Home Blog Page 112

હું કોઈ સામાજીક કાર્યકર્તા નથી: આમિર ખાન

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં આમિર ખાને પોતાની સ્ક્રિપ્ટ પસંદગી વિશે વાત કરી અને ધર્મેન્દ્રને પણ યાદ કર્યા હતાં.

આમિર ખાન છેલ્લે ફિલ્મ “સિતારે જમીન પર” માં જોવા મળ્યા હતા. હાલમાં, તે “લાહોર 1947” સહિત અનેક ફિલ્મોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) માં હાજર રહ્યાં હતા. તેણે કહ્યું હતું કે તે જે ફિલ્મો પર કામ કરી રહ્યા છે તે પૂર્ણ થયા પછી તે અભિનયમાં પાછા ફરશે. તેણે ફિલ્મ સ્ક્રિપ્ટોની પોતાની પસંદગીની પણ ચર્ચા કરી, જણાવ્યું કે તે ઇરાદાપૂર્વક એવી સ્ક્રિપ્ટો નથી પસંદ કરતા જે સામાજિક સંદેશા પહોંચાડે.

આમિર ખાને ઘણા નિયમો તોડ્યા

IFFI ના એક સત્રમાં, આમિર ખાને કહ્યું, “હું વાર્તા પર આધારિત ફિલ્મો પસંદ કરું છું, ભલે તે મારા ધોરણોથી અલગ હોય. મારા મોટાભાગના નિર્ણયો ઉદ્યોગ માટે યોગ્ય નથી રહ્યા. જ્યારે મેં ‘લગાન’ બનાવી, ત્યારે જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે તે ન બનાવ. કાયદેસર રીકે મારે સ્ટાર ન બનવું જોઈતું હતું, મેં જે રીતે તમામ પ્રકારના નિયમો તોડ્યા છે. જોકે, મારી વિચિત્ર રીતોને કારણે લોકો મારી સાથે જોડાયેલા છે. હું તેના માટે આભારી છું.”

લેખકોએ ફિલ્મોનો પાયો નાખ્યો

આમિર ખાને આગળ કહ્યું, “તારે જમીન પર હોય, 3 ઇડિયટ્સ હોય, દંગલ હોય કે પછી લાપતા લેડીઝ હોય, તે બધાનો પાયો લેખકોએ નાખ્યો હતો. તેમણે વાતાવરણ અને પાત્રો બનાવ્યા. મને જે વાર્તાઓ ગમે છે તેના તરફ હું ખેંચાઈ જાઉં છું. મારી ઘણી ફિલ્મો સામાજિક મુદ્દાઓ સાથે કામ કરે છે. તે પહેલાથી જ ત્યાં હતી, ડિઝાઇન કરવામાં આવી ન હતી. હું એક ફિલ્મ વ્યક્તિત્વ છું, કાર્યકર્તા નથી. મારો ધ્યેય દર્શકોનું મનોરંજન કરવાનો છે.”

આમિર ખાને ધર્મેન્દ્રને યાદ કર્યા

ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન, આમિરે ધર્મેન્દ્ર વિશે પણ વાત કરી, જેમનું તાજેતરમાં અવસાન થયું. આમિર તેમના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા. આમિર ખાને ધર્મેન્દ્ર વિશે કહ્યું, “જોકે તેમને ભારતીય સિનેમાના હી-મેન કહેવામાં આવતા હતા, તેઓ રોમાંસ, કોમેડી અને નાટક સહિત તમામ શૈલીઓમાં તેજસ્વી હતા. તેમની હાજરી અજોડ હતી. તેમનું નિધન એક કલાત્મક ખોટ છે.”

ખરા અર્થમાં આપણે સ્વતંત્ર કયારે કહેવાઈશું?

“આ બધા પૈસાનું કરશો શું? આટલા કંજૂસ થવાનો કોઈ અર્થ નથી! આ બધું કંઈ તમારી સાથે નહીં આવે?” ગયા વર્ષની શરૂઆતમાં યોજાયેલા રિયુનિયનમાં મારા બે મિત્રોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો. વાસ્તવમાં, આવી વાતો અનેક વાર અલગ અલગ ઠેકાણે અને પ્રસંગે સાંભળવા મળતી હોય છે. પૈસા તો શું, આપણે આ પૃથ્વી પરથી કંઈ જ સાથે લઈ જવાના નથી. આપણી સંપત્તિ, પ્રતિષ્ઠા, પરિવારજનો, મિત્રો, વગેરે બધું અહીં જ મૂકીને જવાનું છે. શરીર પણ સાથે નથી આવવાનું; સાથે આવશે ફક્ત આત્મા.

જો દરેક મનુષ્યના જીવનની આ જ વાસ્તવિકતા હોય તો વાસ્તવમાં આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ કે અનુરાગ રાખવાં જોઈએ નહીં. જોકે, આપણું જીવન એના કરતાં અલગ રીતે જ ચાલતું હોય છે. આપણે બધા સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ અને આપણાં બધાનાં અનેક બંધનો હોય છે. આ અનુરાગને ખરેખર બંધન કહેવો કે પછી પસંદગીની સ્વતંત્રતા કહેવો એ બાબત દરેકના પોતાના પર નિર્ભર છે. દરેક વ્યક્તિ પોતે જ વાસ્તવિકતા જાણતો હોય છે. ઘણી વખત તો આપણને પોતાને પણ ખબર હોતી નથી કે આપણા માટે એ અનુરાગ છે કે પછી પસંદગીની સ્વતંત્રતા. એ ભાન થવા માટે આપણે અંતર્મુખી થઈને ચિંતન કરવાનું હોય છે.

મનને શાંત કરવા માટે શ્વસન પર એકાગ્રતા સાધવાની પદ્ધતિ વિશે આપણે જાણીએ છીએ. ત્યાર પછીનો તબક્કો દૃષ્ટાભાવ કે સાક્ષીભાવનો હોય છે. સાક્ષીભાવ કેળવવાનું મુશ્કેલ જરૂર છે, અશક્ય નથી. આપણે પોતાના વિચાર-વર્તન પ્રત્યે સભાનતા કેળવીએ તો એ જાણી શકાય છે.

આપણે સવારના પહોરમાં ચા પીવાનો આનંદ માણતા હોઈએ છીએ. શું એને આસક્તિ કહેવાય? જો એ આસક્તિ હોય તો જે દિવસે ચા પીવા મળે નહીં એ દિવસે મગજ ફરી જાય. આ વાત પરથી મારા એક મિત્રનાં મમ્મીએ હૉસ્પિટલના ડૉક્ટરને પૂછેલો પ્રશ્ન યાદ આવે છેઃ “ખાવામાં તમે કહેશો એ પરેજી પાળીશ, પણ શું મને રોજ સવારની જેમ એક કપ ચા પીવાની છૂટ છે? હું ચા પીઉં નહીં તો મારું માથું ચડી જાય છે.” આ માસીએ કરેલા નિવેદન પરથી શું લાગે છે, ચા પીવી એ આનંદ છે કે આસક્તિ છે?

યોગિક વેલ્થ પસંદગીની સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવે છે. પોતાની આવક કે સંપત્તિનું શું કરવું એ દરેકની પોતાની સ્વતંત્રતા છે. જ્યારે ભૌતિકવાદ પ્રત્યે કોઈ આસક્તિ નહીં હોય ત્યારે ખરા અર્થમાં આપણે સ્વતંત્ર કહેવાઈશું.

આ કટારમાં અત્યાર સુધીમાં મેં ક્યારેય ભૌતિકવાદને નકાર્યો નથી. અંગત રીતે મને પણ મારી વસ્તુઓ પ્રત્યે અનુરાગ છે. હું પણ સામાજિક પ્રાણી છું. મારે પણ પરિવાર, મિત્રો, બધું જ છે. મેં હજી સંન્યાસ લીધો નથી. હું જો પોતાના જીવનમાંથી ભૌતિકવાદની બાદબાકી કર્યા વગર ફક્ત એનો વિરોધ કરતો રહું તો એ દંભ કહેવાય.

સામાજિક જીવન જીવવાની કોઈ ના પાડતું નથી. સારી ચીજવસ્તુઓ તથા સેવાઓ તમને ગમે એમાં કંઈ ખોટું નથી, પરંતુ તમે ફક્ત એનો આનંદ લો છો કે પછી એના પ્રત્યે તમારી આસક્તિ છે એ પણ ચકાસી જુઓ.

કોઈ જીવ આ દુનિયામાંથી કંઈ જ સાથે લઈને જવાનો નથી. જોકે, તેનો અર્થ એવો નથી કે ઈશ્વરની કૃપાથી આપણને આ પૃથ્વી પર જે કંઈ મળ્યું છે એને ફૂંકી કાઢીએ.

છેલ્લે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે ગત વર્ષોમાં આપ વાચકોએ મારી સાથે આ કટાર વિશે ઘણા પ્રતિભાવ આપ્યા છે અને વાતો કરી છે. ભવિષ્યમાં પણ આ જ રીતે આશીર્વાદ આપતાં રહેજો. આપના આશીર્વાદ મારા આત્માને સ્પર્શી જાય છે. હું ખાતરી આપું છું કે હું જઈશ ત્યારે આત્મા સાથે લઈને જઈશ. નમસ્તે….

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

મહિલા ખતનાને લઈને કેન્દ્ર સરકારને ‘સુપ્રીમ’ નોટિસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાય- ખાસ કરીને દાઉદી વહોરા સમુદાયમાં લાંબા સમયથી ચાલતી મહિલાઓના ખતના (Female Genital Mutilation – FGM)ની પ્રથાને પ્રતિબંધિત કરવાની માગ કરતી અરજી પર વિચારવાની સહમતી આપી છે. કોર્ટે આ ક્રૂર પ્રથાને માનવાધિકારો અને બાળકોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવી તેને ખતમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

કેન્‍દ્ર સરકારને નોટિસ જારી

જસ્ટિસબી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે આ સંવેદનશીલ મુદ્દે સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસો જારી કરી છે. કોર્ટે આ અરજી સ્વીકારી તમામ પક્ષોથી તેનો જવાબ માગ્યો છે.

NGO દ્વારા અરજી દાખલ

આ અરજી ‘ચેતના વેલ્ફેર સોસાયટી’ નામની બિનસરકારી સંસ્થા (NGO) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજામાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રથા ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ પ્રથા ધાર્મિક રીતે ફરજિયાત નથી અને પરંપરાને નામે તેને ચાલુ રાખી શકાતી નથી. આ પ્રથાને બાળકના મૂળભૂત અધિકારો અને શારીરિક અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે.

કાયદા અને માનવાધિકારોનો ભંગઆ અરજીએ આ પ્રથાને કાનૂની રીતે પણ ગેરકાયદે ગણાવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે POCSO (યૌન ગુનાઓથી બાળકોનું રક્ષણ) અધિનિયમ મુજબ કોઈ સગીરના જનનંગોને બિન-ચિકિત્સાકીય કારણોસર સ્પર્શ કરવો અથવા કોઈ પ્રક્રિયા કરવી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજીમાં તેનો પણ ઉલ્લેખ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મહિલાઓના ખતનાને યુવતીઓ અને મહિલાઓના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવી ચૂકી છે અને વૈશ્વિક સ્તરે તેના પ્રતિબંધની માગ કરી છે. સુપ્રીમ કોર્ટનું આ પગલું દેશમાં FGM જેવી પ્રથાઓ પર રોક લગાવવા અને મહિલાઓની શારીરિક સ્વાયત્તતાનું રક્ષણ કરવા માટે એક નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે.

સરકારનો નિર્ણય: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના હવે ફાર્મસીઓમાંથી કફ સીરપ નહીં મળે

દવાઓમાં મળી આવતા હાનિકારક રસાયણો અને બાળકોના મૃત્યુના તાજેતરના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ફાર્મસીઓમાંથી કફ સિરપ ખરીદી શકાશે નહીં. સરકારે આ નિર્ણય કેમ લીધો તે જાણીએ.

અસંખ્ય બાળકોના મૃત્યુ અને કફ સિરપના પ્રતિકૂળ પરિણામોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તેના મનસ્વી વેચાણને રોકવા માટે કડક પગલાં લીધાં છે. હવે, મોટાભાગના કફ સિરપ મેડિકલ સ્ટોર્સમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવામાં આવશે નહીં. તેમને દરેક પ્રિસ્ક્રિપ્શનનો રેકોર્ડ જાળવવાની જરૂર પડશે. વધુમાં, કડક કફ સિરપ ગુણવત્તા નિયંત્રણ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

ડ્રગ એડવાઇઝરી કમિટીની મંજૂરી બાદ નિયમો કડક બનાવવાનો નિર્ણય

સરકારની ટોચની નિયમનકારી સંસ્થા, ડ્રગ એડવાઇઝરી કમિટીએ કફ સિરપને તેના શેડ્યૂલમાંથી દૂર કરવાની મંજૂરી આપી છે જે અગાઉ તેમને લાઇસન્સિંગ અને ખાસ દેખરેખ નિયમોમાંથી મુક્તિ આપતી હતી. આનો અર્થ એ છે કે તેમને ખરીદવા માટે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રહેશે.

મધ્યપ્રદેશ અને વિદેશમાં અનેક મૃત્યુ બાદ ડૉક્ટરની સલાહ ફરજિયાત

એક સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત એટલા માટે રજૂ કરવામાં આવી હતી કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાંથી નિકાસ કરવામાં આવતી અનેક કફ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલ (EG) જેવા ખતરનાક રસાયણો મળી આવ્યા હતા. આના કારણે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે. તાજેતરમાં, મધ્યપ્રદેશમાં પણ ઘણા બાળકોના મૃત્યુ થયા છે. સમિતિના જણાવ્યા અનુસાર, સરકાર લોકોને ખાંસી અને શરદી જેવી સામાન્ય બીમારીઓ માટે પણ સ્વ-દવાને બદલે ડૉક્ટરની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

બાળ સુરક્ષા પ્રાથમિકતા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બાળ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આનાથી દુરુપયોગ અને આડઅસરોને અટકાવી શકાશે. તાજેતરમાં એવું પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકો નશા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા માતાપિતા ડૉક્ટરની સલાહ લીધા વિના તેમના બાળકોને સિરપ આપી રહ્યા છે.

U-ટર્નઃ વક્ફ કાયદો લાગુ કરવા મમતા સરકાર રાજી

કોલકાતાઃ કેન્દ્રના નવા વક્ફ એક્ટ 2025ને મહિનાઓ સુધી અમલમાં મૂકવા ઇનકાર કર્યા પછી પશ્ચિમ બંગાળ સરકારે અંતે કાયદો સ્વીકારી લીધો છે અને પાંચ ડિસેમ્બર સુધી રાજ્યની 82,000 વક્ફ સંપત્તિઓની વિગતો સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની સૂચનાઓ આપી છે.

વક્ફ સુધારા અધિનિયમ 2025 આ વર્ષના એપ્રિલમાં સંસદનાં બંને ગૃહોમાં પસાર થયો હતો. ગુરુવારે સાંજે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળના અલ્પસંખ્યક વિકાસ વિભાગના સચિવ પી.બી. સલીમે નક્કી કરેલી સમયમર્યાદામાં રાજ્યની વક્ફ સંપત્તિઓની જિલ્લાવાર માહિતી સેન્ટ્રલ પોર્ટલ umeedminority.gov.in પર અપલોડ કરવાની સૂચના આપી છે.

આ નિર્ણયને રાજકીય રીતે ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે CM મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ આ નવા કાયદાને રાજ્યમાં અમલમાં મૂકવા નહીં દે. આ ઉપરાંત કેન્દ્રની મોદી સરકાર દ્વારા બિલ રજૂ થયા બાદ રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયાં હતાં. આ કાયદો પસાર થયા પછી થોડા દિવસોમાં નવ એપ્રિલે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે કહ્યું હતું કે હું બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમને લાગુ નહીં થવા દે. હું તેમને ફૂટ પાડીને રાજ કરવાની મંજૂરી નહીં આપું. અહીં 33 ટકા મુસ્લિમ છે. તેઓ સદીઓથી અહીં રહે છે. તેમની રક્ષા કરવી મારું કર્તવ્ય છે.

મમતા સરકારે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં

સુધારેલા કાયદા મુજબ વક્ફ બોર્ડ અને ટ્રિબ્યુનલમાં હવે બિન મુસ્લિમ સભ્યોનો સમાવેશ થશે અને જો કોઈ સંપત્તિ વક્ફ હોવાનો દાવો થાય તો તે અંગેનો અંતિમ નિર્ણય સરકાર કરશે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC સરકારે આ કાયદાના વિરોધમાં કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ ત્યાંથી તેમને સંતોષકારક ચુકાદો મળ્યો નહોતો.

સુધારેલા અધિનિયમની કલમ 3B મુજબ દેશની તમામ રજિસ્ટર્ડ વક્ફ સંપત્તિઓની વિગતો છ મહિનામાં (5 ડિસેમ્બર, 2025 સુધી) સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. રાજ્ય અલ્પસંખ્યક વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરોને મોકલાયેલા પત્ર મુજબ રાજ્યમાં 82,000થી વધુ વક્ફ સંપત્તિઓ છે અને તમામ માહિતી સંબંધિત મુતવલ્લીઓ દ્વારા અપલોડ કરવી પડશે.

‘ત્રિદેવ’ માં ત્રીજી જોડી સૌથી અલગ હતી!

રાજીવ રાયની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘યુદ્ધ’ (1985) ખાસ ચાલી ન હતી. એ પછી ‘ત્રિદેવ’ (1989) થી એમનું નામ થઈ ગયું હતું. એમાં કલાકારોની પસંદગી કેવી રીતે થઈ હતી એની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘ત્રિદેવ’ માં ત્રણ હીરો અને ત્રણ હીરોઈન લેવાના હતા. હીરોમાં ‘ઈન્સ્પેકટર કરણ સક્સેના’ ની ભૂમિકામાં સની દેઓલ અને ‘રવિ માથુર’ તરીકે જેકી શ્રોફ પસંદ થઈ ગયા.

‘જય સિંઘ’ ની ભૂમિકા માટે મિથુન ચક્રવર્તી પહેલી પસંદ હતો. પરંતુ મિથુને વ્યસ્તતાને કારણે ના પાડી દીધી. એ પછી ચંકી પાંડે સાથે વાત થઈ હતી. એનો ભાવ થોડો વધારે લાગ્યો હોવાથી રાજીવે ના પાડી દીધી. છેલ્લે નસીરુદ્દીન શાહને લેવામાં આવ્યા હતા. જ્યારે નસીરુદ્દીનને સાઇન કરવામાં આવ્યા ત્યારે એ માનતા હતા કે કોઈ ચરિત્ર ભૂમિકા કરવાની હશે. હીરોની ભૂમિકાને અંદાજ ન હતો. અસલમાં નસીરને એ સમય પર પૈસાની જરૂર હતી એટલે ફિલ્મ સાઇન કરી લીધી હતી.

હીરોઈનોમાં સૌપ્રથમ માધુરી દીક્ષિતને સનીની હીરોઈન તરીકે સાઇન કરવામાં આવી હતી. જેકી સામે નીલમને લેવાના હતા. પણ બીજી ફિલ્મો સાથે નીલમની તારીખો બંધબેસતી ન હોવાથી સંગીતા બીજલાનીને લેવામાં આવી હતી. એની પાછળ 1986 ના વર્ષની એક નાંનકડી વાત છે. રાજીવ રાયે સંગીતાને એક ફેશન શૉમાં જોઈ હતી. ત્યારે ફેશન શૉમાં છોકરીઓ હિટ ગીતો પર ડાન્સ કરતી હતી. સંગીતાએ પણ એક ગીત પર ડાન્સ કર્યો હતો. એ જોઈ રાજીવ સંગીતાને મળ્યા હતા અને એક લવ સ્ટોરી ફિલ્મ કરવા કહ્યું હતું. પરંતુ એ ફિલ્મ આગળ વધી શકી નહીં.

એ પછી રાજીવે ‘ત્રિદેવ’ નું આયોજન કર્યું ત્યારે જેકી સામે સંગીતાને સાઇન કરી હતી. અને એને અભિનયની તાલીમ માટે રોશન તનેજાને ત્યાં મોકલી હતી. ‘ત્રિદેવ’ પછી સંગીતાને ‘હથિયાર’ અને ‘કાતિલ’ મળી હતી. એ બંને ફિલ્મો પહેલાં રજૂ થઈ ગઈ હતી. નસીરુદ્દીનની હીરોઈન તરીકે સોનમ આવશે એની કોઈને કલ્પના ન હતી. એ આવી એ પહેલાં યશ ચોપડાની ‘વિજય’ મેળવી ચૂકી હતી.

નસીરુદ્દીનને જાણ થઈ ત્યારે એમણે રાજીવને કહ્યું પણ હતું કે સોનમની ઉંમર મારી દીકરી જેટલી છે. એ કેટલી યોગ્ય લાગશે? રાજીવે જવાબ આપ્યો હતો કે કોઈ વાંધો આવશે નહીં. વ્યાવસાયિક ફિલ્મોમાં બધું જ ચાલે છે. તેમ છતાં રાજીવે સોનમને પૂછ્યું હતું કે તને કોઈ વાંધો નથી ને? ત્યારે સોનમે સંમતિ આપી હતી અને ‘ત્રિદેવ’ થી જ એને સફળતા મળી હતી. ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘તીરછી ટોપીવાલે’ એમના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. નસીરુદ્દીન- સોનમની જોડી જ સૌથી અલગ હતી અને એમણે જ દર્શકોનું ધ્યાન વધારે ખેંચ્યું હતું.

દિલ્હીમાં પ્રદૂષણની સાથે પાણી પણ પ્રદૂષિત

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂગર્ભ જળમાં ભારે પ્રમાણમાં મેટલનું પ્રદૂષણ જોવા મળ્યું છે. દિલ્હીના પાણીમાં મોટા સ્તરે યુરેનિયમ, સીસું (લેડ), નાઇટ્રેટ, ક્લોરાઈડ અને ક્ષારિયતા (સેલિનિટી) હોવાના સંકેતો મળ્યા છે, એમ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)નો વાર્ષિક રિપોર્ટ કહે છે. આ પાણીની સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર પડે છે, ખાસ કરીને તેઓ પર જે બોરવેલ અને હેન્ડપંપના પાણી પર અવલંબિત છે.

આ મહિને જારી થયેલા રિપોર્ટ મુજબ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી લીધેલા પાણીના નમૂનાઓમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ મળ્યું છે. દિલ્હીના પાણીમાં સીસું ખૂબ જ વધુ પ્રમાણમાં મળ્યું છે, જે બાળકોના સેન્સરી અને માનસિક વિકાસને અસર કરે છે, બ્લડ પ્રેશર વધારી શકે છે અને કિડનીની કાર્યક્ષમતા ઘટાડે છે.

પ્રી-મોન્સૂન સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ પ્રદૂષિત ભૂગર્ભજળ ધરાવતાં રાજ્યોમાં દિલ્હી ત્રીજા ક્રમે રહ્યું. યુરેનિયમની બાબતમાં પણ દિલ્હીના પાણીની સ્થિતિ ચિંતાજનક છે. યુરેનિયમનું જોડાણ કિડનીને નુકસાન અને કેન્સરના જોખમ સાથે કરવામાં આવે છે.એ ઉપરાંત દિલ્હીના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું સ્તર પણ ખતરનાક પ્રમાણમાં મળ્યું છે. માનવામાં આવે છે કે નાઇટ્રેટનું વધેલું સ્તર ખેતી, ખાતરો અને અયોગ્ય કચરા નિકાલને કારણે વધ્યું છે.

રાજધાની માટે બીજી એક ચિંતા એ છે કે અહીં સોડિયમ એડસોર્પ્શન રેશિયો (SAR) પણ ઊંચું મળ્યું છે. જ્યાં દેશનું સરેરાશ SAR 26 આસપાસ રહે છે, ત્યાં દિલ્હીના કેટલીક જગ્યાઓમાં આ આંકડો 179.8 સુધી પહોંચી ગયો છે. અહીં 34.8 ટકા નમૂનાઓ અંદાજિત મર્યાદાથી વધુ હતા. દિલ્હીમાં RSC (Residual Sodium Carbonate)ના મામલામાં પણ દેશભરમાં સૌથી ઉપર હતું—અહીં 51.1 ટકા નમૂનાઓમાં RSCનું સ્તર 2.5ની મર્યાદાથી વધુ મળ્યું.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની 2024ની રિપોર્ટ મુજબ દિલ્હીના નમૂનાઓમાં ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી (EC) પણ વધારે પ્રમાણમાં હતી,—આંકડો 23.3 ટકા સુધી ગયો. આ ઉપરાંત 16.5 ટકા નમૂનાઓમાં ફ્લોરાઈડ, 20.4 ટકામાં નાઇટ્રેટ અને 10.7 ટકા નમૂનાઓમાં યુરેનિયમ મર્યાદાથી વધુ મળ્યું છે. વર્ષ 2025માં આ પ્રદૂષણ વધુ વધી ગયું છે.

પંચાંગ 29/11/2025

ટોસ્ટ હાંડવો

ટોસ્ટરમાં બનાવેલો હાંડવો કંઈક અલગ સ્વાદવાળો યમ્મી લાગે છે!

સામગ્રીઃ

  • ચોખા 1 કપ
  • ચણાની દાળ ½ કપ
  • તુવેરદાળ ¼ કપ
  • અળદની દાળ ¼ કપ
  • મેથીદાણા 1 ટી.સ્પૂન
  • વટાણા 2 ટે.સ્પૂન
  • ગાજર ખમણેલું 1 ટે.સ્પૂન
  • સિમલા મરચું ઝીણું સમારેલું 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • ખમણેલી દૂધી ½ કપ
  • દહીં ½ કપ
  • ઘઉંનો લોટ 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન,
  • બેકીંગ સોડા 1 ટી.સ્પૂન

રીતઃ ત્રણેય દાળ અને ચોખાને એક વાસણમાં લઈ 2-3 પાણીએથી ધોઈ લીધા બાદ ચોખ્ખા પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી કાઢી લઈ મિક્સીમાં નાખો. તથા તેમાં જ દહીં નાખીને કરકરું ઘટ્ટ ખીરું પીસી લો. આ ખીરું ઢાંકીને 4-5 કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ તેમાં બધા સુધારેલીં વિજીટેબલ્સ મેળવી દો. હવે તેમાં 2 ટે.સ્પૂન ઘઉંનો લોટ મેળવી દો. ઉપરથી બેકીંગ સોડા નાખી તેની ઉપર લીંબુનો રસ નિચોવી એકાદ મિનિટ ચમચા વડે એકસરખું હલાવીને ખીરું સરખું મિક્સ કરી લો.

એક ગેસ ટોસ્ટર લઈ તેને તેલ વડે ગ્રીસ કરીને થોડા તલ ભભરાવી લો. આ ટોસ્ટરમાં ચમચા વડે હાંડવાનું ખીરું રેડી ફેલાવની રેડી દો. ઉપરથી એક ચમચી જેટલું તેલ રેડી, તલ ભભરાવીને ટોસ્ટર બંધ કરીને ગેસની મધ્યમ આંચે હાંડવો ટોસ્ટ થવા દો. 4-5 મિનિટ બાદ ટોસ્ટર ફેરવીને બીજી બાજુથી હાંડવો ફરીથી 4-5 મિનિટ થવા દો.

ત્યારબાદ હાંડવો એક પ્લેટમાં કાઢી લઈ ઉપરની પ્રોસેસ ફરીથી કરીને બીજીવારનો હાંડવો ટોસ્ટ કરી લો.

હાંડવો તૈયાર થાય એટલે કોથમીરની તીખી ચટણી સાથે પીરસો.