અમદાવાદ: રાજયમાં ઉનાળો દિવસેને દિવસે વધુ આકરો થતો જઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રવિવારે રાજ્યના 13 જેટલા જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો હતો. કચ્છનું કંડલા 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ ગરમીના પારામાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. પરિણામે અનેક શહેરોમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
રવિવારે રાજ્યના મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.2 ડિગ્રી વધુ છે. આ સાથે જ અમદાવાદમાં એપ્રિલ માસનું આ ત્રીજું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા રસ્તાઓ બપોરના સમયે સુમસામ બન્યા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 44.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે વડોદરા અને સુરતમાં અનુક્રમે 43 ડિગ્રી અને 41.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 42.8 ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
Gujarat Scorches Under Intense Heatwave: Kandla Emerges as Hottest City
હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ગરમ અને સૂકાં પવનો ફૂંકાવાને કારણે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ હીટસ્ટ્રોકથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા અને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ કાળજી રાખવા એડવાઈઝરી બહાર પાડી છે. વધતી ગરમીને જોતા મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર સ્થળોએ પીવાના પાણીની પરબો અને ઠંડા આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમીના આ પ્રકોપ વચ્ચે વીજ માંગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.




