રાત-દિવસ ધમધમતાં આ શહેરોની કોરોનાએ કરી તાળાબંધી

અમદાવાદઃ કોરોના વાઇરસે વિશ્વઆખાને બાનમાં લીધું છે અને આ વાઇરસ હજી પણ બેકાબૂ છે. આ અજાણ્યા શત્રુ (વાઇરસ)ને નાથવાની હજી સુધી દવા કે વેક્સિન બની નથી. દેશમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. દેશમાં આવું પણ ક્યારેક બની શકે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હો.

વળી, દેશનાં ચાર મહાનગરો જે રાત-દિવસ ધમધમતાં હતાં એની ઝડપને અચાનક બ્રેક લાગી ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત દિલ્હી, ચેન્નઈ અને હેદરાબાદ –24 કલાક જાગતાં શહેરો છે. એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મુંબઈ અને દિલ્હીમાં કોરોના પોઝિટિવ સંક્રમિતોની સંખ્યા 700ને પાર થઈ ગઈ છે. મોટાં શહેરોમાં કોરોનાના વધતા પ્રકોપને જોતાં આ શહેરોમાં કેટલાય હોટસ્પોટ બની ગયા છે અને આ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવમાં આવી રહી છે.

દિલ્હીના 25થી વધુ હોટસ્પોટ

શહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને લીધે દિલ્હીમાં અત્યાર સુધી 720 લોકો સંક્રમિત થયા છે અને 12 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દિલ્હીમાં સાવચેતી સ્વરૂપે 20 હોટસ્પોટને ઓળખી કાઢવામાં આવ્યા છે, જેને હાલમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં માસ્ક લગાવ્યા વિના રસ્તા પર નીકળવું પ્રતિબંધિત છે.

મુંબઈની ખસ્તા હાલત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાઇરસનો ભારે પ્રકોપ છે. જે મુંબઈને સ્વપ્ન નગરી કહેવાતી હતી, એની આજે ખસ્તા હાલત છે. 20 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 1,385 થઈ છે. મહારાષ્ટ્ર બહુ ખરાબ રીતે કોરોના વાઇરસથી પ્રભાવિત છે. આ કુલ કેસોમાંથી આ વાઇરસથી મુંબઈમાં 876થી વધુ કેસો નોંધાયા છે. આમાં પણ મહારાષ્ટ્રમાં 97 લોકોનાં મોત થયાં છે, જે દેશનાં અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધુ છે. મુંબઈમાં 54 લોકોના મોત આ વાઇરસને લીધે થયાં છે.

ચેન્નઈ પર ઘેરી અસર

કોરોના વાઇરસના કહેરથી દક્ષિણ ભારતના તામિલનાડુની દુર્દશા બેઠી છે. તામિલનાડુમાં અત્યાર સુધી કોરોનાના 834 કેસો સામે આવ્યા છે. ચેન્નઈના 20થી વધુ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરતાં સીલ કરવામાં આવ્યા છે.

હૈદરાબાદની રફતાર પર બ્રેક

તેલંગાણામાં અત્યાર સુધી કોરોનાના 471 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 12 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. રાજ્યના સાઇબર હબ કહેવાતા આ શહેર હૈદરાબાદની રફતારને આ વાઇરસે બ્રેક મારી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]