શું નીતીશકુમાર નહીં બને નહીં બિહારના CM?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મોટી અને અણધારી જીત મળી છે. 200થી વધુ બેઠકો જીત્યા પછી આ સવાલ ઊભો થયો કે આટલો મોટો બહુમત કેવી રીતે મળ્યો? આ મુદ્દે બિહારના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે આ જીત બિહારની જનતાની છે. તેઓ વિકાસ જોવા માગે છે. છેલ્લાં 20 વર્ષમાં NDAની વિશ્વસનીયતા મજબૂત બની છે અને કેન્દ્ર સરકારે પણ છેલ્લાં 11 વર્ષમાં લોકોનો વિશ્વાસ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ-કેન્દ્રિત વિચારસરણીને જનતાએ સ્વીકારી છે અને એ વિશ્વાસ પર મત આપ્યો છે.

આ જીતનું શ્રેય પૂરેપૂરી રીતે બિહારની જનતાને જાય છે. લોકશાહીમાં જાદુ જેવી કોઈ વસ્તુ નથી, માત્ર જનતાનો વિશ્વાસ છે. લોકોનો ભરોસો જીતવો એ કોઈ પણ રાજકીય કાર્યકરની પ્રથમ જવાબદારી છે. જનતાનો વિશ્વાસ જીતવામાં NDA સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

આ જીત ભાજપનો આત્મવિશ્વાસ વધારનાર છે. વડા પ્રધાન મોદીએ હવે અમને બિહાર પછી પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. હવે અમારે તામિલનાડુ, પુડુચેરી અને આસામમાં પણ એ જ રીતે મહેનત કરવાની રહેશે. આ જીત અમારી પાર્ટી માટે મોટો પ્રેરણાસ્રોત બનશે.

NDA સંપૂર્ણપણે એકજૂટ છે. સરકાર સાથે મળીને જ બનશે. કોઈની બેઠકો વધે-ઘટે તેનો ફરક પડતો નથી. NDA સાથે જ રહેશે.

શું નીતીશકુમાર જ CM બનશે? નવી સરકારમાં ડેપ્યુટી CMમાં કોઈ ફેરફાર થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે NDAની સરકાર બનવા જઈ રહી છે અને નીતીશકુમાર બિહારના સૌથી મોટા નેતા છે. સરકારમાં કોણ મંત્રી બનશે એ CM અને નવી સરકાર નક્કી કરશે.

શું ભાજપનો પોતાનો CM ચહેરો હોવો જોઈએ? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે નહીં, અમને કોઈ ગૂંચવણ નથી જોઈએ. આ NDAની જીત છે. વડા પ્રધાન મોદીએ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે આ NDAની જીત છે. તેમણે કહ્યું છે કે તેઓ બિહારના વિકાસને સમર્થન આપશે. મોદી–નીતીશની જોડીને ધ્યાને રાખીને આ ચૂંટણી લડી હતી. તેમાં કોઈ શંકા નથી.