પૂર્વા જોષીપુરાઃ કતલખાનેથી પ્રગટેલી કરૂણા….

આ વાત છે વર્ષ 2000ની. પ્રાણીઓના અધિકારો માટે દુનિયાભારમાં કામ કરતી સંસ્થા પીટા (પીપલ ફોર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ) ની ભારતમાં શરૂઆત થઇ ત્યારે અમેરિકાથી એક યુવતી ભારત આવેલી. હજુ આગલા વર્ષે જ પીટામાં જોડાયેલી આ યુવતી ભારતમાં કોલકાતાના તાંગરા કતલખાનાની મુલાકાતે ગઇ ત્યારે જોયું તો પોતાના પગ પર ઉભા રહેવા મથતું ગાયનું નાનું બચ્ચું થરથર કાંપતું હતું. એની નિર્દોષ આંખો એ યુવતીની સામે મંડરાયેલી હતી. જાણે પોતાનો જાન બચાવવા માટે આજીજી કરતું હોય… એ યુવતી હજુ કાંઇ વિચારે એ પહેલાં તો એ વાછરડાના ગળા પર મોટો છૂરો ફર્યો અને…. હેબતાઇ ગયેલી એ યુવતીએ આંખો મીંચી દીધી.

એ રાત્રે આ યુવતીએ પોતાની જાતને વચન આપ્યુઃ આજે તો હું એને બચાવી ન શકી, પણ એના જેવા બીજા પ્રાણીઓને બચાવવામાં હું જિંદગી આપી દઇશ…

બસ, એ ઘડી ને આજનો દિ. પૂર્વા જોષીપુરા નામની આ યુવતીએ પોતાની જાતને આપેલું આ વચન પાળ્યું અને એટલું મક્કમતાથી પાળ્યું કે આજે એ પીટા ઇન્ટરનેશનલની હેડ છે. સપ્ટેમ્બર 2025માં પીટા ઇન્ટરનેશનલની પ્રથમ પ્રમુખ બનેલી પૂર્વા લંડનમાં રહીને યુરોપ, મિડલ ઇસ્ટ અને એશિયાના દેશોમાં પ્રાણીઓના અધિકારો અને રક્ષણ માટે લડે છે. હમણાં અમેરિકાના પ્રતિષ્ઠિત ઇન્ડિયા અબ્રોડના પ્રભાવશાળી 100 લોકોનું લિસ્ટ બહાર પડ્યું એમાં અમેરિકાની સેકન્ડ લેડી ઉષા વેન્સ, કમલા હેરીસ, સુનિતા વિલિયમ્સ, સુંદર પિચાઇ અને સત્ય નડેલા જેવા લોકોની સાથે ગુજરાતી મૂળ ધરાવતી પૂર્વાનો પણ સમાવેશ થાય છે. હરખ, ગુજરાતી, તું હરખ!

જો કે પૂર્વાનો જન્મ અમેરિકામાં થયો છે એટલે ઉછેર અને ભણતર પણ અમેરિકાનું જ. પિતા ડો. ફણીભૂષણ જૂનાગઢના અને માતા કિરણબેન રાજકોટના. ડો. ફણીભૂષણ 1969માં ભણવા માટે અમેરિકા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પૂર્વાનો જન્મ થયો ફિલાડેલ્ફિયામાં. એ પછી ડો. ફણીભૂષણને સાઉથ વર્જિનિયાના નેવલ બેઝમાં જોબ મળી. પરિવાર વર્જિનિયા શીફ્ટ થયો એટલે ભણતર થયું વર્જિનિયામાં. કિન્ડરગાર્ટનથી લઇને બાર ધોરણ સુધી પૂર્વા એકમાત્ર ભારતીય મૂળની વિદ્યાર્થીની એટલે રેસિઝમનો પણ સામનો કરવો પડ્યો, પણ એના કારણે પૂર્વાને શીખવા મળ્યું કે, આ રેસિઝમ, સેક્સિઝમ અને અન્ય પ્રકારે થતા ભેદભાવો શું છે અને એની સામે કઇ રીતે લડી શકાય? કદાચ ત્યારે એને ખબર નહોતી કે ભવિષ્યમાં પ્રાણી અધિકારો માટે કામ કરતી વખતે લડત આપવાના આ ગુણો જ એને કામ આવવાના હતા!

ચિત્રલેખા સાથેની વાતચીતમાં પૂર્વા કહે છે એમ, ઓલ્ડ ડોમિનિયન યુનિવર્સિટીમાંથી સાયકોલોજી સાથે બીએસસી કર્યા પછી એની ઇચ્છા તો મનોવિજ્ઞાની બનવાની હતી, પણ થયું એવું કે યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં અમેરિકાની પીટા ઓફિસમાં પહેલા વોલન્ટીઅર તરીકે અને પછી ઇન્ટર્ન તરીકે જોડાઇ. એ વર્ષ 1999નું. પછી વર્ષ 2000માં કોલકાતા આવી. અહીં કતલખાનાની મુલાકાતે એની જિંદગીનું ધ્યેય નક્કી કરી નાખ્યું.

000             000             000

પૂર્વાનો ઉછેર પશ્ચિમમાં થયો, પણ એના લોહીમાં પૂર્વના જીવો જીવસ્ય જીવનમ્ ના સંસ્કારો છે. એના દાદીમા સરલાબહેનનો એના ઉછેરમાં ભારે પ્રભાવ રહ્યો છે. સાહસિક અને મોજીલા સ્વભાવના સરલાબહેન એની સાથે રમતાં, મસ્તી કરતાં, થીમ પાર્ક લઇ જતા, ટીવીમાં મોરારીબાપુની કથા જોતાં જોતાં જીવનમાં કરુણાનું મહત્વ સમજાવતાં. આ બધું કરતાં કરતાં એમનો પ્રાણીઓ અને પ્રકૃતિ માટેનો પ્રેમ પૂર્વામાં ક્યારે આવ્યો એની ખબર ન પડી. આ વાત કદાચ એને પીટામાં જોડાયા પછી સમજાઇ. પૂર્વા કહે છે, ‘પીટામાં આવીને મને લાગ્યું કે હું જેના માટે છું અને હું જે શોધતી હતી એ જગ્યા આ જ છે.’

અને, એની વસુધૈવ કટુમ્બકમ્ ની શોધ પણ આ જ જગ્યાએ એટલે કે પીટામાં જ પૂરી થાય છે. જોર્ડનમાં એ ઘોડા-ગધેડા-ઊંટના અધિકારો માટે લડે છે તો ફ્રાન્સમાં ફેશન ઇન્ડસ્ટ્રીને એ વીગન ફેશન તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. ફેશનમાં વપરાતી ચીજવસ્તુઓ બનાવવા માટે મૂંગા પ્રાણીઓ પર કેવા અત્યાચારો થાય છે, કેવી ક્રૂરતાથી એમની હત્યા થાય છે એ મુદ્દે પૂર્વાએ ઘણું કામ કર્યું છે. મર્સિડિઝ-બેન્ઝ કંપનીએ લેધર-ફ્રી ઇન્ટિરિયર ઓફર કરવાની શરૂઆત કરી કે ભારતમાં કોસ્મેટીક્સ ચીજોનો પહેલા પ્રાણીઓ પર અખતરો કરવા પર પ્રતિબંધ આવ્યો એ પણ એના જ પ્રયત્નોનું પરિણામ.

ભારતમાં મંદિરોમાં હાથીઓને સાંકળથી બાંધી રાખવાની પ્રથા સામે પૂર્વાએ ઝુંબેશ ચલાવી છે એના પરિણામે મુંબઇસ્થિત ઇસ્કોન મંદિરમાં જીવંત હાથીની જગ્યાએ મિકેનિકલ હાથી આવી ગયા છે. હાથીને બાંધી રાખવાથી અને સજા કરીને તાલીમ આપવાથી એને શારીરિક-માનસિક નુકસાન પહોંચે છે એ સમજાવતાં પૂર્વા હેરીટેજ એનીમલ ટાસ્ક ફોર્સના આકંડાઓ ટાંકીને કહે છે, ‘ફક્ત કેરળમાં જ છેલ્લા પંદર વર્ષમાં બાંધી રાખેલા હાથીઓના કારણે 526 લોકોના મૃત્યુ થયા છે. એમાં ય 40 વર્ષથી કેદમાં રખાયેલા ટી. રામચંદ્રન નામના હાથીએ એકલાએ જ 13 લોકોને માર્યા છે. અમદાવાદમાં 148મી રથયાત્રા વખતે હાથીઓની નાસભાગથી જે માહોલ સર્જાયો એ પણ એલાર્મિંગ છે.’

વર્ષ 2023થી પૂર્વાએ ધાર્મિક શોભાયાત્રાઓમાં કે મંદિરોમાં રખાતા હાથીઓની જગ્યાએ મિકેનિકલ હાથી રાખવાની ઝુંબેશ ચલાવી છે. અત્યાર સુધીમાં વીસેક યાંત્રિક હાથી અલગ અલગ મંદિરોમાં રાખવામાં એને સફળતા મળી છે. પીટાએ મોટી સાઇઝનો ઇલી નામે યાંત્રિક હાથી બનાવ્યો છે, જે અલગ અલગ સ્કૂલ્સમાં જઇને બાળકોને પોતાની માતાથી વિખટા પડવાની અને રેસ્ક્યૂની વાતો કરે છે અને એ રીતે બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જગાવવાનું કામ કરે છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ આ માટે હાથીને પોતાનો અવાજ આપ્યો છે.

એ પ્રાણીઓ પર થયા અત્યાચારનો ફક્ત વિરોધ જ કરે છે એવું નથી, સામે ટેકનોલોજી અને નવી શોધના માધ્યમથી વિકલ્પ પણ પૂરા પાડે છે. પૂર્વા યોગ્ય રીતે જ કહે છે, ‘હું એનીમલ રાઇટ્સને ફક્ત એક આદર્શ તરીકે જ નથી પ્રમોટ કરતી. બલ્કે, અમે એનીમલ રાઇટ્સની વાત એટલા માટે કરીએ છીએ કે, ક્લાઇમેટ ચેન્જ, એન્ટીબાયોટીક સામે રોગની શક્તિ વધવી, મહામારી ફેલાવી જેવી આફતોમાં પ્રાણીઓ સામે આચરાતી ક્રૂરતા અને હિંસા પણ એટલા જ જવાબદાર છે. માનવી પૃથ્વી પર તો જ ટકી શકશે, જો પ્રાણીઓ અને પ્રકૃતિનું અસ્તિત્વ હશે. એક વિગન લાઇફસ્ટાઇલ 200 પ્રાણીની જિંદગી બચાવી શકે છે અને એક વર્ષમાં ફૂડના કારણે થતા કાર્બન ઉત્સર્જનમાં પણ 73 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે.’

એ કહે છે, ‘જેમાં પ્રાણીઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે એ લેબોરેટરીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રી, લેધર ઇન્ડસ્ટ્રી અને મનોરંજન જગત પર અમારું ફોકસ છે. ફેશન હોય કે ફૂડ, અમે વિગન લાઇફસ્ટાઇલ અપનાવવા પર ભાર મૂકીએ છીએ.’

પોતે લખેલાં ફોર અ મોમેન્ટ ઓફ ટેસ્ટ અને સર્વાઇવલ એટ સ્ટેકમાં પણ પૂર્વા આ જ વાત કરે છે કે, કેવી રીતે પ્રાણીઓ પર ક્રૂરતા આચરાય છે અને શા માટે માનવજાતના અસ્તિત્વ માટે પ્રાણીઓ અને પ્રકૃતિનું અસ્તિત્વ અનિવાર્ય છે? આ રીતે જૂઓ તો એનું કાર્યક્ષેત્ર કોર્ટરૂમ, કોર્પોરેટ્સના બોર્ડરૂમથી લઇને સ્કૂલ્સ અને શેરીઓમાં ધરણાં કરવા સુધી પથરાયેલું છે.

બાળપણમાં જૂનાગઢની ગિરિકંદરાઓ ઘૂમી ચૂકેલી પૂર્વા સતત ટ્રાવેલ કરે છે. દુનિયાભરના દેશોમાં ફરે છે, પણ ગુજરાતી-ભારતીય સંસ્કારો એનામાં અકબંધ છે. એટલે જ ઘીના વપરાશ વિનાની ગુજરાતી થાળી એના માટે વિગન થાળી છે. હીંચકે ઝૂલતાં ગીતો સાંભળવા કે ગરબે ઘૂમવું, રસોઇ કરવી કે મૂવી જોવું એ બધા શોખ એ કામ અને પ્રવાસની વચ્ચેય પૂરા કરી લે છે. પ્રવાસમાં એ નવું કલ્ચર જૂએ છે, એના વિશે જાણે છે એટલે એ અનુભવનો ઉપયોગ પોતાના કામમાં સારી રીતે કરી શકે છે. આ જ કારણ છે કે પીટાના હેડ તરીકે એનું વિઝન વસુધૈવ કટુમ્બકમ્ ની ભાવનાને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનું છે. એક એવું વિશ્વ, એક એવી ધરતી, જ્યાં માનવી-પશુ-પંખી-પ્રકૃતિ બધું એકસમાન છે, એક જ પરિવાર છે.

અલબત્ત, આ બધું બોલવામાં સહેલું છે, કરવામાં નહીં. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઇ વ્યક્તિ કે સંસ્થા સ્થાપિત હિતો સામે લડવા આગળ આવે છે ત્યારે ત્યારે એમને ધાક-ધમકીથી અટકાવવાના પ્રયત્નો થયા જ છે. તમને યાદ હોય તો તામિલનાડુમાં જલ્લીકટ્ટુ તરીકે ઓળખાતી પરંપરામાં આખલાઓને દોડાવવાના મામલે થોડા વર્ષ પહેલા વિવાદ થયેલો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો. આ ક્રૂર રમતમાં માણસો અને આખલા બન્નેના મૃત્યુ થતા હોવાના ય દાખલા છે. પીટા વતી પૂર્વાએ મામલે વિરોધ કર્યો તો એના પૂતળાં બાળવામાં આવ્યા. એને રેપ અને ડેથ સુધીની ધમકીઓ પણ મળી!

પણ પૂર્વા માટે આવા પડકારો નવા નથી. મુશ્કેલી આવે તો એનો સામનો કરતાં ય એને આવડે છે. આ સમયે પીટાનાં સ્થાપક ઇન્ગ્રીડ ન્યૂકીર્ક એના માટે પ્રેરણારૂપ છે. ઇન્ગ્રીડનો ઉછેર ભારતમાં જ થયેલો. એના પિતા ભારત સરકારના સલાહકાર હતા અને માતા મેરી પેટ્રીસિયા રેફ્યુજી માટે કામ કરતી. માતાના સેવાભાવી કામોથી પ્રભાવિત ઇન્ગ્રીડને એમની માતાએ કહેલાં આ શબ્દો પૂર્વાને આજેય પ્રેરણા આપતાં રહે છેઃ કોણ યાતના વેઠી રહ્યું છે એ મહત્વનું છે. મહત્વનું એ છે કે તમે એનું દુઃખ કેટલું હળવું કરી શકો છો… 

કામ અને ધ્યેય માટેનું આવું કમિટમેન્ટ, આવી પ્રતિબધ્ધતા એમને એમ શક્ય નથી. જીવનમાં જાણતા-અજાણતાં બનેલી કોઇક એક ઘટના, કોઇ એક અનુભવ એ માટે કારણભૂત હોય છે. ટીનએજ અવસ્થામાં પૂર્વાએ કારની ઠોકરથી ઘાયલ થયેલા બતકને જોયેલું. ઘાયલ બતકને લોન્ડ્રી બાસ્કેટમાં નાખીને એ તો સીધી પહોંચી હોસ્પિટલમાં. એને ખબર નહોતી કે ઘાયલ પશુ-પંખીઓને વેટરનિટી હોસ્પિટલમાં લઇ જવાય. હોસ્પિટલના તબીબોએ આ નાનકડી બાળકીના માનવતાવાદી કામથી પ્રભાવિત થઇને બતકને યોગ્ય જગ્યાએ સારવાર માટે મોકલવામાં મદદ કરી.

ટીનએજ અવસ્થામાં પૂર્વાના હદયમાં જાગેલો કરુણાભાવ આજે પણ એક સંદેશ બનીને પીટાના માધ્યમથી વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે.

(કેતન ત્રિવેદી)  

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)