સએપ ક્લિનિકનું નવું પગલું લેવામાં આવ્યું છે. તમે જ્યાં હોવ ત્યાં અમે તમારી સેવામાં હાજર છીએ. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી અમે તમારી કાળજી રાખીશું. જે  તે વ્યક્તિ આ માટે સવારે 10 થી 11 અને સાંજે 5 થી 6 દરમિયાન સંપર્ક નંબર ડો. હેમલ પટેલ-73596 27507 અને ડો. કૃપા શાહ-9737810802 નો સંપર્ક કરી શકે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]