કોવિડ-19ના 547 નવા કેસઃ કુલ સંખ્યા વધીને 6,412

નવી દિલ્હી:  દેશમાં છેલ્લા 12 કલાકમાં કોવિડ-19ના 547 નવા કેસ નોંધાવા સાથે દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,412 થઈ ગયા છે. જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી દેશમાં 199 લોકોનાં મોત થયાં છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. વળી, આ 504 લોકો આ રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત પણ થયા છે. જો કે ભારત સહિત અનેક દેશોએ સાવચેતીરૂપે લોકકડાઉન કર્યું છે.

અત્યાર સુધી આ વાઇરસે વિશ્વભરમાં 16,00,740 લોકોને સંક્રમિત કર્યા છે. આ ચેપને કારણે 95,726 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. અમેરિકામાં 4,65,329 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે અને 16,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ ઉપરાંત  સ્પેન પણ  કોરોના વાઇરસથી બહુ ખરાબ રીતે પ્રભાવિત છે અને અહીં 1,53,222 કેસ નોંધાયા છે. સ્પેનમાં 15,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે અહીં 52,165 દર્દીઓ સાજા થયા છે. ઇટાલીમાં પણ કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. અહીં કોરોનાથી 1,43,626 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં અહીં 18,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાંસની વાત કરીએ તો અહીં કોરોનાના 1,18,783 કેસ નોંધાયા છે અને 12,000થી વધુ દર્દીઓનાં મોત થયાં છે, જ્યારે જર્મનીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,18,235 છે અને આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,607 લોકોનાં મોત થયાં છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડવા માટે રૂ. 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.