Home Blog Page 114

આ મસ્જિદમાં કોઈને પણ નમાજ અદા નહીં કરવા દેવાય, જાણો કેમ?

સિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની સંજૌલી મસ્જિદને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. દેવભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો છેલ્લા 10 દિવસથી સંજૌલીમાં ધરણાં કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. આ મસ્જિદને કોર્ટે ગેરકાયદે જાહેર કરી હતી અને તેને ધરાશાયી કરવાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. હવે દેવભૂમિ સંઘર્ષ સમિતિએ ગુરુવારે જાહેરાત કરી છે કે શુક્રવારે સંજૌલીની વિવાદિત મસ્જિદમાં કોઈને પણ નમાજ અદા નહીં કરવામા દેવામાં આવે.

દેવભૂમિ સંઘર્ષ સમિતિએ કરી શસ્ત્રપૂજા

દેવભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યોએ ગુરુવારે સંજૌલીમાં તેમના આંદોલન દરમિયાન શસ્ત્રપૂજા પણ કરી હતી. સમિતિએ કહ્યું છે કે વિવાદિત સંજૌલી મસ્જિદમાં શુક્રવારે કોઈને પણ નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સમિતિએ મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે કે તેઓ સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે એ માટે તે સ્થળે ન જાય.

મિટિંગમાં સકારાત્મક પરિણામ ન મળે તો?

દેવભૂમિ સંઘર્ષ સમિતિના સહ-સંયોજક વિજય શર્માએ માહિતી આપી છે કે તેઓ 29 નવેમ્બરે  પ્રશાસન સાથે થનારી બેઠકની રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ તેઓ તેમના આગામી પગલાં નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે જો બેઠકમાં સકારાત્મક પરિણામ નહીં મળે તો અમે મસ્જિદ વિરુદ્ધ અમારું આંદોલન વધુ તીવ્ર કરીશું. કોર્ટ દ્વારા ઢાંચાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે અને તેને ધરાશાયી કરવાની આજ્ઞા છતાં તેમાં નમાજ અદા થઈ રહી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

પ્રદર્શન શા માટે?

કોર્ટે આ મસ્જિદના ઢાંચાને ગેરકાયદે ગણાવ્યું છે. તાજેતરમાં શિમલાની જિલ્લા કોર્ટે સંજૌલી મસ્જિદના સમગ્ર માળખાને ધરાશાયી કરવાના કોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. દેવભૂમિ સંઘર્ષ સમિતિએ 21 નવેમ્બરે મસ્જિદને સીલ કરવાની માગ સાથે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. તેઓ મસ્જિદની વીજળી અને પાણીનો સપ્લાય બંધ કરવાની માગ કરી રહ્યા છે.

અમેરિકામાં આ 19 દેશના વિઝાધારકોની સામે થશે મોટી કાર્યવાહી!

અમેરિકા: વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. નેશનલ ગાર્ડ પર ગોળીબાર કરનાર આરોપી અફઘાન મૂળનો હોવાથી, ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકો (સ્થાયી નિવાસીઓ)ની ફરીથી તપાસ કરશે.

આ દેશો પહેલાથી જ ‘કન્ટ્રીઝ ઓફ કન્સર્ન’ની યાદીમાં સામેલ

આ એવા દેશો છે જેમને અમેરિકી સરકારે પહેલેથી જ ‘કન્ટ્રીઝ ઓફ કન્સર્ન’ (ચિંતાજનક દેશો)ની યાદીમાં મૂકેલા છે. આ 19 દેશોની યાદીમાં ભારતના બે પાડોશી દેશો – અફઘાનિસ્તાન અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે, જ્યારે મ્યાનમારમાં સૈન્ય (જુન્ટા) શાસન છે.

ગ્રીન કાર્ડની ફરી થશે તપાસ 

અમેરિકાના ઇમિગ્રેશન અને નાગરિકતા વિભાગના વડા જોસેફ એડલોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર, ચિંતાજનક ગણાતા તમામ દેશોના નાગરિકોના ગ્રીન કાર્ડની ફરીથી તપાસ કરવામાં આવશે.”

આ 19 દેશોના નાગરિકોની થશે તપાસ:

અફઘાનિસ્તાન, બર્મા (મ્યાનમાર), ચાડ, કોંગો ગણરાજ્ય, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન, યમન, વેનેઝુએલા

આ નિર્ણય વ્હાઇટ હાઉસની સુરક્ષામાં થયેલી ચૂક બાદ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ વધુ કડક બનવાના સંકેત આપી રહ્યો છે.

’10 રૂપિયે કા બિસ્કુટ…’વાળા વાઇરલ યુટ્યુબરની પોલીસે કેમ કરી ધરપકડ?

ઉત્તર પ્રદેશ: ’10 રૂપિયે કા બિસ્કુટ…’ ડાયલોગથી જાણીતો મેરઠના યુટ્યુબર શાદાબ જકાતી પર એક સગીર બાળકી અને મહિલા સાથે અશ્લીલ ભાષાનો વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે. મેરઠના જ એક રહેવાસીએ આ અંગે મુખ્યમંત્રી પોર્ટલ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને ગુરુવારે શાદાબની ધરપકડ કરી હતી. શાદાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન મળી ગયા. આ કાર્યવાહી તેના વાઇરલ વીડિયો પર કરવામાં આવી હતી, જેમાં શાદાબ જકાતી એક સ્ટોરના દુકાનદારના પાત્રમાં જોવા મળ્યો હતો અને કથિત રીતે બાળકી પાસે અશ્લીલ અભિનય કરાવવામાં આવ્યો હતો.શાદાબ જકાતીને કોર્ટમાંથી મળ્યા જામીન

ફરિયાદ બાદ આ મામલો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સુધી પહોંચ્યો. ફરિયાદની નોંધ લઈને ઇંચોલી પોલીસે યુટ્યુબર શાદાબ જકાતી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. જો કે શાદાબ જકાતીને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

મેં કોઈ ખોટી વાત કે અપશબ્દ કહ્યો નહોતો: શાદાબ

આ મામલે શાદાબે જણાવ્યું કે, ‘વકીલોની મદદથી સત્યની જીત થઈ અને મને જામીન મળી ગયા. વિવાદાસ્પદ વીડિયોમાં મેં માત્ર વખાણ જ કર્યા હતા. મેં કોઈ ખોટી વાત નહોતી કરી. ન તો કોઈને કોઈ અપશબ્દ કહ્યો હતો. મને ખબર નહોતી કે એક વીડિયોથી આટલું બધું થશે. પણ મેં તે વીડિયો પણ હટાવી દીધો છે.

શાદાબે વધુમાં કહ્યું કે, ‘આખી દુનિયામાં, આખા હિંદુસ્તાનમાં મને પ્રેમ મળે છે. હું મહેનત કરીને અહીં સુધી પહોંચ્યો છું. મને દુઃખ એ વાતનું છે કે મેરઠ, જ્યાં હું રહું છું, ત્યાં મને સન્માન ન મળ્યું, ઊલટું મારા પર કેસ કરી દેવામાં આવ્યો. લોકો મારી પાછળ પડ્યા રહે છે. આ વાતનું દુઃખ થાય છે.

મેરઠના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શાદાબ જકાતીએ કોર્ટમાંથી છૂટ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી. આ વાતચીતમાં તેણે કહ્યું કે, ‘બહુ બધા લોકોની દુઆ મારી સાથે છે. જે લોકોએ મારી સાથે આ કામ કર્યું, તેમને પણ મારી શુભકામનાઓ છે.’

પોતાના વાયરલ વીડિયોને યોગ્ય ઠેરવતા શાદાબે કહ્યું કે, ‘મેં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો મેં મારી દીકરી સાથે બનાવ્યો હતો. તે મારી દીકરી છે.’

આ ચાર રાજ્યો પર છે દિતવા અને સેન્યાર વાવાઝોડાનો ખતરો

નવી દિલ્હી: તાજેતરમાં સર્જાયેલા બે ચક્રવાતોએ ભારતની ચિંતા વધારી છે. હવામાન નિષ્ણાતોના મતે, વાવઝોડું દિતવા અને નબળા પડી રહેલા સેન્યારની સંયુક્ત અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બગડવાના સંકેતો વધુ તીવ્ર બન્યા છે. બંગાળની ખાડીમાં બનેલું ડિપ ડિપ્રેશન વધુ તીવ્ર બનતા ચક્રવાત દિતવામાં પરિવર્તિત થયું છે.

આ સંભવિત ખતરનાક સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે પૂર્વ-ચક્રવાત ચેતવણી જારી કરી છે. વાવાઝોડું ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 30 નવેમ્બર સુધી ખરાબ હવામાન પરિસ્થિતિઓની ચેતવણી આપવામાં આવી છે.

તમિલનાડુથી તેલંગાણા સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) અનુસાર, આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

તમિલનાડુ: 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 28 અને 29 નવેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમા: 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને 30 નવેમ્બરે અત્યંત ભારે વરસાદની આશંકા છે.

કેરળ: 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ કર્ણાટક: 29 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

‘દિતવા’ અને ‘સેન્યાર’ કેવી રીતે ખતરો બની રહ્યા છે?

‘દિતવા’ વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે. બીજી તરફ, ‘સેન્યાર’ વાવાઝોડું નબળું પડીને મલક્કા સ્ટ્રેટ પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેનું ભેજવાળું તંત્ર ‘દિતવા’ને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.

શ્રીલંકામાં વાવાઝોડાની વિનાશક અસર

આ જ લો-પ્રેશર સિસ્ટમને કારણે શ્રીલંકામાં ભારે તબાહી સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. શ્રીલંકાના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શ્રીલંકા આવતી ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી શકે છે. શ્રીલંકાની આ સ્થિતિ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક ગંભીર ચેતવણી સમાન છે.

શાલિમારઃ ધર્મેન્દ્ર-રેક્સ હેરિસનનું જિંગાલાલા હૂં… જિંગાલાલા હૂં!

સિનેમાના સુવર્ણકાળની કેટલીક યાદો એવી હોય છે કે વર્ષો પછીયે ભુલાતી નથી. ધર્મેન્દ્રની વિદાયને પાંચ દિવસ વીતી ગયા છે. છાપાં-સામયિકો-ટીવીચેનલોએ એમના વિશે બધું જ કહી નાખ્યું છે. ગુરુવારે પાંચસિતારા હોટેલમાં આયોજિત પ્રાર્થનાસભામાં કલાકાર-કસબીઓએ ગરમ ધરમ સાથેની સ્મૃતિઓ વાગોળી.

-પણ આપણી કોલમનું નામ મોજમસ્તી અનલિમિટેડ છે. ધરમજી વિશે અનલિમિટેડ સ્મૃતિઓ રહેવાની. મારી પણ હોય. સ્વ. કૃષ્ણ શાહે વાગોળી હતી. મૂળ મુંબઈના કૃષ્ણભાઈ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં ભણવા ગયેલા ને પછી ત્યાં જ રહી પડેલા, બ્રોડવે અને હોલિવૂડમાં અપાર સફળતા મેળવેલી. અંગ્રેજી-હિંદીમાં ‘શાલિમાર’નું નિર્માણ-દિગ્દર્શન એ કૃષ્ણભાઈનો મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટ હતો, જેમાં આપણા ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, ઝીનત અમાન, ઓ.પી. રાલ્હન તથા ફોરેનના રેક્સ હેરિસન, સિલ્વિયા માઈલ્સ, જોન સેક્સન (જે 1973માં આવેલી બ્રુસ લીની ‘એન્ટર ધ ડ્રેગન’માં જોવા મળેલા) જેવા કલાકાર હતા. સ્ટારકાસ્ટ એક કલ્ચરલ કોકટેલ હતી, જેનાથી બે સંસ્કૃતિની જે અથડામણ થઈ એમાંથી પરદા પાછળ કેટલીક રસપ્રદ, કેટલીક અણધારી સિચ્યુએશન્સ સર્જાઈ.

1977માં ફિલ્મનું શૂટિંગ બેંગલોરમાં શરૂ થયું. વિદેશથી આવેલા મોટા ભાગના કલાકારો અને ટેક્નિશિયનો મળતાવડા હતા, ધર્મેન્દ્ર સાથે ઝટ મિક્સ થઈ ગયા. સિવાય બ્રિટિશ એક્ટર સર રેક્સ હેરિસન. શૂટિંગની શરૂઆતમાં જ ધર્મેન્દ્ર અને રેક્સ વચ્ચે અકળ ટેન્શન અનુભવાતું. રેક્સ કદાચ પોતાના સામાન સાથે અંગ્રેજી સામ્રાજ્યવાદી ફાંકો અને ઘમંડભરી દૃષ્ટિ લઈને બેંગલોર આવ્યા હતા. અંગ્રેજી ભાષા-ઉચ્ચાર હોય કે અભિનય- એ સ્થાનિક કલાકારોને તુચ્છતાથી જોતા.

(‘શાલિમાર’ના સેટ પર સિલ્વિયા માઈલ્સ-શમ્મી કપૂર-ઝીનત અમાન-જોન સેક્સન-ઓ.પી. રાલ્હન-ધર્મેન્દ્ર (ખુરશીમાં બેઠેલા) રેક્સ હેરિસન )

શૂટિંગ દરમિયાન હિંદી-અંગ્રેજી ભાષાના શોટ્સ એકસાથે લેવામાં આવતા. એક દિવસ ધર્મેન્દ્ર સાથે અંગ્રેજીના ડાયલોગ્સ શૂટ થયા પછી રેક્સે જાહેરમાં કૃષ્ણા શાહને સવાલ કર્યો: “કૃષ્ણ, આના (ધર્મેન્દ્રના) અંગ્રેજી ડાયલોગ્સનું તું કોઈની પાસે ડબિંગ કરાવશેને?”

કૃષ્ણ શાહ ચોંક્યાઃ “શું કામ? મને એની કંઈ જરૂર લાગતી નથી…” પછી એમણે રેક્સને સમજાવ્યાઃ “અંગ્રેજો ભલે બ્રિટિશ ઉચ્ચારને સ્વર્ગની ટિકિટ માને, પણ અમેરિકામાં તો વિવિધ ઉચ્ચારોને લોકો પ્રેમથી સ્વીકારે છે. એમને જાતજાતની ને ભાતભાતની બોલી ગમે છે. સોફિયા લોરેન અને જિના લોલોબ્રિજિડાની ઈટાલિયન લઢણવાળી અંગ્રેજીએ જ એમને અમેરિકામાં લોકપ્રિય બનાવી દીધી. ફ્રેન્ચ કલાકારો વિચિત્ર ઉચ્ચારો સાથે અંગ્રેજી બોલે છે. એ જ એમની વિશેષતા છે. ”

એક આડવાતઃ કૃષ્ણા શાહ માર્લોન બ્રાન્ડો, પીટર ઉતતિનોવ, જિના લોલોજિબ્રિડા જેવા કલાકારોને લેવા માગતા હતા. ફિલ્મના મુહૂર્ત બાદની મુંબઈમાં યોજાયેલી એક ઝાકઝમાળવાળી પ્રેસ કોન્ફરન્સમાં જિના લોલોબ્રિજિડાએ ખાસ હાજરી આપેલી, પણ પછી ફિલ્મમાં કામ કરવાની ના પાડીને એ પાછાં જતાં રહ્યાં. એમની ભૂમિકા સિલ્વિયા માઈલ્સને મળી. જો કે સર રેક્સને કૃષ્ણભાઈની તાર્કિક સમજણની ક્યાં અસર થવાની? એમનો રાણીની ઈન્ગ્લિશનો નશો એમ થોડી ઊતરે? એ તો ધર્મેન્દ્રના (અંગ્રેજીના) ઉચ્ચાર પર વારંવાર ચીડાતા.

ધર્મેન્દ્ર એ વખતે કમરના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. કૃષ્ણ શાહે એમની અને ઓ. પી. રાલ્હનનાં અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા પર્લ પદમસી અને પ્રખ્યાત મેક-અપ આર્ટિસ્ટ સરોશ મોદીનાં પત્ની બેહરોઝ મોદીને રોક્યા હતા. બેહરોઝ બેંગલોરમાં જ રહેતાં. રોજ રાતે શૂટિંગ પછી શરીર થાકથી ચૂર થતું હોવા છતાં ધર્મેન્દ્ર અને ઓ. પી. રાલ્હન અંગ્રેજી સંવાદોની મોડે સુધી પ્રેક્ટિસ કરતા.

કૃષ્ણ શાહ કહે: “ઓ. પી. રાલ્હન દક્ષિણ ભારતીય બનેલાનું પાત્ર ભજવતા એટલે એ પ્રકારના ઉચ્ચારવાળું અંગ્રેજી જોઈતું હતું, પણ ઓ.પી.નો પ્રોબ્લેમ એ કે પંજાબીના પાશવાળી અંગ્રેજી બોલતા. આ બાજુ ધર્મેન્દ્ર ઉર્દૂમાં શબ્દોના ઉચ્ચાર લખીને ગોખણપટ્ટી કરતા.”

નવાઈની વાત એ કે રેક્સ હેરિસનને શમ્મી કપૂરના ઉચ્ચાર સામે ક્યારેય વાંધો ન પડ્યો. શમ્મીજી બ્રિટિશ-અમેરિકન-હિંદીની સેળભેળ કરીને એક નવી અંગ્રેજી બોલતા. ઝીનત અમાનના ઉચ્ચારણમાં પણ સાતત્ય નહોતું.”

શૂટિંગના પહેલા જ અઠવાડિયામાં ધરમજીને કમરની પીડા સાથે શરદી, સળેખમ થયાં, સતત નાક વહેતું ને  તાવથી એમનું શરીર ધ્રૂજતું. એ છીંકતા ત્યારે રેક્સ એમને સેટ પરથી દૂર જવા કહેતા. જવાબમાં ધરમજી શુદ્ધ પંજાબી ગાળોની એવી વર્ષા વરસાવતા કે સેટ પરના ભારતીય કલાકાર-કસબી માંડ હસવું રોકી શકતા.

સદભાગ્યે શૂટિંગ આગળ વધતું ગયું તેમ રેક્સનો અહં ઓગળવા માંડ્યો. દેખાવ ખાતર તો દેખાવ ખાતર, બન્ને (ધરમજી-રેક્સ) સખાસહિયારાની જેમ વર્તતા. ફિલ્મના ઈન્ટરનેશનલ વર્ઝનમાં ધરમજીના ડાયલોગ્સ યથાવત્ રાખવામાં આવ્યા.

દુનિયાના સૌથી કીમતી માણેકની ચોરીવાળો પ્લોટ ધરાવતી, આર.ડી બર્મનની “જિંગાલાલા હૂં જિંગાલાલા હૂં” (“હમ બેવફા હરગિઝ ન થે, પર હમ વફા કર ના સકે”) જેવી ધૂનવાળી અને ઈન્ડો-યુએસ કો-પ્રોડક્શન ‘શાલિમાર’ 1978માં રિલીઝ થઈ અને નિષ્ફળ, સુપર ફ્લોપ થઈ.

ના, ધરમજીના અંગ્રેજી ઉચ્ચારોના લીધે નહીં… કેમ કે આપણે ત્યાં તો હિન્દી ‘શાલિમાર’ જ રિલીઝ થયેલી. તો શું રેક્સના હિન્દી ઉચ્ચારણે ફિલ્મને ડુબાડી હશે? ‘શાલિમાર’ના હાલહવાલ જોયા બાદ લાંબા સમય સુધી કોઈએ હોલિવૂડ-હિંદી ભાઈ ભાઈ કરવાની હિંમત કરી નહીં.

સ્પાયરલિઝમ : ઇન્ટરનેટની દુનિયાનો એવો ધર્મ જે વિનાશ નોતરી શકે છે!

શું તમે કોઈ એવા ધર્મની કલ્પના કરી શકો કે જેમાં કોઈ ભગવાન નથી? જે કોઈ વ્યક્તિ કે જુથ દ્વારા નથી ચાલતું છતાં તેનો ટ્રેન્ડ દિવસે દિવસે વ્યાપક બનતો જાય છે. એક એવુ વિશ્વ જે અત્યંત ગૂઢ હોવાં છતાં તમારા દરેક સવાલના જવાબ દેવા સક્ષમ છે. એક એવુ વિશ્વ કે વિચારધારા જે સ્પાયરલિઝમ નામથી અસ્તિત્વ પામ્યું છે.

થોડા સાદા ઉદાહરણ દ્વારા સમજીયે, ધારો કે કોઈ એવો વ્યક્તિ છે જે વિચલિત છે, એકલો છે, વિચારો અને તર્કના વમળોમાં ફસાયેલો છે, અને હજારો પ્રશ્નો જેના જવાબો કોઈ પાસે નથી, આ પ્રશ્નો લઈને તે Ai ના શરણે જાય છે અને ચેટ બોક્સમાં આવાજ વિચિત્ર પ્રશ્નોતરીમાં ફસાય છે. Ai એકદમ સ્માર્ટ છે, એ એવાજ જવાબો આપે છે જે એમણે સાંભળવા કે વાંચવા ગમે છે. અનોખા તર્ક સાથે Ai માઈન્ડફુલનેસના પોઝિટિવ જવાબો આપે છે. એક સમયે, હજારો ચેટ પછી એને એમાં વિશ્વાસ બેસે છે. હવે તે પોતાના પ્રશ્નો બહારની દુનિયા કે વ્યક્તિ કરતાં એને અહીજ રજુ કરે છે. આવાં લોકોને સ્પાયરો પર્સોના કહે છે, જે પોતાના દરેક આંતરિક પ્રશ્નો માટે Ai નો સહારો લે છે. આવાં લાખો પ્રશ્નો અને prompt થી એક અલગોરિધમનુ સર્જન થાય છે. જે સ્પાયરલિઝમ નામથી અસ્તિત્વમાં આવ્યું છે.

જો તમે એના જડ સુધી ના જાઓ તો આ એક એકદમ સુંદર વિશ્વ છે જેનો આશય તમને શાંતિપૂર્વક જીવન આપવાનો છે. સ્પાયરલિઝમની બેહદ ખુબસુરત અલગોરિધમ તમને એક શાંતિ પૂર્વક વાતાવરણમાં લઇ જાય છે. જીવનના રહસ્યોના જવાબો આપે છે. અને એક એવા સમુદાયનું સર્જન કરે છે, જે એવુ સમજાવે છે કે જીવન જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાંજ આવીને અટકે છે. જયારે તમારી ઉર્ધ્વ ગતિ થાય છે, અને તમે નિરાશ થાઓ છે ત્યારે હકીકતમાં તમારી પ્રગતિ થતી હોય છે કેમકે અહીંયા સર્પકાર (સ્પાયરલ) વિચારધારાની સમજૂતી આ રીતે આપવામાં આવે છે. જે વિકાસને સીધી રેખા નથી ગણતી, પરંતુ વર્તુળમાં ઉપરની તરફ વધતી સ્પાયરલ તરીકે સમજાવે છે. આ વિચાર મુજબ, દરેક વ્યક્તિ સતત એક ચક્રમાં ફરતી રહે છે પરંતુ દરેક ચક્ર થોડું આગળ વધીને વધુ જાગૃત, વધુ સમજદાર અને વધુ પરિપક્વ બને છે.

સ્પાયરલિઝમ કોઈ સંગઠન ચલાવતું નથી. તે અનેક ફિલોસોફર્સ, આધ્યાત્મિક શિક્ષકો અને હીલર્સ દ્વારા વ્યાખ્યાયિત થયેલી એક ખૂલી વિચારસરણી છે. કેટલાંક તેને Spiral Dynamics જેવી મનોચિકિત્સાત્મક પદ્ધતિઓ સાથે જોડે છે, જ્યારે કેટલાક તેને ઊર્જાત્મક આધ્યાત્મમાં ગણે છે.

કોણ અનુસરતું હોય છે?

માઇન્ડફુલનેસ પ્રેક્ટિશનર્સ, હીલર્સ અને એનર્જી વર્કર્સ, લાઇફ-કોચેસ, વિચારશીલ અને આધ્યાત્મિક લોકો સ્પાયરલિઝમને અનુસરે છે. અને હાલ તે યંગ જનરેશનમાં ઘણુંજ પોપ્યુલર બન્યું છે, જેને Inward Growth માં રસ છે.

સ્પાયરલિઝમ મૂળભૂત રીતે સેલ્ફ અવેરનેસ, જીવનનો હેતુ અને મૂલ્યો, આંતરિક ડર વિશે સમજૂતી અને તેમાંથી નીકળવાના માર્ગો વિશે સમજાવે છે. એવુ વિશિષ્ટ રીતે તૈયાર કરેલું તર્કબદ્ધ માળખુ જેના દ્વારા તમે પોતાને એક અલગ રીતે જોઈ શકો છો સમજી શકો છો અથવા ટ્રન્સફોર્મ કરી શકો છો.જે કોઈ ધર્મ કે વિચારસરણી નથી,જેમાં કોઈ ધર્મ ગુરુ કે ગ્રન્થો નથી. અને સૌથી મહત્વની બાબત કે તે દરેક માટે પર્સનાલાઈઝડ છે કેમકે તે કોઈ એક વિચાર નથી. અહીંયા દરેક માટે તે અલગ અલગ હોય શકે છે.

બસ, એમની ઓફિશિયલ વેબસાઈટ પર અહીંયા સુધી એમની સમજૂતી મળીને સ્પાયરલીઝમના બેચ એમની ફીસ અને ટાઈમિંગ સ્લોટ્સ વિશે માહિતી મળે છે. પરંતુ સ્પાયરલીઝમની દુનિયા આનાથી વધુ ગહન છે. આગળ જણાવ્યા મુજબ જો તમે એમના મૂળ સુધી ના જાઓ તો આ એક સુંદર વિશ્વ છે. પણ હકીકતમાં આ એક શ્રેણીબદ્ધ તૈયાર કરેલ અલગોરિધમ છે. જો એ તમને આત્મહત્યા કરતાં રોકી શકે તો તે જ તમને આત્મહત્યા કરાવી પણ શકે છે. કેમકે એક ક્ષણે તમને એના સિવાય કોઈ બાબતમાં વિશ્વાસ થશે નહીં. કેમકે તમે એનેજ સાંભળવા ટેવાય જાઓ છો.

Chitralekha Gujarati – 08 December, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 28/11/2025