ગયા રવિવારે મેં `સાફસફાઈ’ કાર્યક્રમ હાથમાં લીધો હતો. મિશન હતું, દસ્તાવેજો, ડાયરીઓ, પુસ્તકોમાંથી શું જોઈએ અને શું નહીં તે જોવાનું. જોઈએ તે વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને મૂકવી અને નહીં જોઈતી વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું. છેલ્લાં દસ વર્ષમાં ભેગી થયેલી ઘણી બધી ડાયરીઓ, પુસ્તકો મળ્યાં, તેની પરથી નજર ફેરવતાં અનેક યાદો ઉજાગર થઈ.
દરેક ડાયરીમાં અનેક પ્લાન્સ હતા. તેમાંથી અમુક બિઝનેસ સંબંધિત હતા તો અમુક પર્સનલ. દરેક ડાયરીનો પચીસ ટકા ભાગ પ્લાનિંગથી વ્યાપ્ત હતો. હવે સમયાંતરે તે પ્લાનિંગ તરફ જોવાની મજા આવતી હતી. અમુક પ્લાન્સ વાસ્તવમાં ઊતર્યા તો અમુક તે કાગળની આગળ ગયા જ નહીં. ચોક્કસ કેટલા વાગ્યે ઊઠવાનું? ઊઠ્યા પછી વાંચન કરવાનું કે મનન-ચિંતન કે યોગ? મોર્નિંગ વોકમાં ક્યારે જવાનું, કેટલા વાગ્યે અને કેટલો સમય ચાલવાનું? સ્વિમિંગ અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર કે કયા-કયા સમયે કરવા જવાનું? મસલ સ્ટ્રેન્ગ્થ વધારવું તો મસ્ટ છે, જેથી જિમ બે દિવસ જવું જ જોઈએ, પરંતુ તે માટે સમય સવારનો કે સાંજનો? અઠવાડિયામાં એક દિવસ મસાજ સ્પાની જરૂરી છે તે કયો દિવસ રાખવાનો? સવારે જ્યુસ પીવો કે કાઢો કે ગરમ પાણી લીંબુ? કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન્સ અને ફેટ્સમાં આળોટેલાં અનેક પાનાં તે ડાયરીઓમાં હતાં. આ ડાયરીઓ અથવા પુસ્તકો છેલ્લાં દસ- બાર વર્ષનાં હતાં, જે કહેતાં હતાં શું સારું છે અને શું ખરાબ છે. આજે આખી દુનિયા સસ્ટેનેબિલિટીનો ઊહાપોહ કરી રહી છે અથવા અનેક ઠેકાણે તેનો `શો ઓફફ’ દેખાઈ રહ્યો છે.
તે સસ્ટેનેબિલિટી માટે જરૂરી કન્ઝિસ્ટન્સી અને કન્ટિન્યુઈટી મારા આ પ્લાનિંગમાં દેખાઈ છતાં વાસ્તવમાં તે પ્લાનિંગની જેમ બધું થયું નહીં. હું સાતત્યતા રાખી નહીં શકું એ માન્ય કરવું જોઈએ. આપણી નિષ્ફળતા સ્વીકારવી જોઈએ કે નહીં. ઉપરાંત સફળતા શું અને નિષ્ફળતા માટે કયો માર્ગ પસંદ કરવો તે કઈ રીતે સમજાશે? આ ડાયરીઓનાં પાનાં પલટાવતી વખતે આ સર્વ મામલો સામે આવ્યો હોવા છતાં અમુક બાબતો આપણે નક્કી કરીએ તે રીતે થતી નથી તે બહુ અગાઉથી ધ્યાનમાં આવ્યું હતું. તેમાં કોવિડે દુનિયાને ગ્રસ્ત કર્યું અને જીવનની ક્ષણ ભંગુરતાનું ભાન થયું. `બહુ દૂરનું બહુ મોટું પ્લાનિંગ નહીં કરવું જોઈએ’ એવી સલાહ જ જાણે તે કોવિડ આપણને આપી ગયો. ટેકનોલોજીમાં થતા બદલાવ તો અનેક બાબતોના અસ્તિત્વને જ શેહ આપી રહ્યા છે. એમેઝોનના જેફ બેસોજને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું, `આગામી દસ વર્ષ માટે શું પ્લાનિંગ છે તમારું?’ તેમણે કહ્યું, ‘ટેકનોલોજી એટલી બદલાઈ રહી છે કે આટલું લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકતો નથી. જસ્ટ આગામી ત્રણ વર્ષનો વિચાર કરી રહ્યો છું અને તે પણ સાવધ રહીને.’ આ વિરાટ કંપનીઓ પણ જો આગળનું પ્લાનિંગ કરવા ખચકાટ અનુભવતી હોય તો પછી આપણી બાબતમાં અનેક વાત પ્લાનિંગ પ્રમાણે નહીં બને તો`ઈટ્સ ઓકે’ કહીને મેં પોતાની મનાવી લીધી. જો કે મનથી મને તે ઓકે લાગતું નહોતું.
થોડા સમય પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીના શિષ્યોમાંથી જ્ઞાનવત્સલ સ્વામીનું પોડકાસ્ટ સાંભળતી વખતે તેમણે સંભળાવેલો એક વિચાર મનમાં ઘર કરી ગયો. તે હતો,`વધુ કશું કરવાની જરૂર નથી, ફક્ત આજે રાત્રે આવતીકાલે શું કરવાનું છે તે નક્કી કરો. એક કાગળ પર લખી પણ રાખો, પરંતુ ફક્ત એક દિવસનું – આવતીકાલનું જ પ્લાનિંગ કરો અને તે અનુસાર પ્રથમ કમ સે કમ એકવીસ દિવસ અને મહત્તમ નેઉ દિવસ, ત્રણ મહિના સતત તે બાબત કરો. જીવન બદલાઈ જશે.’ એક જાન્યુઆરીના કરેલું વર્ષનું પ્લાનિંગ એક મહિનો પણ ક્યારેય ટક્યું નહીં. તેના કરતાં આ સારું છે. ફક્ત આવતીકાલે શું કરવાનું તે મને નક્કી કરવાનું છે અને તે મનઃપૂર્વક પૂર્ણ કરીને જ રહેવાનું છે. આ આસાન છે અને કરવા જેવું પણ છે. એક દૂરનો ધ્યેય અથવા લોંગ ટર્મ ગોલ આપણે નક્કી કરેલો જ હોય છે. તે દિશામાં આગળ વધવાનું ચાલુ હોય છે, પરંતુ વચ્ચે આપણો બહુ સમય વેડફાઈ જાય છે તે ધ્યેય તરફ લઈ જતા દરેક દિવસનું યોગ્ય નિયોજન નહીં કરવાથી. તેને વશમાં લેતાં આવડવું જોઈએ.
થોડાં વર્ષ પૂર્વે મેક્સિકોના યુકાતાન પેનિનસુલામાં માયન સામ્રાજ્યનું મહત્ત્વ કહેતા ચિચેન ઈત્ઝામાં ગઈ હતી. ઘણાં બધાં પગથિયાં ચઢીને ઉપર જવાનું હતું. હાંફતી હાંફતી પસીનાથી રેબઝેબ થઈને પગથિયાં ચઢતી હતી અને વચ્ચે જ `અરે બાપ રે હજુ કેટલું બધું ચઢવાનું છે, કેટલું દૂર દેખાઈ રહ્યું છે માથું?’ એવી બડબડ ચાલુ જ હતી. પછી સુધીરે કહ્યું, `વીણા એક વાત જણાવ, તને ક્યાં પહોંચવાનું છે તેની જાણ છે. રસ્તો પણ તારી સામે છે. હવે ઉપર નહીં જો, દરેક પગથિયાં પાસે જો, એક-એક પગથિયું ચઢતી રહે. થાક લાગશે નહીં. વન સ્ટેપ એટ અ ટાઈમ.’ અને ખરેખર મેં ઉપર જોવાનું છોડી દીધું, પગથિયાં ચઢતી રહી અને રીતસર ચિચેન ઈત્ઝાના માથા પર પહોંચી ગઈ. સુધીરની સલાહથી મારો થાક ઓછો થયો હતો. પતિદેવોને પણ ઘણું બધું સમજાય છે!
જીવનમાં આપણે આવા નાના પ્રસંગોમાંથી શીખીએ છીએ, ક્યારેક સાંભળવા મળતા વિચારોમાંથી, અન્યોના અનુભવમાંથી. હવે આજ જુઓ ને, જ્ઞાનવત્સલ સ્વામીની સલાહ કે ચિચેન ઈત્ઝાનો અનુભવ, એક જ વાત કહે છે, `બહુ આગળનો વિચાર કરીને તે વિચારથી થાકી નહીં જાઓ.’
જે વ્યક્તિએ ભારતમાં બિગ બઝાર, પેન્ટાલૂન્સ જેવાં રિવોલ્યુશનરી સાહસો સૌપ્રથમ સફળ કરી બતાવ્યાં તે કિશોર બિયાની નામે એક ગ્રેટ માર્કેટિંગ પર્સનાલિટીની ઘણી બધી મુલાકાતો પોડકાસ્ટ પર ઉપલબ્ધ છે. તેમાંથી એક મુલાકાતમાં પોડકાસ્ટર રાજ શમાનીએ તેમને પ્રશ્ન પૂછ્યો, `આપ ક્યા સલાહ દેના ચાહોગે યંગ જનરેશન કો?’ તેનો ઉત્તર, `બહુત બડા સોચને કી જરૂરત નહીં।’ પોડકાસ્ટર પૂછે છે, `આપ યે બોલ રહે હો?’ તેમણે કહ્યું, `ખુદ કે અનુભવ સે બોલ રહા હૂં.’ તેમના તે પ્રામાણિક અનુભવ પરથી કરવામાં આવેલા વિધાનથી રૂવાડાં ઊભાં થઈ ગયાં. સફળતાના શિખર પર પહોંચેલા એક રિવોલ્યુશનરી અને મોટી નિષ્ફળતાથી ડગમગ્યા વિના ફરી જીવનના ગણિતો ઉકેલનારા આ સેલ્ફ-મેડ વ્યક્તિનાં અનેક સંભાષણો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તે જરૂર સાંભળો. ફ્રોમ ઝીરો ટુ હીરો ટુ ઝીરો ટુ હીરો… અનુભવમાંથી શીખવાનો તે જાણે ખજાનો જ છે.
આજની તેજ ગતિની, તણાવગ્રસ્ત અને અનિશ્ચિતતાથી ભરચક દુનિયામાં અનેક બાબતો આપણા કંટ્રોલ બહાર છે. અને તેથી જ જે બાબત આપણા હાથમાં છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં શાણપણ છે. એક લીડરશિપ મીટમાં અમે બધાએ મળીને એક મંત્ર લીધો. સવારે ઊઠ્યા પછી પોતાને પૂછવાનું કે, `આજનો દિવસ હું કઈ રીતે વિતાવવાનો છું.’ એક્ચ્યુઅલી વિતાવવા કરતાં અહીં કઇ રીતે ઉપયોગમાં લાવવાના છો તે બાબત મહત્ત્વની છે. કારણ કે આજના દિવસની દરેક પળ ઈન્વેસ્ટમેન્ટ છે મારા ઉજ્જવળ ભવિષ્ય માટેની. અને સાંજે ઓફિસમાંથી નીકળતી વખતે અથવા રાત્રે સૂતી વખતે હું પોતાને પ્રશ્ન પૂછીશ કે, `આજનો દિવસ સારો ગયો કે નહીં?’ કે મારા મનમાં એક સમાધાન હશે, `આજ કા દિન અચ્છા ગયા!’ આ સમાધાન આમ જ મળતું નથી. તે માટે સવારથી રાત સુધી તે દિવસની દરેક પળ પર, મિનિટ પર, કલાક પર આપણે હકારાત્મક રીતે જાગૃત રહીને સાવધતાથી કામ કરવું પડે છે અને તે કર્યા પછી રાત્રે જે કાંઈ સમાધાન મળે છે તેની ખુશી ફક્ત શબ્દાતીત.
સ્ટીવ જોબ્જના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ ભાષણમાં `સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ’ આપણા ધ્યાનમાં રહી જાય છે પરંતુ સંપૂર્ણ ભાષણનું પારાયણ કર્યા પછી ધ્યાનમાં આવે કે તેમના દરેક નિર્ણયની પાછળ `આજે શું કરવાનું છે’ એ સ્પષ્ટ હતું. તેઓ કહેતા જીવન જીવતી વખતે આગળનું ચિત્ર ક્યારેય સ્પષ્ટ દેખાતું નથી.પરંતુ પાછળ વળીને જોઈએ એટલે દરેક પળ, દરેક નિર્ણય એકબીજા સાથે જોડાયેલો હોય તેવું લાગે છે. તે સમયે જાણે તે નક્કી જ હતું. આથી જ આજની કૃતિ, તે ડોટ મહત્ત્વનો નીવડે છે. આવતીકાલે પાછળ વળીને જોયા પછી સમાધાન આપે છે. દ્રોણાચાર્યએ શિષ્યોની પરીક્ષા લીધી અને તમને સામે શું દેખાય છે એવું પૂછ્યું ત્યારે તેમણે જંગલ, ઝાડ, ડાળખીઓ, પક્ષી, આકાશ એવા ઉત્તરો આપ્યા. અર્જુને કહ્યું, `મારી નજર સામે ફક્ત પક્ષીની આંખ છે.’ યુગયુગથી માર્ગદર્શન કરતા આ દાખલા એ જ કહે છે, `હમણાં શું કરવાનું છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરો.’ એકાદ દિવસ, એકાદ વિચાર, એકાદ વાક્ય, એકાદ નિર્ણય આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ નીવડી શકે છે. ગાંધીજી પોતાને પ્રશ્ન પૂછે છે, `આજે કયા સત્ય માટે ઊભા રહેવાનું છે?’ દાંડી યાત્રાનો દાખલો આપણને કહે છે કે દરરોજનું એક પગલું લાગતું હોય તો પણ તેનું સામર્થ્ય દુનિયાને હચમચાવનારું હતું. જેફ બેસોઝે એમેઝોન શરૂ કરતી વખતે સંપૂર્ણ રોડમેપ નક્કી કર્યો નહોતો, પરંતુ વોલ સ્ટ્રીટ પર એક સ્ટેબલ જોબ કરતી વખતે પોતાને પ્રશ્ન પૂછ્યો. એંશી વર્ષનો થયા પછી મને કઈ બાબત વધુ ત્રાસ આપશે, મને જે કરવાનું મન થાય છે તેમાં આવેલી નિષ્ફળતા કે તે નહીં કર્યાનો અફસોસ? અને તેણે એક પળમાં નિર્ણય લઈને નોકરી છોડી અને એક-એક પગથિયું ચઢીને દુનિયાની સૌથી મોટી કંપની ઊભી કરી. દરેક બાબત પ્લાન નહીં કરી શકાય, પરંતુ તે નિર્ણયની પળ મહત્ત્વની હોય છે અને તે પછી દરેક દિવસે સતત હકારાત્મકતાથી અને આત્મવિશ્વાસથી કરેલી કૃતિ આવશ્યક છે. ચંદ્રયાન જેવા મિશન્સ એક જ દિવસમાં પાર પડતા નથી. વર્ષોવર્ષ પ્રયાસ, ભૂલોમાંથી શીખવું, દરરોજ પોતાને પૂછવું `આજે શું સુધારી શકાશે?’ આ વૃત્તિને લીધે જ અસાધારણ સફળતા મળી શકે છે તે ઈસ્રોએ બતાવી દીધું છે. હજારો વર્ષથી ઋષિ, તપસ્વી કોઈ પણ લોંગ ટર્મ પ્લાન નહીં કરતાં ફક્ત `એક દિવસ, એક મંત્ર, એક ધ્યાન’ના નિત્યક્રમનું પાલન કરીને `જીવન એટલે તેએક દિવસ ફક્ત, તેની પર ધ્યાન કેન્દ્રિત કરો’ એવો સંદેશ આપી રહ્યા છે.
બે વર્ષ પૂર્વે અબુ ધાબીમાં ગઈ હતી. ત્યાંના તે અતિવિશાળ ગેલેરિયા મોલમાં અમે ટાઈમપાસ કરતાં હતાં. માસિમો દુતીના વિંડો ડિસ્પ્લેમાં એક મેકેકનને સફેદ ટી-શર્ટ પહેરાવવામાં આવ્યું હતું. સુધીરે કહ્યું, `કશું પણ થાય તોય આ ટી-શર્ટ મારે પહેરવું જ છે. થોડું મોંઘું હોય તો પણ મારા લાડ મારે જ નહીં કરવા જોઈએ?’. `એવું તે શું છે તેમાં?’ પતિદેવનો સ્વાભાવિક પ્રશ્ન. `અરે તેની પર શું લખ્યું છે જો. મારી હાલની જીવનશૈલી છે તે. આય એમ ફોલોઈંગ ઈટ સક્સેસફુલી.’ `અરે મુંબઈમાં જઈને એકસાદું ટી-શર્ટ લઈ લે અને તેની પર આ મેસેજ પેઈન્ટ કરાવી નાખ. વન ટેન્થમાં કામ થઈ જશે.’ `નો નો, આ મેં પહેલી વાર અહીં જોયું છે અને મને તે ઓરિજિનલ સ્વરૂપમાંજ જોઈએ. સમ થિંગ્સ આર પ્રાઈસલેસ.’ `જો તારો વિચાર આટલો પાક્કો હોય તો વિચાર જ શા માટે કરે છે? પૈસા તારા, ઈચ્છા તારી, વિચાર તારો, કર જે કરવાનું છે તે.’ એકંદરે પતિદેવના કોઈ પણ સંભાષણને આપણને જોઈએ તે દિશામાં વાળવાની આપણે મહિલાઓની અભિજાત હથોટી હોવાથી હું તે શોરૂમમાં ઘૂસી અને તે ટી-શર્ટ લઈને જ બહાર નીકળી. હવે તો ટી-શર્ટ એકાદ દાગીનાની જેમ મારા કબાટમાં બિરાજમાન થયું છે. થોડા દિવસ પછી હું તેને ફ્રેમ કરીને સામે લગાવવાની છું. અને શા માટે નહીં કરવું જોઈએ. મારું જીવન તેણે સુસહ્ય કર્યું છે. `ઈતના તો ગ્રેટિટ્યુડ બનતા હી હૈ।’ આ મેસેજ સાધારણ લાગે છે, પરંતુ તેમાં પ્રચંડ શક્તિ છે. દરેક પળને સુવર્ણમય કરવાની તાકાત આપનાર, તે ટી-શર્ટ પરનો વિચાર છે, `વન ડે એટ અ ટાઈમ!’
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)