શું બજેટ એલાનોની વિધાનસભાની ચૂંટણીઓ પર અસર પડશે?

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2027ના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તેને રજૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન રવિવારે બજેટ રજૂ કરશે. દર વર્ષની જેમ આ વખતે પણ દરેક રાજ્યની નજર બજેટ પર ટકી છે કે તેમને તેમાં શું મળશે. જોકે આ વખતે ખાસ ધ્યાન એ રાજ્યો પર રહેશે. જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

આ વર્ષે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી યોજાવાની છે. અગાઉનાં બજેટોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો માને છે કે આ વખતે પણ બજેટમાં રાજકીય સંકેતો જોવા મળી શકે છે.

ચાર વર્ષ પહેલા શું થયું હતું?

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં છેલ્લી વખત વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળની પરંપરાગત લાલ-પાડ સાડી પહેરી હતી અને પોતાના ભાષણમાં રવીન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ ઉપરાંત અનેક મોટા નાણાકીય એલાનો પણ કરવામાં આવ્યા હતા. તામિલનાડુને રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સ માટે રૂ. 1.03 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમાં મદુરૈ–કોલ્લમ કોરિડોર અને ચિત્તુર–થચ્ચૂર કોરિડોરનો સમાવેશ થતો હતો, જેનું નિર્માણ વર્ષ 2022માં શરૂ થવાનું હતું. કેરળને રૂ. 65,000 કરોડ મળ્યા હતા, જેમાં મુંબઈ–કન્યાકુમારી કોરિડોરનો 600 કિમી લાંબો ભાગ સામેલ હતો. પશ્ચિમ બંગાળમાં કોલકાતા–સિલિગુડીને જોડતા આર્થિક કોરિડોર સહિત રૂ. 25,000 કરોડના હાઇવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી. આસામને રૂ. 34,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

એ બજેટમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ચા બાગાયતો માટે રૂ. 1000 કરોડની વેલફેર સ્કીમનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પૂર્વ મિદનાપુરના પેટુઆઘાટમાં ફિશિંગ હાર્બર અને 11.5 કિમી લાંબા કોચીન મેટ્રોના બીજા તબક્કાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1957 કરોડ હતી.

આગળ પણ આ જ પેટર્ન ચાલુ રહી

વર્ષ 2024માં, જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે બિહારને પૂરપ્રભાવિત વિસ્તારો માટે રૂ. 11,500 કરોડ આપવામાં આવ્યા હતા. તેને બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારને એનડીએના મહત્વના સહયોગી તરીકે જોડીને રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું. આ સિવાય બિહારને રૂ. 26,000 કરોડના હાઇવે પ્રોજેક્ટ્સ પણ મળ્યા હતા. આંધ્ર પ્રદેશને પણ અમરાવતીના વિકાસ માટે રૂ. 15,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેને મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુને એનડીએ સાથે જોડવાના પગલા તરીકે જોવામાં આવ્યું હતું.