Home News National રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીની હૂંકાર

રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીની હૂંકાર

0
રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીની હૂંકાર

લોકસભામાં મહિલા અનામત બિલ માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતા 131મો બંધારણીય સુધારો 54 મતોથી નિષ્ફળ રહ્યો છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસની ‘લટકાવવા અને અટકાવવાની’ રાજનીતિની ટીકા કરતા જણાવ્યું કે આ પરિણામથી મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. વડાપ્રધાને દેશની માતાઓ-બહેનોની માફી માંગતા વચન આપ્યું છે કે સરકાર હજુ પણ હાર માની નથી અને ભવિષ્યમાં આ બિલને પસાર કરાવવા માટે અન્ય વિકલ્પો શોધવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના 30 મિનિટના સંબોધનમાં વિપક્ષના સ્વાર્થી રાજકારણની ટીકા કરતા કહ્યું કે, સંસદમાં જ્યારે આ પ્રસ્તાવ પડ્યો ત્યારે વિપક્ષી સાંસદો તાળીઓ વગાડી રહ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ તાળીઓ માત્ર મેજ થપથપાવવા માટે નહોતી, પરંતુ તે નારી શક્તિના અપમાનનો જશ્ન હતો. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે સરકારને જરૂરી 66 ટકા મતો (બે-તૃતીયાંશ બહુમતી) મળ્યા નથી, પરંતુ 100 ટકા મહિલાઓના આશીર્વાદ તેમની સાથે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભલે આજે તેમની પાસે પૂરતું સંખ્યાબળ નહોતું, પરંતુ ભવિષ્યમાં તક મળશે ત્યારે તેઓ આ તમામ અવરોધોને દૂર કરીને રહેશે.

કોંગ્રેસ પર સીધું નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે દેશના હિતમાં લેવાતા દરેક નિર્ણયને રોકવો એ કોંગ્રેસનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે અત્યાર સુધી જનધન, આધાર, ડિજિટલ પેમેન્ટ, જીએસટી, આર્ટિકલ 370 અને ત્રણ તલાક જેવા મહત્વના સુધારાનો પણ વિરોધ કર્યો હતો. વડાપ્રધાને ઉમેર્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો ‘પરિવારવાદી’ રાજકારણમાં એટલા ડૂબેલા છે કે તેમને ડર લાગે છે કે જો સામાન્ય પરિવારની મહિલાઓ સશક્ત થશે તો તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. તેમણે નારી શક્તિ વંદન અધિનિયમને ૨૧મી સદીનો એક ‘મહાયજ્ઞ’ ગણાવ્યો હતો.

પરિસીમન અંગેના વિપક્ષના આક્ષેપોને નકારતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયાથી કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં, પરંતુ તમામ રાજ્યોની બેઠકો સમાન ગુણોત્તરમાં વધશે. તેમણે કહ્યું કે વિપક્ષ ટેકનિકલ બહાના હેઠળ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું કે, ‘નારી બધું ભૂલી શકે છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી.’ સંસદમાં વિપક્ષી દળોએ જે રીતે મહિલાઓના અધિકારોને નકાર્યા છે, તેની કસક દરેક મહિલાના મનમાં રહેશે અને જનતા તેમને આ માટે ક્યારેય માફ નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કુલ 528 મતો પડ્યા હતા, જેમાંથી બિલને પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ પક્ષમાં માત્ર 298 મતો જ પડ્યા હતા. આ 54 મતોના અભાવે બિલ અટકી પડ્યું છે. આ પરિણામ બાદ ભાજપની મહિલા સાંસદોએ સંસદના મકર દ્વાર પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. વડાપ્રધાને અંતમાં દેશની તમામ મહિલાઓની ક્ષમા માંગતા પુનરોચ્ચાર કર્યો કે સરકાર માટે દેશહિત સર્વોપરી છે અને તેઓ આ ઐતિહાસિક સુધારાને અંતિમ ઓપ આપવા માટે કટિબદ્ધ છે.