બિલ ગેટ્સે છેક 2015માં દુનિયાને ચેતવી હતી

જ્યારે બિલ ગેટ્સે 2015માં ‘ટેડ ટોક’માં કહ્યું હતું, ‘નવો રોગચાળો આવશે તો એનો સામનો કરવા માટે દુનિયા સજ્જ નથી’


કોરોના વાઈરસ રોગચાળાએ સમગ્ર દુનિયાને ભરડો લીધો છે અને 14 લાખથી પણ વધારે લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. આ રોગચાળાના ત્રાસમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી.

આ રોગચાળાની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી અને જોતજોતામાં એ અન્ય દેશોમાં ફેલાવા માંડ્યો. આજે પરિસ્થિતિ એ છે કે દુનિયા એની પર હજી સુધી સજ્જડ રીતે અંકુશ મેળવી શકી નથી. ભારત સહિત અનેક દેશોને ફેલાવો રોકવા માટે લોકડાઉન લાગુ કરવું પડ્યું છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવી પડી છે.

આ રોગચાળાનું ભવિષ્ય એક વ્યક્તિએ છેક 2015ની સાલમાં ભાખ્યું હતું. એ કોઈ જ્યોતિષી નથી પણ જગવિખ્યાત ઉદ્યોગપતિ અને સખાવતી બિલ ગેટ્સ છે. એમણે 2015માં ‘ટેડ ટોક’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં એવો નિર્દેશ કર્યો હતો કે અત્યાર સુધીમાં અનેક વાઈરસ ફેલાઈ ચૂક્યા છે, હવે જો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો દુનિયા એનો સામનો કરવા માટે સજ્જ નથી.

બિલ ગેટ્સની એ વાત 2019-20માં સાચી પડી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને જાગતિક મહાબીમારી તરીકે ઘોષિત કરવી પડી છે. દુનિયાના દેશો આ વાઈરસ સામે જે રીતે ઘૂંટણિયે પડી ગઈ એ જોતાં કહી શકાય કે બિલ ગેટ્સે કેટલી બધી સાચી વાત કહી હતી.

ગેટ્સે ત્યારે વધુમાં એમ કહ્યું હતું કે દુનિયાના દેશોએ વાઈરસ-બીમારીના તબીબી પરીક્ષણ વધારવા માટે અને રસીઓ તથા દવાઓ બનાવવા માટે ઘણું બધું મૂડીરોકાણ કરવું પડશે.

ગેટ્સે 2015માં દુનિયાને વિનંતીના સ્વરમાં કહ્યું હતું કે હેલ્થકેર અને દવાઓના ક્ષેત્રમાં ઘણું બધું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે.

‘આપણે નિદાનની પદ્ધતિઓ, દવાઓ અને રસીઓ ખૂબ જ ઝડપથી વધારવી પડશે. આ બધું કરવા માટે હાલ જે ટેક્નોલોજીઓ ઉપલબ્ધ છે એ તો જ યથાર્થ બનશે જો યોગ્ય રીતે મૂડીરોકાણ કરવામાં આવશે. દેશોએ આ માટે ભેગા થઈને કામ કરવું જોઈએ.’

ગેટ્સે કહ્યું હતું, હું જ્યારે બાળવયનો હતો ત્યારે એક આફતથી અમે સૌ ચિંતિત રહેતા હતા અને એ હતી અણુયુદ્ધની. એટલે અમે અમારા બેઝમેન્ટમાં એક મોટા પીપમાં ખાદ્યસામગ્રી અને પાણીનો સંગ્રહ કરીને રાખતા હતા. કારણ કે એમ કહેવાતું કે અણુ હુમલો થાય ત્યારે આપણે નીચે જતા રહેવાનું, ભોંયરામાં અને પેલા પીપમાં ભરી રાખેલી ચીજવસ્તુઓ ખાવાની. પણ આજે વૈશ્વિક આપત્તિનું જોખમ અનેકગણું વધારે છે. આજે માનવજાત પર જે બીજા જોખમો છે એની સરખામણીમાં વાઈરસોનું જોખમ અનેકગણું વધારે છે. વિશ્વને માથે મોટી જાગતિક આફતનું ખૂબ મોટું જોખમ ઝળૂંબી રહ્યું છે. આવનારા અમુક દાયકાઓમાં કંઈક એવું આવી શકે જે એક કરોડથી પણ વધારે લોકોને મારી નાખે. એ કોઈ યુદ્ધ નહીં હોય પણ અત્યંત ચેપી વાઈરસ હોઈ શકે છે. એ મિસાઈલ નહીં હોય, પણ માઈક્રોબ્સ હશે.

બિલ ગેટ્સે 2015માં આ ચિંતા ત્યારે વ્યક્ત કરી હતી જ્યારે દુનિયાએ હજી પાછલા જ, 2014ના વર્ષમાં ઈબોલા રોગચાળાને ફેલાતો અટકાવવામાં સફળ થઈ હતી. એનો શ્રેય જાય છે કે હજારો નિઃસ્વાર્થ આરોગ્યકર્મીઓ તેમજ માનવજાતનું સદ્દભાગ્ય.

બિલ ગેટ્સ કાબેલ ટેક્નોલોજિસ્ટ અને ચતુર ઉદ્યોગપતિ છે. માઈક્રોસોફ્ટ કંપની બનાવીને એમણે દુનિયામાં ધરખમ પરિવર્તન લાવી દીધું હતું. હવે એમણે દાનધર્મનો માર્ગ અપનાવ્યો છે અને પોતાની રીતે સખાવતી કાર્ય કરે છે અને સાથોસાથ ટેક્નોલોજી પ્રતિ એમના આકર્ષણને પણ જાળવી રાખ્યું છે.

ગેટ્સ 2015ની એ ‘ટેડ ટોક’ પછી જાગતિક વાઈરસ સામેની લડાઈમાં સક્રિય રહ્યા છે.

એમણે પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે દુનિયાના દેશોએ રસીઓ બનાવવામાં અને નિદાનની પદ્ધતિઓ ઘડવામાં ઘણું આધુનિક સંશોધન કાર્ય કરવાની જરૂર છે.

‘તેથી મને લાગે છે કે આપણે આને સંપૂર્ણપણે પ્રાથમિકતા ગણવી જોઈએ. ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે સ્પાગેટીના કેનનાં કેન ભરીને બેઝમેન્ટમાં ભાગી નથી જવાનું, પણ આપણે ઘણું કરવાની જરૂર છે કારણ કે સમય આપણી બાજુએ નથી. જો આપણે અત્યારથી જ શરૂઆત કરીશું તો નવા રોગચાળા માટે સજ્જ થઈ શકીશું. ધન્યવાદ,’ એમ કહીને એમણે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]