Home Blog Page 4867

ટુવ્હિલર વાહનો માટે ડિસઇન્ફેક્ટન્ટ ટનલ!!

ચેન્નાઈ: તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કોરોના વાઈરસના વધતા જતાં સંક્રમણને ધ્યાને રાખી ટુવ્હિલર વાહનો માટે ડિસઈનફેક્ટેન્ટ ટનલ (Disinfectant tunnel) બનાવવામાં આવી છે. અહીં મદુરવાયલ ખાતે આ ટનલ લગાવવામાં આવી છે, જેથી કોવિડ-19ના સંક્રમણને અટકાવી શકાય. આ ટનલમાં એન્ટ્રી લેનાર પર સેનેટાઈઝરનો છંટાવ પણ કરવામાં આવે છે જેથી બેકટેરીયા દૂર થાય છે.

મહત્નવનું છે કે, દેશના લગભઘ 22થી વધુ રાજ્યો કોરોના વાઈરસની ઝપેટમાં છે. આ વાઈરસને ફેલાતો રોકવા માટે સાવધાની રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દેશમાં આ વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકજાગૃતિ ફેલાવામાં આવી રહી છે.

સૌથી મહત્વની વાત કે આ બિમારીની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. વિશ્વના દરેક દેશ તેમના સ્તરે આ બિમારી સામે લડી રહી છે. સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ વાઈરસની ઝપેટમાં આવી ગયો છે. તો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે.

 

ટ્રમ્પ માટે ફરી સત્તા મેળવવામાં કોરોનાનું સંકટ વિઘ્ન?

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંકટને લીધે અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવવા માટે મોટો પડકાર બની ગઈ છે. આ વૈશ્વિક સંકટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પુનઃસત્તા મેળવવામાં અડચણ બની ગયું છે. વિશ્વની આર્થિક સત્તા અમેરિકાએ ફેબ્રુઆરીમાં કોરોના વાઇરસ બાબતે આંખ આડા કાન કર્યા હતા, પણ માર્ચમાં કોરોનાએ કાળો કેર વર્તાવવાનું ચાલુ કરતાં અમેરિકા આ વાઇરસ સામે ઘૂંટણિયે પડી ગયું હતું. કોરોના વાઇરસે અમેરિકાના અનેક વ્યક્તિઓના જીવ લેવા સાથે  અર્થતંત્રને પણ મંદીની ગર્તામાં ધકેલી દીધું.

અમેરિકામાં દરરોજ કોરોનાને લીધે સેંકડો લોકોનાં મોત

અમેરિકામાં કોરોના વાઇરસ બેકાબૂ થયો છે. આ વાઇરસે અમેરિકાને પોતાના ભરડામાં લીધું છે. જેને લીધે દરરોજ હજ્જારો લોકોનાં મોત થઈ રહ્યા છે અને ખુદ અમેરિકી રાષ્ટ્રપતિએ કોરોનાને લીધે બે-અઢી લાખ નાગરિકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. જેથી આવામાં ટ્રમ્પનું ફરી સત્તા મેળવવાની આકાંક્ષા દુઃસ્વપ્ન બની રહેવાની સંભાવના છે.

કોરોના ટ્રમ્પ માટે સૌથી મોટું જોખમ

કોરોના વાઇરસે અમેરિકામાં મોટા ઉદ્યોગોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા છે. સ્ટોક માર્કેટ માટે સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત છતાં મંદીમય થઈ ગયા છે. આવામાં ડેમોક્રેટિકના સંભવિત ઉમેદવાર જો બાઇડન માટે આશા વધી ગઈ છે. આ ઉપરાંત બર્ની સૈંડર્સે નામ પાછું લેતાં પણ બાઇડનના સત્તા મેળવવા માટે માર્ગ મોકળો થયો છે. ટાઇમ મેગેઝિના જણાવ્યા મુજબ રિપબ્લિકનના ડોનર ડૈન એબરહાર્ટ કહે છે કે કોરોનાને કારણે અર્થતંત્ર ખાડે ગયું છે, જેથી ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવે એવી શક્યતા ધૂંધળી બની છે.

2008ની મંદીએ અમેરિકામાં તખતો પલટ્યો

2008ની આર્થિક મંદીએ અમેરિકામાં ઇતિહાસ રચ્યો હતો, જ્યારે બરાક ઓબામા પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા હતા. આ જીતમાં ઓબામાની કુશળતા હતી, પણ સાથે 2008ની વૈશ્વિક મંદી પણ જવાબદાર હતી. જેથી સત્તારૂઢ રિપબ્લિકનના મતદાતા ડેમોક્રેટિક બાજુ ઢળ્યા હતા અને ઓબામા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલ ઇતિહાસનું પુનરાવર્તન થાય એવી શક્યતા છે. હવે જો મતદાતા ફરી એક વાર ડેમોક્રેટિક બાજુ ખેંચાયા તો બાઇડન માટે રસ્તો ખૂલી શકે છે.  

 રિપબ્લિકનો પણ સરકાર સામે ગણગણાટ

કેટલાક રિપબ્લિકનોનું પણ માનવું છે કે કોરોના સંકટ સામેના જંગમાં ટ્રમ્પ સરકાર ઊણી ઊતરી છે. બીજી બાજુ ન્યુ યોર્કના મેયર ડેમોક્રેટિક પાર્ટીના છે, જેમણે ટ્રમ્પ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે કોરોનાને પ્રારંભિક તબક્કામાં હળવાશમાં લેવામાં આવ્યો એ સરકારની મોટી ભૂલ હતી. ન્યુ યોર્ક આથી કોરોનાની હડફેટે આવી ગયું. આની અસર મતદારો પર પણ પડશે.

ઇરાન, ઉત્તર કોરિયા અને ઇમ્પિચમેન્ટ સામે સાંગોપાંગ બહાર આવનાર ટ્રમ્પ કોરોના સામે ઘૂંટણિયે

ચૂંટણી નિષ્ણાતોનું માનવિં છે કે આ કોઈ ઇરાન અને ઉત્તર કોરિયાનો મામલો નથી કે ટ્રમ્પ સમાધાન સાધી લેશે. આ તો કોરોના વાઇરસનું સંકકટ છે, જેનાથી વિશ્વઆખું ત્રસ્ત છે. વળી અમેરિકામાં જે રીતે આ વાઇરસ ફેલાયો છે એ રીતે ટ્રમ્પ માટે પુનઃ સત્તા મેળવવી સરળ નહીં હોય.

 

 

 

પિતાનું અવસાન છતા, સેવાકાર્ય ન અટકવા દીધું

અમદાવાદઃ શહેરના નવા વિકસેલા પોશ વિસ્તાર શીલજ વિસ્તારની એસ ટેનિસ એકેડમી માંથી કોરોનાની આ આફત વેળાએ પાંચ હજાર કરતાં વધારે લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ભોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓમાં ભરી જુદા જુદા વિસ્તારોમાં પહોચાડવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ દ્વારા પણ અહીંથી તૈયાર થયેલ ફૂડ પેકેટ્સ લઇ જઇ વિતરણ કરવામાં આવે છે.

આ નિયમિત ચાલતી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જેની આગેવાનીમાં આ સેવાકાર્ય થઇ રહ્યું છે, એ અમીબેન મોદીના પિતાનું ગત રાત્રે અવસાન થયું. રાત્રે પિતાનું અવસાન થયું અને બીજા દિવસે સવારે અંતિમ ક્રિયા પત્યા બાદ અમીબેન પાછા સેવા કાર્યમાં લાગી ગયા. સ્વયંસેવકોની ભોજન તૈયાર કરવાની કામગીરી, સ્વૈચ્છિક સંસ્થાઓ -સરકારી તંત્રમાંથી ભોજન અને કાચુ સીધુ ભરવા માટે આવેલી ગાડીઓ વચ્ચે અમીબેન અડીખમ કામ કરતાં જોવા મળ્યા. ચિત્રલેખા. કોમે જ્યારે અમીબેનને કહ્યું કે એક તરફ પિતાનું અવસાન અને તરત જ સેવા કાર્ય..? ભીની આંખો અને ભારે હ્રદય સાથે અમીબેન બોલ્યા : પિતા તો ગુમાવ્યા પણ આ કપરા સમયમાં પાંચ હજાર કરતાં વધારે લોકો ને ભોજનની વ્યવસ્થા તેમજ અન્ય સામગ્રીની કિટ તૈયાર કરી પહોંચાડવી એ ખુબજ જરૂરી છે. આ સેવાકાર્યથી જરુર એમના આત્માને શાંતિ મળશે. મારી શ્રી॥ સંસ્થા સંકટ સમયે સતત આવા સત્કાર્યો કરે એવા જ પ્રયાસો રહશે. કોરોના કેર વચ્ચે શીલજ એસ ટેનિસ એકેડમીમાં ચાલતા આ કેમ્પમાં અત્યંત આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી સેનિટાઇઝેશન સાથે ખાદ્ય પદાર્થો, સામગ્રી અમદાવાદ શહેરમાં પહોચાડવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)

બિલ ગેટ્સે છેક 2015માં દુનિયાને ચેતવી હતી

જ્યારે બિલ ગેટ્સે 2015માં ‘ટેડ ટોક’માં કહ્યું હતું, ‘નવો રોગચાળો આવશે તો એનો સામનો કરવા માટે દુનિયા સજ્જ નથી’


કોરોના વાઈરસ રોગચાળાએ સમગ્ર દુનિયાને ભરડો લીધો છે અને 14 લાખથી પણ વધારે લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. આ રોગચાળાના ત્રાસમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી.

આ રોગચાળાની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી અને જોતજોતામાં એ અન્ય દેશોમાં ફેલાવા માંડ્યો. આજે પરિસ્થિતિ એ છે કે દુનિયા એની પર હજી સુધી સજ્જડ રીતે અંકુશ મેળવી શકી નથી. ભારત સહિત અનેક દેશોને ફેલાવો રોકવા માટે લોકડાઉન લાગુ કરવું પડ્યું છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવી પડી છે.

આ રોગચાળાનું ભવિષ્ય એક વ્યક્તિએ છેક 2015ની સાલમાં ભાખ્યું હતું. એ કોઈ જ્યોતિષી નથી પણ જગવિખ્યાત ઉદ્યોગપતિ અને સખાવતી બિલ ગેટ્સ છે. એમણે 2015માં ‘ટેડ ટોક’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં એવો નિર્દેશ કર્યો હતો કે અત્યાર સુધીમાં અનેક વાઈરસ ફેલાઈ ચૂક્યા છે, હવે જો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો દુનિયા એનો સામનો કરવા માટે સજ્જ નથી.

બિલ ગેટ્સની એ વાત 2019-20માં સાચી પડી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને જાગતિક મહાબીમારી તરીકે ઘોષિત કરવી પડી છે. દુનિયાના દેશો આ વાઈરસ સામે જે રીતે ઘૂંટણિયે પડી ગઈ એ જોતાં કહી શકાય કે બિલ ગેટ્સે કેટલી બધી સાચી વાત કહી હતી.

ગેટ્સે ત્યારે વધુમાં એમ કહ્યું હતું કે દુનિયાના દેશોએ વાઈરસ-બીમારીના તબીબી પરીક્ષણ વધારવા માટે અને રસીઓ તથા દવાઓ બનાવવા માટે ઘણું બધું મૂડીરોકાણ કરવું પડશે.

ગેટ્સે 2015માં દુનિયાને વિનંતીના સ્વરમાં કહ્યું હતું કે હેલ્થકેર અને દવાઓના ક્ષેત્રમાં ઘણું બધું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે.

‘આપણે નિદાનની પદ્ધતિઓ, દવાઓ અને રસીઓ ખૂબ જ ઝડપથી વધારવી પડશે. આ બધું કરવા માટે હાલ જે ટેક્નોલોજીઓ ઉપલબ્ધ છે એ તો જ યથાર્થ બનશે જો યોગ્ય રીતે મૂડીરોકાણ કરવામાં આવશે. દેશોએ આ માટે ભેગા થઈને કામ કરવું જોઈએ.’

ગેટ્સે કહ્યું હતું, હું જ્યારે બાળવયનો હતો ત્યારે એક આફતથી અમે સૌ ચિંતિત રહેતા હતા અને એ હતી અણુયુદ્ધની. એટલે અમે અમારા બેઝમેન્ટમાં એક મોટા પીપમાં ખાદ્યસામગ્રી અને પાણીનો સંગ્રહ કરીને રાખતા હતા. કારણ કે એમ કહેવાતું કે અણુ હુમલો થાય ત્યારે આપણે નીચે જતા રહેવાનું, ભોંયરામાં અને પેલા પીપમાં ભરી રાખેલી ચીજવસ્તુઓ ખાવાની. પણ આજે વૈશ્વિક આપત્તિનું જોખમ અનેકગણું વધારે છે. આજે માનવજાત પર જે બીજા જોખમો છે એની સરખામણીમાં વાઈરસોનું જોખમ અનેકગણું વધારે છે. વિશ્વને માથે મોટી જાગતિક આફતનું ખૂબ મોટું જોખમ ઝળૂંબી રહ્યું છે. આવનારા અમુક દાયકાઓમાં કંઈક એવું આવી શકે જે એક કરોડથી પણ વધારે લોકોને મારી નાખે. એ કોઈ યુદ્ધ નહીં હોય પણ અત્યંત ચેપી વાઈરસ હોઈ શકે છે. એ મિસાઈલ નહીં હોય, પણ માઈક્રોબ્સ હશે.

બિલ ગેટ્સે 2015માં આ ચિંતા ત્યારે વ્યક્ત કરી હતી જ્યારે દુનિયાએ હજી પાછલા જ, 2014ના વર્ષમાં ઈબોલા રોગચાળાને ફેલાતો અટકાવવામાં સફળ થઈ હતી. એનો શ્રેય જાય છે કે હજારો નિઃસ્વાર્થ આરોગ્યકર્મીઓ તેમજ માનવજાતનું સદ્દભાગ્ય.

બિલ ગેટ્સ કાબેલ ટેક્નોલોજિસ્ટ અને ચતુર ઉદ્યોગપતિ છે. માઈક્રોસોફ્ટ કંપની બનાવીને એમણે દુનિયામાં ધરખમ પરિવર્તન લાવી દીધું હતું. હવે એમણે દાનધર્મનો માર્ગ અપનાવ્યો છે અને પોતાની રીતે સખાવતી કાર્ય કરે છે અને સાથોસાથ ટેક્નોલોજી પ્રતિ એમના આકર્ષણને પણ જાળવી રાખ્યું છે.

ગેટ્સ 2015ની એ ‘ટેડ ટોક’ પછી જાગતિક વાઈરસ સામેની લડાઈમાં સક્રિય રહ્યા છે.

એમણે પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે દુનિયાના દેશોએ રસીઓ બનાવવામાં અને નિદાનની પદ્ધતિઓ ઘડવામાં ઘણું આધુનિક સંશોધન કાર્ય કરવાની જરૂર છે.

‘તેથી મને લાગે છે કે આપણે આને સંપૂર્ણપણે પ્રાથમિકતા ગણવી જોઈએ. ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે સ્પાગેટીના કેનનાં કેન ભરીને બેઝમેન્ટમાં ભાગી નથી જવાનું, પણ આપણે ઘણું કરવાની જરૂર છે કારણ કે સમય આપણી બાજુએ નથી. જો આપણે અત્યારથી જ શરૂઆત કરીશું તો નવા રોગચાળા માટે સજ્જ થઈ શકીશું. ધન્યવાદ,’ એમ કહીને એમણે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.

શું રાજા કે રંક? : સાઉદીનો રાજવી પરિવાર ય કોરોનાગ્રસ્ત

રિયાધઃ  કોરોના વાઇરસથી વિશ્વઆખું ત્રસ્ત છે કોરોના વાઇરસ સામે એક વ્યક્તિ પણ હુંકાર કરી શકે એમ નથી કે મને આ રોગ નહીં થાય. આનાથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અને વ્યક્તિ વિશેષ (VVIP) છટકી શકે એમ નથી.  આ વાઇરસે સામાન્ય માણસ હોય કે હોલિવુડ અભિનેતા હોય કે મોટો રાજકારણી, કે પછી સેલિબ્રિટી બધાને સંકજામાં લીધા છે.  આ વાઇરસે બ્રિટનના વડા પ્રધાન હોય કે પ્રિન્સ ચાર્લ્સ હોય કે કનિકા કપૂર હોય બધાને આ રોગે ભરડામાં લીધેલા છે. હવે સાઉદી અરેબિયાથી એવા અહેવાલો આવી રહ્યા છે કે રાજવી પરિવારના 150 સભ્યોમાં કોરોના વાઇરસનો ચેપ પ્રસર્યો છે,  આ ઘટના પછી  કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઇસોલેશનમાં ગયા છે.

હોસ્પિટલે VVIP માટે અલગ વ્યવસ્થા કરી

કિંગ ફૈઝલ સ્પેશિયલિસ્ટ હોસ્પિટલના ડોકટરો રાજવી પરિવારની સારવાર કરવામાં રોકાયેલા છે અને ત્યાં કોરોનાનું જોખમ વધી ગયું હોવાથી હોસ્પિટલ 500 વધારાના બેડ તૈયાર કરી રહી છે. હોસ્પિટલે કહ્યું હતું કે  “દેશભરમાંથી આવતા વીઆઇપી દર્દીઓ માટે એક અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.

ટાઇમ મેગેઝિનના જણાવ્યા અનુસાર હોસ્પિટલે ડોકટરોને એક હાઈ એલર્ટ સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ખબર નથી કે કેટલા કેસો તેમની પાસે આવશે, પરંતુ બધા દર્દીઓને દૂર કરવામાં આવે અને ફક્ત ઇમર્જન્સી કેસ પર જ ધ્યન આપવામાં આવે અને એ પણ  શાહી પરિવાર સાથે જોડાયેલા હોય એ જ.

કિંગ અને ક્રાઉન પ્રિન્સ સલમાન આઇસોલેશનમાં

રિયાધની આ હોસ્પિટલમાં કોઈ ચેપગ્રસ્ત કર્મચારીને રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે,  જેથી શાહી સભ્યો માટે રૂમ્સ સુરક્ષિત રાખી શકાય. બીજી બાજુ શાહ સલમાન (84) જેદ્દા નજીક આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે, જ્યારે ક્રાઉન પ્રિન્સ સલમાન લાલ સમુદ્ર કિનારે એક દૂરના વિસ્તારમાં આઇસોલેશનમાં જતા રહ્યા છે.

ગો કોરોના ગો: ચૈનાઈમાં કોરોનાને ભગાડવાનો પ્રયોગ

ચેન્નઈ: ભારતમાં કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તમિલનાડુની રાજધાની ચેન્નાઈના રહેણાંક વિસ્તારમાં લોકો સંક્રમણથી બચવા માટે કુદરતની વારે આવ્યા છે. લોકો પાણીમાં હળદર અનેક કેટલીક ઔષધીઓ ભેળવીને તેનો જાહેર રસ્તાઓ પર છંટકાવ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ કુદરતી મિશ્રણથી કોરોના વાઈરસનું સંક્રમણ દૂર થઈ શકે છે.

આ ઉપરાંત, વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન દ્વારા પણ કેટલાક મહત્વના પગલા લેવામાં આવ્યા છે. બિન જરૂરી દુકાનો બંધ કરાવવાની સાથે જ જરૂરી સામાનને ઘરના દરવાજા સુધી ડિલિવરી પૂરી પાડવામાં આવે છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કોરોના વાઈરસના મામલે રાજ્યના અન્ય વિસ્તારોની તુલનામાં વધારે છે. અત્યાર સુધીમાં અહીં 156 સંક્રમિત કેસ છે.

આ યોજના હેઠળ લગભગ 5000 ટ્રાઈસાઈકલ અને 2000 નાની મોટર ગાડિઓને મંજૂરી આપવામાં આવી છે જે સમગ્ર શહેરમાં શાકભાજી અને ગ્રોસરીનો સામાન વેચી રહી છે. આશા છે કે, આ કારણે દુકાનો પર લાગતી ભીડ ઓછી થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગુરુવારે સવારે તમિલનાડુમાં કુલ સંક્રમણનો આંકડો 738 પર પહોંચી ગયો. ગયા વર્ષના અંતમાં ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાઈરસે ભારતમાં કુલ 5095 મામલાઓ છે જેમાંથી 472 લોકો સ્વસ્થ થઈ ગયા અને 166 લોકોના મોત થયા છે.

કોરોના લોકડાઉનઃ જરૂરિયાતમંદોને રોજ 2000 ફૂડ પેકેટ્સ વહેંચે છે અમિતાભ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે મુંબઈમાં પખવાડિયા કરતાંય વધારે દિવસોથી લોકડાઉન લાગુ છે. આને કારણે રસ્તાઓ પર ખાવાના સ્ટોલ્સ, વડાપાવની રેકડીઓ, સેન્ડવિચ સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ્સ વગેરે બંધ છે. તેથી બેઘર, ગરીબ, મજૂર-કામદારોની હાલત દયનીય થઈ ગઈ છે. આવા લોકોની મદદે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન આવ્યા છે.

બચ્ચન જરૂરિયાતમંદ લોકોનું પેટ ભરવા માટે રોજ ભોજનના 2000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે.

અમિતાભ આ ઉપરાંત ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન સંસ્થા સાથે સંકળાયેલા દૈનિક વેતન પરના શ્રમિકોના એક લાખ પરિવારોને મહિના સુધી ચાલે એટલું રાશન પણ પૂરું પાડે છે.

અમિતાભે પોતાની આ સમાજ સેવાની જાણકારી પોતાના બ્લોગના માધ્યમથી આપી છે.

એમણે કહ્યું છે, હાલ, વ્યક્તિગત મોરચે શહેરના જુદા જુદા સ્થળો પર બપોરનું ભોજન અને રાતના જમવાના માટે મારા દ્વારા દરરોજ 2000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.

77 વર્ષીય અમિતાભે કહ્યું કે અમે મુંબઈમાં એવા સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં જરૂરિયાતમંદો વધુ રહે છે તેથી એમને ખાવાનું પહોંચાડવામાં આવે છે.

મુંબઈમાં ખાસ કરીને હાજીઅલી દરગાહ, માહિમ દરગાહ, બાબુલનાથ મંદિર, બાન્દ્રા ઉપનગરમાં ઝૂંપડપટ્ટી તથા શહેરના આંતરિક વિસ્તારોની અમુક ઝૂંપડપટ્ટીઓમાં પણ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે હાલ ટ્રાન્સપોર્ટના સાધનો પણ ઉપલબ્ધ નથી હોતા. આ સમસ્યા વિશે અમિતાભે લખ્યું છે કે, અમે જેટલું કરવા માગીએ છીએ એટલું કરવું હાલ મુશ્કેલ છે. પ્રક્રિયાની પોતાની સમસ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર નીકળવાનું ગેરકાયદેસર થઈ ગયું છે. એટલે હું ફૂડ પેકેટ્સ અને રાશનની ચીજવસ્તુઓની થેલીઓ-બેગ્સ તૈયાર કરવામાં તો સક્ષમ છું.

અમિતાભે વધુમાં કહ્યું કે, હાલ સામાન લઈ જતા એક વાહનમાં 50-60 બેગ લઈ જઈ શકાય છે. રાશનની ચીજવસ્તુઓવાળી બેગ્સ કદમાં મોટી હોય છે. તેથી 3000 પેકેટ-બેગ લઈ જવા માટે અન્ય વાહનની જરૂર છે.

અમિતાભે થોડા દિવસ પહેલા જ સંકલ્પ કર્યો હતો કે પોતે ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પલોઈઝ કોન્ફેડરેશનના દૈનિક વેતન પરના શ્રમિકોના એક લાખ ઘરોમાં માસિક રાશન પહોંચાડશે. એ પ્રક્રિયા એમણે શરૂ કરી દીધી છે અને એની પર પોતે વ્યક્તિગત રીતે ધ્યાન પણ આપી રહ્યા છે.

સત્તાવાળાઓનું કહેવું છે કે ઝૂંપડપટ્ટીઓમાં જ્યારે ફૂડ પેકેટ્સ લઈ જવાય છે ત્યારે ભૂખ્યા થયેલા લોકો વાહન તરફ દોડે છે, પડાપડી કરે છે, જેને કારણે ધક્કામુક્કી થાય છે. પોલીસ આવું જરાય ચલાવતી નથી, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવો અનિવાર્ય છે. તેથી નિયમાનુસાર લોકો વ્યવસ્થિત લાઈનમાં ઊભા રહે અને યોગ્ય રીતે એમને ફૂડ પેકેટ્સ તથા રાશનનું વિતરણ કરવામાં આવે એનો પોતે સ્વયંસેવકોને અંગત રીતે આગ્રહ કરે છે, એવું અમિતાભે કહ્યું.

અમિતાભે એવી આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં જ કોઈક રસ્તો નીકળી આવશે.

WHO પર કેમ ભડકેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ?

વોશિંગ્ટનઃ કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલા અમેરિકાના નિશાના પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આવી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ડબલ્યૂએચઓ ચીન કેન્દ્રીત થઈ ગયું છે. આ આખા મહાસંકટને લઈને ડબલ્યુએચઓથી નારાજ થયેલા ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ આ વૈશ્વિક સંસ્થાના ફંડિંગને રોકવા જઈ રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સ્વાસ્થ્ય માટેની સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષજ્ઞ સંસ્થા છે. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે  સામાન્ય રીતે સભ્ય દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો દ્વારા તેમની સાથે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દુનિયામાં સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં નેતૃત્વ પ્રદાન કરવા, સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એજન્ડાને આકાર આપવા, નિયમ અને માનકો નક્કી કરવા સહિતના કામ કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, ડબલ્યૂએચઓને મળનારા પૈસાનો એક મોટો ભાગ અમે તેમને આપીએ છીએ. જ્યારે મેં યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે તેઓ નિર્ણયથી સહમત નહોતા અને તેઓએ આની ટીકા કરી હતી. તેઓ ખોટા હતા. તેઓ ઘણી બાબતોમાં ખોટા સાબિત થયા છે. તેમની પાસે પહેલા જ ખૂબ જાણકારી હતી અને તેઓ ઘણા અંશે હવે ચીન કેન્દ્રીત લાગી રહ્યા છે. ટ્રમ્પ આટલે જ ન અટક્યા અને તેમણે ડબલ્યૂએચઓને આપનારા અમેરિકી ફંડ પર પણ રોક લગાવવાની જાહેરાત કરી દીધી.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ડબલ્યૂએચઓ પર ખર્ચ કરવામાં આવતી રકમ પર રોક લગાવવા જઈ રહ્યા છીએ. અમે આના પર ખૂબ પ્રભાવશાળી રોક લગાવવા જઈ રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારના રોજ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં વૈશ્વિક એકતાની અપીલ કરી છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસે અમેરિકાને આરોપ પ્રત્યારોપ કર્યા વગર ચીન સાથે મળીને બીમારી સામે લડવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, જો તમે લાશો ન જોવા માંગતા હોય તો આપ આનું રાજનીતિકરણ ન કરો. આ આગ સાથે રમવા જેવું છે. ભગવાન માટે કૃપા કરીને આવું ન કરશો.  

ઓડિશા સરકારનો મોટો નિર્ણયઃ લોકડાઉન 30 એપ્રિલ સુધી

ભુવનેશ્વરઃ દેશભરમાં લોકડાઉન વધવાની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઓડિશા સરકારે એક મોટું પગલું ભર્યું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનના સમયને વધારવાનો નિર્ણય કર્યો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આવું કરનારું ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય મામલે જાણકારી આપી છે. આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી આ સમયગાળા દરમિયાન ટ્રેન અને વિમાન સેવાઓ ન શરુ કરવા માટે અપીલ કરી છે. ઓડિશા સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 17 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન શાળા, કોલેજો અને યૂનિવર્સિટીઝ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 14 એપ્રીલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ટ્રેન સેવાઓ પણ પૂર્ણ રીતે બંધ છે. માત્ર માલગાડીઓ દ્વારા જરુરી વસ્તુઓની આપૂર્તિ કરવામાં આવી રહી છે. આ પહેલા કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા દરમિયાન લોકડાઉન વધારવાની ભલામણ કરી હતી.

ફાડા લાપસીની ખીચડી

ફાડા લાપસી અને મગની દાળની ખીચડી એટલે ન્યુટ્રીશનથી ભરપૂર ડાયેટ તેમજ ડાયાબિટીસ ધરાવનાર માટે પણ ઉત્તમ ડાયેટ છે. તેમાં વેજીટેબલનો ઉમેરો આ ડાયેટને સ્વાદ તેમજ વિટામીનથી ભરપૂર બનાવી દે છે.


સામગ્રી:

  • ફાડા લાપસી ૧ કપ,
  • મગની દાળ 1 કપ (ફોતરા વગરની),
  • 1 કાંદો,
  • 1 કપ લીલા અથવા ફ્રોઝન વટાણા,
  • 1 કેપ્સિકમ,
  • ૧ કપ ફણસી,
  • એક ટમેટું,
  • ૧ ટે.સ્પૂન આદુ-લસણ તેમજ મરચાની પેસ્ટ,
  • ૨ ટે.સ્પૂન તેલ અથવા ઘી વઘાર માટે,
  • ચપટી હિંગ,
  • સ્વાદ મુજબ મીઠું,
  • ૧ કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર,
  • ૧ ઈંચ તજનો ટુકડો,
  • બે લવિંગ,
  • 1/2 ટી.સ્પૂન હળદર,
  • મરચાંની ભૂકી 1 ટી.સ્પૂન,
  • 1/2 ટી.સ્પૂન જીરુ,
  • 1/2 ટી.સ્પૂન રાઈ

રીતઃ

દાળ તેમજ લાપસીને 2 પાણીથી ધોઈને પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. અડધા કલાક બાદ કૂકરને ગેસ પર મૂકો. એમાં ઘી અથવા તેલ નાખો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીને તતડાવો. ત્યારબાદ જીરું ઉમેરો અને તજ તેમજ લવિંગ નાખીને ચપટી હિંગ નાખો. હવે એમાં ઝીણો સમારેલો કાંદો 2 મિનિટ સાંતળો અને વેજીટેબલ નાખીને સાંતળો. વેજીટેબલ ઝીણાં સમારીને નાખવા.

ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને બધા મસાલા નાખી દો. એક મિનિટ સાંતળીને પલાળેલા ફાડા લાપસી તેમજ મગની દાળ ઉમેરી દો. સાથે તેમાં થોડી કોથમીર મિક્સ કરો. ત્રણ-ચાર મિનિટ સુધી મધ્યમ આંચે તેને થવા દો. હવે એમાં ૩ થી ૪ કપ જેટલું પાણી ઉમેરો. (આ ખિચડી ઢીલી સારી લાગે છે) તવેથા વડે એકસરખું મિક્સ કરી લો અને કૂકર ઢાંકી દો.

ગેસની આંચ મધ્યમ રહેવા દેવી, જેથી ખીચડી ઉભરાય નહીં. એક થી બે સિટી થાય એટલે ગેસ બંધ કરીને કુકર ઠંડુ થવા દો. દસ મિનિટ બાદ ખીચડી પર થોડી કોથમીર ભભરાવીને ખીચડી પીરસો.