Home Blog Page 4866

લોકડાઉન લંબાશે? : મોદી રાષ્ટ્રને સંબોધે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર રાષ્ટ્રને સંબોધન કરે એવી શક્યતા છે. તેમણે આ પહેલાં વાઇરસના જોખમને ધ્યાનમાં લેતાં પહેલેથી જ સાવચેતી સ્વરૂપે દેશભરમાં સંપૂર્ણ 21 દિવસનું લોકડાઉન કર્યું છે, જે આવતા મંગળવારે (14 એપ્રિલે) પૂરું થવાનું છે. હવે અનેક રાજ્યોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકકડાઉન વધારવાની માગ કરી છે અને ઓરિસ્સાએ તો આ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દીધું છે. હવે આવતી કાલે શનિવારે વડા પ્રધાન વિડિયો કોન્ફરન્સિંગથી રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજવાના છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકડાઉન વધારવામાં આવે પૂરેપૂરી શક્યતા છે. જોકે વડા પ્રધાન આ વખતે કેટલાક ફેરફારો સાથે લોકડાઉનનો સમયગાળો વધારે એવી સંભાવના છે.જેમાં આવશ્યક સેવાઓ સિવાય આંતરરાજ્ય આવ-જા પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજ અને ધાર્મિક સંસ્થાઓ પણ બંધ રહેશે. જોકે કેટલાંક ક્ષેત્રોમાં રાહતો આપે અને લોકડાઉનમાં આંશિક રાહતો જાહેર કરે એવી સંભાવના છે.

કેટલાંક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ખોલાશે

સૂત્રોના જણાવ્યાનુસાર દેશમાં લાંબા લોકડાઉનને કારણે આર્થિક મંદીને ધ્યાનમાં રાખતા વડા પ્રધાન કેટલાંક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સાથે થોડીક છૂટછાટ આવપે એવી શક્યતા છે. કોરોના વાઇરસને પગલે હવાઈ ક્ષેત્રે સંપૂર્ણ ઠપ છે, જેથી અનેક લોકો અટવાઈ ગયા છે.અને આ ક્ષેત્રે એરલાઇન્સોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે, જેથી એરલાઇન્સોને બધા કલાસિસની વચ્ચે સીટ ખાલી રાખવા સાથે ઉડાન શરૂ કરવા મંજૂરી આપે એવી શક્યતા છે.

નોંધપાત્ર વાત એ છે કે બુધવારે ઓલ પાર્ટી મીટિંગમાં પણ વડા પ્રધાન મોદીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. સર્વપક્ષી બેઠકમાં  ભાગ લીધેલા વિપક્ષના નેતાઓના જણાવ્યા મુજબ વડા પ્રધાને કહ્યું હતું કે સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિના જીવનનું રક્ષણ કરવાની છે. દેશની પરિસ્થિતિ આ સમયે સામાજિક કટોકટી જેવી છે. તેમણે કહ્યું કે કોવિડ-19 ફેલાયા પછી જીવન એકસરખું રહ્યું નથી. લોકોની જિંદગી પહેલાં જેવી નથી રહી. એટલે લોકોએ વ્યવહારુ રીતે સામાજિક અને વ્યક્તિગત વ્યવહારમાં બદલાવ લાવવો પડશે

 

રાજકોટવાસીઓને આંગળીના ટેરવે મળશે દૂધ

રાજકોટઃ શહેરમાં દૂધ અને દૂધના વિવિધ ઉત્પાદનો હવે આંગળીના ટેરવે ઘરે બેઠા મળી શકશે! દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ હાલના લોકડાઉનના સમયમાં શહેરીજનોની સાનુકૂળતાને ધ્યાને લઇ ઓનલાઇન દૂધ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. કંપની દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરાતા રાજકોટના શહેરી વિસ્તારના લોકોને હવે આંગળીના ટેરવે ઘરે બેઠા માહી કંપનીના દૂધ દહી ઘી છાશ વગેરે ઉપલબ્ધ બન્યા છે.

ટેક્નોલોજીએ આજે માનવ જીવનમાં સ્થાન લીધું છે. તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોને તો માનવીઓનું મોટાભાગનું કાર્ય આંગળીના ટેરવે કરી દીધું છે. ટેકનોલોજીનો સમજપૂર્વકનો ઉપયોગ જીવનશૈલીને સરળ બનાવી આપે છે. આજે મોટાભાગની કંપનીઓ ટેકનોલોજી આધારિત માર્કેટિંગનો ઉપયોગ કરતી થઈ છે, ત્યારે રાજકોટ સ્થિત માહી કંપનીએ કોવિડ-૧૯ ના રોગચાળાને કારણે હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને શહેરીજનોની સુવિધામાં વધારો કરી ઓનલાઇન મિલ્ક એપ્લિકેશન લોન્ચ કરી એમને જરૂરિયાત મુજબના દૂધ અને તેના વિવિધ ઉત્પાદનો ઘરે બેઠા ઉપલબ્ધ કરાવી એક નવતર પ્રયોગ કર્યો છે.

મિલ્ક ઓન મોબાઈલ (MOM) એ એક એવી સુવિધા જનક મોબાઈલ એપ્લિકેશન છે કે જે એન્ડ્રોઇડ મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગ્રાહકે તેની વ્યક્તિગત માહિતી ભરવાની રહે છે. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરીએ છીએ એવી જ રીતે માહી દુધ તેમ જ માહી દૂધના વિવિધ ઉત્પાદનોની પણ ખરીદી ગ્રાહક આ એપ્લિકેશન દ્વારા ઓર્ડર આપી કરી શકે છે.

આ અંગે કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે કોરોના વાયરસના કારણે લોકડાઉન ફરજિયાત બન્યું છે. ત્યારે રાજકોટના શહેરીજનોને ઘેર બેઠા દૂધ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વિચાર આવતાં આ અંગે તાત્કાલિક એપ્લિકેશન તૈયાર કરાવી અમલમાં મૂકી છે. એક તરફ વિટામીનની ઊણપથી લોકોમાં હાડકા અને સાંધાના રોગો વધી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં માહી એ એક માત્ર કંપની છે કે જેણે એફ.એસ.એસ.એ.આઇ. ની માર્ગદર્શિકાને ધ્યાને લઈને વિટામીન એ અને ડી યુક્ત દૂધ માર્કેટમાં રજૂ કરેલું છે. જે હવે આ એપ્લિકેશન થકી શહેરીજનોને ઘરે બેઠા મળી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા લોકડાઉનનું લોકો ચુસ્તપણે પાલન કરે તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કંપનીએ લોકડાઉનના સમયમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપી, કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર વેચાણ કિંમતે જ આ દૂધ તેમજ તેના ઉત્પાદનો ઘરબેઠા ઉપલબ્ધ કરાવતા તેને લોકોનો બહોળો પ્રતિસાદ મળશે એમાં શંકાને સ્થાન નથી.

(હેતલ દવે-રાજકોટ)

ગણપત યુનિવર્સિટી પરિવારે પણ રાહત ફંડમાં આપ્યો ફાળો

ગાંધીનગરઃ ગણપત યુનિવર્સિટીના પરિવાર તરફથી 16,00,000 રુપિયાનો ચેક મુખ્યમંત્રી વિજય રુપાણીને આપવામાં આવ્યો હતો. ગણપત યુનિવર્સિટી પરિવાર એ આશરે 1000 હજાર જેટલા કર્મચારીઓનો બનેલો છે.

ગણપત યુનિવર્સિટીના નાનામાં નાના કાર્યકરથી માંડીને છેક વાઇસ ચાન્સેલર સુધીના સમગ્ર પરિવારે પોતાના એક દિવસના પગાર દ્વારા એકત્રિત કરેલી ધનરાશિના રૂપિયા 16 લાખનો ચેક યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ અર્પણ કર્યો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણપત યુનિવર્સિટીના આ સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામેની લડતના આ કપરા સમયમાં રાજ્યની પડખે ઊભા રહેવા માટે અમે ગણપત યુનિવર્સિટીના આભારી છીએ. એમણે વધુમાં કહ્યું કે સામાજિક જવાબદારી માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા આ અનુદાન દ્વારા બહુ યોગ્ય રીતે સિદ્ધ થાય છે. કોરોના વાઇરસ સામે મજબૂત લડત આપવા યુનિવર્સિટીએ લીધેલાં વર્ચ્યુઅલ કલાસરૂમ,  સેનિટાઇઝેશન અને કમ્પ્લિટ લોકડાઉન જેવા અન્ય  અનેકવિધ પગલાંની પણ મુખ્યમંત્રીએ કદર કરી હતી.

કોવિડ-19ના 547 નવા કેસઃ કુલ સંખ્યા વધીને 6,412

નવી દિલ્હી:  દેશમાં છેલ્લા 12 કલાકમાં કોવિડ-19ના 547 નવા કેસ નોંધાવા સાથે દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,412 થઈ ગયા છે. જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી દેશમાં 199 લોકોનાં મોત થયાં છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. વળી, આ 504 લોકો આ રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત પણ થયા છે. જો કે ભારત સહિત અનેક દેશોએ સાવચેતીરૂપે લોકકડાઉન કર્યું છે.

અત્યાર સુધી આ વાઇરસે વિશ્વભરમાં 16,00,740 લોકોને સંક્રમિત કર્યા છે. આ ચેપને કારણે 95,726 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. અમેરિકામાં 4,65,329 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે અને 16,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ ઉપરાંત  સ્પેન પણ  કોરોના વાઇરસથી બહુ ખરાબ રીતે પ્રભાવિત છે અને અહીં 1,53,222 કેસ નોંધાયા છે. સ્પેનમાં 15,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે અહીં 52,165 દર્દીઓ સાજા થયા છે. ઇટાલીમાં પણ કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. અહીં કોરોનાથી 1,43,626 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં અહીં 18,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાંસની વાત કરીએ તો અહીં કોરોનાના 1,18,783 કેસ નોંધાયા છે અને 12,000થી વધુ દર્દીઓનાં મોત થયાં છે, જ્યારે જર્મનીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,18,235 છે અને આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,607 લોકોનાં મોત થયાં છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડવા માટે રૂ. 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

ગુજરાતમાં વણસી રહેલી સ્થિતિઃ વધુ 46 નવા કેસ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સતત વણસી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધારે 46 જેટલા નવા કેસ નોંધાતા સ્થિતિ બગડતી દેખાઈ રહી છે તેવું કહીએ તો પણ ખોટું નથી. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોનો આંકડો 308 થયો છે. અમદાવાદમાં કુલ 153 જેટલા કેસો નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવીએ જણાવ્યું કે, hotspot વિસ્તારોમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી વ્યાપક કરવામાં આવી છે. એટલે આ કેસો વધી રહ્યાં છે. આ સંખ્યા હજુ પણ વધશે તેવી સંભાવના છે. આજના અપડેટમાં, ચાર લોકો ડિસ્ચાર્જ થયા છે અને બે કેસમાં મૃત્યુ થયું છે. એક 40 વર્ષના અમદાવાદના પુરુષનું મૃત્યુ થયું અને ગાંધીનગરના 81 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. દરરોજના 1000 કેસ ટેસ્ટિંગ કરવાનું પ્લાનિંગ રાજ્યનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. કુલ 978 ટેસ્ટ કર્યા હતા એટલા જ 67 પોઝિટિવ આવ્યા છે.

ભરૂચમાં જમાતીઓના ચાર પોઝિટિવ કેસ આવવાના મામલે આરોગ્ય સચિવે કહ્યું કે, ભરૂચમાં આવેલા ચાર નવા કેસો અંગે તેના કનેક્શન શું છે તેની તપાસ કરવા રાજ્યના પોલીસ વડાને કહેવામાં આવ્યું છે. ભરૂચના કેસ માટે જિલ્લા કલેકટર અને રાજ્ય પોલીસ ડીટેલ કાઢી રહ્યા છે. કોણ હતા, કેવી રીતે તેમને કોરોના પોઝિટિવ આવ્યો તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. ભરૂચના પોઝિટિવના કોન્ટેક્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે પ્રોટોકોલ છે તે પ્રમાણે કામગીરી આગળ વધી રહી છે.

ગુજરાતમાં તબલિગી મરકજનાં જમાતીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળ ગુજરાતનાં વતની હોય એવાં તબલિગી જમાતીઓ મોટી સંખ્યામાં લોકડાઉન બાદ ગુજરાત બહાર ફસાયા છે. લોકડાઉન ખુલે કે આંશિક રાહત અપાય ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે તો ગુજરાતમાં સંક્રમણ વધુ ફેલાવી શકે છે. આ મુદ્દે ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ એન્ડ સેન્ટ્રલ આઇબીને કામે લગાવ્યું છે. તબલિગી જમાતનાં મૂળ ગુજરાતનાં હોય અને હાલ બહારનાં રાજ્યોમા હોય તેવા લોકોની શોધખોળ આરંભી છે. આ લોકોનાં તમામ ડેટા ટ્રેસ કરવાનું કામ ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ સેન્ટ્રલ આઇબીને સોંપવામાં આવ્યુ છે. જેથી લોકડાઉન ખૂલે કે આંશિક છૂટછાટ આપવામા આવે ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે ત્યારે તમામની મેડિકલ તપાસ કરી શકાય.

3 રહેવાસીને કોરોના થયો; ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના તન્મય વેકરિયાનું મકાન સીલ

મુંબઈઃ કોરોના વાઈરસનો પ્રકોપ ઘટવાને બદલે વધી રહ્યો છે. દેશમાં કોરોનાનાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે અને મુંબઈ આ બીમારીનું એપીસેન્ટર બન્યું છે. અમુક ફિલ્મી હસ્તીઓ આ બીમારીની ઝપટમાં આવી ગઈ છે, જેમ કે ગાયિકા કનિકા કપૂર, નિર્માતા મોરાની પરિવાર, અભિનેત્રી અંકિતા લોખંડે.

એક અહેવાલ મુજબ, હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર તન્મય વેકરિયા જ્યાં રહે છે તે કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના રાજ આર્કેડ બિલ્ડિંગને પણ મુંબઈ મહાનગરપાલિકાએ સીલ કર્યું છે, કારણ કે એ મકાનના 3 રહેવાસીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

તન્મય આ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવે છે.

તન્મય વેકરિયા કાંદિવલીમાં એની પત્ની અને બે પુત્રી સાથે રહે છે.

આને કારણે હવે આ બિલ્ડિંગના રહેવાસીઓને 14 દિવસો સુધી ક્વોરન્ટાઈનમાં રખાશે. એમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી નહીં શકે અને કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં નહીં આવે. રહેવાસીઓને તમામ આવશ્યક ચીજવસ્તુઓ ઘરમાં પહોંચાડવામાં આવશે.

આ પહેલાં અભિનેત્રી અંકિતા લોખંડેની રહેણાક સોસાયટીમાં પણ એક જણનો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવતાં આખા મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. અંકિતા પણ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં છે.

મહારાષ્ટ્ર અને ત્યારબાદ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ મુંબઈમાં ફિલ્મ અને ટીવી સિરિયલોની તમામ પ્રવૃત્તિઓ બંધ છે.

ઓનલાઇન શિક્ષણથી કોરોનાની નકારાત્મકતાને રાખો દૂર

નવી દિલ્હી:  સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ કોલેજો બંધ છે. આ સ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશનની માંગ વધી છે. નાના બાળકોની સ્કૂલથી લઈને કોલેજ અને યુનિવર્સિટી સુધી ડિજિટલ ક્લાસીસ ચાલી રહ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના કારણે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે.

એજ્યુકેશન નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્થિતિમાં બાળકોને ઓનલાઈન એજ્યુકેશન સાથે જોડવા જોઈએ જેથી તે કોરોનાના નકારાત્મક માહોલમાંથી બહાર આવી શકે. સાથે જ બાળકોની અંદર સેલ્ફ કેર વિકસિત કરવાનો આ યોગ્ય સમય છે. આ સમયે બાળકોમાં આત્મવિશ્વાસ, ફિઝિકલ ફિટનેસ અને સાહસ જેવા ગુણોને વિકસિત કરવાનો છે.

કોરોના લોકડાઉનને પગલે ઓનલાઈન શિક્ષણે શાળાનું સ્થાન લીધું છે. જોકે, આમા શિક્ષકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે. શિક્ષકોએ 10 મિનિટનો વિડિયો બનાવવા માટે મોટા પ્રમાણમાં ઈન્ટરનેટની જરૂર પડી રહી છે.  લોકડાઉન પછી પણ જો શિક્ષકોને ડિઝિટલ એજ્યુકેશની ટ્રેનિંગ આપવામાં આવે તો ઓનલાઈન ભણાવવું સ્કુલ ટિચરો માટે સરળ બની જશે.

નિષ્ણાંતોનું કહે છે કે, ઓનલાઈન એજ્યુકેશન માત્ર શહેરો પૂરતુ જ સિમિત ન રહેવું જોઈએ પરંતુ તેને ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચાડવું જોઈએ. આ સાથે જ સરકારી શિક્ષકોને પણ ઓનલાઈન એજ્યુકેશન માટે પ્રેરિત કરવા જોઈએ. અહીં એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, બાળકો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા હોવાથી તેમની શારીરિક એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે કે, તેમને ઘરની અંદર જ રમવાનો પણ સમય આપવો જોઈએ સાથે તેમનો આહાર પણ પૌષ્ટિક હોવો જોઈએ.

રાશિ ભવિષ્ય 10/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

કોરોના સામે જંગઃ સરકારે જરૂરી તબીબી ઉપકરણો પરથી કસ્ટમ્સ ડ્યૂટી, હેલ્થ સેસ દૂર કર્યા

નવી દિલ્હીઃ જીવલેણ, ખતરનાક કોરોના વાઈરસ રોગચાળા સામે લડવા દ્રઢનિશ્ચયી બનેલી ભારત સરકારે અનેક પગલાં લીધા છે અને લઈ રહી છે. ગઈ કાલે એણે એક મહત્ત્વનો નિર્ણય લઈને કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર્સ, PPE (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) જેવા જરૂરી તબીબી ઉપકરણોની આયાત પરની કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ દૂર કર્યા છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કોરોના સામે લડવા માટે જરૂરી ઉપકરણો પરની કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ દૂર કર્યા.

સરકારે ફેસ અને સર્જિકલ માસ્ક અને કોવિડ-19 ટેસ્ટ કિટ્સ ઉપરથી પણ કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ હટાવી લીધા છે, જેથી દેશમાં આ પ્રોડક્ટ્સ સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે.

કેન્દ્રીય રેવેન્યૂ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વેન્ટિલેટર્સ તથા અન્ય ચીજવસ્તુઓની તાત્કાલિક જરૂરિયાતનો વિચાર કરીને કેન્દ્ર સરકારે આ ચીજવસ્તુઓની આયાત પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તથા હેલ્થ સેસ તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે હટાવી લીધી છે.

આ જકાત-મુક્તિ આ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે વપરાતા કાચા માલ ઉપર પણ લાગુ પડશે.

બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી પરની આ માફી નિર્ણય આ વર્ષની 30 સપ્ટેંબર સુધી ઉપલબ્ધ રહેશે, એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

પંચાંગ: 10/04/2020

મયંક રાવલ