કોરબાઃ છત્તીસગઢના કોરબામાં નહેર પર બનાવાયેલો લગભગ 40 વર્ષ જૂનો, 10 ટન વજનનો એક નાનો લોખંડનો પૂલ રાતોરાત ચોરી થઈ ગયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ઘટનામાં 15 લોકો સામેલ હતા, જેમણે કથિત રીતે ગેસ કટરનો ઉપયોગ કરીને પુલ કાપ્યો અને તેને ભંગારમાં વેચી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોરબા જિલ્લાના વધારાના પોલીસ અધ્યક્ષ લખન પટેલે જણાવ્યું કે 18 જાન્યુઆરીની સવારે લોકોએ જોયું કે ઢોઢીપારા વિસ્તારમાં નહેર પાર કરવા માટે બનાવાયેલો લોખંડનો પુલ ગાયબ છે. ત્યાર બાદ લોકોએ વોર્ડના કોર્પોરેટર લક્ષ્મણ શ્રીવાસને તેની જાણ કરી. પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેટરની માહિતી બાદ સીએસઈબી પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી, જેને આધારે તપાસ માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂલ કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો અને આ ચોરીમાં સામેલ તમામ 15 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.
10 આરોપીઓની શોધમાં પોલીસ
એડિશનલ પોલીસ અધ્યક્ષે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી લોચન કેવટ (20), જયસિંહ રાજપૂત (23), મોતી પ્રજાપતિ (27), સુમિત સાહુ (19) અને કેશવપુરી ગોસ્વામી ઉર્ફે ‘પિક્ચર’ (22)ની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂલ ચોરી કરવાની કબૂલાત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપી મુકેશ સાહુ અને અસલમ ખાન સહિત 10 આરોપીઓ હજી ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે.
નહેરમાં છુપાવ્યું સાત ટન લોખંડ
સીએસઈબી પોલીસ ચોકીના પ્રભારી ભીમસેન યાદવે જણાવ્યું કે ચોરી બાદ નહેરની અંદર છુપાવેલું લગભગ સાત ટન લોખંડ પોલીસે જપ્ત કર્યું છે. એ સાથે-સાથે ચોરીનું લોખંડ લઈ જવા માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે બાકીની ચોરાયેલ સામગ્રી ક્યાં વેચવામાં આવી છે તેની પણ તપાસ ચાલી રહી છે.





