સાધુ કૃષ્ણદાસનો સંદેશ : ‘તમારા ધર્મ પર ચાલો, સૌને પ્રેમ કરો’

પરિવર્તન સરળ રીતે

‘તમારા ધર્મ પર ચાલો. સૌને પ્રેમ કરો.’

એ સાધુ છે, પણ ઉપદેશક નથી. એ રોજ એક જ જગ્યા પર ઊભા રહે, પણ ભિક્ષુક નથી. એ છે સાધુ કૃષ્ણદાસ, જે ભગવદ્દગીતાથી પ્રભાવિત છે.

સફેદ ધોતી અને ઝભ્ભામાં સજ્જ, પચાસથી વધુની વયના સાધુ કૃષ્ણદાસ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના વ્યસ્ત એવા જુહૂ સર્કલ ટ્રાફિક સિગ્નલ પર રોજ એક જ જગ્યાએ ઊભા રહે. એમના હાથમાં પ્લે કાર્ડ હોય જેમાં હિંદી-અંગ્રેજીમાં લખેલું હોય છેઃ ‘તમારા ધર્મ પર ચાલો. સૌને પ્રેમ કરો.’

મુંબઈના ભાગદોડવાળા જીવનમાં, ધસમસતાં ભાગતાં વાહનોની વચ્ચે, શરીરે પરસેવો થતો હોય, ધોધમાર વરસાદ વરસતો હોય તો પણ સાધુ કૃષ્ણદાસ ત્યાં જ ઊભા રહીને, ચહેરા પર મૃદુ સ્મિત ફરકાવતા રહીને શાંતિ, પ્રેમ અને આશાના સંદેશનો ફેલાવો કરીને પોતાનું સામાજિક યોગદાન આપે.

કૃષ્ણદાસ છેલ્લા ૧૨ વર્ષથી જૂહુ સર્કલ સિગ્નલ પાસે ઊભા રહે છે, અમુક મિનિટો માટે નહીં, પણ કલાકો સુધી. ઘણા વટેમાર્ગુ એમને જોઈને ટીકા કરે, પણ કૃષ્ણદાસનો જુસ્સો અકબંધ છે. આવી જ સેવા તેઓ જુહૂ બીચ પર પણ આપે. એમના પ્લે કાર્ડમાં લખ્યું હોય છેઃ ‘સબકા મંગલ હો, સભી માતા-પિતા કો પ્રણામ, સભી ગુરુજનો કો પ્રણામ, સભી રક્ષકો કો પ્રણામ, હે ઈશ્વર આપકો પ્રણામ.’

જૂહુ બીચ પર સંદેશનો પ્રસાર કરતાં ફરતાં હોય ત્યારે સ્વામી કૃષ્ણદાસ પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે પણ કરુણા બતાવતા જોવા મળે.

આમ કરવાની ઈચ્છા કેમ થઈ? નિસ્વાર્થભાવી, કૃષ્ણદાસ કહે છેઃ ‘ધર્મ તો કૃત્રિમ માનવીએ બનાવેલાં સામાજિક વિભાજનો છે. ધર્મ સૌને માટે સમાન હોય છે. આકાશ, સમુદ્ર અને પૃથ્વીની જેમ ભેદભાવરહિત.’

લોકોનાં દુઃખનું મૂળ કારણ કયું?
કૃષ્ણદાસ સમજાવે છે, ‘મતભેદ. જો લોકો એકબીજાને ખરી રીતે સમજીને રહે તો ગુસ્સો, તિરસ્કાર, ઈર્ષ્યા આપોઆપ દૂર થઈ જાય.’

તમારો આનંદ?
સાધુ કૃષ્ણદાસ કહે છે, ‘રોજ સરેરાશ બેથી ત્રણ લાખ જેટલા વટેમાર્ગુઓ મારી સામે જોઈને સ્મિત કરે. બસ મને એ જ ગમે છે.’

તમારું દુઃખ શું છે?
‘સમગ્ર જગતમાં પ્રવર્તતી યાતના અને હિંસાચાર. દરેક ધર્મના પાયામાં શાંતિ અને સાત્ત્વિક્તા રહેલાં છે. પ્રેમ, સત્ય અને કરુણા દરેક ધર્મના આધાર છે,’ એમ કૃષ્ણદાસ જણાવે છે.

તમારો ઉદ્દેશ્ય?
શાંતિપ્રેમી સાધુ કૃષ્ણદાસ કહે છે, ‘દરેક જણ ખુશ રહે એવું હું ઈચ્છું છું.’

જો બધા કૃષ્ણદાસની જેમ માનતા થાય તો દુનિયામાં પરિવર્તન સરળ બની જાય.