Home Blog Page 111

પંચાંગ 30/11/2025

DPS-બોપલ દ્વારા ‘કેલોરેક્સ લિટરરી ફેસ્ટિવલના’નું આયોજન

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલ દ્વારા કલિંગા લિટરરી ફેસ્ટિવલના સહકાર સાથે ‘કેલોરેક્સ લિટરરી ફેસ્ટિવલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટએ ભાષા અને સાહિત્યિક શ્રેષ્ઠતાને સમર્પિત ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેનું ઉદઘાટન સત્ર અગ્રણી શિક્ષકો, લેખકો, પત્રકારો અને મહાનુભાવો વચ્ચે વિચારોના જીવંત આદાનપ્રદાન તરીકે પ્રગટ થયું હતું.

કલિંગા સાહિત્ય મહોત્સવના સી.ઈ.ઓ. અને પેટ્રન અશોક કુમાર બલે સાર્થક સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કલિંગ લિટરરી ફેસ્ટિવલના સ્થાપક અને પ્રમુખ રશ્મિ રંજન પરિદાએ જણાવ્યું હતું કે, આ મહોત્સવનો ઉદ્દેશ્ય, બધાને સાથે લાવતા સમાવિષ્ટ સાહિત્યિક સ્થાનોનું નિર્માણ કરવાનો છે, જે વિવિધ ભાષાઓ અને વિચારોને એકસાથે લાવે અને જેનાથી સાહિત્યિક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને.

આ દ્રષ્ટિકોણમાં ઉમેરો કરતાં, કેલોરેક્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ., એજ્યુપ્રેન્યોર અને લેખિકા, ડૉ. મંજુલા પૂજા શ્રોફે ટેકનોલોજીને મુખ્ય સાહિત્યિક મૂલ્યો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ડિજિટલ ઈનોવેશન મારફતે, ભાષા અને સાહિત્યના અભ્યાસને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.

પ્રખ્યાત કવયિત્રી અને અનુવાદક દીપા અગ્રવાલે યુવા મનને આકાર આપવામાં કલ્પનાશક્તિની પરિવર્તનશીલ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જ્યાં વાંચનને સર્જનાત્મકતાના પ્રવેશદ્વાર તરીકે ઉજવવામાં આવે, તેવી સંસ્કૃતિ વિકસિત કરવાની હાંકલ કરી હતી. લેખિકા અને ભૂતપૂર્વ પત્રકાર સેવી કર્નેલે આજની પેઢી સાથે સંકળાયેલી, આજના જમાનાની આધુનિક કથાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાહિત્યિક વિવેચક અને ફેસ્ટીવલ એડવાઈઝર જતીન્દ્ર કુમાર નાયકે સાંસ્કૃતિક ઓળખ પર વાર્તા કહેવાની પરંપરાઓના કાયમી પ્રભાવ અંગે જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં ડૉ. નરોત્તમ સાહૂ (સિનિયર સાઈન્ટીસ્ટ-ગુજરાત સાયન્સ સિટી, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST), લેખક, દિગ્દર્શક અને રંગમંચ અભિનેતા પ્રશાંત રાવલ; આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રત્નરાજ શેઠ; રાગિની ભારદ્વાજ (લેખક અને લાઈફ કોચ) તેમજ કેલોરેક્સ ગ્રુપના શૈક્ષણિક નિયામક આરતી મિશ્રા સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ આ ઉત્સવને સાહિત્યિક સૂઝ, વ્યાવસાયિક કુશળતા અને પ્રેરણાદાયી દ્રષ્ટિકોણથી વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.

અહીં યોજાયેલા ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સે સર્જનાત્મક લેખન, પ્રકાશન અને વાર્તા રચનામાં વ્યવહારુ તાલીમ આપને આ ઉત્સવને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો. ઈનોવેટીવ સત્રોએ સાહિત્યિક સર્જનાત્મકતામાં ભાગીદાર તરીકે AIની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ સત્રોએ દર્શાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે માનવ કલ્પના અને ભાષાકીય અભિવ્યક્તિને બદલવાને બદલે તેમાં વધારો કરી શકે છે!

આ મહોત્સવમાં પ્રાદેશિક ભાષાઓ, બહુભાષીતા અને ભારતના વૈવિધ્યસભર સાહિત્યિક વારસાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભાષાકીય વિવિધતાની ઉજવણી કરતા સત્રોમાં વિવિધ ભાષાઓમાં વાર્તાઓની વહેંચણી દ્વારા સાંસ્કૃતિક ઓળખ અને પરસ્પર આદર વધારવા માટે સાહિત્યની ક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં, શાળાના વાઇસ હેડ બોય અને વાઇસ હેડ ગર્લ દ્વારા ઔપચારિક આભારવિધિ અને ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં સાહિત્યિક ઉજવણી અને વિદ્વતાપૂર્ણ આદાન-પ્રદાનની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી.

વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ‘ઓપરેશન સાગરબંધુ’

શ્રીલંકા: ભારત ‘ઓપરેશન સાગરબંધુ’ હેઠળ પડોશી દેશ શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું છે. દિતવાહ વાવાઝોડાના પગલે 123 લોકોના મોત બાદ શ્રીલંકામાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે 2 ચેતક હેલિકોપ્ટર મોકલ્યા છે.

વાવાઝોડાને લઈને શ્રીલંકામાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદ વરસ્યો, પરિણામે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં 44,000 હજાર લોકોના ઘર બરબાદ થઈ જતાં પ્રભાવિત લોકોને સરકારી શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા હતા.

કોલંબો તંત્રના અધિકારી મુજબ, ભારત તરફથી મદદ મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શ્રીલંકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત દિતવાહએ શનિવાર(29 નવેમ્બર) સુધીમાં 125 લોકોના જીવ લીધા છે. હજુ પણ 130 લોકો ગુમ છે. શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતે INS વિક્રાંત પર તૈનાત બે ચેતક હેલિકોપ્ટર શ્રીલંકા મોકલ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.

ભારતમાં પાંચ રાજ્યોને એલર્ટ

IMD મુજબ, દિતવાહ વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આ બધા વચ્ચે શ્રીલંકાથી ઉભરી આવેલું ચક્રવાત દક્ષિણ ભારતીય દરિયાકાંઠે પ્રવેશ્યું છે. પરિણામે સરકારે તમિલનાડુ સહિત પાંચ ભારતીય રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.

‘આપરેશન સાગરબંધુ’ 

વાવાઝોડાના કારણે સર્જાયેલી મુશ્કેલીની ક્ષણમાં ભારત તરફથી રાહત સામગ્રી સહિત અન્ય આવશ્યક વસ્તુ શ્રીલંકા મોકલવામાં આવી છે. જેમાં ‘આપરેશન સાગરબંધુ’ હેઠળ ભારતીય વાયુસેનાએ શનિવારની સવાર સુધી 21 ટન રાહત સામગ્રી મોકલી છે. સરકારે NDRFના 80 જવાનોને શ્રીલંકાની મદદ માટે મોકલ્યા છે.

જ્યારે-જ્યારે જુલમ થશે, ત્યારે-ત્યારે જેહાદ થશેઃ મૌલાના મહમૂદ મદની

નવી દિલ્હીઃ જમિયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું હતું કે દુઃખની વાત છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને બાબરી મસ્જિદ અને ત્રણ તલાક જેવા મામલાઓમાં આવેલા ચુકાદાઓ બાદ એવી માન્યતા બની રહી છે કે કોર્ટો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. વર્તમાન સમયમાં વર્શિપ એક્ટની અવગણના કરતાં જ્ઞાનવાપી અને મથુરાના કેસોની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ એ સમય સુધી જ સુપ્રીમ કહેવાવાનો હક ધરાવે છે, જયાં સુધી તે બંધારણનું પાલન કરે છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઇસ્લામ અને મુસલમાનોના દુશ્મનોએ ઇસ્લામની પવિત્ર કલ્પના જેહાદને અવ્યવસ્થા, ગેરવર્તન અને હિંસા જેવા શબ્દોના અર્થ સાથે જોડીને રજૂ કરી છે. લવ જિહાદ, લેન્ડ જિહાદ, તાલીમ જેહાદ અને થૂંક જિહાદ- જેવા શબ્દોના ઉપયોગથી મુસલમાનોને ઊંડી ઠેસ પહોંચે છે અને તેમના ધર્મનું અપમાન થાય છે.

વિશેષ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે-  મદની

તેમણે કહ્યું હતું કે દેશની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક છે. દુઃખ સાથે કહેવું પડે છે કે એક વિશેષ સમાજને જબરદસ્તીની સાથે નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય સમાજોને કાનૂની રીતે નબળા બનાવવાની, સામાજિક રીતે એકાંતમાં ધકેલવાની અને આર્થિક રીતે અપમાનિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના ધર્મ, ઓળખ અને અસ્તિત્વને નબળું કરવા માટે મોબ લિંચિંગ, બુલડોઝર કાર્યવાહી, વકફ સંપત્તિઓની જપ્તી, ધર્મિક મદરસાઓ અને સુધારાઓ સામેના નકારાત્મક અભિયાનો સહિત સંગઠિત અને વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે.

ભાજપનો પ્રહાર

ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ મદનીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું  કે મહમૂદ મદનીનું નિવેદન માત્ર ભડકાઉ જ નથી પરંતુ સ્વરૂપે વિભાજનકારી પણ છે. મારું માનવું છે કે આ શબ્દનો ઉપયોગ ખૂબ ખોટો છે. અમે લોકોને જેહાદને નામે આતંક ફેલાવતા જોયા છે, માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં.

62 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ફરી કર્યા લગ્ન

ઓસ્ટ્રેલિયા: વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે. આલ્બાનીઝે તેમની લાંબા સમયની પાર્ટનર જોડી હેડન (47) સાથે લગ્ન કર્યા છે, જે હવે સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ લેડી બની ગયા છે. જોડી હેડન એક ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રોફેશનલ અને વિમેન એડવોકેટ છે. ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વડાપ્રધાન પદ પર રહીને લગ્નના બંધનમાં બંધાયા છે. જોડી હેડન લાંબા સમયથી અલ્બાનીઝ સાથે જાહેર કાર્યક્રમોમાં નજર આવે છે. 2022ના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ તેમની સાથે હતા અને આ વર્ષે મે મહિનામાં તેમની લેબર પાર્ટીની શાનદાર જીતના સમયે પણ સાથે હતા. વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું 

કેનબેરામાં વડાપ્રધાનના નિવાસસ્થાન ‘ધ લોજ’ ખાતે યોજાયેલા આ સિમ્પલ સમારોહમાં માત્ર નજીકનો પરિવાર અને મિત્રો જ સામેલ રહ્યા હતા. ગત વર્ષે વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદથી તેમના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. જો કે, આ લગ્ન સમારોહની તારીખ અને તૈયારીઓ સંપૂર્ણપણે પ્રાઈવેટ રાખવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં અલ્બાનીઝે કહ્યું કે, ‘અમે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સામે એકબીજા પ્રત્યેના પોતાનો પ્રેમ અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિબદ્ધતા શેર કરીને ખૂબ ખુશ છીએ.’એન્થોની અલ્બાનીઝના આ બીજા લગ્ન છે. તેમણે પહેલા લગ્ન કાર્મેલ ટેબટ સાથે 2000માં કર્યા હતા. NSWના પૂર્વ પોલિટિશયન કાર્મેલ ટેબટ સાથે એન્થોનીના 19 વર્ષના લગ્નનો 2019માં અંત આવ્યો. પહેલા લગ્નથી તેમને એક દીકરો છે. ત્યારબાદ હવે એન્થોનીએ 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે.

પતંજલિ પર ભેળસેળિયું ગાયનું ઘી વેચવાનો આરોપ, દંડ ફટકારાયો

નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને મોટો આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં પતંજલિ ઘી એક નમૂના ટેસ્ટમાં ફેલ થયું છે. ત્યાર પછી વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટે પતંજલિ કંપની, ઘી વેચતા વિતરકો અને દુકાનદારો પર દંડ ફટકાર્યો છે. પતંજલિ કંપની પર રૂ. 1.25 લાખ અને દુકાનદાર પર રૂ. 15,000નો દંડ લગાવાયો છે.

જોકે આ આદેશને પતંજલિ કંપનીએ ત્રુટિપૂર્ણ ગણાવ્યો છે. સોશિયલ મિડિયા પર લાંબી પોસ્ટ દ્વારા કંપનીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. કંપનીનું કહેવું છે કે રેફરલ લેબોરેટરીને NABLમાંથી ગાયના ઘીના પરીક્ષણની માન્યતા મળી જ નહોતી, તેથી ત્યાં કરાયેલો ટેસ્ટ કાનૂની રીતે માન્ય નથી. એક નીચ સ્તરની લેબોરેટરીએ પતંજલિના ઉત્તમ ગુણવત્તાના ગાયના ઘીને સબ-સ્ટાન્ડર્ડ ગણાવવું હાસ્યાસ્પદ છે, એવું પતંજલિએ કહ્યું છે. પતંજલિએ વધુમાં દલીલ કરી છે કે જેમને આધારે નમૂનાને નાપાસ જાહેર કરવામાં આવ્યું, તે પરિમાણો તે સમયગાળા દરમિયાન લાગુ જ નહોતાં, એટલે તેનો ઉપયોગ કરવો કાનૂની રીતે ખોટો છે. કંપનીએ એ પણ કહ્યું કે રિટેસ્ટ નમૂનાની સમાપ્તિ તારીખ પસાર થઈ જતાં બાદ કરવામાં આવ્યો, જે કાયદા મુજબ અમાન્ય છે.

કંપનીએ પોતાની તરફથી સ્પષ્ટીકરણ આપી દીધું છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી પતંજલિ સતત વિવાદોમાં રહી છે. એક સમય એવો હતો જ્યારે આ દેશનું સૌથી મજબૂત સ્વદેશી બ્રાન્ડ બનીને ઊભર્યું, પરંતુ બાદમાં બિઝનેસમાં નુકસાન થયું, અનેક કેસો થયા અને વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊઠ્યા હતા.

પતંજલિથી ક્યાં ચૂક થઈ?

શરૂઆતમાં બધું સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ સમય જતાં ગુણવત્તા અંગેની ફરિયાદો અને વિવાદોએ કંપની વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું. કારણ કે પતંજલિ બ્રાંડેડ હાઉસ મોડેલ પર કામ કરે છે, તેથી એક પ્રોડક્ટમાં ખામી દેખાતાં આખી બ્રાન્ડ પર પ્રશ્નો ઊભા થતા હતા. એટલે કે જો પતંજલિના કોઈ એક સાબુમાં ખામી મળે તો તેના કારણે આખી કંપનીની સાખ પર અસર પડે છે.

અભિનેતા રણદીપ હૂડ્ડા બનશે પિતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબરી

અભિનેતા રણદીપ હુડ્ડાના લગ્નને બે વર્ષ થયા છે. આજે તે પોતાની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે તેમણે તેના ચાહકોને મોટી ખુશખબરી આપી છે.

અભિનેતા રણદીપ હુડ્ડા પોતાની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગને ઉજવવા માટે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમની પત્ની લિન લૈશરામ સાથેનો એક ફોટો શેર કર્યો. પોસ્ટના કેપ્શનમાં, તેમણે ખુલાસો કર્યો કે તેઓ ટૂંક સમયમાં માતાપિતા બનવાના છે.

રણદીપ હુડ્ડાની પોસ્ટમાં શું છે?
રણદીપ હુડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની લિન લૈશરામ સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કપલ જંગલમાં અગ્નિ પાસે બેઠેલા, હસતા અને હાથ પકડીને બેઠા છે. અભિનેતાએ પોસ્ટનું કેપ્શન આપ્યું, “પ્રેમ અને સાહસના બે વર્ષ, અને હવે એક નાનું બાળક આવવાનું છે.” તેમણે હૃદય જેવું ઇમોજી ઉમેર્યું. રણદીપ હુડ્ડાએ પોસ્ટ શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)

રણદીપ હુડ્ડાની પત્ની કોણ છે?
ઉલ્લેખનીય છે કે રણદીપ હુડ્ડાએ 29 નવેમ્બર, 2023 ના રોજ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. તેમણે મણિપુરના ઇમ્ફાલમાં મેઇતેઈ પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમણે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રણદીપ હુડ્ડાની પત્ની, લિન લૈશરામ, એક અભિનેત્રી છે. તેણીએ શાહરૂખ ખાનની ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણી 2023 ની ફિલ્મ “જાને જાન” માં દેખાઈ હતી. તેણીએ “મેરી કોમ” માં પણ કામ કર્યું હતું. તે એક મોડેલ અને બિઝનેસવુમન પણ છે.

રણદીપ હુડાનું વર્કફ્રન્ટ
રણદીપ હુડા છેલ્લે સની દેઓલ અભિનીત ફિલ્મ “જાટ” (2025) માં જોવા મળ્યો હતો, જેમાં તેણે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. તે આગામી અંગ્રેજી ફિલ્મ “મેચબોક્સ” માં જોવા મળશે, જે 2026 માં રિલીઝ થશે.

એક્ટર શ્રેયસ તલપડે,આલોક નાથ સહિત 46 લોકો પર FIR દાખલ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBIએ) ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત કુલ 46 લોકો વિરુદ્ધ રાજ્યના અનેક લોકોને તેમની મૂડી પર ઊંચા રિટર્નનું વચન આપીને લગભગ 100 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તલપડે અને નાથ ‘લોની અર્બન મલ્ટિ-સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી’ નામની છેતરપિંડીવાળી મૂડીરોકાણ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા, જેમણે માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતનાં અન્ય કેટલાંક રાજ્યોમાં પણ રોકાણકારોને છેતર્યા હોવાનું કહેવાય છે.

CBIની દેવભૂમિ શાખાએ 26 નવેમ્બરે આ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ઉત્તરાખંડ પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોમાં પીડિતોની ફરિયાદોને આધારે નોંધાયેલી કુલ 18 FIRને એકસાથે મેળવીને બનાવવામાં આવ્યો છે. આ FIRની નકલ અનુસાર ઉત્તરાખંડ હાઈકોર્ટે 17 સપ્ટેમ્બરે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજીઓ પર સુનાવણી દરમ્યાન આપેલા આદેશના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે.

હાઇ કોર્ટે CBIને તપાસના આદેશ આપ્યા

આ FIRમાં કહેવામાં આવ્યું છે કે હાઇ કોર્ટે CBIને ઉત્તરાખંડમાં આ કંપની સંબંધિત તમામ ફોજદારી કેસોની તપાસ પોતાના હાથમાં લેવા જણાવ્યું છે, કારણ કે પોલીસમાં નોંધાયેલા તમામ કેસોમાં આક્ષેપોની પ્રકૃતિ એકસરખી છે, તેથી તેમને એક જ CBI FIRમાં સમાવામાં આવી રહ્યા છે. આ FIR છેતરપિંડી, બેઈમાની, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, સંગઠિત ગુનો, જાલસાજી તેમ જ અન્ય ગુનાઓ માટે BNS, IPC, અનિયમિત ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ (BUDS) અને UPID અધિનિયમની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવી છે.

તલપડે અને આલોક નાથ સહિત 46 આરોપીઓ

તલપડે અને આલોક નાથ સિવાય, આ FIRમાં કંપનીના માલિક સમીર અગ્રવાલ, પ્રમુખ દિનેશ સિંહ, ડિરેક્ટર વિનીતા ભટ્ટ અને એક ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મના લોકપ્રિય નાણાકીય સલાહકાર અને CMD આર.કે. શેટ્ટી સહિત કુલ 46 આરોપીઓનાં નામો સમાવવામાં આવ્યાં છે. પોલીસ તપાસ દરમ્યાન નોંધાયેલા 18 કેસોમાંથી 10માં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.

બાગપતમાં અગાઉ 22 લોકો વિરુદ્ધ FIR

ઓક્ટોબરમાં બાગપત થાણે કરોડો રૂપિયાના રોકાણ છેતરપિંડી કેસમાં તલપડે અને નાથ સહિત 22 લોકો વિરુદ્ધ FIR દાખલ થઈ હતી. 500થી વધુ રોકાણકારોએ ફરિયાદ કરી હતી કે ‘લોની અર્બન મલ્ટિ-સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી’એ તેમને પાંચ વર્ષમાં પૈસા બમણા કરવાનું વચન આપીને પાંચ કરોડ રૂપિયા કરતાં વધુની છેતરપિંડી કરી હતી.

કોમનવેલ્થ ગેમ્સના પગલે તંત્ર એક્શનમાં, મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન

અમદાવાદ: 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. AMC દ્વારા મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી.મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.  મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે રહીશોની આ અરજી નકારી દીધી હતી, જેના પગલે કોર્પોરેશન માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરાયું હતું.સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડોના ખર્ચે SVP એન્કલેવ બનવાનું હોવાથી આ વિસ્તારને ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધોના ટીપી રોડને ખુલ્લો કરવા માટે બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના કુલ 29 જેટલા મકાનો આડે આવતા હતા.આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.