ગુજરાતમાં વણસી રહેલી સ્થિતિઃ વધુ 46 નવા કેસ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સતત વણસી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધારે 46 જેટલા નવા કેસ નોંધાતા સ્થિતિ બગડતી દેખાઈ રહી છે તેવું કહીએ તો પણ ખોટું નથી. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોનો આંકડો 308 થયો છે. અમદાવાદમાં કુલ 153 જેટલા કેસો નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવીએ જણાવ્યું કે, hotspot વિસ્તારોમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી વ્યાપક કરવામાં આવી છે. એટલે આ કેસો વધી રહ્યાં છે. આ સંખ્યા હજુ પણ વધશે તેવી સંભાવના છે. આજના અપડેટમાં, ચાર લોકો ડિસ્ચાર્જ થયા છે અને બે કેસમાં મૃત્યુ થયું છે. એક 40 વર્ષના અમદાવાદના પુરુષનું મૃત્યુ થયું અને ગાંધીનગરના 81 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. દરરોજના 1000 કેસ ટેસ્ટિંગ કરવાનું પ્લાનિંગ રાજ્યનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. કુલ 978 ટેસ્ટ કર્યા હતા એટલા જ 67 પોઝિટિવ આવ્યા છે.

ભરૂચમાં જમાતીઓના ચાર પોઝિટિવ કેસ આવવાના મામલે આરોગ્ય સચિવે કહ્યું કે, ભરૂચમાં આવેલા ચાર નવા કેસો અંગે તેના કનેક્શન શું છે તેની તપાસ કરવા રાજ્યના પોલીસ વડાને કહેવામાં આવ્યું છે. ભરૂચના કેસ માટે જિલ્લા કલેકટર અને રાજ્ય પોલીસ ડીટેલ કાઢી રહ્યા છે. કોણ હતા, કેવી રીતે તેમને કોરોના પોઝિટિવ આવ્યો તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. ભરૂચના પોઝિટિવના કોન્ટેક્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે પ્રોટોકોલ છે તે પ્રમાણે કામગીરી આગળ વધી રહી છે.

ગુજરાતમાં તબલિગી મરકજનાં જમાતીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળ ગુજરાતનાં વતની હોય એવાં તબલિગી જમાતીઓ મોટી સંખ્યામાં લોકડાઉન બાદ ગુજરાત બહાર ફસાયા છે. લોકડાઉન ખુલે કે આંશિક રાહત અપાય ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે તો ગુજરાતમાં સંક્રમણ વધુ ફેલાવી શકે છે. આ મુદ્દે ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ એન્ડ સેન્ટ્રલ આઇબીને કામે લગાવ્યું છે. તબલિગી જમાતનાં મૂળ ગુજરાતનાં હોય અને હાલ બહારનાં રાજ્યોમા હોય તેવા લોકોની શોધખોળ આરંભી છે. આ લોકોનાં તમામ ડેટા ટ્રેસ કરવાનું કામ ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ સેન્ટ્રલ આઇબીને સોંપવામાં આવ્યુ છે. જેથી લોકડાઉન ખૂલે કે આંશિક છૂટછાટ આપવામા આવે ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે ત્યારે તમામની મેડિકલ તપાસ કરી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]