કોરોના લોકડાઉનઃ જરૂરિયાતમંદોને રોજ 2000 ફૂડ પેકેટ્સ વહેંચે છે અમિતાભ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે મુંબઈમાં પખવાડિયા કરતાંય વધારે દિવસોથી લોકડાઉન લાગુ છે. આને કારણે રસ્તાઓ પર ખાવાના સ્ટોલ્સ, વડાપાવની રેકડીઓ, સેન્ડવિચ સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ્સ વગેરે બંધ છે. તેથી બેઘર, ગરીબ, મજૂર-કામદારોની હાલત દયનીય થઈ ગઈ છે. આવા લોકોની મદદે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન આવ્યા છે.

બચ્ચન જરૂરિયાતમંદ લોકોનું પેટ ભરવા માટે રોજ ભોજનના 2000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે.

અમિતાભ આ ઉપરાંત ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન સંસ્થા સાથે સંકળાયેલા દૈનિક વેતન પરના શ્રમિકોના એક લાખ પરિવારોને મહિના સુધી ચાલે એટલું રાશન પણ પૂરું પાડે છે.

અમિતાભે પોતાની આ સમાજ સેવાની જાણકારી પોતાના બ્લોગના માધ્યમથી આપી છે.

એમણે કહ્યું છે, હાલ, વ્યક્તિગત મોરચે શહેરના જુદા જુદા સ્થળો પર બપોરનું ભોજન અને રાતના જમવાના માટે મારા દ્વારા દરરોજ 2000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.

77 વર્ષીય અમિતાભે કહ્યું કે અમે મુંબઈમાં એવા સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં જરૂરિયાતમંદો વધુ રહે છે તેથી એમને ખાવાનું પહોંચાડવામાં આવે છે.

મુંબઈમાં ખાસ કરીને હાજીઅલી દરગાહ, માહિમ દરગાહ, બાબુલનાથ મંદિર, બાન્દ્રા ઉપનગરમાં ઝૂંપડપટ્ટી તથા શહેરના આંતરિક વિસ્તારોની અમુક ઝૂંપડપટ્ટીઓમાં પણ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે હાલ ટ્રાન્સપોર્ટના સાધનો પણ ઉપલબ્ધ નથી હોતા. આ સમસ્યા વિશે અમિતાભે લખ્યું છે કે, અમે જેટલું કરવા માગીએ છીએ એટલું કરવું હાલ મુશ્કેલ છે. પ્રક્રિયાની પોતાની સમસ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર નીકળવાનું ગેરકાયદેસર થઈ ગયું છે. એટલે હું ફૂડ પેકેટ્સ અને રાશનની ચીજવસ્તુઓની થેલીઓ-બેગ્સ તૈયાર કરવામાં તો સક્ષમ છું.

અમિતાભે વધુમાં કહ્યું કે, હાલ સામાન લઈ જતા એક વાહનમાં 50-60 બેગ લઈ જઈ શકાય છે. રાશનની ચીજવસ્તુઓવાળી બેગ્સ કદમાં મોટી હોય છે. તેથી 3000 પેકેટ-બેગ લઈ જવા માટે અન્ય વાહનની જરૂર છે.

અમિતાભે થોડા દિવસ પહેલા જ સંકલ્પ કર્યો હતો કે પોતે ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પલોઈઝ કોન્ફેડરેશનના દૈનિક વેતન પરના શ્રમિકોના એક લાખ ઘરોમાં માસિક રાશન પહોંચાડશે. એ પ્રક્રિયા એમણે શરૂ કરી દીધી છે અને એની પર પોતે વ્યક્તિગત રીતે ધ્યાન પણ આપી રહ્યા છે.

સત્તાવાળાઓનું કહેવું છે કે ઝૂંપડપટ્ટીઓમાં જ્યારે ફૂડ પેકેટ્સ લઈ જવાય છે ત્યારે ભૂખ્યા થયેલા લોકો વાહન તરફ દોડે છે, પડાપડી કરે છે, જેને કારણે ધક્કામુક્કી થાય છે. પોલીસ આવું જરાય ચલાવતી નથી, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવો અનિવાર્ય છે. તેથી નિયમાનુસાર લોકો વ્યવસ્થિત લાઈનમાં ઊભા રહે અને યોગ્ય રીતે એમને ફૂડ પેકેટ્સ તથા રાશનનું વિતરણ કરવામાં આવે એનો પોતે સ્વયંસેવકોને અંગત રીતે આગ્રહ કરે છે, એવું અમિતાભે કહ્યું.

અમિતાભે એવી આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં જ કોઈક રસ્તો નીકળી આવશે.