શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિર રહેમાનના IPLમાં રમવા પર લાગશે પ્રતિબંધ?

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો હોવા છતાં ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમવાની સંભાવના હજુ પણ છે. BCCI એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો છે અને “વેઇટ એન્ડ વોચ”ની નીતિ અપનાવી છે. BCCI  સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.

મુસ્તાફિઝુર રહેમાન IPL 2026ની મિની હરાજીમાં વેચાતો એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી રહ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ તેને 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજી બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો છે. ફેન્સ અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશી ખેલાડીઓના IPLમાં રમવા પર સવાલ ઉઠાવ્યા છે.

BCCIએ શું કહ્યું?

ડિસેમ્બરમાં ઢાકામાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન થયાં હતાં, જેના બાદ ભારતે વિઝા સેન્ટર બંધ કરી દીધું હતું અને બાંગ્લાદેશે પણ ભારતીય નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું હતું. આ કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે.

BCCIના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ. હાલ એવી કોઈ વાત નથી કે જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવો પડે. મુસ્તાફિઝુર IPL રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી.

પરંતુ મુસ્તાફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણ રીતે નિશ્ચિત નથી. એપ્રિલમાં બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી20 શ્રેણી રમવાની છે. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) મુસ્તાફિઝુરને NOC ન આપે, તો તે IPL 2026ની ઘણી મેચ ગુમાવે એવી શક્યતા છે. હાલના રાજકીય માહોલને જોતા એ પણ શક્ય છે કે BCB NOC આપવાનો ઇનકાર કરી દે અથવા મુસ્તાફિઝુર પોતે જ હટવાનો નિર્ણય લઈ લે.

BCCI ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ચર્ચા કરી રહ્યું છે. બાંગ્લાદેશની ટીમ કોલકાતા અને મુંબઈમાં પોતાના ગ્રુપ સ્ટેજની મેચ રમશે. IPL 2026 વર્લ્ડ કપ પૂરો થયા બાદ 10 દિવસની અંદર શરૂ થવાનો છે, તેથી આશા છે કે મુસ્તાફિઝુર રહમાનનો વિઝા વર્લ્ડ કપના માધ્યમથી જ એક્સટેન્ડ થઈ જશે.