કોંગ્રેસનાં સૂત્રોને શા માટે નથી મળતો જનતાનો ટેકો

નવી દિલ્હીઃ ચોકીદાર ચોર છે’ની ચર્ચા ફરીથી થઈ છે કારણ કે રાહુલે ફરી એક નવું સૂત્ર આપ્યું છે – વોટ ચોર સરકાર. પોતાના આક્ષેપના પક્ષમાં તેઓ જગ્યા-જગ્યા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે, પરંતુ સામાન્ય લોકોને આ મુદ્દા સાથે ખાસ જોડાણ જોવા મળ્યું નથી. આ આશ્ચર્યજનક છે, કારણ કે મત આપવાનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત હક છે. તો એવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે કે કોંગ્રેસનાં સૂત્રો લોકોને અસરકારક શા માટે નથી થતાં.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાફેલ ખરીદીમાં ભ્રષ્ટાચારને મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને ઘેરવામાં લાગી હતી. એ જ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક સૂત્ર આપ્યું હતું – ચોકીદાર ચોર છે. ભાજપ અને પ્રધાન મંત્રી મોદીએ થોડી રાહ જોઈ, એ જાણવા માટે કે રાહુલના આ સૂત્રનો સામાન્ય લોકો પર શો પ્રભાવ પડે છે. જ્યારે જોયું કે આ મુદ્દો ખાસ જોર પકડી રહ્યો નથી, ત્યારે મોદીએ સોશિયલ મિડિયા પર હું પણ ચોકીદાર અભિયાન શરૂ કર્યું. થોડા સમયમાં જ X (ત્યારે ટ્વિટર) પર ટ્રેન્ડ થવા લાગ્યું. આખી ચૂંટણીપ્રચાર દરમિયાન “હું પણ ચોકીદાર” લખેલી ટોપી પહેરેલા ભાજપ કાર્યકરોએ એવું વાતાવરણ ઊભું કર્યું કે ચૂંટણીમાં ભાજપને પહેલાં કરતાં પણ મોટી જીત મળી ગઈ. રાહુલ ગાંધીએ આપેલું સૂત્ર ટાંય-ટાંય ફિસ્સ થઈ ગયું.

રાહુલ ગાંધીના તાજા આક્ષેપ અત્યંત ગંભીર છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ મત ચોરી કરીને ત્રીજી વાર પ્રધાન મંત્રી બન્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી પણ કોંગ્રેસે આવા આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ જ્યારે બિહારમાં મતદાર પુનરીક્ષણ અભિયાન શરૂ થયું ત્યારે આ મુદ્દો ઉગ્ર બન્યો. આ આક્ષેપ સમગ્ર લોકશાહી વ્યવસ્થાને સવાલો હેઠળ લાવનાર છે. અન્ય વિપક્ષી પક્ષો પણ આ મુદ્દે રાહુલ સાથે આવી ગયા છે, પરંતુ સામાન્ય લોકોમાં તેને લઈને ખાસ ઉત્સુકતા દેખાતી નથી.