વેલેન્ટાઇન ડેઃ ઈ-કોમર્સ વેચાણમાં 60 ટકા સુધીનો વધારો

નવી દિલ્હીઃ વેલેન્ટાઇન ડે પહેલાં ઈ-કોમર્સ અને ગિફ્ટિંગ પ્લેટફોર્મ પર વેચાણમાં ગયા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ વર્ષે ગ્રાહકો ફૂલ, ચોકલેટ, વ્યક્તિગત સામાન અને અનુભવને વધુ સારો બનાવવા ગિફ્ટ પર વધુ ખર્ચ કરી રહ્યા છે.

ઉદ્યોગના અધિકારીઓ મુજબ આ વૃદ્ધિને ડિજિટલ પ્લેટફોર્મ, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ક્વિક ડિલિવરીની પહોંચ, પ્રીમિયમ ઉત્પાદનોની વધતી માગ અને આક્રમક પ્રચારપ્રસારથી ગતિ મળી રહી છે.ફ્લિપકાર્ટ ના ઉપાધ્યક્ષ (વૃદ્ધિ અને માર્કેટિંગ) પ્રતીક શેટ્ટીએ કહ્યું હતું કે આ સીઝનમાં વેલેન્ટાઇન ડે સંબંધિત કેટેગરીમાં ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 58 ટકા વૃદ્ધિ જોવા મળી છે. એ સાથે જ ગ્રાહકોની સંખ્યામાં 44 ટકા વધારો થયો છે, જે મજબૂત જોડાણ અને નવા ગ્રાહકોની ભાગીદારી દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે માગની દૃષ્ટિએ કેક અને પેસ્ટ્રીમાં 7.7 ગણો, નમકીનમાં 6.6 ગણો, કૂકીઝ અને બિસ્કિટમાં 6.5 ગણો, ચોકલેટમાં 6 ગણો અને હાઇલાઇટર જેવાં બ્યુટી ઉત્પાદનોમાં 2.7 ગણો વધારો નોંધાયો છે.

એમેઝોન ઇન્ડિયાના ઉપાધ્યક્ષ સૌરભ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પ્લેટફોર્મ પર પ્રીમિયમ ઉત્પાદનોની માગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડે હવે વર્ષના મહત્વપૂર્ણ ગિફ્ટિંગ અવસર તરીકે વિકસ્યો છે. આ સમયગાળા દરમિયાન અમે ચોકલેટ, તાજા ફૂલ, સુગંધ (ફ્રેગ્રન્સ), જ્વેલરી, બ્યુટી, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટ કાર્ડ જેવી કેટેગરીમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે આ ખાસ અવસર ઊજવવા માટે ગ્રાહકોમાં વધતા ઉત્સાહ અને પ્રીમિયમ તથા ક્યુરેટેડ ગિફ્ટ વિકલ્પોની વધતી પસંદગી દર્શાવે છે.

એક વિશ્લેષણ મુજબ 1થી 10 ફેબ્રુઆરી દરમિયાન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ, માર્કેટપ્લેસ અને બ્રાન્ડ વેબસાઇટ્સ પર 1.5 કરોડથી વધુ ઓર્ડર પ્રોસેસ થયા હતા. વર્ષ 2023ની સમાન અવધિની તુલનામાં ઈ-કોમર્સની માત્રાત્મક વેચાણમાં લગભગ 17 ટકા વૃદ્ધિ નોંધાઈ. આ દરમ્યાન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ઓર્ડરની સંખ્યામાં 48 ટકા વધારો થયો.ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે વેલેન્ટાઇન ગિફ્ટિંગમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે, જેમાં જ્વેલરી, ગ્રીટિંગ કાર્ડ અને રમકડાં જેવી મુખ્ય કેટેગરીમાં ગયા વર્ષની તુલનામાં 10 ગણો વધારો નોંધાયો છે. આથી ગ્રાહકોનો પ્રીમિયમ ઉત્પાદનો અને ક્યુરેટેડ હેમ્પર્સ તરફ વધતો ઝોક સ્પષ્ટ થાય છે.