ચીન અને ફ્રાન્સના સહયોગમાં બની હતી વૂહાનની લેબ

કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ તેની એકથી વધુ થિયરીઓ ઓનલાઇન ચાલી રહી છે. તેમાં ફેક ન્યૂઝ ટાઇપ થિયરીઓ પણ ઘણી બધી છે. ઇરાદાપૂર્વક વાયરસ ફેલાવાયો હોવાથી માંડીને રાસાયણિક શસ્ત્રો બનાવવાની કોશિશમાં ભૂલને કારણે ચેપ ફેલાયો ત્યાં સુધીની થિયરીઓ ચાલે છે. સાચું કારણ જાણવામાં સમય લાગશે. કદાચ લાંબા સમયના સંશોધન પછી સાચું કારણ ક્યારેય જાણવા ના પણ મળે. વિજ્ઞાન કરતાંય કુદરત વધારે સંકુલ છે અને કુદરતને મનુષ્ય જેટલો ઓળખતા જાય છે એટલે તેના નીતનવીન રૂપ પણ પ્રગટ થતા રહે છે.

પ્રાણીઓમાંથી વાયરસ મનુષ્યમાં આવે છે તે સૌ જાણે છે, પણ તે કેવી રીતે અને ક્યારે આવી જાય છે તે ચોક્કસ રીતે જાણી શકાતું નથી. તેને જાણવાની કોશિશ ચાલી જ રહી છે. વાઇરસના પ્રવેશને ચોક્કસપણે જાણી શકાય તો તેનું આમંત્રણ કાયમ માટે બંધ કરી શકાય. ચેપી રોગોની રસી શોધવાની શરૂઆત થઈ ત્યારથી વિજ્ઞાન અને ફાર્મા કંપનીના સંશોધકો તેના માટે પ્રયાસો કરી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે વૂહાનમાં અને વૂહાનની નજીક બે લેબોરેટરી છે, જેમાં ચેપી રોગ અંગે અને વાયરસ અંગે સંશોધનો ચાલતા હતા. તેમાંથી એકાદી લેબમાંથી પણ વાયરસ છટક્યો હોય તેવી શંકા પણ ઊભી જ છે.

ચીનના જ સંશોધકોએ આ બાબતમાં તપાસ કરી હતી અને કેટલીક શક્યતાઓ ચકાસી હતી. દક્ષિણ ચીન ટેક્નોલૉજી યુનિવર્સિટીના નિષ્ણાત બોટાઓ શિઆઓની આગેવાનીમાં સંશોધકોની એક ટીમે ફેબ્રુઆરીમાં વાયરસ સંભવિત ક્યાંથી ફેલાયો તેની તપાસ માટે અહેવાલ તૈયાર કર્યો હતો. માંસ બજારમાં તો તપાસ કરી જ હતી, પણ ત્યાં સુધી કેવી રીતે વાયરસ પહોંચ્યો હશે તેની તપાસમાં બે લેબોરેટરીની પણ તપાસ કરી હતી. આ બંને લેબોરેટરીમાં ચામાચિડિયામાં રહેલા વાયરસોની તપાસ ચાલે છે. અગાઉ સાર્સ વગેરે વાયરસ આવ્યા તે ચામાચિડિયામાંથી જ આવ્યા હતા. માંસ બજારની સાવ જ નજીક 280 મીટર દૂર જ એક લેબ આવેલી છે – વૂહાન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન. આ માંસ બજારમાં પીંજરામાં રહેલા પ્રાણીઓમાંથી ડીએનએ અને આરએનએના નમૂના લેવામાં આવ્યા હતા. પીંજરાના પ્રાણીઓમાં રહેલા ટિશ્યૂ લેવાયા તેની સાથે વાયરસ આવી ગયાનું એક અનુમાન આ સંશોધકોની ટીમ લગાવ્યું હતું.

બીજી લેબોરેટરી આ માંસ બજારથી 15 કિલોમિટ દૂર આવેલી છે, જેનું નામ છે વૂહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધ વાયરોલૉજી. ચાઇનીઝ અકૅડમી ઑફ સાયન્સીઝ આ લેબનું સંચાલન કરે છે અને મહત્વની વાત એ છે કે આ લેબની સ્થાપનામાં અને ત્યાંના સંશોધનોમાં ફ્રાન્સનો પણ સહયોગ હતો. વૂહાનની આ લેબનું ઉદ્ધાટન 23 ફેબ્રુઆરી 2017ના રોજ ફ્રાન્સના વડા પ્રધાન બર્નાર્ડ કેઝેનેવ્યૂના હસ્તે થયું હતું. ફ્રાન્સના વડા પ્રધાને પોતાના ભાષણમાં ત્યારે ખુશી વ્યક્ત કરી હતી કે ચીનમાં પ્રથમ ઉચ્ચ કક્ષાની બાયોલૉજિકલ સિક્યુરિટી લેબ તૈયાર કરવામાં ફ્રાન્સ સહયોગ કરી શક્યું છે. 2004માં ફ્રાન્સ અને ચીન વચ્ચે ચેપી રોગના સામના માટે સહકાર કરાર થયો હતો. તેના ભાગરૂપે 2011માં લેબ બનવાની શરૂઆત થઈ હતી. ફ્રેન્ચ નિષ્ણાતોએ જ લેબની ડિઝાઇન તૈયાર કરી હતી.

વાતમાં વળાંક એ છે કે માંસ બજારથી દૂરની અને ફ્રાન્સના સહયોગથી બનેલી ચેપી રોગો સામે સુરક્ષાનું સંશોધન કરનારી લેબનો કબજો પિપલ્સ લિબરેશન આર્મીએ લઈ લીધો છે. ચીનની આ આર્મી સરકારી સત્તાનું મુખ્ય કેન્દ્ર છે. લેફ્ટનન્ટ જનરલ ડૉ. ચેન વેઈના કબજામાં આ લેબ હાલમાં છે. ફ્રેન્ચના વડા પ્રધાને પોતાના વિજ્ઞાનીઓ અને ઇજનેરોના વખાણ કર્યા હતા કે માનવજાતની સુરક્ષિત રાખવાની ટેક્નોલૉજીમાં તેઓ અગ્રણી છે. ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચની નીચે કામ કરતી લ્યોનની ઝ્યાં-મેરી લેબના મૉડલ પર તેને તૈયાર કરાઈ હતી. તે વખતે નિપાહ વાયરસનું જોખમ ઊભું થયું હતું તેને ધ્યાનમાં રાખીને ચીનમાં નવી લેબ તૈયાર થઈ હતી. સાથે જ ચીન સત્તાધીશોને ઇબોલાના સંશોધનમાં વધારે રસ હતો. બાયોલૉજિક જોખમને કાબૂમાં રાખવાનું આ નિષ્ણાતો સારી રીતે જાણે છે એવો વિશ્વાસ હતો, પણ હવે શંકા એવી ઊભી થઈ છે કે કદાચ આ અથવા આવી કોઈ લેબમાંથી જ જોખમ ઊભું થયું છે.

શિઆઓની ટીમના અહેવાલમાં પણ તેનો ઇશારો કરાયો હતો. ટીમના સભ્યોને લાગ્યું હતું કે આ બેમાંથી એકાદ લેબમાં કદાચ કોઈએ 2019-nCoV કોરોના વાયરસની તપાસ દરમિયાન ગફલત કરી હશે અને એકાદ નાનો જંતુ છટકી ગયો હશે. આવી હાઇ રિસ્ક બાયો-હેઝાર્ડસ લેબ્સમાં સુરક્ષા માટેની વ્યવસ્થા વધારે ચૂસ્ત રાખવી જરૂરી છે એવી ભલામણ શિઆઓની ટીમે કરી છે. આવી લેબને શહેરોથી દૂર, વસતિથી દૂર જ લઈ જવી જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી છે.

ફ્રેન્ચના વડા પ્રધાને આત્મશ્લાષા કરી હતી કે સાથે મળીને બનાવેલી આ લેબોરેટરીને કારણે આગામી બીમારીઓ સામેની લડતમાં આપણે અગ્ર રહિ શકિશું. કરુણતા એ છે કે ચીન કરતાંય અત્યારે ફ્રાન્સની હાલત વધારે કફોડી થઈ ગઈ છે. ચીન કરતાં બમણી સંખ્યામાં ફ્રાન્સમાં ચેપ ફેલાયો છે અને મરણાંક ચાર ગણો ઊંચો ગયો છે. ફ્રેન્ચ નાગરિકોના નાણાંથી લેબ તૈયાર થઈ હતી, જેથી ચોથી પેઢીના વાયરસને શોધીને નાથી શકાય. ટેલિકોમમાં જે રીતે 2જી, 3જી હોય છે, તે રીતે આ લેબોરેટરીને ‘P4’ કક્ષાની ગણાવાઇ હતી – ‘ક્લાસ 4 પેથોજન્સ’ પર તપાસ કરી રહેલા સ્ટાફને વિશેષ તાલીમ પણ અપાઈ હતી, જેથી વધુ ઘાતક અને અજાણ્યા અને નવા વાયરસ સામે સુરક્ષિત રહીને કામ થઈ શકે.

લેબની પાછળનો એક વિચાર એ હતો કે નવો વાયરસ ફેલાતો રોકવો અશક્ય છે, પણ એકવાર ફેલાઇ તે પછી તેને કાબૂમાં રાખવા માટે કેવી રીતે કામ કરી શકાય તેની પદ્ધતિ વિકસાવી રાખવી જરૂરી છે. જે વિસ્તારમાં ચેપ ફેલાયો હોય ત્યાં રહીને લેબ ટેસ્ટિંગનું કામ સુરક્ષિત કરવું જરૂરી બને. સાથે જ દર્દીઓની સારવારની પદ્ધતિ પણ વિકસાવવી પડે, જેથી સારવાર પણ થાય અને ચેપ આગળ ના વધે. સારવારની રીત અને રસી માટેના પ્રયત્નો પણ લેબમાં ચાલતા રહે.

વક્રતા એ પણ છે કે ચીન સાથે સહયોગની વાત આવી ત્યારે ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચના વડાનો એક ઇન્ટરવ્યૂ પણ પ્રગટ થયો હતો. તેમને પૂછાયેલું કે શું ચીન રોગચાળાનો સામનો કરી શકનારી મહાસત્તા તરીકે ઊપસી આવશે? તેમણે કહેલું કે ચીનની આવી મહત્ત્વાકાંક્ષા છે જ અને ચીન ફ્રાન્સમાં તૈયાર થનારા ERINHA પ્રોજેક્ટમાં કામ કરવા પણ તૈયાર છે. આ પ્રોજેક્ટ એટલે યુરોપિયન રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓન હાઇલી પેથોજેનિક એજન્ટ્સ. હવે ચીન મહાસત્તા બનવાના બદલે સૌથી પહેલાં તેનો ભોગ બન્યું. એટલું જ નહિ સમયસર પારખી પણ ના શક્યું અને ઝડપથી કાબૂમાં પણ ના લઈ શક્યું.

બીજી બાજુ જોવા જાવ તો એવું કહી શકાય કે ચીનાઓ કરતાં ફ્રાન્સના અને યુરોપના આરોગ્ય નિષ્ણાતો આ બાબતમાં વધુ નબળા સાબિત થયા છે. ચીનના આંકડાં સાચા હોવાનું કારણ નથી, પરંતુ ઉપલબ્ધ આંકડાં પ્રમાણે તો એક તબક્કે ચેપને ચીને અટકાવ્યો અને અત્યારે કામ કરતું પણ થઈ ગયું છે. બીજી બાજુ યુરોપના દેશોમાં ચેપ ક્યાંયનો ક્યાં પહોંચી ગયો છે અને હજી ક્યારેય કાબૂમાં આવશે તે સ્પષ્ટ દેખાતું નથી.


કાવતરું કરીને ચેપ ફેલાવાયો તે બધો બકવાસ સોશ્યલ મીડિયા પૂરતો સારો લાગે, પણ અહીં મૂળ મુદ્દો લેબોરેટરીમાં થતા જોખમી પ્રયોગોની સાવચેતીનો હોય છે. ગમે તેટલી સાવચેતી છતાં દુર્ઘટના થતી હોય છે તે જગતે જોયું છે. અણુ અખતરામાં અત્યંત સાવધાની રાખવામાં આવે છે. અણુ ઉર્જાના મથકો બને ત્યારે તેની સુરક્ષાના પણ મોટા મોટા દાવા થાય છે. પરંતુ રશિયાના ચેર્નોબીલમાં અને વાવાઝાડોના કારણે જાપાનના ફુકુશીમા અણુ પ્લાન્ટમાં સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી હતી તે દુનિયાને જોયું છે.

ફ્રાન્સના વડા પ્રધાને વૂહાનની નજીકને P4 લેબનું ઉદ્ધાટન કર્યું ત્યારે નેચર જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનમાં લેખમાં દાવો કરાયો હતો કે મેક્સિમમ-સિક્યુરિટી બાયો-સેફ્ટી સાથેની લેબ શરૂ થઈ છે. વૂહાનની આ લેબને વિશ્વના સૌથી ઘાતક પેથોજન્સ સાથે કામ પાર પાડવા માટે તૈયાર કરી લેવાઈ છે. લેવલ-4 સાથેની બાયોસેફ્ટી સાથેની આવી પાંચથી સાત લેબ 2025 સુધીમાં ચીનમાં તૈયાર કરી લેવાની ગણતરી છે. આ ઉત્સાહનું કારણ છે, પણ સાથે જ થોડી ચિંતા પણ જગાવે તેવું છે એમ લેખમાં ઉલ્લેખ થયો હતો.


તે ચિંતા જ કદાચ સાચી પડી છે. આ બેમાંથી એકાદ લેબમાં ગફલતથી નાનકડો જંતુ છટક્યો અને પછી માંસ બજારથી અથવા સીધી રીતે ફેલાયો. સ્થાનિક ધોરણે ફેલાયો, નગરની બહાર નીકળ્યો અને પછી વિમાનમાં ઊડીને ઠેર ઠેર પહોંચી ગયો. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે જોખમ લઈને સંશોધન કર્યા સિવાય પણ માનવજાત પાસે ઉપાય નથી. વાયરસને મારવા માટે તેને જાણવો પડે અને જાણવા માટે તેને નીકટથી જોવો પડે. તેની સાથેનો આ સંસર્ગ ક્યારે વણસે તે કુદરતી ક્રમ જ કદાચ દીસે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]