ચીને હવે ફિનલેન્ડને ય હલકી ગુણવત્તાનો માલ પધરાવ્યો?

હેલસિંકી (ફિનલેન્ડ): સોશિયલ મિડિયામાં ચીન માટે એક વાત ખૂબ વાઇરલ છે કે ચીની માલસામાન તકલાદી હોય છે, પણ આ ચીની વાઇરસ એકદમ મજબૂત છે, જે જવાનું નામ નથી લેતો અને કેટલાય જીવોના ભોગ લઈ રહ્યો છે. એવું જ કંઈક આ રોગની સામે લડવા માટે ચીનથી માલસામાન મગાવનારા દેશો કહી રહ્યા છે. ચીને ફેબ્રુઆરીથી અત્યાર સુધી કેટલાય દેશોને PPE, એન્ટિ-બોડી કિટ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરી છે, પણ સ્પેન, નેધરલેન્ડ્સ, તુર્કી, નેપાળ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય દેશો આ ચીજવસ્તુઓ હલકી ગુણવત્તા હોવાને ડિલિવરી પરત કરી રહ્યા છે અથવા નકારી રહ્યા છે. જોકે ચીન આને અમેરિકી એજન્ડા બતાવીને આ આરોપોનું સતત ખંડન કરી રહ્યું છે.

ચીનના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સને લઈને સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે આ ઇક્વિપમેન્ટ્સ બહુ હલકી ગુણવત્તાના છે. આ પ્રકારની ફરિયાદ કરવાવાળા દેશોમાં હવે ફિનલેન્ડનું નામ પણ જોડાઈ ગયું છે.

કોરોના વાઇરસના  વધતા જોખમને ધ્યાનમાં રાખતાં ફિનલેન્ડે ચીનથી 20 લાખ સર્જિકલ માસ્ક અને 2,30,000 રેસ્પિરેટર માસ્ક ખરીદ્યા હતા, પરંતુ આ માલસામાન ચીનથી ફિનલેન્ડ પહોચ્યાના એક જ દિવસમાં એ વાત સામે આવી ગઈ કે આ શિપમેન્ટમાં મોકલેલા માસ્ક હલકી ગુણવત્તા નથી. આ બાબતની માહિતી ફિનલેન્ડના આરોગ્ય મંત્રાલયનાં પ્રવક્તા કિર્સી વરહિલાએ આપી હતી. તેમણે કહ્યું હતું કે ફિનલેન્ડ આ હલકી ગુણવત્તાના માલસામાનથી ઘણું નિરાશ થયું છે.

ફિનલેન્ડ આ મુશ્કેલ સમયમાં આ શિપમેન્ટમાં મળેલા હલકી ગુણવત્તા માલસામાનથી બહુ હતોત્સાહ થયું છે, એના વિશ્વાસને ભારે ઠેસ પહોંચી છે. ફિનલેન્ડના આરોગ્યપ્રધાન ઓનો-કા ઇસા પેકોનેને એક ફોટો ટ્વીટ કરીને ચીનથી 20 લાખ સર્જિકકલ માસ્ક અને 2,30,000 રેસ્પિરેટર માસ્કનું પહેલું શિપમેન્ટ હેલસિંકી પહોચી ગયું છે. ચીનના આ નિરાશાજનક વલણ છતાં ફિનલેન્ડના આ શિપમેન્ટ પરત મોકલવાને બદલે એનો ઉપયોગ રહેવાસી વિસ્તારોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

ચીને આયર્લેન્ડ પછી બ્રિટનને પણ ચૂનો લગાડ્યો

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે આયર્લેન્ડ પછી હવે બ્રિટનને પણ ચીને ચૂનો લગાડ્યો છે. બ્રિટન સરકારના નવા ટેસ્ટિંગ વડાએ સ્વીકાર કર્યો છે કે ચીનની પાસે ખરીદવામાં આવેલા 35 લાખ એન્ટિ-બોડી ટેસ્ટ ખરાબ નીકળ્યા છે. આ એન્ટિ-બોડી ટેસ્ટનો વ્યાપક સ્તરે ઉપયોગ નથી કરી શકાતો. ચીનથી મળેલી આ છેતરપિંડી પછી આ રોગચાળાને કાબૂમાં લેવાની બ્રિટનની મુશ્કેલીમાં ખાસ્સો વધારો થયો છે.

બ્રિટનના ટેસ્ટિંગના વડા બનાવવામાં આવેલા પ્રોફેસર જોન ન્યુટને કહ્યું હતું કે આ ચીની ટેસ્ટ માત્ર એ લોકોના રોગને જ પકડી રહ્યો છે, જેને ગંભીરરૂપે  બીમાર છે. તેમણે કહ્યું હતું કે એન્ટિ-બોડી ટેસ્ટ પ્રારંભિક ટેસ્ટ પણ નથી કરી શકતો અને એને લીધે વ્યાપક રૂપે આનાથી તપાસ ના કરી શકાય.