ટ્રમ્પ માટે ફરી સત્તા મેળવવામાં કોરોનાનું સંકટ વિઘ્ન?

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંકટને લીધે અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવવા માટે મોટો પડકાર બની ગઈ છે. આ વૈશ્વિક સંકટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પુનઃસત્તા મેળવવામાં અડચણ બની ગયું છે. વિશ્વની આર્થિક સત્તા અમેરિકાએ ફેબ્રુઆરીમાં કોરોના વાઇરસ બાબતે આંખ આડા કાન કર્યા હતા, પણ માર્ચમાં કોરોનાએ કાળો કેર વર્તાવવાનું ચાલુ કરતાં અમેરિકા આ વાઇરસ સામે ઘૂંટણિયે પડી ગયું હતું. કોરોના વાઇરસે અમેરિકાના અનેક વ્યક્તિઓના જીવ લેવા સાથે  અર્થતંત્રને પણ મંદીની ગર્તામાં ધકેલી દીધું.

અમેરિકામાં દરરોજ કોરોનાને લીધે સેંકડો લોકોનાં મોત

અમેરિકામાં કોરોના વાઇરસ બેકાબૂ થયો છે. આ વાઇરસે અમેરિકાને પોતાના ભરડામાં લીધું છે. જેને લીધે દરરોજ હજ્જારો લોકોનાં મોત થઈ રહ્યા છે અને ખુદ અમેરિકી રાષ્ટ્રપતિએ કોરોનાને લીધે બે-અઢી લાખ નાગરિકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. જેથી આવામાં ટ્રમ્પનું ફરી સત્તા મેળવવાની આકાંક્ષા દુઃસ્વપ્ન બની રહેવાની સંભાવના છે.

કોરોના ટ્રમ્પ માટે સૌથી મોટું જોખમ

કોરોના વાઇરસે અમેરિકામાં મોટા ઉદ્યોગોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા છે. સ્ટોક માર્કેટ માટે સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત છતાં મંદીમય થઈ ગયા છે. આવામાં ડેમોક્રેટિકના સંભવિત ઉમેદવાર જો બાઇડન માટે આશા વધી ગઈ છે. આ ઉપરાંત બર્ની સૈંડર્સે નામ પાછું લેતાં પણ બાઇડનના સત્તા મેળવવા માટે માર્ગ મોકળો થયો છે. ટાઇમ મેગેઝિના જણાવ્યા મુજબ રિપબ્લિકનના ડોનર ડૈન એબરહાર્ટ કહે છે કે કોરોનાને કારણે અર્થતંત્ર ખાડે ગયું છે, જેથી ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવે એવી શક્યતા ધૂંધળી બની છે.

2008ની મંદીએ અમેરિકામાં તખતો પલટ્યો

2008ની આર્થિક મંદીએ અમેરિકામાં ઇતિહાસ રચ્યો હતો, જ્યારે બરાક ઓબામા પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા હતા. આ જીતમાં ઓબામાની કુશળતા હતી, પણ સાથે 2008ની વૈશ્વિક મંદી પણ જવાબદાર હતી. જેથી સત્તારૂઢ રિપબ્લિકનના મતદાતા ડેમોક્રેટિક બાજુ ઢળ્યા હતા અને ઓબામા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલ ઇતિહાસનું પુનરાવર્તન થાય એવી શક્યતા છે. હવે જો મતદાતા ફરી એક વાર ડેમોક્રેટિક બાજુ ખેંચાયા તો બાઇડન માટે રસ્તો ખૂલી શકે છે.  

 રિપબ્લિકનો પણ સરકાર સામે ગણગણાટ

કેટલાક રિપબ્લિકનોનું પણ માનવું છે કે કોરોના સંકટ સામેના જંગમાં ટ્રમ્પ સરકાર ઊણી ઊતરી છે. બીજી બાજુ ન્યુ યોર્કના મેયર ડેમોક્રેટિક પાર્ટીના છે, જેમણે ટ્રમ્પ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે કોરોનાને પ્રારંભિક તબક્કામાં હળવાશમાં લેવામાં આવ્યો એ સરકારની મોટી ભૂલ હતી. ન્યુ યોર્ક આથી કોરોનાની હડફેટે આવી ગયું. આની અસર મતદારો પર પણ પડશે.

ઇરાન, ઉત્તર કોરિયા અને ઇમ્પિચમેન્ટ સામે સાંગોપાંગ બહાર આવનાર ટ્રમ્પ કોરોના સામે ઘૂંટણિયે

ચૂંટણી નિષ્ણાતોનું માનવિં છે કે આ કોઈ ઇરાન અને ઉત્તર કોરિયાનો મામલો નથી કે ટ્રમ્પ સમાધાન સાધી લેશે. આ તો કોરોના વાઇરસનું સંકકટ છે, જેનાથી વિશ્વઆખું ત્રસ્ત છે. વળી અમેરિકામાં જે રીતે આ વાઇરસ ફેલાયો છે એ રીતે ટ્રમ્પ માટે પુનઃ સત્તા મેળવવી સરળ નહીં હોય.