Home Blog Page 4865

મુંબઈ લોકડાઉનનો ભંગ કરી DHFLના પ્રમોટર્સ ફાર્મહાઉસ ગયા; પોલીસ અધિકારી સામે તપાસ

મુંબઈઃ હાઉસિંગ માટે લોકોને ધિરાણ આપતી, પણ ભ્રષ્ટાચાર કૌભાંડમાં સંડોવાયેલી કંપની DHFL (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ)ના પ્રમોટરો કપિલ વાધવાન અને ધીરજ વાધવાનની પોલીસે અટકાયત કરી છે, કારણ કે આ બંને જણ એમના 20થી વધારે પરિવારજનો સાથે કોરોના વાઈરસ લોકડાઉન નિયમોનો ભંગ કરીને, સરકારી અધિકારી પાસેથી ‘સ્પેશિયલ પાસ’ મેળવીને મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં આવેલા એમના ફાર્મહાઉસ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં 21-દિવસનું લોકડાઉન ચાલે છે, જે 14 એપ્રિલ સુધી લાગુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વારંવાર અપીલ કરી છે કે રોગચાળો ફેલાતો રોકવા માટે તમામ નાગરિકો એમના ઘરમાં જ રહે અને ક્યાંય બહાર ન નીકળે. લોકડાઉનમાં માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવામાં આવી છે બાકી તમામ ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. ટ્રેન સેવા તથા વાહનવ્યવહાર પણ બંધ છે. તે છતાં વાધવાન પરિવાર પિકનિક માણવા માટે મહાબળેશ્વર પહોંચી ગયો હતો.

મહાબળેશ્વરના સ્થાનિક લોકોએ પોલીસને એ વિશે સતર્ક કરી હતી અને એને પગલે પોલીસે વાધવાનના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. તમામ 23 જણને એક સરકારી કેન્દ્રમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કોર્ટે ગયા માર્ચ મહિનામાં વાધવાન બંધુઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે મુંબઈના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે સીબીઆઈ તપાસ એજન્સીની મંજૂરી વગર વાધવાન બંધુઓને છોડવા નહીં.

વાધવાન બંધુઓ ભાગી ન જાય એટલા માટે સીબીઆઈ મુંબઈ પોલીસના સંપર્કમાં છે.

વાધવાન પરિવારજનો ગયા બુધવારે રાતે પાંચ કારમાં બેસીને મહાબળેશ્વર ગયા હતા, જે મુંબઈથી આશરે 250 કિ.મી.ના અંતરે આવેલું છે. એમને ત્યાં જવા માટેના પાસ પોલીસ અધિકારી અમિતાભ ગુપ્તાએ ઈસ્યૂ કર્યા હતા, જે મહારાષ્ટ્ર સરકારમાં ગૃહ મંત્રાલયના મુખ્ય સચિવ પદે છે.

એક સત્તાવાર પત્રમાં ગુપ્તાએ કહ્યું છે કે વાધવાન પરિવારની એ ટ્રિપ પારિવારિક ઈમરજન્સીને કારણે હતી.

વાધવાન પરિવારને અમિતાભ ગુપ્તાના પત્રના આધારે મુંબઈથી પુણેના ખંડાલા અને ત્યાંથી સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે, હું વાધવાન બંધુઓને ઓળખું છું, તેઓ મારા પારિવારિક મિત્રો જેવા છે. તેઓ પારિવારિક ઈમરજન્સીને કારણે ખંડાલાથી મહાબળેશ્વર જઈ રહ્યા છે… તેથી તમને આ પત્ર દ્વારા જાણ કરું છું કે એમને મહાબળેશ્વર સુધી જવા માટે સહકાર આપવો.

પોલીસના જણાવ્યા મુજબ, વાધવાન પરિવાર એની સાથે એમના ચોકિયાતો, રસોયાઓ અને નોકરોને પણ લઈ ગયા હતા.

પોલીસે આ તમામની સામે કેસ નોંધ્યો છે.

સીબીઆઈએ કપિલ અને ધીરજ વાધવાન સામે લૂકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી હતી. આ બંને ભાઈ યસ બેન્ક અને DHFL છેતરપિંડી કેસમાં આરોપીઓ છે. આ બંને જણનો ક્વોરન્ટાઈન સમયગાળો પૂરો થયા બાદ સીબીઆઈ બંનેને તાબામાં લેશે.

આ બંને જણ સામે એક કેસ રૂ. 14,000 કરોડ DHFLમાંથી અન્યત્ર વાળી દેવાને લગતો છે. એ માટે તેમણે નકલી બોરોઅર્સનો ઉપયોગ કર્યો હતો અને DHFLને લોન આપવાના બદલામાં યસ બેન્કના પ્રમોટર્સને મોટી રકમની લાંચ આપી હતી.

આ કેસમાં યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી છે.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સિનિયર પોલીસ અધિકારી અમિતાભ ગુપ્તા, જે રાજ્યના ગૃહ મંત્રાલયમાં મુખ્ય સચિવ (સ્પેશિયલ) પદે છે એમને તાત્કાલિક અમલમાં આવે એ રીતે રજા પર ઉતારી દીધા છે અને આ કેસમાં તપાસ શરૂ કરાવી છે.

એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ સૌનિકને આ તપાસ સોંપવામાં આવી છે.

અમિતાભ ગુપ્તાને ફરજિયાત રજા પર ઉતરી જવાનો આદેશ આપનાર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તે જાણકારી આપતું આ ટ્વીટ કર્યું છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘ટાઈમ્સ નાઉ’ ચેનલના એક અહેવાલને ટાંકીને આ મામલો ઉઠાવ્યો હતો. ફડણવીસે ટ્વીટમાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની ઝાટકણી કાઢતા લખ્યું કે, વાધવાન બંધુઓને વીઆઈપી ટ્રિટમેન્ટ શા માટે? મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે) એમનું મૌન તોડે, જવાબ આપે. મહારાષ્ટ્રમાં શું વગદાર અને ધનવાન લોકોને લોકડાઉન લાગુ નથી થતું? કોઈક પોલીસની સત્તાવાર પરવાનગી મેળવીને મહાબળેશ્વરમાં રજા માણે છે. કોઈ સિનિયર પોલીસ અધિકારી આવું કરવાના પરિણામથી અજાણ આવી ગંભીર ભૂલ કરે એ શક્ય નથી.

શું કોરોના મહામંદીના એ દિવસો પાછા લાવશે?

નવી દિલ્હીઃ 2008ની આર્થિક કટોકટી પહેલાં 1929-30માં મહા મંદી આવી હતી, જેમા એટલી વસમી સ્થિતિ હતી કે નોકરી મેળવવા માટે લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરીઓ માગી રહ્યા હતા. ત્યાં સુધી કોઈ પણ બાળકો પણ પિતા માટે નોકરી માટે રસ્તા પર આવી ગયા હતા. આ ફોટો 1929-30નો છે, જે ત્યારની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપે છે. દરેક જણ પોતાના અને પરિવારના પાલનપોષણ માટે નોકરી માગી રહ્યું હતું. કોઈ રચનાત્મક રીતે તો કોઈ ભાવનાત્મક રીતે પોતાની વ્યથા રજૂ કરી રહ્યું હતું. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMF)  આ વખતે કોરોના વાઇરસને લીધે 1929-30ની મહામંદી કરતાં પણ મોટી મંદીની સંભાવના વ્યક્ત કરી હતી. વિશ્વભરમાં કોરોના વાઇરસથી આશરે 16 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃતકોની સંખ્યા પણ એક લાખ સુધી જઇ શકે છે ત્યારં IMFએ એ મહા મંદીની યાદ અપાવી દીધી હતી.

લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરી માગતા હતા

એ મહા મંદી વખતે સ્થિતિ એટલી ભયંકર હતી કે લોકો ગળામાં પાટિયું લગાવીને નોકરી માગી રહ્યા હતા. લોકોએ રચનાત્મક અથવા ભાવનાત્મક રીતે લખીને નોકરીઓ માગી રહ્યા હતા. એ વખતની મંદીનું મુખ્ય કારણ ઉત્પાદન વધુ હતું અને માગ ઘચી ગઈ હતી.

બાળકો પોતાનાં માતા-પિતા માટે નોકરી માગી રહ્યા હતા

એ મહા મંદી વખતે કેટલીક જગ્યાએ બાળકો રસ્તાઓ પર પાટિયાં લઈને ફરતાં હતાં, જેમાં તેમણે પિતાને નોકરી આપવાની આજીજી કરી હતી. આ ફોટો ઘણો આઘાતજનક હતો. 1929ની મંદીમાં વિશ્વભરનાં બજાર કડડડભૂસ થયાં હતાં, કંપનીઓમાં કામ બંધ થઈ ગયાં હતાં અને બેન્કો નાદાર થઈ હતી.

બાળકોને વેચવાનાં પાટિયાં

કેટલાક લોકો તો મંદીથી એટલા બેહાલ થઈ ચૂક્યા હતા કે ભૂખની મજબૂરીને લીધે બાળકોને વેચી રહ્યાં હતાં. એ સમય એટલો ખરાબ હતો કે કેટલાક લોકોએ પોતાની જાત વેચવા કાઢી હતી.

દુકાળે ખેડૂતોને બરબાદ કર્યા હતા

એ મહામંદીમાં અમેરિકામાં એક એવો સમય આવ્યો કે દુકાળને લીધે ખેડૂતોની જમીન બેકાર થઈ ગઈ. પેટની આગ બુઝાવવા માટે લોકોએ પોતાના ઘરબાર છોડી દેવા પડ્યા હતા. નોકરી શોધવા લોકોએ અનેક જગ્યાએ ભટકવું પડયું હતું. એક જગ્યાએ તો એવું બોર્ડ પણ હતું, જેના પર લખ્યું હતું કે જેની પાસે નોકરી નથી એ લોકો આગળ વધતા રહે. અમે અમારું જ ધ્યાન નથી રાખી શકતા.

શેરબજારમાં 40 અબજ ડોલર સ્વાહા

29 ઓક્ટોબર, 1929એ ન્યુ યોર્ક એક્સચેન્જ ધરાશાયી થયું હતું અને 14 અબજ ડોલરનું નુકસાન થયું હતું. એ દિવસે મંગળવાર હતો. જેને બ્લેક ટ્યુઝડે કહેવામાં આવ્યો હતો. એ દિવસોમાં શેરબજારના 40 અબજ ડોલર સ્વાહા થઈ ગયા હતા. એ વખતે આશરે 9,000 બેન્કો નાદાર જાહેર થઈ હતી.

 

મુંબઈ નજીકના ભાયંદરમાં મીઠું પકવતા અગરીયા…

હાલ કોરોના વાઈરસના ફેલાવાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ વેપાર-ધંધા, નોકરી-રોજગાર બંધ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરના પશ્ચિમ ભાગમાં, ઉત્તન વિસ્તારમાં મીઠાના અગરો ખાતે અગરીયાઓ દ્વારા મીઠું (અગર) પકવવાની પ્રવૃત્તિઓ કોઈ પ્રકારના અવરોધ વગર ચાલતી જોવા મળી છે. મીઠું પાકવા માટે આ વિસ્તાર દાયકાઓથી જાણીતો છે. મીઠાનો એક પાટો (ક્યારો) આશરે ૧૦૦x૧૫૦ ફૂટનો હોય છે. મીઠું પાકવાનું શરૂ થાય ત્યારથી રોજ સવારે સૂર્યોદય પહેલા કામની શરૂઆત થઈ જાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

મીઠું માણસજાત સાથે હજારો વરસોથી જોડાયેલું છે. માનવ સભ્યતા સ્થાયી થઈ અને રાંધેલો-પાકેલો ખોરાક ખાતી થઈ ત્યારથી મીઠું ખોરાકના માધ્યમથી લોકોને જોડતું થયું છે. ભારતની આઝાદીમાં મીઠાએ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. (રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દાંડી-ગુજરાતમાં મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહ કે દાંડી કૂચ કે અહિંસક સવિનય કાનૂનભંગ ચળવળ – માર્ચ/એપ્રિલ 1930)

જીવદયાને પણ નથી નડતું લોકડાઉન

રાજકોટ: માણસો માટે તો રસોડાં ખૂલ્યાં. ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ પણ ધમધોકાર ચાલે છે. કોઇને હવે ખાવાનો તો પ્રશ્ન નથી, પણ પશુ-પક્ષીનું શું? લોકડાઉનની અસર માણસને શું થાય એની ચર્ચા થઇ, પરંતુ ગાય,કૂતરાં,ચકલી,કાબરનું શું?

જીવદયા ક્ષેત્રે ગુજરાતભરમાં જેના ઉદાહરણ અપાય છે એવા કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઇન દ્વારા આ પ્રશ્નના નિરાકરણનું આયોજન થયું અને અમલ શરુ થયો.

શ્રીજી ગૌશાળાના માધ્યમથી ગૌ સેવા, ગૌ સંસ્કૃતિના પ્રચાર માટે સતત કાર્યરત રમેશભાઇ ઠક્કરના માર્ગદર્શનમાં બે યુવાન મિતલ ખેતાણી અને પ્રતીક સંઘાણીએ ટીમને કામે લગાડી. કીડી થઇ લઇને હાથી સુધીનું કોઇ પશુ-પ્રાણી ભૂખ્યું અને માંદું ન રહે એવી કોશિશ કરાઇ રહી છે. મિતલ ખેતાણી ચિત્રલેખા.કોમ સાથે આખી વાત કરતાં કહે છે, શહેરભરના 42 ચબુતરામાં અમે પાણી દરરોજ ઠલવીએ છીએ એટલે કોઇ પક્ષી તરસ્યું ન રહે.

દરરોજ 3 હજાર કીલો ચણ અલગ અલગ વિસ્તારમાં પહોંચે છે. કારણ કે જ્યાં જ્યાં આવા જાહેર સ્થળ ચણ નાંખવા માટેના છે ત્યાં લોકો જઇ શકતા નથી. પક્ષી તો એના સમયે ત્યાં પહોંચે. એટલે ત્યાં ચણ હોવું જરુરી છે. શહેરના વિવિધ જળાશયોમાં દરરોજ સિત્તેર કીલો લોટની ગોળી નાંખવામાં આવે છે એટલે માછલીને ખોરાક મળી રહે.આ ઉપરાંત ગૌ શાળામાં અને ખાસ તો રખડતી ગાયોને મળી રહે એટલા માટે ઘાસનું વિતરણ કરીએ છીએ. દરરોજ 800 મણ ઘાસ વિવિધ વિસ્તારમાં પહોંચે છે. અત્યારે હોટલ કે પ્રસંગના એંઠવાડ બહાર ફેંકાવાનું બંધ થઇ ગયું. રખડતી ગાય તો એના પર આધારિત હોય એટલે એના ખોરાકની વ્યવસ્થા ખાસ કરવી પડે.

ગાય કે અન્ય કોઇ પ્રાણી બીમાર પડે તો એના માટે એમ્બ્યુલન્સ પણ ચાલુ છે. આ તમામ કામ માટે કુલ અઢાર વાહન દોડી રહ્યાં છે. પશુ દવાખાના પણ બંધ છે. રસ્તે રઝળતાં પશુ વિશે માહિતી પણ કોણ આપે એટલે અમારાં વાહન સતત ચાલુ છે. કરુણા ફાઉન્ડેશનનો અન્ય સદસ્ય પ્રતીક સંઘાણી કહે છે, અમે સંસ્થાકીય રીતે તો આ કરીએ પણ લોકો પણ કાયદાની મર્યાદામાં રહીને આ કામ કરી શકે. ભલે ઘરની બહાર ન નીકળવાનું હોય પણ પોતાના ઘરની નીચે, શેરીમાં ગાય કે કુતરાંને તો ખોરાક આપી શકે ને, ચકલી કે અન્ય પક્ષીઓ માટે ચણ કે પાણીની વ્યવસ્થા કરી શકે ને. અમે તો રાજકોટમાં આ કરીએ છીએ. અન્ય જિલ્લા, શહેરમાં આ પ્રવૃત્તિ શરુ થાય તો સારું.

સમગ્ર પ્રવૃત્તિના પ્રણેતા રમેશભાઇ ઠક્કર ગૌ સેવા માટે જાણીતું નામ છે. ચિત્રલેખાને એ કહે છે, માણસની જિંદગી જેટલી જ આ પશુઓની જિંદગી મહત્વની છે. જો એમને ખવરાવશું-પીવરાવશું નહીં તો એમના મૃતદેહો પણ જોવા મળશે. અમે સૌને યથાશક્તિ પોતાની રીતે આ કામ કરવા અનુરોધ કરીએ છીએ. ક્યાંય પૈસાનું દાન દીધા વગર પોતાના ઘરે પણ આ થઇ શકે એમ છે.

(જ્વલંત છાયા-રાજકોટ)

નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ અક્ષય, આલિયાએ મુંબઈ પોલીસનો આભાર માન્યો

મુંબઈઃ ભયાનક કોરોના વાઈરસ આખા દેશમાં ફેલાયો છે ત્યારે એનો સામનો કરવા માટે હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પણ એમના શક્ય હોય એ દરેક રીતે સાથ-સહકાર આપી રહી છે.

બોલીવૂડ કલાકારો તથા અન્ય મહારથીઓ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરવા સમજાવતા રહે છે, રાહત કાર્યો કરવામાં મદદરૂપ થાય છે તો રાહત ભંડોળમાં પોતાનાથી બનતું દાન પણ આપે છે.

અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર, અર્જૂન કપૂર જેવા કલાકારોએ શહેરના નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ મુંબઈના પોલીસ વિભાગનો આભાર માન્યો છે. પોલીસકર્મીઓ કોરોના વાઈરસ લોકડાઉન દરમિયાન લોકોને સુરક્ષિત રાખવા માટે પોતાની અંગત જરૂરિયાતોનું બલિદાન આપી રહ્યા છે અને પોતાની ફરજ પ્રશંસનીય રીતે બજાવી રહ્યા છે એની સરાહના કરીને આ કલાકારોએ પોતપોતાના ટ્વિટર હેન્ડલ પર મુંબઈ પોલીસનો આભાર માનતા શબ્દો પોસ્ટ કર્યા છે.

આલિયાએ ટ્વીટમાં મુંબઈ પોલીસનો એક વિડિયો શેર કરીને લખ્યું છેઃ અન્ય નાગરિકો જેટલા આ લોકો નસીબદાર નથી. નાગરિકો તો લોકડાઉનમાં પોતપોતાના ઘરમાં રહે છે. થેંક્યૂ મુંબઈ પોલીસ, અમારો પ્રેમ અને આભાર વ્યક્ત કરવા માટે શબ્દો વર્ણવી શકતા નથી. આપણે સૌ ઘરમાં જ રહીએ, એમને માટે.

અક્ષય કુમારે એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એ જણાવે છે કે પોલીસો બંદોબસ્ત જાળવવામાં કેટલી મહેનત કરે છે. અક્ષયે લખ્યું પણ છે કે, આ લોકોનું એક એવું આર્મી છે જે આપણને અને આપણા પરિવારોને સુરક્ષિત રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. ચાલો આપણે સાથે મળીને એમને કહીએ – દિલ સે થેંક્યૂ.’

શાહિદ કપૂરે ટ્વીટ કર્યું છેઃ આપણા સપનાંઓને સુરક્ષિત રાખવા માટે તેઓ એમના સપનાંઓનું બલિદાન આપી રહ્યાં છે. થેંક્યૂ મુંબઈ પોલીસ. અમે તમારા ખૂબ ઋણી છીએ.

ટાઈગર શ્રોફે ટ્વિટર પર લખ્યું છે કે, મુંબઈ પોલીસ તમારો ખૂબ ખૂબ આભાર, અમે ભાગ્યશાળી છીએ કે તમે અમારી સાથે છો.

અર્જૂન કપૂરે ટ્વીટમાં લખ્યું છેઃ અમે શબ્દોમાં મુંબઈ પોલીસનો પૂરતો આભાર માની શકીએ એમ નથી. છતાં એ હકીકતને માનવી જ પડશે કે તેઓ દરરોજ હાજર હોય છે, જેને કારણે બધું સરળતાથી ચાલે છે, તેઓ આપણને સુરક્ષિત રાખવા માટે કાયમ હાજર રહે છે. મારા હૃદયના અંતરમાંથી આપનો આભાર મુંબઈ પોલીસ… સુરક્ષિત રહો, જય હિંદ.

કોરોના સામે લડવા સાર્ક દેશોએ બનાવ્યું ફંડ

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સાર્ક દેશોના સંગઠન-સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કો-ઓપરેશને એક ઈમરજન્સી ફંડ બનાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન દ્વારા સાર્ક કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ ફંડમાં 30 લાખ અમેરિકી ડોલરનું દાન કર્યા બાદ અત્યારે તે પાછળ હટતું દેખાઇ રહ્યું છે. આને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રત્યેક રાષ્ટ્રની ગંભીરતાનો અંદાજ તેમના વ્યવહાર પરથી લગાવી શકાય છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જાહેરાત કરતા કહ્યું હતું કે તે સાર્ક કોવિડ-19 ઈમરજન્સી ફંડમાં 30 લાખ અમેરિકી ડોલરનું યોગદાન આપશે. વડાપ્રધાન મોદી દ્વારા સાર્ક દેશોના એક વીડિયો સંમેલન બાદ ફંડ બનાવવાના પ્રસ્તાવના કેટલાય સપ્તાહ બાદ પાકિસ્તાનનું આ નિવેદન આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની અપીલ પર સાર્ક દેશોએ તુરંત જ કોવિડ-19 ઈમરજન્સી ફંડમાં યોગદાન આપવા માટે એકજુટતા દર્શાવી પરંતુ પાકિસ્તાન તરફથી આ જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે.

જો કે, પાકિસ્તાને કોવિડ-19 ને પહોંચી વળવા માટે સાર્ક દેશો પાસેથી મદદ પણ માંગી છે. પાકિસ્તાને સાર્ક દેશો પાસેથી 3 મિલિયન ડોલરની સહાયતા માંગી છે. ફંડને લઈને વિદેશ સચિવ સોહેલ મહમૂદ અને સાર્કના મહાસચિવ એસલા રુવાન વેરાકૂન વચ્ચે ફોન પર પણ ચર્ચા થઈ હતી.

રાત-દિવસ ધમધમતાં આ શહેરોની કોરોનાએ કરી તાળાબંધી

અમદાવાદઃ કોરોના વાઇરસે વિશ્વઆખાને બાનમાં લીધું છે અને આ વાઇરસ હજી પણ બેકાબૂ છે. આ અજાણ્યા શત્રુ (વાઇરસ)ને નાથવાની હજી સુધી દવા કે વેક્સિન બની નથી. દેશમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. દેશમાં આવું પણ ક્યારેક બની શકે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હો.

વળી, દેશનાં ચાર મહાનગરો જે રાત-દિવસ ધમધમતાં હતાં એની ઝડપને અચાનક બ્રેક લાગી ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત દિલ્હી, ચેન્નઈ અને હેદરાબાદ –24 કલાક જાગતાં શહેરો છે. એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મુંબઈ અને દિલ્હીમાં કોરોના પોઝિટિવ સંક્રમિતોની સંખ્યા 700ને પાર થઈ ગઈ છે. મોટાં શહેરોમાં કોરોનાના વધતા પ્રકોપને જોતાં આ શહેરોમાં કેટલાય હોટસ્પોટ બની ગયા છે અને આ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવમાં આવી રહી છે.

દિલ્હીના 25થી વધુ હોટસ્પોટ

શહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને લીધે દિલ્હીમાં અત્યાર સુધી 720 લોકો સંક્રમિત થયા છે અને 12 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દિલ્હીમાં સાવચેતી સ્વરૂપે 20 હોટસ્પોટને ઓળખી કાઢવામાં આવ્યા છે, જેને હાલમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં માસ્ક લગાવ્યા વિના રસ્તા પર નીકળવું પ્રતિબંધિત છે.

મુંબઈની ખસ્તા હાલત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાઇરસનો ભારે પ્રકોપ છે. જે મુંબઈને સ્વપ્ન નગરી કહેવાતી હતી, એની આજે ખસ્તા હાલત છે. 20 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 1,385 થઈ છે. મહારાષ્ટ્ર બહુ ખરાબ રીતે કોરોના વાઇરસથી પ્રભાવિત છે. આ કુલ કેસોમાંથી આ વાઇરસથી મુંબઈમાં 876થી વધુ કેસો નોંધાયા છે. આમાં પણ મહારાષ્ટ્રમાં 97 લોકોનાં મોત થયાં છે, જે દેશનાં અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધુ છે. મુંબઈમાં 54 લોકોના મોત આ વાઇરસને લીધે થયાં છે.

ચેન્નઈ પર ઘેરી અસર

કોરોના વાઇરસના કહેરથી દક્ષિણ ભારતના તામિલનાડુની દુર્દશા બેઠી છે. તામિલનાડુમાં અત્યાર સુધી કોરોનાના 834 કેસો સામે આવ્યા છે. ચેન્નઈના 20થી વધુ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરતાં સીલ કરવામાં આવ્યા છે.

હૈદરાબાદની રફતાર પર બ્રેક

તેલંગાણામાં અત્યાર સુધી કોરોનાના 471 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 12 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. રાજ્યના સાઇબર હબ કહેવાતા આ શહેર હૈદરાબાદની રફતારને આ વાઇરસે બ્રેક મારી દીધી છે.

…તો ઈમરાન ખાને ગુમાવવી પડશે ખુરશી!

ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાની મદદથી સત્તા સંભાળનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર હવે સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. કોરોના મહાસંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને સેના વચ્ચે મતભેદ વધી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનના પાપોને પોતાના પર લેવાની ના પાડી દીધી અને તેમણે ઈમરાનને જૂન સુધીનો સમય આપ્યો છે.

વિશ્વમાં કોરોના મહામારીથી અત્યારસુધીમાં કુલ 95,751 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આશરે 22 કરોડની વસતી ધરાવતું પાકિસ્તાન અત્યારે આ મહામારી સામે ઝઝુમી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 65 જેટલા લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં સ્થિતિને સંભાળવા માટે ઘણીય જગ્યાઓ પર લોડકાઉન કરી દેવામાં આવ્યું છે. આખા દેશમાં સ્થિતિને સંભાળવા માટે સેનાને તેનાત કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં જેમ-જેમ કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે, ઈમરાન ખાન સરકાર વિવાદોમાં આવતી જઈ રહી છે. ઈમરાન ખાન સરકાર પર ચીન અને ઈરાનમાં થયેલા મોતથી કોઈ જ શીખ ન લીધી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારસુધીમાં કોરોના સંકટને અત્યંત હળવી રીતે લઈ રહેલા ઈમરાન ખાન પર કોઈ નિર્ણાયક એક્શન લેવાનું દબાણ સતત બની રહ્યું છે. ઈમરાન ખાન દાવો કરી રહ્યા છે કે, તેઓ જાન્યુઆરીથી આ મહામારી પર નજર રાખી રહ્યા છે પરંતુ તેમણે 12 માર્ચ સુધી કોઈ જ ઈમરજન્સી બેઠક કરી નથી.

બીજાઓ માટે રિચાર્જ કરો, નફો મેળવો: જિયો, એરટેલની અનોખી ઓફર

મુંબઈઃ દેશની બે અગ્રગણ્ય ટેલિકોમ કંપની – રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે પોતપોતાના યુઝર્સને કમિશન આપવાની એક સુવિધા કરી આપી છે. આ સુવિધા અંતર્ગત, જે લોકો બીજા પ્રીપેઈડ યુઝર્સના ફોન માટે રિચાર્જ પેમેન્ટ કરી આપશે એમને તરત જ કેશબેક આપવામાં આવશે.

પ્રત્યેક સફળ રિચાર્જ ઉપર આ ઓફર લાગુ થશે.

એરટેલે કહ્યું છે કે એણે તેના એરટેલ થેંક્સ એપ પર ‘એરટેલ સુપરહીરો’ ફીચર શરૂ કર્યું છે જે તેના યુઝર્સને ‘સુપરહીરો’ તરીકે એનરોલ કરશે.

આ એનરોલ થયેલા યુઝર્સ બાદમાં અન્ય એરટેલ નંબરો માટે રિચાર્જ કરી શકશે અને પ્રત્યેક રિચાર્જ ઉપર એમનું કમિશન મેળવી શકશે.

આ સુપરહીરો એમની પસંદગીના ઉપલબ્ધ પેક્સ સાથેના એરટેલ નંબરનું રિચાર્જ કરી શકે છે.

એરટેલે કહ્યું છે કે ચેકઆઉટના સમયગાળા દરમિયાન પેમેન્ટના વિકલ્પ તરીકે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂપીઆઈ, નેટ બેન્કિંગ, એરટેલ પેમેન્ટ્સ બેન્ક, ઈ-વોલેટ માન્ય રાખશે.

તે છતાં પેમેન્ટ ચેકઆઉટ દરમિયાન જે રકમ કપાય તે મૂળ MRP કરતાં 4 ટકા ઓછી હશે.

રિલાયન્સ જિયોએ જિયોPOS લાઈટ એપ રિલીઝ કરી છે જે અંતર્ગત તેના યુઝર્સ અતિરિક્ત લાભો મેળવવા માટે જિયો પાર્ટનર્સ બની શકશે.

યુઝર જિયોPOS એપ પર સાઈન-અપ કરે એ પછી તેઓ એમાં પૈસા ઉમેરી શકશે અને બીજા જિયો યુઝર્સ માટે ઈ-વોલેટ મની મારફત રિચાર્જ કરી શકશે.

આ એપ દ્વારા યુઝર્સ એક ડેડિકેટેડ વિભાગ મારફત પોતાની દૈનિક કમાણીનો આંકડો જોઈ શકશે.

વધુમાં, આ એપ માટેની સાઈન-અપ પ્રક્રિયા દરમિયાન કોઈ અતિરિક્ત દસ્તાવેજો પણ માગવામાં આવશે નહીં.

કોરોનાની આડમાં વિશ્વ પર જૈવિક આતંકવાદનો ખતરો?

નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી સામે લડવા સંયુક્ત રાષ્ટ્રએ એક સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ મહામારી ઉપરાંત આતંકી સમુહો તરફથી ઉભી થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મહામારી સામે લડવાની તૈયારીમાં ખામીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. વિશ્વભરમાં જૈવિક હુમલાનું જોખમ ઊભુ થયું છે. વિશ્વભરમાં આતંકવાદી ગ્રુપ તેનો ફાયદો ઉઠાવી શકે છે. અત્યાર સુધીમાં 95 હજારથી વધારે લોકોના જીવ ગયા છે.કોરોના ઉપર નજર રાખી રહેલી જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ મહામારીના કારણે 15 લાખ લોકોના જીવ જઈ શકે છે.

તેમણ કહ્યું કે કોરોના એક સ્વાસ્થ્ય સંકટ છે. આ મહમારીનું દુષ્પરિણામ દુરગામી હશે. એવામાં તમામ દેશોની સરકારે આ પરિસ્થિતિને પહોંચી  વળવા માટે એક થવું પડશે. આતંકી સંગઠનો આનો ફાયદો ઉઠાવી શકે છે. આ પરિસ્થિતિમાં જૈવિક આતંકવાદનો ખતરો વધી શકે છે.

ગુટેરેસે વધુમાં કહ્યું કે કોરોનાને લઈને વિશ્વ આ સમયે વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આને લઈને આંતરરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષા ઉપર જોખમ ઊભુ થયું છે. સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ આ સમયે એક થવાનની જરૂર છે. દરેક દેશ કોવિડ-19ના ભરડામાં છે. હજારો લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. હોસ્પિટલો ભરેલી છે. કર્મચારીઓ ઉપર ભારણ છે. લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી છે. બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે.રોજબરોજના જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. ચિંતા એ વાતની છે કે આના કરતા પણ ભયાનક સમય આવી શકે છે.