દેશમાં સૌથી વધુ મધ્ય પ્રદેશની મહિલાઓ દારૂ પીએ છેઃ જિતુ પટવારી

ભોપાલઃ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જિતુ પટવારીએ વિવાદિત નિવેદન કર્યું છે. પટવારીએ CM મોહન યાદવની આગેવાનીવાળી ભાજપ સરકાર પર આક્રમણ કરતાં કહ્યું હતું કે દેશભરમાં સૌથી વધુ દારૂ મધ્ય પ્રદેશની મહિલાઓ પીએ છે. કોંગ્રેસ નેતાના આ નિવેદન પર રાજકીય બબાલ મચી છે. ભાજપે કોંગ્રેસને મહિલાવિરોધી કહીને જિતુ પટવારીના નિવેદનની નિંદા કરી છે.

ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં પટવારીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારની નીતિઓએ મધ્ય પ્રદેશને નશામાં ડૂબેલું રાજ્ય બનાવી દીધું છે. જિતુ પટવારી ભાજપ સરકાર પર નશો, બેરોજગારી અને કુપોષણને મુદ્દે હુમલો કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે અમને તો એવુ માલૂમ પડ્યું છે કે જો દેશમાં સૌથી વધુ મહિલાઓ દારૂ ક્યાંય પીએ છે તો તે મધ્ય પ્રદેશમાં પીએ છે.

પટવારીએ સત્તારૂઢ પાર્ટી પર દારૂ અને નશીલા પદાર્થોના વધતા વેપાર પર નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સ્થિતિ એટલી બગડી ગઈ છે કે મહિલાઓ અને યુવતીઓ નશાની લતનો ભોગ બની રહી છે.

તેમણે કહ્યું હતું કે અમારી બહેનો અને દીકરીઓ નશીલા પદાર્થોનું સેવન કરવા લાગી છે. ભાજપે લાડલી બહેના જેવી યોજનાઓને નામે મત માગ્યા, પરંતુ મહિલાઓને નશાના સેવનથી બચાવવા ક્યારેય ગંભીર પગલાં ભર્યાં નથી. આ ટિપ્પણી પર ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ તેને અશોભનીય ગણાવી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો ચહેરો કેટલો મહિલાવિરોધી છે, તેનું એક અત્યંત નિંદનીય ઉદાહરણ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જિતુ પટવારીનું નિવેદન છે.

જોકે સત્તાવાર આંકડા જિતુ પટવારીના નિવેદનનો ખંડન કરે છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ–5 (NFHS-5) મુજબ દેશમાં સૌથી વધુ દારૂ પીનારી મહિલાઓ અરુણાચલ પ્રદેશની છે. રાજ્યમાં આશરે 26 ટકા મહિલાઓ દારૂ પીવે છે. ઉપરાંત સિક્કિમમાં આ આંકડો 16.2 ટકા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં માત્ર 1.6 ટકા જ મહિલાઓ દારૂ પીએ છે.