WHO પર કેમ ભડકેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ?

વોશિંગ્ટનઃ કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલા અમેરિકાના નિશાના પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આવી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ડબલ્યૂએચઓ ચીન કેન્દ્રીત થઈ ગયું છે. આ આખા મહાસંકટને લઈને ડબલ્યુએચઓથી નારાજ થયેલા ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ આ વૈશ્વિક સંસ્થાના ફંડિંગને રોકવા જઈ રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સ્વાસ્થ્ય માટેની સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષજ્ઞ સંસ્થા છે. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે  સામાન્ય રીતે સભ્ય દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો દ્વારા તેમની સાથે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દુનિયામાં સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં નેતૃત્વ પ્રદાન કરવા, સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એજન્ડાને આકાર આપવા, નિયમ અને માનકો નક્કી કરવા સહિતના કામ કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, ડબલ્યૂએચઓને મળનારા પૈસાનો એક મોટો ભાગ અમે તેમને આપીએ છીએ. જ્યારે મેં યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે તેઓ નિર્ણયથી સહમત નહોતા અને તેઓએ આની ટીકા કરી હતી. તેઓ ખોટા હતા. તેઓ ઘણી બાબતોમાં ખોટા સાબિત થયા છે. તેમની પાસે પહેલા જ ખૂબ જાણકારી હતી અને તેઓ ઘણા અંશે હવે ચીન કેન્દ્રીત લાગી રહ્યા છે. ટ્રમ્પ આટલે જ ન અટક્યા અને તેમણે ડબલ્યૂએચઓને આપનારા અમેરિકી ફંડ પર પણ રોક લગાવવાની જાહેરાત કરી દીધી.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ડબલ્યૂએચઓ પર ખર્ચ કરવામાં આવતી રકમ પર રોક લગાવવા જઈ રહ્યા છીએ. અમે આના પર ખૂબ પ્રભાવશાળી રોક લગાવવા જઈ રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારના રોજ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં વૈશ્વિક એકતાની અપીલ કરી છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસે અમેરિકાને આરોપ પ્રત્યારોપ કર્યા વગર ચીન સાથે મળીને બીમારી સામે લડવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, જો તમે લાશો ન જોવા માંગતા હોય તો આપ આનું રાજનીતિકરણ ન કરો. આ આગ સાથે રમવા જેવું છે. ભગવાન માટે કૃપા કરીને આવું ન કરશો.